Category Archives: સોનાલી વાજપાઇ

સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ

આ પહેલા બે વાર ટહુકો પર (એક વાર ફક્ત શબ્દો સાથે, અને બીજી વાર વિભા દેસાઇના સ્વર સાથે) રજૂ થયેલું આ રમેશ પારેખનું ખૂબ જ જાણીતું અને ગુજરાતીઓનું માનીતું ગીત… આજે બે નવા સ્વર સાથે ફરી એકવાર… આરતી મુન્શી અને સોનાલી વાજપાઇ..!! Well… એ તો એવું છે ને કે આજનો દિવસ જરા ખાસ છે.. એટલે ગીત પણ સ્પેશિયલ જ હોવું જોઇએ ને?

આ સ્પેશિયલ ગીત.. – મારા એકદમ સ્પેશિયલ સાંવરિયા માટે !! 🙂

સ્વર – આરતી મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ – શ્યામલ-સૌમિલ મુન્શી)

સ્વર – સોનાલી વાજપાઇ
આલ્બમ – તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)

—————————

Posted on May 17, 2007

મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.

—————————

Posted on Oct 26, 2006

કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.

‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?

સ્વર : વિભા દેસાઇ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

પધારો વસંતો… આ આંગણ સજાવો..!! – કમલેશ સોનાવાલા

સ્વર : રૂપકુમાર રાઠોડ, સોનાલી વાજપાઇ

.

વીતી ગયો છે દિન બધો,
છતાં અજવાસ બાકી છે,
પ્રણયની કે પ્રલયની એ,
હજી એક રાત બાકી છે.

મચલતી હવાઓ, લચકતી લતાઓ
છલકતી જુવાની, ગુલોથી વધાવો….
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો મિલાવો ઝુકેલી નિગાહો
જો બદલાય મૌસમ ન બદલો અદાઓ
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

અગન છે દિલોમાં, દિલોને મિલાવો
કરી છે જે વાતો, ન એને ભુલાવો
રસીલી તમારી રિસાઇ, મનાવો…
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

દિવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો જગાવો
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

– કમલેશ સોનાવાલા

આભને ઝરૂખે.. – ભરત વૈદ્ય

અતુલની કલ્યાણી શાળામાં દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં વાલીદિન ઉજવાય છે. પણ એની તૈયારીઓ 2-3 મહિના પહેલાથી જ શરૂ થઇ જાય… કારણકે એ દિવસે વિદ્યાર્થીઓ પોતાના રાસ – ગરબા – નાટક વગેરે ક્રુતિઓ સ્ટેજ પર રજુ કરે, અને ઓડિયસ્નમાં મોટેભાગે આખુ અતુલ હોય એમ કહો તો ચાલે. 🙂 જે વિદ્યાર્થીઓએ કોઇ કૃતિમાં ભાગ લીધો હોય, એને કોઇ પણ સમયે practice ના નામે ક્લાસમાંથી ગુટલી મારવાની વણલખી પરવાનગી મળી જતી.

હું જ્યારે primary schoolમાં હતી, ત્યારથી મને High Schoolની છોકરીઓને લઇને જે ગરબો થતો તે જોવાની ઘણી મજા આવતી. મને એ બેનનું નામ યાદ નથી આવતું, ( હા.. અમે ત્યારે મેડમ કે મિસ નહીં પણ બેન શબ્દ વાપરતા ).. પણ એમના ગરબાને હંમેશા સૌથી વધારે ઇનામ મળતા. એમના ગરબા હંમેશા ધીમા રહેતા, અને છોકરીઓ પાસે એવી સરસ રીતે તૈયાર કરાવતા કે મારા જેવા ઓડિયન્સમાં બેઠેલાને પણ એ લોકો સાથે જોડાઇ જવાનું મન થઇ જાય.

મારા નસીબમાં કલ્યાણીની High School માં ભણવાનું નો’તુ લખ્યું, ( 8મા ધોરણની દિવાળી વખતે અમે અતુલ છોડેલું ) એમાં હું એ ગરબામાં ભાગ લેવાની પણ રહી ગઇ 🙁 પણ હા, મેહુલભાઇના સંગીત સાથેનો સોનાલી વાજપાઇ જેવી ગાયિકાના સ્વરમાં આ પ્રસ્તુત ગરબો સાંભળું, તો ખબર નહીં કેમ, પણ એ કલ્યાણી શાળાના વાલીદિનનો સ્ટેજ નજર સામે આવી જ જાય…!!

સ્વર : સોનાલી વાજપાઇ
સંગીત : મેહુલ સુરતી

269_garba.jpg

.

આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
હું તો સૈયર સંગે ગરબે ઘુમતી..

શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું

તારી ભકિતનો રંગ એવો લાગ્યો..
આભને ઝરૂખે..

આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે

શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
આભને ઝરૂખે…

પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી

મનની અટારીએ પવન કેવો આવ્યો
આભને ઝરૂખે…

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ

paan lilu

This text will be replaced

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

(કવિ પરિચય)

Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave