Category Archives: ચિનુ મોદી

કવિનો શબ્દ – ચિનુ મોદી

મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.

તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.

છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

મુંઝાય છે – ચિનુ મોદી

જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.

હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.

આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.

ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.

એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.

– ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

કવિ શ્રી ચિનુ મોદીની એક યાદગાર ગઝલ….


(પર્વતને નામે પથ્થર……..Half Dome – Yosemite National Park, California)

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

(આભાર ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ – સંપાદક : ચિનુ મોદી)

ચાલ, થોડો યત્ન કર – ચિનુ મોદી ‘ઇર્શાદ’

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ભેંકાર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

આજે ફરી એકવાર કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ નિમિત્તે અભિનંદન પાઠવી એમનું આ ગીત માણીએ.. !

પાળિયાની જેમ મારી એકલતા ઓરડે ને પાધરની જેમ તમે ચૂપ
વીતેલી વેળમાં હું જાઉં છુ સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઇ કૂપ ? – પાળિયાની…

આંગણામાં પગલાઓ અંકાય લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર
પીપળાના પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે વરણાની ઓથ લઇ છૂપ ? – પાળિયાની…

ચલ્લી થઇને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડી નીડ
ભ્રમણાની ભાંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ
આપણે અજાણી એક લાગણી ને લાગણીના
ચોર્યાસી લાખ થયા સ્તૂપ – પાળિયાની…