Category Archives: નીતિન વડગામા

સાહિબ જગને ખાતર જાગે – નીતિન વડગામા

સ્વર : ઓસમાણ મીર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાહિબ જગને ખાતર જાગે
છેક ભાંગતી રાતે, જાતે ઊંડુ તળિયું તાગે.

માળા ના મણકા આપે છે, હળવેથી હોંકારો,
સાખ પૂરે છે પાછો, ધખતી ધૂણી નો અંગારો,
મન માને નહીં એનું , આ કાયા ના કાચા ધાગે,
સાહિબ જગ ને ખાતર જાગ.

પરમારથ ને પંથ પંડનું પોત પીગળી જાતું,
કોઇ આંખ માં આથમતું આંસુ એને વંચાતું;
વાયુ થઇને શ્વાસે શ્વાસેરોજ વિહરતા લાગે
સાહિબ જગને ખાતર જાગે.

– નીતિન વડગામા

વાત જુદી છે અધૂરા પાત્રની… – નીતિન વડગામા

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

– નીતિન વડગામા

પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે? – નીતિન વડગામા

કવિ શ્રી નીતિન વડગામાને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!

(Dream Destination for May 2011 – Half Dome, Yosemite National Park)

*****

પંડને પણ ક્યાં પમાતું હોય છે?
તોય અળગું ક્યાં થવાતું હોય છે?

હાથ જ્યાં લંબાય ત્યાં બીજી ક્ષણે
રિક્તપાણિ થૈ જવાતું હોય છે!

પગ ભલેને હોય પોલાદી છતાં
એક ડગલું ક્યાં ચલાતું હોય છે?

ઝાડ હો તો ડાળ પણ નીચી નમે
પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે?

હાથમાં પાસા નથી તો શું થયું?
જૂગટું મનમાં રમાતું હોય છે!

– નીતિન વડગામા

સ્મરણ જો એમનું થાશે – નીતિન વડગામા

હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.

નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.

અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.

નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.

બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.

નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.

અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.

– નીતિન વડગામા

સાંજ ઢળતી જાય છે – નીતિન વડગામા

વાત કયાં ક્યારેય પૂરી થાય છે?
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

આયખાનો અર્થ આરંભાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

દ્રશ્ય આછું-પાતળું ઝિલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

એમ જર્જર જાત સંકેલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

-નીતિન વડગામા

ગિરનારમાં – નીતિન વડગામા

(ગિરનાર….     Photo : ગુજરાત પર્યટન)

* * * * *

બહારને અંદર ધજા લ્હેરાય છે ગિરનારમાં,
ગીત ભગવાં રાત-દિ’ સૌ ગાય છે ગિરનારમાં.

રોજ પલળે કુંડ દામોદર પછી પરભાતિયે,
જીવતર કરતાલથી ભીંજાય છે ગિરનારમાં.

સાંજ થાતાં ઝાલરોનો નાદ ઝીણો ઝણઝણે,
ભાવભીનો શંખ પણ ફૂંકાય છે ગિરનારમાં.

ત્રાડ સાવજની વછૂટે છે અચાનક આભમાં,
કૈંક ટહુકા એમ થીજી જાય છે ગિરનારમાં.

ધૂપ-દીવા સાથ મીઠી મ્હેક છે લોબાનની,
ભેદ ચપટીમાં બધા ભૂંસાય છે ગિરનારમાં.

પથ્થરોમાંથી કથાઓ સામટી સામી મળે,
આપણો ઈતિહાસ ઊભો થાય છે ગિરનારમાં.

સંત, શૂરા ને સતીનાં થાનકો ટોળે વળે,
જીવતો ભૂતકાળ એ સચવાય છે ગિરનારમાં.

શ્વાસ આપોઆપ સઘળા થાય છે કેવા સભર!
વેદની ઋચા બધી વંચાય છે ગિરનારમાં.

જીવ શું છે? શું જગત છે? એ બધાયે પ્રશ્નનો-
અર્થ સાચો આખરે સમજાય છે ગિરનારમાં.

ગીત – જંગલનું…. – નીતિન વડગામા

થોડા દિવસ પહેલા ધ્રુવ ભટ્ટનું ‘નકરો જાદુ’ ભરેલી કવિતા મૂકી’તી એ યાદ છે ને? બસ એવું જ કંઇ આ કવિતામાં પણ અનુભવાશે.. પાંદડા, પતંગિયા, પહાડ, ઝરણા, ડાળખી અને કેડીની વાતો કરતા કરતા કવિ આપણને જાણે ઘરે બેઠા-બેઠા જ જંગલની વધુ નજદીક પહોંચાડી દે છે..

(ઝરણાના નીર…. Lower Yosemite Falls, Yosemite N.Park, Apr 09)

* * * * *

આજ જંગલ ઊમટ્યું છે મારી આંખમાં
ઝાડથી વછૂટેલા ટહુકાઓ આવીને બેસે છે આજ બારસખમાં

ડાળખીને દોમદોમ ફૂટે ભીનાશ એની
પાંદડાઓ લખતા કંકોતરી
હવે આવશે લીલોતરીનું બે કાંઠે પૂર
આવી આગાહી થાતી આગોતરી
આખ્ખો વિસ્તાર પછી કેમ કરી માપવો નાનકડી નજરુંની પાંખમાં…

ઝરણાના નીરનુંય એવું ખમીર છે કે
મ્હેંક મ્હેંક થાય અંગ આખું
થનગનતા પ્હાડનેય થાતું કે આજ હવે
કેડીને ચૂમું કે ચાખું?
ઊછળતા-કૂદતા પતંગિયાને મુઠ્ઠીમાં તુંય હવે કેદ કરી રાખમાં…

કોઇ આવીને ઊભું છે આંગણામાં – નીતિન વડગામા

 

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

– નીતિન વડગામા

છોડી દે – નીતિન વડગામા

એક બે ત્રણ ચાર છોડી દે.
ઊગતો અંધકાર છોડી દે.

તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ તને બારો બાર છોડી દે.

આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

આજની મહેકજ માણી લે,
કાલનો ઘેઘૂર ભાર છોડી દે.

હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથી નકાર છોડી દે.

છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની સારવાર છોડી દે.

લીલીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

1486874808_df9e89bdbf_m.jpg

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઇ હવે
સુક્કા સંબંધ કેરું નામ

મ્હોરતાં ફોરતાં ને પળમાં ઓસરતાં આ
શબનમ જેવો છે સંબંધ
શમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવા દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકલ હાથલિયા થોર
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારું યે સાવ નામ ઠામ…