Love You… જિંદગી – જય વસાવડા (Sept 20 – Orlando, FL)
કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા….
આજે ૧૨ સપ્ટેમ્બર – પપ્પાનો જન્મદિવસ… તો સાંભળીએ એક એવું ભજન જે પપ્પાએ મને શીખવાડ્યું છે – અને પપ્પા સાથે બેસીને ઘણીવાર ગાયું પણ છે!
અને હા, બીજું એક ભજન છે જે પપ્પાને ઘણું ગમે છે, પણ એની બધી કડીઓ એમને યાદ નથી – સખી, ચાલો જશોદાને રાવ કરીએ… – તમને આવડતું હોય તો એના શબ્દો મને મોકલશો?
આલ્બમ – સુમિરન (આભાર – ramkabirbhajans.org)
કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા, કાહે ન મંગલ ગાયે;
પુરણ બ્રહ્મ અખંડ અવિનાશી, સો તેરી ધેનૂ ચરાવે … ટેક
કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા, જપ તપ ધ્યાન ન આવે;
ના જાણું એ કોન પુન્યસે, તાકો ગોદ ખિલાવે … ૧
બ્રહ્માદિક ઇન્દ્રાદિક શંકર, નિગમ નેતિ કરી ગાવે;
શેષ સહસ્ત્ર મુખે જપે નિરંતર, સો તાકો પાર ન પાવે … ૨
સુંદર વદન કમલ દલ લોચન, ગૌધેનૂ કે સંગે આવે;
આરતી કરત જશોદા મૈયા, કબીરજી દર્શન પાવે … ૩
Ashit & Hema Desai on Oct. 5th – Placentia, CA
જન્મદિવસ મુબારક હો, પ્યારી જયશ્રી….
જયશ્રી ભક્ત પટેલ અને ટહુકો ડૉટ કૉમ – આ બે નામ ગુજરાતી કવિતા-સંગીતપ્રેમીઓના હૃદયમાં ‘અમિત’પણે અંકાઈ ચૂક્યા છે. આજે ચોથી સપ્ટેમ્બરના રોજ ટહુકોની કર્ણધાર-સ્થાપક જયશ્રીની વર્ષગાંઠ છે… જયશ્રીને વર્ષગાંઠ નિમિત્તે શત શત કોટિ શુભકામનાઓ…
शतम् जीवेत् शरद: ।
*
આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.
મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એવી મખમલ મખમલ સેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરો.
– વિવેક મનહર ટેલર
*
જોગાનુજોગ આજે કવિશ્રી કૃષ્ણ દવે અને મહેશ રાવલની પણ વર્ષગાંઠ છે. બંનેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
સૌંદર્ય – સુંદરમ
સૂરજ ! ધીમા તપો ! – ઝવેરચંદ મેઘાણી
રાષ્ટ્રીય કવિ એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર, અને લોકમિલાપ ટ્રસ્ટના સ્થાપક શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીને ગઇકાલે જ મળવાનું થયું. મહેન્દ્રભાઇ એટલે જાણે જીવતી-જાગતી યુનિવર્સિટી. એમના વિષે વધુ વાત ફરી ક્યારેક. પણ આજે એમના પિતા, શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ છે તો એમને યાદ કરીએ..! અહીં પ્રસ્તુત ગીત શાળામાં આવતુ, અને એના શબ્દો પર dance કરીને, ગીત ગાઇને રજૂ કરતા પણ શીખવાડ્યું હતું, એવું યાદ છે. આ ગીતની પ્રથમ પંક્તિ સાથે જ જાણે ફરીથી કલ્યાણી શાળા (અતુલ) પહોંચી જવાય છે.
*****
મારી મેંદીનો રંગ ઊડી જાય રે,
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
મારો કંકુનો ચાંદલો ચોળાય રે, સૂરજ …
મારી વેણી લાખેણી કરનાય રે, સૂરજ …
મારાં કાજળ નેણેથી ઝરી જાય રે, સૂરજ …
મારી ચૂડી અણમોલી તરડાય રે, સૂરજ …
મારે સેંથેથી હીંગળો રેળાય રે, સૂરજ …
મારી પાની સુંવાળી બળી જાય રે, સૂરજ …
મારા કેમે નો પંથે પૂરા થાય રે, સૂરજ …
જેને શોધું તે દૂર સરી જાય રે, સૂરજ …
– ઝવેરચંદ મેઘાણી
વૃક્ષસંવનનાર્થીનું ગીત (સાવ રે સુક્કા ઝાડને જોઇ…) – રમેશ પારેખ
૫ વર્ષ પહેલાં (એપ્રિલ ૨૦૦૯) મેં અહીંં લખ્યું હતું કે આ ગીત વાંચીને મને એનું સ્વરાંકન કરવાનું મન થઇ ગયું – પણ મને ક્યાં આવડે છે એવી કલા? એટલે મારે તો રાહ જ જોવી પડી..! પણ એ રાહ જોવાનું વ્યર્થ તો ન જ ગયું! ગયા મહિને ‘ટહુકો ફાઉન્ડેશન’ની ટોળકીએ સાન ફર્નાન્ડો વેલીમાં રમેશ પારેખના અને બીજા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી – એમાં વિજયભાઇ ભટ્ટે આ ગીતનું કરેલું સ્વરાંકન – ખૂબ જ ભાવવાહી રીતે રજુ કર્યું.
કાર્યક્રમનો આખો અહેવાલ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો : રમેશ પારેખની યાદમાં – કાર્યક્રમ અહેવાલ
અને વિજયભાઇનું સ્વરાંકન – એમના જ અવાજમાં અહીં માણો – વારંવાર એ સાંભળવું અને ગણગણવું ગમશે એની તો ૧૦૦% ગેરંટી.!!
**************
Posted on April 9, 2009
ગઇકાલે જે ‘સ્વરાભિષેક‘ આલ્બમની વાત કરી, એમાં એક રમેશ પારેખના ગીતની રજૂઆત પહેલા અમરભાઇ પાસે આ ગીતના થોડા શબ્દો સાંભળ્યા, અને ગીત એટલું તો ગમી ગયું કે તરત જ શોધવું જ પડ્યું..
આમ તો ગીતમાં ફાગણની વાત આવે છે.. પણ આવું સરસ ગીત તમારી સમક્ષ મુકવા માટે આવતા ફાગણ સુધી રાહ જોવાઇ? ચૈત્ર મહિનામાં પણ જાણે ફાગણના કાગળો રમેશ પારેખ નામનો ટપાલી આપણે ત્યાં નાખી ગયો એમ લાગશે…!! 🙂
આવા કેટલાય ગીતો વાંચીને ઘણીવાર એમ પણ થાય – જો મને સ્વરાંકન કરતા આવડતું હોય તો? તો આવા સુંદર શબ્દોને મેં પણ સંગીતમય બનાવ્યા હોત..! 😀
(સાવ રે સુક્કુ.. ..Goa_Wildernest Resort : by Vivek Tailor)
* * * * * * *
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
– રમેશ પારેખ
હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી
હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..
પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….
ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..
તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..
– મુકેશ જોષી
સાડા ચારે હરિ – મુકેશ જોશી
અઢી અક્ષરે પ્રેમ લખુ ને બે અક્ષરમાં હરિ
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
હરિ તમે તો શેઠ તમોને સમયબાધ શુ નડશે
મારે તો ઓફિસ મહીથી રજા ય લેવી પડશે
એક રજા ગાળુ તમ સાથે પાછો જનમ ધરી…
સાડા ચારે હરિ ાઆપણે મળવુ છે ને ફરી ?
તમે કહો તે જગ્યા ઉપર આપણ બંને મળિયે
ત્યાંથી સાથે સાથે જાશુ મારા ઘરના ફળિયે
તમે નહી આવો તો મારો દિવો જાય ઠરી..
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
– મુકેશ જોશી