Category Archives: નીનુ મઝુમદાર

કાગડાઓએ વાત માંડી – નિનુ મઝુમદાર

કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં
નીંદમાં હોલો ટાપસી પૂરે બગલો ખાય બગાસાં

ચકલીઓએ ચીડિયા કર્યાં રોષમાં બોલ્યો મોર
વાર છે હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર

પારેવડાંએ ચાંચ મારી ને ખેંચી કિરણ દોર
હંસલાઓએ હાર ગૂંથ્યો ને તેડવા ચાલ્યા ભોર

મરઘો મુલ્લાં બાંગ પુકારે જાગજો રે સહુ લોક
બંદગી કરે બતક ઝૂકી કોયલ બોલે શ્લોક

તીડ કૂદી કરતાલ બજાવે ભમરો છેડે બીન
કંસારી મંજીર લઈને ભજનમાં તલ્લીન

રાત ગઈ જ્યાં મૃત્યુ જેવી સહુનાં જાગ્યાં મન
પ્રાણને પાછો દિન મળ્યો છે દુનિયાને જીવન

-નિનુ મઝુમદાર

મહીં મથવા ઊઠ્યાં – નરસિંહ મહેતા

શબ્દવેદ – નરસિંહ મહેતાની સમગ્ર કવિતા પુસ્તક લેવા માટે અહીં ક્લીક કરો

સ્વર – કૌમુદી મુનશી, નીનુ મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
આલ્બમ – નરસૈંયો ભક્ત હરિનો

પરભાતે મહીં મથવા ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.

માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,
બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;
ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,
રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.

વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’
નેતરું કરશે તો તો જીવડો રે જાશે.
મહાદેવ વદે, મારી શી વલે થાશે ?
હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.

બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,
નેતરું મૂકો તમે ગોકુળરાય;
જશોદાજી કહે હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.

 – નરસિંહ મહેતા

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં – મનસુખલાલ ઝવેરી

પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર (?)

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.

શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.

ઝરમર ઝીલ’તી ઝીણી જલની ઝંકોર જ્યારે,
સાચી યે સૃષ્ટિ ભાસી સોલણું, હો જી.

નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
જગ રે ખોવાણું જ્યારે સામટું, હો જી.

સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને
થળથળ ઘેરી એ ઊભો આંખડી, હો જી.

ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?

– મનસુખલાલ ઝવેરી

કાળજ કોર્યું તે કોને કહીએ – દયારામ

સ્વરકાર – નીનુ મઝુમદાર
સ્વર – કૌમુદી મુન્શી
પ્રસ્તુતકર્તા – તુષાર શુક્લ (રેડિયો રેકોર્ડિંગ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?

વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયાના પ્રીતમજી ને એટલું કહેજો: ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!

– દયારામ

કે લાવ્યા સાગર જેવો ગરબો…. – નીનુ મઝુમદાર

આજે ૯ નવેમ્બર – કવિ, સ્વરકાર, ગાયક – શ્રી નીનુ મઝુમદારનો જન્મદિવસ. એમને આપણા સર્વે તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

૨ દિવસ પહેલા અહીં મુંબઇના ‘મનિષા ડૉક્ટર’ ના મ્યુઝિક ક્લાસના જવાનું થયું. ‘મારે પણ મ્યુઝિક ક્લાસમાં જવું છે’ – એવી મારી ઇચ્છા ૧૫ વર્ષે એક દિવસ પૂરતી ફળી.. :)

અને ત્યાં જ મને આ ‘સાગર જેવો ગરબો’ મળ્યો..! એમના Students ને એમણે થોડા દિવસ પહેલા જ આ શીખવાડ્યો હતો, તો એમણે બધાએ મને ખાસ સંભળાવ્યો. આ હા હા.. શું મઝા આવી..!! Cell phone માં થયું એવું on the spot રેકોર્ડિંગ કરી લીધું, એટલે એટલું clear નથી, પણ તો યે નીનુભાઇનો આ દુર્લભ ખજાનો મને મળ્યો તે આજે – નીનુભાઇના જન્મદિવસે – તમારી સાથે ન વહેંચું એવું બને?

સ્વર – મનિષા ડૉક્ટર

સ્વર – મનિષા ડૉક્ટર અને એમની શિષ્યાઓ

સૂરે સૂરે તરંગમાં વહેતો, હિલ્લોળા લેતો,
કે લાવ્યા, સાગર જેવો ગરબો
એના તાલે ચોસઠ જોગણી, ગાતી’તી રાગિણી
કે લાવ્યા, સાગર જેવો ગરબો

એક મધુવનમાં, માનુની મનમાં, નૃત્યંતી વિલસંતી રે…
મધૂરી લયમાં, ગોપી વિજયમાં, ગાતી જયજયવંતી રે…

નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે
આજ સખી નહિં જાઉં હું જમુના એવા નંદલાલની પાસ
નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે

એણે સીંચ્યા આનંદ અભિષેકો, ગૌરવનો લહેકો
કે લાવ્યા, સાગર જેવો ગરબો

શ્રી અને બ્રહ્મા સુતા સાથે મળી વિશ્વંભરી
શુધ્ધ બાગેશ્રીરૂપે વાણી મહીં વાગેશ્વરી
મમ હ્રદય સૂરે સ્પંદન આજે આનંદ અંગઅંગન
વાયે પવન શીત ચંદન, આયો કૂંજન નંદનંદન

ધીરે તરતી લહેરમાં નૈયા ડોલે અજાણ હૈયા
કે લાવ્યા સાગર જેવો ગરબો

ઢોલડાં જાગ્યાં ભૈરવ જાગ્યા, ઘેરાં ઘેરાં મંદિરે
તપને છોડી ભૈરવી દોડી, રસિકા થઇ રસવંતી રે
ગાગર નંદવાણી ખૂબ ભીંજાણી સખી આજ.. વહેલી સવારે
કેમ જાઉં પાણી કોઇ કાંકરીયું મારે,
બેઠો ત્યાં કોરો કોરો કાળો નંદલાલ, જમુના કિનારે

તીરે તીરે અનંત પછડાતો ને વિશ્વમાં ઝીલાતો
કે લાવ્યા સાગર જેવો ગરબો..
કે લાવ્યા સાગર જેવો ગરબો..

– નીનુ મઝુમદાર