Category Archives: રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

લાગી રે લગન - રાજેન્દ્ર શાહ
ઇંધણા વીણવા ગઇ'તી મોરી સૈયર ... - રાજેન્દ્ર શાહ
કેવડિયાનો કાંટો - રાજેન્દ્ર શાહ
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહનું નિધન
તને જોઇ જોઇ તો ય તું અજાણી - રાજેન્દ્ર શાહ
નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં - રાજેન્દ્ર શાહ
ફાગણ આયો ફાંકડો કોઇ ફાગણ લ્યો - રાજેન્દ્ર શાહ
ફાગણ ફેન્ટેસી - જય વસાવડા
બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? - રાજેન્દ્ર શાહ
મને જરા ઝૂંક વાગી ગઇ - રાજેન્દ્ર શાહ
સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ
સાંવર થોરી અંખિયનમેં .... - રાજેન્દ્ર શાહ
હાર કે જીત - રાજેન્દ્ર શાહસંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

ટહુકોની બે એરિયા ટીમના કલાકારોના સ્વરમાં આ ગીત ફરી એકવાર સાંભળીએ.

સ્વર ઃ આણલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, નિકુંજ વૈદ્ય

*******
Posted in August 2009

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત શેઠ

This text will be replaced

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ

થોડા દિવસ પહેલા જ હિમાંશુભાઇએ આ ગીત યાદ કરાવ્યું, અને ઊર્મિની ગાગરમાંથી આ મોતી મળી પણ ગયું. તો આજની આ પોસ્ટ ઊર્મિના ગાગરમાંથી એની પરવાનગી વગર ઊઠાંતરી..!! 🙂

*************

જ્યાં ને ત્યાં હૃદય ખોલવાની આપણી (કુ)ટેવને કવિ અહીં પ્રેમથી ટકોરે છે. સામેની વ્યક્તિ આપણી એની સમક્ષ હૃદય ખોલવાને લાયક છે કે નહીં એ સમજ્યા કે ચકાશ્યા વગર જ મોટેભાગે આપણે આપણી વ્યથાની કથા કરતા રહીએ છીએ, જે બીજાને મન તો ક્યારેક માત્ર રસની કથા જ હોય એવુંય બને. એટલે જ થોડું મોઘમ રહીને ચૂપ રહેતા શીખવે છે આ ગીત.

– ઊર્મિ

wlart0010z-sml
(આપણું હૃદય ખોલીએ ના કંઈ…   ફોટો: વેબ પરથી)

બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!

વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!

આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!

– રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ

સ્વર – હરીહરન
સ્વરાંકન – અજિત શેઠ

આપણા દુ:ખનું કેટલું જોર ?

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ, આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

જલભરી દ્રગ સાગર પેખે,
હસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

-રાજેન્દ્ર શાહ

સાંવર થોરી અંખિયનમેં …. – રાજેન્દ્ર શાહ

સૌ ને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ.. રંગભરી.. પિચકારીભરી.. ગુલાલભરી.. શેકેલું નારીયેળ અને ધાણીભરી શુભેચ્છાઓ.!

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

( ઐસો રંગ ન ડાલ……… )

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.

તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

– રાજેન્દ્ર શાહ

(શબ્દો માટે આભાર – વેબમહેફિલ.કોમ)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

આ ૨ જાન્યુઆરીએ આપણે દિલીપકાકાને ગુમાવ્યા – અને એ જ દિવસ એટલે આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહની પહેલી પુણ્યતિથી. તો આજે એમનું આ ગીત માણીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ