દોડતાં દોડતાં થોભવું; દોસ્ત! સ્હેલું નથી;
મત્સ્યને જળ થતાં રોકવું; દોસ્ત! સ્હેલું નથી.
ક્યાંક ફૂટી જશે, કોક લૂંટી જશે, એ બીકે,
મોતીને છીપમાં ગોંધવું; દોસ્ત! સ્હેલું નથી.
ભીંતમાં એક ખીલી હજી સાચવે છે છબી,
ઘર ફરી બાંધવા, તોડવું; દોસ્ત! સ્હેલું નથી.
મન કદી પુષ્પ માફક રહે હાથમાં? શક્ય છે?
ખુશ્બૂને વાઝમાં ગોઠવું; દોસ્ત! સ્હેલું નથી.
આ ઉમળકા મને તારશે-મારશે- શું થશે?
આ સમયમાં હ્રદય ખોલવું; દોસ્ત! સ્હેલું નથી.
આ વિચારો ભરેલા દિવસ વીતશે તો ખરા,
વ્હાણને પાણીથી જોખવું; દોસ્ત! સ્હેલું નથી.
પૂછ, તું પૂછ ‘ઈર્શાદ’ને કેટલું છે કઠણ?
ચિત્તને રોજ ફંફોસવું; દોસ્ત! સ્હેલું નથી.
– ચિનુ મોદી ‘ઈર્શાદ’