એને નવું વર્ષ કહેવાય… – અંકિત ત્રિવેદી

ene navu varsh
…તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય!

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય
એને નવું વર્ષ કહેવાય…

– અંકિત ત્રિવેદી

ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી – ઈન્દુલાલ ગાંધી

દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

માથે હતું કાળી રાતનું ધાબુ
માગીતાગી કર્યો એકઠો સાબુ
કોડી વિનાની હું કેટલે આંબુ
રૂદિયામાં એમ રડતી છાની
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

લૂગડાંમાં એક સાડલો જૂનો
ઘાઘરો મેલો દાટ કે’દુનો
કમખાએ કર્યો કેવડો ગુનો
તંઈણ ત્રોફાયેલ ચીંથરાંને
કેમ ઝીંકવા તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઘાઘરો પહેરે ને ઓઢણું ધૂવે
ઓઢણું પહેરે ને ઘાઘરો ધૂવે
બીતી બીતી ચારે કોર્યમાં જૂએ
એના ઉઘાડા અંગમાંથી
એનો આતમો ચૂવે

લાખ ટકાની આબરુંને
એણે સોડમાં તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઊભા ઊભા કરે ઝાડવા વાતું
ચીભડાં વેંચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું
વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું
આ પડી જતી નથી કેમ મોલાતું?
શિયાળવાની વછૂટતી વાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ થાવું એને ઝૂંપડી ભેળું
વાયુની પાંખ ઉડાડતી વેળુ
ઠેસ ઠેબા ગડથોલીયા ખાતી
કૂબે પટકાણી રાંકની રાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

-ઈન્દુલાલ ગાંધી

પારેવડા જાજે પીયુ ને દેશ – કાંતિ અશોક

કવિ – કાંતિ અશોક
સ્વરકાર – અવિનાશ વ્યાસ
સ્વર – અનુરાધા

10391466_200096701366_2754807_n
એક શમણું આથમવાને આરે…
Sunset at Chhari-Dhaand Grassland, Kero Dungar (Picture – Vivek Tailor)

પારેવડા જાજે પીયુ ને દેશ
લઇ જાજે મારો સંદેશ …

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો – વેણીભાઈ પુરોહિત

સ્વરઃ મન્ના ડે અને પ્રીતિ સાગર
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ સુરેશકુમાર
ચિત્રપટઃ ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨)

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

આકાશી લાલીથી પારસની પ્યાલીથી
પચરંગી અમરત સંતોષ મને પાઈ ગયો
પાઈ ગયો, પાઈ ગયો.

તમને જોયા ને જરા…

દર્શનના દરબારે અધવચ અંજાઈ ગયો
વાંચી મેં આંખડી તો પંજો વંચાઈ ગયો
રસ્તામાં પવન કોઈ વરણાગી વાઈ ગયો
વાઈ ગયો, વાઈ ગયો.

રસ્તે રોકાઈ ગયો…

જંતરના ઝણકારે, પન્નાના પલકારે
ઠકરાતી ઠોકર હું ચાલમાં જ ખાઈ ગયો
ખાઈ ગયો, ખાઈ ગયો.

તમને જોયાને જરા…

શ્રાવણની સરગમથી તડકો ભીંજાઈ ગયો
મારગની વચ્ચે ક્યાં મારગ ઢંકાઈ ગયો
મેહુલીયા મંડપમાં મહુવરીયો છાઈ ગયો
છાઈ ગયો, છાઈ ગયો.

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

– વેણીભાઈ પુરોહિત

(આભાર ઃ માવજીભાઇ.કોમ)

ગરબા – મેઘલતા મહેતા

આજે નવરાત્રીના છેલ્લા દિવસે સાંભળીએ અમારા બે-એરિયાના જાણીતા કવયિત્રી શ્રીમતી મેઘલતાબેન મહેતાની કલમે લખાયેલા થોડા મઝાના ગરબા. આ બધા ગરબા જે ‘સાહ્યબો મારો’ આલ્બમમાંથી લેવાયા છે, એ તમે એમની વેબસાઇટ પરથી – અહીં ક્લિક કરીને – મેળવી શકશો.

***

નથણી મારી ..

સ્વર : માધ્વી-અસીમ મહેતા
સ્વરાંકન અને સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

મા મારી નજર્યુંની…

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

સોના રૂપાનું મારું બેડલું

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

અમ વચ્ચે બાપુ અમર રહો ! – જુગતરામ દવે


થોડા દિવસ પહેલા મમ્મીના અવાજમાં ‘બાપુજીના પાઠ તમે ભણી જુઓ’ ગીત મૂક્યું હતુ, યાદ છે? (રેંટિયા બારસના દિવસે). એ ગીતની કોમેંટમાં રસિકભાઇએ એક બીજા ગીતના શબ્દો લખ્યા ‘એનું જીવનકાર્ય અખંડ તપો..’ મેં જ્યારે મમ્મીને એ કોમેંટ વાંચી સંભળાવી, મમ્મીએ મને આખું ગીત સંભળાવી દીધું.

એટલે મને થયું, તિથી પ્રમાણે ગાંધીજીની જન્મજયંતિ ઉજવી, તો તારીખ પ્રમાણે બીજી ઓક્ટોબર પણ ઉજવશું જ ને – ત્યારે આ ગીત મુકશું ટહુકો પર.

ગાંધી બાપુને અંતરના પ્રણામ સાથે સાંભળીએ આ ગીત…

સ્વર – ગુલાબબેન ભક્ત

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

એના જીવનમંત્ર સમો ચરખો
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !

અમ જીવનમાં અમ અંતરમાં
એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !

અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
એની પાવક આતમજ્વાળ દહો !

એનો સત્યનો સૂર્ય સદાય તપો
અમ પાપ-નિરાશાના મેલ દહો !

એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
અમ ભારતનાં સહુ ક્લેશ વહો !

એણે જીવતાં રામ સદાય રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;

લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

– જુગતરામ દવે

મુને એકલી મૂકીને રમે રાસ – રિષભ Group

. . . . . . .

હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.

મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….

અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….

સાચી રે મારી સત રે ભવાની માં

આજે નવરાત્રીના પહેલા દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – માણીએ આ ખૂબ જ જાણીતો ગરબો..

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : આદ્ય શક્તિ

* * * * *

સ્વર : ઉષા મંગેશકર અને વૃંદ​
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : ભાથીજી મહારાજ

* * * * *

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતાં કરીશ મા, પૂજાઓ કરીશ મા
ગરબો રે વિરાટનો ઝીલીશ મૈયા લાલ.

જ્યોતિ મા એક તારી છે જ્યોતિ,
તારા સતનું ચમકે રે મોતી,
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા
માડી રે, મારી ભક્તિ ભવાની મા, રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ.

તું તરનારની તારણહારી,
દૈત્યોને તે દીધા સંહારી
શક્તિશાળી ને તું તો જનેતા મા
માડી રે, મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા, હું તો તારા વારણા લઈશ મૈયા લાલ.

જગ માથે એક માયા રચાવી,
દરશન દે તું સામે રે આવી,
સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે, આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૮ : “શ્રીધરાણીના કાવ્યો – કાવ્યસંગીતની દ્રષ્ટિએ ( by અમર ભટ્ટ)

કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યોનો ઉસ્તવ ટહુકો પર ઉજવવાની મને તો ખૂબ મઝા આવી. આશા છે કે તમને પણ આ ગીતો એટલા જ ગમ્યા હશે. (વચ્ચે થોડા દિવસ રજા પાડી દીધી હતી, એ માટે માફ કરશો). આજે માણીએ આ મઝાનો લેખ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસેથી.

કવિ શ્રી કુષ્ણલાલ શ્રીધરાણીની જન્મશતાબ્દી નિમિત્તે (૩ વર્ષ પહેલા) ગુજરાતમાં એમના જીવન અને સર્જન વિષે એક પરિસંવાદ યોજાયો હતો, એ વખતે એમના વિષે જે પુસ્તક પ્રગટ થયું, એમાંથી આ લેખ લેવામાં આવ્યો છે. અને એ કાર્યક્રમમાં અમરભાઇ એમના ગીતો સ્વરાંકન સાથે પણ રજૂ કર્યા હતા. એ પરિસંવાદના વક્તવ્યોના થોડા અંશો, અને અમરભાઇના સ્વરાંકનમાં એમના ગીતો ટહુકો પર ચોક્કસ માણીશું – Hopefully sooner than later 🙂

આ લેખ ટહુકો માટે ખાસ મોકલવા માટે અમરભાઇનો ખૂબ ખૂબ આભાર.

Article_Page_1 Article_Page_2 Article_Page_3 Article_Page_4

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૭ : ત્રણ ગીતો (અભિલાષ, વસંતના અવતાર, શબ્દબ્રહ્મ)

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વના ૭ મા દિવસે એક નહિં, ત્રણ ગીતો એક સાથે…. અને તો યે આ પર્વની પૂર્ણાહૂતી નથી, એક વધુ – બોનસ પોસ્ટ.. બસ થોડી જ વારમાં..!!
ત્યાં સુધી સાંભળો કવિ શ્રી નું સૌથી પહેલું ગીત – અભિલાષા – અને બીજા બે એવા જ મઝાના ગીતો..!!

******

અભિલાષ 

સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી

તારા! તારા! ત્હારા જેવી
મીઠી, મીઠી, આંખ દે!
પંખી મીઠા! ત્હારા જેવી
ચેતનવંતી પાંખ દે !
સાત સમંદર વીંધી જાઉં,
હસતી આંખે જોતો જાઉં !

મધમાખી તું તારા જેવી
મુજને મીઠી ખંત દે !
કોયલ બહેની! તારા જેવો
મીઠો મીઠો કંઠ દે !
વિશ્વ તણો મધુકોશ ભરું ,
ચૌદ લોક ટહુકાર કરું !

સાગર ઊંડા, તારા જેવો
ધીર ઘોર ઘૂઘવાટ દે!
વેગી વાયુ, તારા જેવો
વેગીલો સુસવાટ દે!
વિશ્વ ધ્રુજે, ઘૂઘવાટ કરું,
સાગર શો હું જ્યાં ગરજુ!

આશા! ચાલો બા ને કહીએ ,
રમકડા તું આવા દે !
બહેની બહેની ત્યાર પછી તો ,
જગ નાં રાજા આપણ બે !
બાળક નાના હું ને બ્હેન ,
તો ના કરત કશા નું વ્હેન !

-ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણી
24 -4-’28

—————————————————————-
વસંતના અવતાર
સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી
કોકિલ ના શા કંઠ ગવાતા ,
પ્રફુલ્લતા આંબા ના મોર
કેસુડાં ના કેસર ખીલ્યાં ,
લીમ્બડીઓ નો ફોરે કૉર
              કુંપળ હસતી અપરંપાર
              વન વન વસંત ના અવતાર !
ગુંજે ધૂન અલખ ની કંઠે ,
મ્હોરંતા જીવન ના મોર
નવરંગો ખીલે અંતર નાં
પ્રેમ ધર્મ ની ફૂટે ફોર
               ઉર માં ભાવો અપરંપાર
               જન જન વસંત ના અવતાર !
-5-3-’28
————————————————————
શબ્દબ્રહ્મ
સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી
સૃજન ની આંખ ઉઘડી,
કવિ ની પગલી પડી
હૃદય ની તુંબડી માંથી
ભાવના-દંડીકા ચડી
કાળજે કર્યું કોડિયું
તેલ ભક્તિ તણું પૂર્યું
ઊર્મિ ની જ્યોત માંથી તો
કલ્પના તાર થી મઢ્યું
બ્રહ્મ ના એકતારા શા
કવિ નું ગાન ઉપડ્યું !
-17-2-’32
————————————————————