ગ્લૉબલ કવિતા : ૨૨૨ : નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ


જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

ભાગ્યે જ આપણી કોઈ પણ ક્રિયા કારણોથી પર હશે. આપણી દરેક ક્રિયાની પાછળ કોઈને કોઈ હેતુ જરૂર હોય છે. કહેવું હોય તો કહી શકાય કે કાર્યકારણનો સંબંધ અજવાળા-પડછાયા જેવો અવિનાભાવે સંપૃક્ત છે. આપણો લાલો કદી લાભ વિના લોટતો નથી. પરંતુ આમાં આપણો કોઈ વાંક પણ નથી. સંસારનો આ જ વણલખ્યો નિયમ છે. શ્રીકૃષ્ણ ભલે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन કહી ગયા, પણ જગતમાં ભાગ્યે જ કોઈ સંતપુરુષ હશે જે નિસ્પૃહતાથી કામ કરતો હોય… જો કે આજે આપણે જે કવિતા વિશે વાત કરવી છે, એ ઉદ્દેશનો એકડો કાઢીને જીવવાની જ વાત કરે છે. જોઈએ…

અનુગાંધીયુગીન કવિઓમાં કપડવણજના રાજેન્દ્ર કેશવલાલ શાહ પ્રમુખ સ્થાન ધરાવે છે. સત્તરેકની વયે અસહકારની લડતમાં જેલભેગા થયા અને સ્વાતંત્ર્યસંગ્રામના ગીતોએ જ એમને કવિતા ભણી પ્રેર્યા. આધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીના હૃદયંગમ નવોન્મેષ ઉપરાંત એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલોય લખી. વિપુલ કાવ્યસર્જન છતાં ઇમેજગ્રસ્ત ન થતા કવિ સ્વાનુકરણ અને સ્વાનુરણનથી અળગા રહી શક્યા હતા.

કવિની પ્રગટ થયેલી પ્રથમ રચના ‘હોળી-ધુળેટી’ સૉનેટ પણ ‘નિરુદ્દેશે’ કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ (૧૯૫૧)નું પ્રથમ કાવ્ય છે. એટલે એમના મુદ્રિત જીવનનું પ્રથમ પૃષ્ઠ પણ કહી શકાય. વળી એ કવિની સિગ્નેચર પૉએમ કે બ્રાન્ડ એમ્બેસડર પણ છે. એ કવિનો પરિચય તો આપે જ છે, એમની આગળની કાવ્યયાત્રાનો સંકેત પણ આપે છે. જેમ મહાદેવના મંદિર માટે નાંદી, એમ રા.શા.ના કવન માટે આ કાવ્ય.

‘નિરુદ્દેશે’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. ઉદ્દેશ વિના. આશય વિના. શીર્ષક બે ઘડી વિચારતા કરી દે એવું છે. કારણ, કારણ વગર તો આપણે પ્રેમમાંય કશું લેતા-દેતા નથી. આપણાં તો સઘળાં સગપણ વાડકીવ્યવહારથી ચાલનારાં. પણ કવિ તો શીર્ષકમાં જ ઉદ્દેશનો એકડો કાઢી નાંખે છે. બંધારણની રૂએ આ રચના અષ્ટકલની ચાલમાં ચાલતું ગીત છે. મુખબંધ સાથે અંત્યાનુપ્રાસ ધરાવતી ત્રણ કડીઓ અને ધ્રુવપદ સાથે તાલ પુરાવતી પૂરકપંક્તિ સાથેના બે બંધ એનું બંધારણ. આમ, સ્વરૂપસન્નિધાન તો પ્રચલિત ગીત જેવું જ છે, સિવાય કે બંને બંધમાં સામાન્યતઃ યોજાતી બે કડીઓના સ્થાને ત્રણ-ત્રણ કડીઓ છે. સામાન્ય ગીતરચના કરતાં અડધી લંબાઈ ધરાવતી પંક્તિઓ અને બેના સ્થાને ત્રણ કડીઓના ઉપયોગથી ગીત દ્રુતગતિએ આગળ વધે છે. ગીતનો ઉપાડ અનૂઠો છે. એક જ શબ્દનું શીર્ષક ગીતનું ધ્રુવપદ પણ છે. ઉપાડ અને શીર્ષક એક જ રાખીને કવિએ ઉદ્દેશની ગેરહાજરીને ન માત્ર અધોરેખિત કરી છે, હાઈલાઈટ પણ કરી છે. કહેવા ધારેલી વાતમાં ધાર્યું વજન મૂકવા માટે કવિએ અન્ય શબ્દોનું વજન મૂકવું ત્યાગ્યું છે. સાચા કવિકર્મના પરિચયની શરૂઆત છે આ.

નિરુદ્દેશે. પણ શું?

શીર્ષકમાં જન્મેલ અને ધ્રુવપદ સુધી આવતાં બેવડાયેલ કુતૂહલનો ખુલાસો તુર્ત જ થાય છે. નિરૂદ્દેશે સંસારમાં મુગ્ધ ભ્રમણ! ‘મુગ્ધ’ શબ્દ પર બે ઘડી અટકીશું? મુગ્ધતા ક્યાં બાળકને હસ્તગત હોય ક્યાં કવિને. મુગ્ધતા ગુમાવી બેસે એ કદી સારો કવિ બની ન શકે. દુનિયા તો બધા માટે સરખી જ છે, પણ મુગ્ધતાના ચશ્માં પહેર્યાં હોય તો જગત અને જગત્જન અલગ જ નજરે ચડશે. વિસ્મયના પ્રતાપે જ સાર્વત્રિક અનુભૂતિ નોખી ભાત ઝીલીને વૈયક્તિક બનીને કાગળ પર અવતરે છે.

૧૯૧૫માં ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા ત્યારે ક્યાંથી શરુ કરવું એ પ્રાણપ્રશ્ન હતો. ગોખલેએ એમને સીધું દેશસેવામાં જોતરાવાના બદલે વરસેક ભારતભ્રમણ કરીને દેશની વાસ્તવિકતા પ્રત્યક્ષ અનુભવવાની સલાહ આપી હતી. ગાંધીજી પહેલાં અને પછી કદાચ ભાગ્યે જ કોઈએ દેશને આટલો નજીકથી જોયો-જાણ્યો હશે. કદાચ એટલે જ ગાંધીજી દેશની નાડ આબાદ પકડી શક્યા હતા. કવિ સંસારભ્રમણ તો ઝંખે છે પણ નિરાશય. વળી, એમને સાજશણગારનીય તમા નથી. પાંશુમલિન વેશે અર્થાત ધૂળથી મેલાઘેલા વદને જ તેઓ આ કામ પાર પાડવા માંગે છે. દુનિયાને આત્મસાત્ કરવાની આ પ્રાથમિક શરત છે. ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરીને ગાડીમાં નીકળનાર દુનિયામાંથી માત્ર પસાર જ થઇ શકે છે. દુનિયા એમની સાથે આદાનપ્રદાન કરતી નથી. લોકમાં ભળવું હોય, કંઈક મેળવવું હોય તો સ્વને ઢાંક્યા વિના યથાતથ રજૂ કરવો પડે. જાત પાર વાઘાં ચડાવ્યાં નથી કે દુનિયા કોશેટામાં સંકોરાઈ નથી. ધૂળમાં રજોટાયેલ વેશનો એક અર્થ પ્રકૃતિ સાથે તદરૂપ પણ કરી શકાય.

કવિ ફોડ પડતા નથી પણ કવિતા કરવા માટેની સર્વપ્રથમ અને મૂળભૂત શરત અહીં સમાન્તરે રજૂ થઈ છે. કોઈપણ જાતના હેતુ અને આડંબર વિના સ્વથી સર્વ સુધી જનાર જ સાચો કવિ બની શકે. નિરંજન ભગતનું ‘હું તો બસ ફરવા આવ્યો છું!’ કાવ્ય તો યાદ આવશે જ, સાથોસાથ રાજેન્દ્ર શાહનો જ એક પંક્તિનો ઉપનિષદ પણ સ્મૃતિપટલ પર ઝળકી ઊઠશે: ‘ઘરને ત્યજી જનારને /મળતી વિશ્વ તણી વિશાળતા.’

પ્રથમ અંતરામાં ‘ક’ અને ‘ન’ની વર્ણસગાઈના કારણે લય વધુ પ્રવાહી બન્યો છે. ‘ન’નું નાદમાધુર્ય તો ગંધ, કંઠ, રંગ અને સન્નિવેશની મધ્યેથી પણ સાંભળવું ન ચૂકાય એવું મધુર છે. નિરુદ્દેશ ભ્રમણ દરમિયાન ક્યારેક પુષ્પોની સુગંધ કવિને આવી વળગે છે તો ક્યારેક કોકિલ એમને જ સાદ ન કરતો હોય એમ વહાલ કરે છે. પુષ્પો અને પક્ષીઓ તો આપણી આસપાસ ચારેતરફ છે જ. ખુશબૂ અને ટહુકાથી આપણી ઇન્દ્રિયોને ટકોરે પણ છે, પરંતુ આપને સહુ ઇન્દ્રિયબધિર છીએ. આંખો ખુલ્લી છે પણ કુદરતી સૌંદર્યની નોંધ લેવાને અસમર્થ. કાનમાં ટહુકા તો પડે છે પણ ચેતના સુધી પહોંચતા નથી. સુગંધ ઘ્રાણેન્દ્રિયને તર કરવા મથે છે, પણ નાકને કઈ પડી જ ન હોય એમ આગળ વધી જાય છે. ટૂંકમાં ચોતરફ વિખરાઈ પડ્યો છે કુદરતનો સામાન, પણ આપણું નથી ધ્યાન, નથી ભાન. કવિ તો જો કે જમાનાથી અલગારી જ હોવાનો! પ્રકૃતિ જ કવિની સાચી પ્રકૃતિ છે. બધાને દેખાતું છતાં વણદેખાતું હોય એ કવિ જુએ છે. જંગલમાં બેધ્યાનપણે ચરતું હરણ પળેપળ જોખમોની સંભાવનાઓ બાબતે સતર્ક જ હોય, એમ સંસારમાં નિસ્પૃહભાવે ફરતો કવિ પણ સજાગઇન્દ્રિય જ હોવાનો. એટલે જ દાખલા ભલે કુસુમ-કોકિલાના જ આપ્યા હોય, નેણ તો અખિલાઈના તમામ રંગો નિહાળી ઘેલાં થાય છે. દુનિયા જેને જોયું-ન જોયું કરે એ પ્રકૃતિને જોઈને કવિ પાગલ થઈ જાય છે. કારણ? કારણ લબરમૂછિયા ઉમાશંકરના પ્રથમ કાવ્ય ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ની આખરી કડીમાંથી જડે છે: ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ ઈંદ્રિયબાહ્યતા છોડીને ઇન્દ્રિયગ્રાહ્યતા સેવે એ કવિ. જગતના સૌંદર્યને નિર્બંધ માણી લેવાની ઇચ્છા કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે.

આ નિરુદ્દેશ સ્વૈરવિહારમાં કોઈ દિશા નિર્ધારિત નથી. મન લઈ જાય ત્યાં પ્રેમના સન્નિવેશે જવાનું છે. સન્નિવેશના એકાધિક અર્થ લઈ શકાય. ગાઢ સંબંધ, જોડાણ કે સંયોગ એમ અર્થ લઈએ તો કહી શકાય કે જગતના અલગ અલગ તત્ત્વોને અને આપણા આંતર્જગત-બહિર્જગતને પ્રેમ એકમેક સાથે જોડી આપે છે. પ્રેમનું રસાયણ બધાને સંયોગીને એકત્વ બક્ષે છે. સંનિવેશનો બીજો અર્થ પ્રવેશ કે સામીપ્ય થાય. પ્રેમ જ્યાં પ્રવેશ કરાવે કે જેની સમીપ લઈ જાય ત્યાં કવિ જવા તૈયાર છે. એક અર્થ સ્થાન કે મુકામ પણ થાય. મન લઈ જાય ત્યાં કવિ જવા તૈયાર છે પણ ત્યાં પ્રેમ વસતો હોવો જોઈએ. ટૂંકમાં અર્થ કોઈ પણ લો, મહત્વ પ્રેમનું છે. કવિ પ્રેમને આધીન છે. પ્રેમ હોય ત્યાં જ કવિનું ગંતવ્ય હોવાનું.

કવિ કોઈપણ લાલસા, મહત્વાકાંક્ષા કે આશય-ઉદ્દેશ વિના મેલાઘેલા વેશે દુનિયામાં પ્રેમનો તંતુ ઝાલીને અને તમામ ઇન્દ્રિયોને નિર્બંધ કરીને મ્હાલવા નીકળી તો પડ્યા છે, પણ ક્યાં અને કઈ રીતે એ જોઈએ. પહેલા બંધમાં બહિર્જગત વડે કવિનું આંતર્જગત તરબોળ થતાં ઉભયનું સાયુજ્ય સ્થપાય છે. પુષ્પોની ગંધ માત્ર નાસિકા સુધી નહોતી, એ તો એમને આખાને આખા આલિંગી લેતી હતી. કોકિલ માત્ર નિજાનંદ માટે કે કોયલને રિઝવવા જ નહોતો ગાતો, એ તો જાણે કવિને જ સાદ કરતો હતો. પ્રેમના જોડાણથી આંતર-બાહ્ય બંને વિશ્વને એકરૂપ કર્યા બાદ આગળના બંધમાં કવિનું ભ્રમણ તો આગળ વધે જ છે, પણ એની થોસાથ કવિનો ‘ઉદ્દેશ’ પણ છતો થાય છે. લ્યો! વાત તો નિરુદ્દેશની હતી ને! ત્યાં આ ઉદ્દેશ ક્યાંથી આવી ચડ્યો?

સાચી વાત છે. ગમે એ હોય, કવિ પણ આખરે તો માણસ જ ને! કહે છે, કોઈએ જે રસ્તો નહીં લીધો હોય એ રસ્તો હું લેનાર છું. રૉબર્ટ ફ્રોસ્ટનું ‘રોડ નોટ ટેકન’ કાવ્ય તુર્ત જ સ્મરે. જે રસ્તા પર ભાગ્યે જ કોઈ ગયું હશે એ રસ્તો પસંદ કરીને કવિ કહે છે, કે યુગયુગો બાદ કદાચ હું આમ કહીશ કે મેં ઓછો ખેડાયેલ માર્ગ પસંદ કર્યો એનાથી જ તફાવત પડ્યો છે. ૧૯૧૫માં પ્રગટ થયેલ આ વિશ્વવિખ્યાત રચનાનો ૧૯૧૩માં જન્મેલા કવિની આ કવિતા પર પ્રભાવ છે કે કેમ એ કહેવું તો મુશ્કેલ છે પણ કવિએ જે-તે સમયે બીજા કવિઓ જે કેડી પર ચાલતા ડરતા હતા એ કેડી પસંદ કરી હતી એ વાત ચોક્કસ છે. ગુલામીના અંતિમ અને આઝાદીના પ્રારંભિક વર્ષો દરમિયાનની ગાંધીયુગીન કવિતા સમાજ પરત્વેના દાયિત્વથી ગ્રસિત હતી. પ્રહલાદ પારેખની સાથોસાથ નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહે તત્કાલીન સ્વાતંત્ર્યોત્તર કવિતાને એના કથિત સામાજિક કર્તૃત્વ અને ગાંધીપ્રભાવથી મુક્ત કરી શુદ્ધ કાવ્યતત્ત્વની આરાધનાની નૂતન કેડી કંડારી હતી. કવિએ કંડારેલી કેડીએ એમના સમકાલીન અને ત્યાર બાદના કવિઓને ખૂબ પ્રભાવિત કર્યા છે. પોતે કોઈ પંથ લેવા તૈયાર નથી અને જ્યાં પગ મૂકશે ત્યાં પોતાની કેડી રચશેનો જે ધનુર્ટંકાર એમણે પ્રથમ સંગ્રહના પ્રથમ કાવ્યમાં કર્યો હતો, એ સાચો સાબિત થયો.

તેજછાયાના આ પૃથ્વીલોકમાં કવિ પોતાની વીણા પર પૂરવી રાગિણી છેડવા ચહે છે. સુખદુઃખ જીવનમાંથી બાદ કરી શકાવાના નથી પણ વાદ્ય પોતે જ પ્રસન્ન હોય તો સંગીત પણ સુમધુર જ રેલાશે. જીવન નિરુદ્દેશ અને મુગ્ધતાપૂર્ણ હોય તો જ વાદ્ય પ્રસન્ન રહે. વીણા વિદ્યાદેવી સરસ્વતીનું વાદ્ય પણ છે. એટલે પ્રસન્ન વીણાની સુરાવલિનો સંદર્ભ સીધો પ્રસન્નતાના કાવ્યો સાથે જોડાય છે. કવિની બેડી, જીવનનૌકા આનંદસાગરમાં સરતી જાય છે. સરવું અને તરવું ક્રિયાપદ વચ્ચે પણ બારીક તફાવત છે. તરવું સકર્મક ક્રિયા છે. હોડીને તરાવવાને હલેસાં જરૂરી છે પણ સરવું અકર્મક છે. હોડીના સરવામાં ખલાસીનું કર્તૃત્વ તો નીકળી જ જાય છે, પાણી પણ શાંત હોવાનું અભિપ્રેત છે. મતલબ, કવિની નૈયા અનાયાસ આનંદસાગરમાં સરી રહી છે. સાગર પણ આનંદનો છે, કેમકે ભ્રમણ નિર્હેતુક છે.

કાવ્યાંતે કવિ કહે છે કે હું જ સૌની સાથે વિલસું છું અને કશું ન હોય ત્યારે જે બચી જાય એય હું જ છું. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः| કવિ પોતાના સર્જનવિશ્વનો બ્રહ્મા છે. સર્જનના અક્ષરેઅક્ષરમાં એ વિલસે છે, એની ઉપસ્થિતિ છે. અને તમામ સર્જનથી તટસ્થ પણ એટલો જ. કવિતા લખી દીધા પછી એના પર એનો એક ભાવક જેટલો જ અધિકાર શેષ રહે છે. આ જ રીતે કવિ સમગ્ર સંસાર સાથે પ્રેમના સન્નિવેશે તાદાત્મ્ય પણ સેવે છે, અને સમગ્ર સંસારથી અલિપ્ત પણ છે. સંસારમાં જન્મ્યા હોવાથી સંસારના કણેકણમાં તેઓ પોતાને અનુભવે છે, અને એમાં જ શેષરૂપે રહી પણ જશે. આ પ્રકારે એકીસાથે સાર્વત્રિક ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ અનુભવીને આનંદસાગરમાં એ જ સરી શકે જેની મુગ્ધતા આ ઇહલોકમાં અકબંધ બચી હોય અને દુનિયા પાસેથી કશું મેળવવાનો ઉદ્દેશ ન હોય. પ્રકૃતિનો વૈભવ બધા માટે હોવા છતાં એ બધાને પ્રાપ્ય નથી. પ્રકૃતિ નોખી હોય એ જ પ્રકૃતિને પામી શકે! પ્રકૃતિને પામવાની કૂંચી નરી મુગ્ધતામાં રહેલી છે. પ્રકૃતિના રહસ્યો સમજે એને જીવનસત્ય સમજાવા માંડે છે.

અંતે, કવિના જ એક કાવ્ય ‘પ્રવાસી’થી સમાપન કરીએ:

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

8 replies on “ગ્લૉબલ કવિતા : ૨૨૨ : નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ”

  1. નમસ્તે મને “કોકિલ પંચમ સૂર બોલો કે પંચમી આવી વસંતની ગીચ શબ્દો અને લય સાથે સાંભળવું છે,મદદ કરશો તો રુણી રહીશ.. ધન્યવાદ પ્રણામ!!

  2. ખૂબ જ સરસ રસ આસ્વાદ કરાવ્યો. આનંદ આનંદ અને આભાર વિવેકભાઈ.

  3. સરસ રસાસ્વાદ કરાવ્યો આકંઠ .આભાર .
    તિરોહિતનો અર્થ શું થાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *