Category Archives: અમિત ત્રિવેદી

કેસૂડાના રંગ ભરી… – અમિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : રવિન નાયક

(Picture from : Flicker.Com)

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી આવ્યો પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને તોરણ

હૈયામાં ગીત ભરી, કોકિલ કંઠ બની આવ્યો પવન
સોનેરી રંગ ભરી સાંવરનું નામ લખી લાવ્યો પવન

ધોમ ધોમ વૈશાખી તાપનો ,
અગન ઠારતો પવન
અષાઢી મેઘલી રાતે,
રોમ રોમ છલકે મધુવન

મખમલિયા સપના, મનગમતા ઠામે દોરી લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો પવન

– અમિત ત્રિવેદી

મિચ્છામી દુક્કડમ્ – અમિત ત્રિવેદી

સૌ મિત્રોને મારા તરફથી સવંત્સરી અને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સૌને મારા મિચ્છામીદુક્કડમ.! 🙂

મંત્ર જ્યાં એ બોલે છે મિચ્છામી દુક્કડમ્
રસ્તાં નવાં ખોલે છે મિચ્છામી દુક્કડમ્

વાણીથી કરવતની ધારે કાપે પછી
હસ્તા હસ્તા બોલે છે મિચ્છામી દુક્કડમ્

ક્ષમાનો સૂરજ સંબધની ક્ષિતજે ઊગી
બંધ બારી ખોલે છે મિચ્છામી દુક્કડમ્

એક પલ્લામાં પથ્થર રાખીને માણસ
ફૂલોના ઢગ તોલે છે મિચ્છામી દુક્કડમ્

જે અંદરથી ઘૂં ટાયો છે એને ખોલો
અવસર આવી બોલે છે મિચ્છામી દુક્કડમ્

રાઇનો પર્વત થૈ ખીણોમાં પડઘાય છે
પર્વત શાને બોલે છે ? મિચ્છામી દુક્કડમ્

ઝીણા ઝરમર વરસે નેવાં આજે વ્હાલાં
અવસર આવી ડોલે છે મિચ્છામી દુક્કડમ્

– અમિત ત્રિવેદી

નારી તું નારાયણી – અમિત ત્રિવેદી

પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી

અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી

તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી

નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી

મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી

– અમિત ત્રિવેદી

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ – અમિત ત્રિવેદી

સ્વર – નિશા પારઘી
સંગીત – નયનેશ જાની


(ચાલ…..ગુલમહોર થઈએ…….. Photo: Flowers of India)

This text will be replaced

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

જો રિસામણાં હોય કદીક તો
માયા આખી હાલક ડોલક

કરી મનામણાં મોરના ટહુકે,
આપણ બેઉ મલ્લક મલ્લક
આપણ બેઉ અલ્લડ જોડી ,
સાત સૂરે હલ્લક હલ્લક

આપણ બન્ને અડખે પડખે
ચાલ મોસમ છલકાવી દઈએ
આંખથી વરસી મબલખ અમી
એક બીજાના દર્પણ થઈએ

ઝીણી ઝીણી શરણાઈ વાગે
બેઉ હૈંયા થન્નક થન્નક

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

ઈશ્વર સાથે નાતો – અમિત ત્રિવેદી

પોતાના ઘરે દીવો થાય એ જ કારણે ઇશ્વર રાતો પાડે, એ કલ્પના જ કેવી સરસ છે.

* * * * *

મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે
જો ઋણાનુંબંધ હશે તો, આવશે ઠોકર ખાતો

અષાઢી રાતે તારું ન હોવું એવું કૈં ડંખે કે
ભરચોમાસે રાતી આંખે દુકાળ આ ચકરાતો

શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે એ નિરંતર વસતો
તોય નિરાકારી હોવાનો પ્રશ્ન સદા ચર્ચાતો

તું ક્યાં છે? શું કર્મ કરે છે ? સમય એ જોવા ખોયો
હું છું તો શું? પ્રશ્ન મને એ તેથી ના સમજાતો

સગપણ નોખું તારું, મંદિરમાં તું લાગે સૌનો
ભીતરમાં બેઠેલો તું કેવો અંગત વરતાતો

– અમિત ત્રિવેદી