Category Archives: અમર ભટ્ટ

આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં ઝીલ્યો, આછો જાગમાં ઝીલાયો.
ઝીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને.

ઝાડીએ ચડિને અમે ઝૂલાણતો દેખ્યો,
ભાઇ ફળીયે મસુજડાનું ઝાડ,
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણુને આ ભાવે જીવણ, મોહ્યો રે તને.

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે,
આવું અમને તો ઉગતા ન આવડ્યું,
ઓછા ઓછા અણધેરી છાતીએ ઉભાર્યા,
પછી આભ લગી પૂગતાં ન આવડ્યું,
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.

- રમેશ પારેખ

રે’શું અમેય ગુમાનમાં – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

ખોલીશું બારણાને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

લાપસિયું ચોળશું ને ચરણો પખાળશું
મુખવાસા દે’શું પાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

મીંરા કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દે;શું દાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

- રમેશ પારેખ

સખી! મારો સાહ્યબો સૂતો – વિનોદ જોષી

મારા સાહ્યબાનું આ ખૂબ જ ગમતું ગીત –

ત્રણ વર્ષ પહેલા – નવેમ્બર ૧૭, ૨૦૧૦ ના દિવસે ટહુકો પર પહેલીવાર પ્રસ્તુત કરેલું અમરભાઇનું સ્વરાંકન ગાર્ગી વોરાના અવાજમાં..!! આજે એ જ ગીત – કવિ શ્રી વિનોદ જોષીના સ્વર અને એમના જ સ્વરાંકન સાથે ટહુકો પર ફરી એકવાર… !!!

*********************************

Posted on November 17, 2010 :

સ્વર : ગાર્ગી વ્હોરા
સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં……

એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાહ્યબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પે’રવા દોડી જાઉં……

એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઇ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાહ્યબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં…..

- વિનોદ જોષી

ઝનનન ઝાંઝર બોલે રે – લાલજી કાનપરિયા (ક્ષેમુદાદાનું છેલ્લું સ્વરાંકન)

આજે ૩૦ જુલાઇ – આપણા મુર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પૂણ્યતિથિ. તો આપણા સૌ ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એક એવું ગીત – જે એમણે ગુજરાતી સુગમસંગીતની શાસ્ત્રીયસંગીતને અંજલિ તરીકે બનાવ્યું છે. સાંભળીએ આ ગીત અમરભાઇ પાસે – અને સાથે અમરભાઇના જ શબ્દોમાં થોડી વાતો આ સ્વરાંકન વિષે (ગીતના શબ્દોની નીચે).

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઝનનન ઝાંઝર બોલે રે,
ભેદ ભીતરના ખોલે રે

મન મસ્તાનું થઈને ઝૂલે પવન્નનાં પારણીયે જી,
મોતી શું મલકાતું આવે કોઈ હવે બારણિયે જી
વળે છે નજરો ટોળે રે

ફૂલો આગળ ભમરો છેડે ફળિયે ગુન ગુન રાગ જી,
સંતો વચાળે હરતો ફરતો મઘમઘતો એક બાગ જી,
ચડે છે જીવડો ઝોલે રે

ઘડીક ઘરની અંદર ઘડીમાં બહાર ફરતાં પગલાં જી,
ફૂલો જેવાં ઊગી નીકળે અવસર ઢગલે ઢગલા જી,
અત્તરિયા દરિયા ડોલે રે

- લાલજી કાનપરિયા

ક્ષેમુભાઇનું આ છેલ્લું સ્વરાંકન સુગમ સંગીતની શાસ્ત્રીય સંગીતને અંજલિ છે. સ્થાયી રાગ છાયાનટની ઉસ્તાદ ફેયાઝ ખાનસાહેબે ગાયેલી બંદિશ -ઝનનન બાજે બીછુઆ – પર આધારિત છે.

પ્રથમ અંતરાની પ્રથમ પંક્તિ સૂરશ્રી કેસરબાઈ કેરકરના ગાયેલા રાગ નટકામોદની બંદિશ- નેવર બાજો- પર આધારિત છે. બીજા અંતરાની પ્રથમ પંક્તિ પંડિત ઓમકારનાથજીના ગાયેલા રાગ નીલામ્બરીની બંદિશ- હે મિતવા- પરથી એમણે બાંધી છે અને છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિમાં પંડિત રવિશંકરના રાગ પરમેશ્વરીનો આધાર છે. શાસ્ત્રીય સંગીતથી આપણને સમૃદ્ધ કરનાર સૌ દિગ્ગજ કલાકારોને ક્શેમુભાઈની સલામ આ સ્વરાંકનમાં છે, જે જન્મતું જોવાનો ને પ્રથમ વાર ગાવાનો લ્હાવો મને મળ્યો એ મારું સદનસીબ!
– અમર ભટ્ટ