Category Archives: ગીતા દત્ત

મને માર્યા નેણાંના બાણ રે – ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

સ્વર : ગીતા દત્ત
સંગીત : અજિત મર્ચન્ટ
ગુજરાતી ફીલમ : કરિયાવર (૧૯૪૮)

મને માર્યા નેણાંના બાણ રે
કે મને માર્યા નેણાંના બાણ રે
વાલમજી વાતુંમાં

મને નેહભરે નેણલે નચાવી
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

પાપણ પલકારતી હા કામણ અદીઠડાં
પ્રીત કેરા કોડ રાજ ઝાઝેરા જાગિયા
મહેરામણ હૈયાના હેલે ચડ્યાં છે આજ
હવે આવ્યા છે અવસર સોહામણાં સોહામણાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા મનને ચંદરવે આજ ચમક્યો ચાંદલિયો
એક અણજાણી વાટમાં દીઠો પાતળિયો
ને મને ઘેલી કીધી ને લજામણી વાતુંમાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા સરવરની પાળ ક્યાંથી આવ્યો વીંઝલણો
મારા આંબાની ડાળ ક્યાંથી આવ્યો આ મોરલો
સોળ કોડે મને ઝૂલે ઝૂલાવી રે
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

– ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

આનંદે નાચે મારું મન ઉમંગે નાચે.. – જગદીપ વિરાણી

સ્વર : ગીતા દત્ત
ગીત-સંગીત : જગદીપ વિરાણી
ગુજરાતી ફિલમ : નસીબદાર (૧૯૫૦)

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

ઊગિયો દિન અહીં
દિલ મહીં સૃષ્ટિ ખિલી
દિલ મહીં સૃષ્ટિ ખિલી
જાગી આનંદની ઉર્મિ
મનડું દે છે તાલી
મનહર કોઈ રાગિણી સુણી
ઘેલી ઘેલી થાઉં રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

જાણે આવી બાગમાં મારા
રૂત સુહાની દોડી દોડી
ફૂલ ભર્યા મેં હાથમાં સુંદર
રંગબેરંગી તોડી તોડી
આજે આનંદે ખણખણતું
ગીત ગાઉં રે
મારું મન નાચે રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પૂરી રાત ભર
દિલ તાલ પર રાસ રમે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ

તમને કદાચ નવાઇ લાગશે કે ગીતા રોય દત્તના અવાજમાં ગવાયેલું આ અવિનાશ વ્યાસનું ખૂબ જ પ્રચલિત ગીત હમણા સુધી ટહુકો પર કેમ ન આવ્યું? Well.. મને પણ એ વાતની નવાઇ લાગી આજે કે ચાર વર્ષમાં આ ગીત કેમ ન મુક્યું? 🙂 કદાચ આ સ્પેશિયલ દિવસની રાહ જોતી હતી..!!

તો આજે આ નણંદ તરફથી, આજ ના ખાસ દિવસે.. વ્હાલા પારુલભાભીને સપ્રેમ ભેટ..! Happy Anniversary Bhaiji-Bhabhijaan.. 🙂

સ્વર : ગીતા રોય દત્ત
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ગુણસુંદરી (૧૯૪૮)

This text will be replaced

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાળી લલનાઓ જાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાલ્લો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.


આ ‘ગુણસુંદરી’ ફિલ્મ તો મેં નથી જોઇ, પણ આ ગીત વર્ષોથી સાંભળતી આવી છું. અને વારંવાર આ પ્રશ્ન થયો છે – આ ગુજરાતી ફિલ્મમાં ‘થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ આવે છે? ‘થોડુ ગુજરાતી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ નથી આવતું? પણ હજુ સુધી ફિલ્મ નથી જોઇ એટલે આ વાતનો ખુલાસો હજુ નથી મળ્યો.. 🙂

હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી….

આજે ફરીથી એક મઝાનું હોળી ગીત.. વ્હાલકડી ભાભલડી અને લાડકડા દેવરિયાઓ માટે ખાસ..!! (Missing you, Vishu 🙂 )

Holi: The Festival of Colours

(Photo : http://khumukcham.com/)

સ્વર : ગીતા દત્ત – મુકેશ
સંગીત : અવિનાશ વ્યાસ
કવિ : અવિનાશ વ્યાસ

.

લાલ રંગના લહેરણીયાને માથે લીલી ચોળી
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી
તોરો મોરો રંગ નીરાળો, હું કાળો તું ધોળી,
હાલ ને ભાભલડી સંગે રંગે રમીએ હોળી

લાલ રંગના લહેરણીયાને…

રાતો ચૂડલો, રાતી ઓઢની, રાતી આંખલડી
ભાભી તારે તાણેવાણે રૂપની વાંસલડી
અંગે અંગે રંગી કોણે જોબનની રંગોળી,
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી

બાંકી પાઘડી મૂંછો વાંકડી આંખ્યુ મસ્તીખોર
આંખેઆંખ પરોવી કહેતુ કોના ચિત્તનો ચોર
તારે તનડે મનડે કિધુ કેસર દીધું ઘોળી
હાલ ને ભાભલડી સંગે રંગે રમીએ હોળી

લાલ રંગના લહેરણીયાને…

તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ

ગયા વર્ષે નવરાત્રી વખતે મુકેલો આ મને ખૂબ જ ગમતો ગરબો – આજે શુભાંગીના સ્વર સાથે ફરી એકવાર… ૧૫ વર્ષની શુભાંગીનો સ્વર એવો મજાનો છે કે studio recording જેવી clarity નથી છતાં આપોઆપ પગ થરકવા લાગે..!! (શુભાંગીના અવાજમાં બીજા ઘણા ગુજરાતી ગીતો આપણે ભવિષ્યમાં ટહુકો પર તો સાંભળશું જ… પણ હાલ તમારે બીજા ગીતો સાંભળવા હોય તો Youtube માં એના થોડા ગીતો મળી રહેશે.)

નવરાત્રી અને ગરબાની જ્યાં વાત થતી હોય, ત્યાં અવિનાશ વ્યાસને યાદ કર્યા વગર ચાલે? કેટલાય ગુજરાતીઓ માટે અવિનાશ વ્યાસનું સંગીત એ જ ગુજરાતનું લોકસંગીત છે.

આમ તો પૂનમની રાત ને થોડા દિવસની વાર છે, પણ આવુ મજાનું ગીત સાંભળવા માટે કંઇ પૂનમની રાહ જોવાય?

સ્વર : શુભાંગી શાહ

This text will be replaced

સ્વર : ગીતા દત્ત અને વૃંદ

.

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

– અવિનાશ વ્યાસ