Category Archives: મનસુખલાલ ઝવેરી

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં – મનસુખલાલ ઝવેરી

પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર (?)

Audio Player

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.

શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.

ઝરમર ઝીલ’તી ઝીણી જલની ઝંકોર જ્યારે,
સાચી યે સૃષ્ટિ ભાસી સોલણું, હો જી.

નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
જગ રે ખોવાણું જ્યારે સામટું, હો જી.

સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને
થળથળ ઘેરી એ ઊભો આંખડી, હો જી.

ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?

– મનસુખલાલ ઝવેરી

માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી

માનવીના રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે ત્યાં;
કારમાં કેવાં કામણ ?

ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.
માનવીના રે જીવન !

– મનસુખલાલ ઝવેરી

(આભાર – રીડગુજરાતી.કોમ)