ગ્લૉબલ કવિતા : ૧૮૨ : એક મત – એમી નેઝૂકૂમાતાટીલ

One Vote

After reading a letter from his mother, Harry T. Burn cast the deciding vote to ratify the 19th amendment of the U.S. Constitution

My parents are from countries
where mangoes grow wild and bold
and eagles cry the sky in arcs and dips.
America loved this bird too and made

it clutch olives and arrows. Some think
if an eaglet falls, the mother will swoop
down to catch it. It won’t. The eagle must fly
on its own accord by first testing the air-slide

over each pinfeather. Even in a letter of wind,
a mother holds so much power. After the pipping
of the egg, after the branching—an eagle is on
its own. Must make the choice on its own

no matter what its been taught. Some forget
that pound for pound, eagle feathers are stronger
than an airplane wing. And even one letter, one
vote can make the difference for every bright thing.

– Aimee Nezhukumatathil


એક મત

પોતાની માનો પત્ર વાંચ્યા પછી, હેરી ટી. બર્ને ૧૯મા અમેરિકી સંવિધાનના ૧૯મા સુધારાને બહાલી આપતો નિર્ણાયક મત આપ્યો.

મારા મા-બાપ એ દેશોમાંથી છે
જ્યાં પુષ્કળ અને રસદાર કેરીઓ થાય છે
અને ગરુડો આકાશને કમાનો અને ડૂબકીઓથી ચીરે છે.
અમેરિકાને પણ આ પક્ષી ગમી ગયું અને

એણે એના પંજામાં જેતૂન અને તીરો પકડાવ્યા.
કેટલાક લોકો વિચારે છે કે ગરુડનું બચ્ચું પડી જાય, તો
એની મા ઝપટ મારતીકને એને ઝાલી લે છે. એવું હોતું નથી.
ગરુડે આપમેળે જ ઊડવાનું હોય છે, દરેક વિકાસ પામતા

પીછાં પર હવાનો પહેલવહેલો માર અનુભવીને.
પવનના એક પત્ર સુદ્ધામાં પણ એક મા કેટલી શક્તિશાળી હોય છે.
કોચલું ફૂટે, અને ડાળ પરનો અભ્યાસ પતે એ પછી ગરુડ
પોતાના દમ પર છે. આપમેળે જ પસંદગી કરવાની રહે છે,

કોઈ ફરક નથી પડતો કે શું શિખવાડાયું છે. લોકો ભૂલી જાય છે કે
ગ્રામ પ્રતિ ગ્રામના હિસાબે, ગરુડના પીંછા હવાઈજહાજની પાંખ કરતાં
વધુ મજબૂત હોય છે, અને ત્યાં સુધી કે એક પત્ર, એક મત પણ
હરએક તેજસ્વી વસ્તુ માટે તફાવત આણી શકે છે.

– એમી નેઝૂકૂમાતાટીલ
(અનુ.: વિવેક મનહર ટેલર)


‘એક’ની તાકાત…

ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવાનું નક્કી કરાયું. ભિક્ષુઓ ગામેગામ ફરીને સોનું-ચાંદી ઊઘરાવવા નીકળ્યા. સહુએ હર્ષોલ્લાસથી ખૂબ દાન કર્યું. ઝોળીઓ સોના-ચાંદીથી છલકાઈ ગઈ. કિંમતી ધાતુઓને ગાળીને વિશાળ બુદ્ધપ્રતિમાનું નિર્માણ કરાયું પણ પ્રતિમાનો ચહેરો? એ તો સા…વ નિસ્તેજ! આમ કેમ થયું હશે? ચાર-પાંચવાર પ્રતિમાને ફરી-ફરીને ગાળીને પુનર્નિર્માણ કરાવાયું. પણ બુદ્ધના ચહેરા પર છલકવા જોઈતા સંપૂર્ણ શાંતિ-આનંદ-સંતોષના ભાવ ન આવ્યા તે ન જ આવ્યા. લાંબી પૃચ્છાના અંતે જણાયું કે એક ગરીબ છોકરી પાસે તાંબાનો એકમાત્ર ઘસાયેલો સિક્કો હતો, જેણે એણે મહામૂલી જણસ પેઠે લાંબા સમયથી સાચવી રાખ્યો હતો. પોતાની આ એકમેવ મૂડી ભારે શરમસંકોચ સાથે એણે ભેટ ધરવા ચાહી હતી. પણ ચાંદીસોનાથી છલકાતી ઝોળીવાળા ભિક્ષુને મન એવી તુચ્છ ભેટની શી કિંમત? એણે એ ભેટનો અસ્વીકાર કર્યો હતો. બાળકીને શોધી કાઢીને આદરપૂર્વક એ સિક્કો ફરી મંગાયો. બાળકી તો ખુશખુશાલ! અન્ય ધાતુની સાથે એ સિક્કો મેળવીને પ્રતિમા બનાવાઈ ત્યારે કરુણામૂર્તિ બુદ્ધનો કાંતિવંત ચહેરો ખીલી ઊઠ્યો. દિલથી કરાયેલા દાનના મહત્ત્વની સાથોસાથ આ વાર્તા નાનામાં નાની વસ્તુની મોટામાં મોટી કિંમતનો પદાર્થપાઠ પણ ભણાવે છે. સિંધુસર્જનમાં બિંદુનો મહિમા શીખવે છે. લોકશાહીમાં પણ મતને ‘પવિત્ર’કરાર આપીને ‘એક મત’નું મહત્ત્વ આપણને નાનપણથી જ શીખવાડાય છે, પણ સમજણ આવે અને મતાધિકાર મળે ત્યારે પહેલો વિચાર એ આવે કે લાખો-કરોડો લોકો મતદાન કરતાં હોય એ સમયે કોઈ એક મતનું શું મહત્ત્વ? આપણો એક મત દેશની રાજનીતિમાં કોઈ ફરક સર્જે ખરો? ભારતીય મૂળના કવયિત્રી એમીની આ રચના ‘એક મત’નું ગૌરવગાન છે.

એમી નેઝૂકૂમાતાટીલ (neh-ZOO / KOO-mah / tah-TILL). ૧૯૭૪માં શિકાગો, અમેરિકા ખાતે જન્મ. માતા ફિલિપિનો અને પિતા દક્ષિણ ભારતીય. શિકાગો, આયોવા, એરિઝોના, કન્સાસ, ન્યૂયૉર્ક અને ઓહાયો -નાની વયે ઘણાં શહેરો અને શાળાઓ બદલવાનું થયું એટલે નવા શહેરોની સાથે નિતનવા મિત્રો અને લોકો સાથે ભળવાનું થયું. મા-બાપનો અપૂર્વ બાગકામ અને પ્રકૃતિપ્રેમ એમીના જીવન-કવનમાં પણ ઊતર્યો. મુસાફરી કરવાનો શોખ અને મુસાફરી દરમિયાન પંચેન્દ્રિયો ઊઘાડી રાખી નોંધપોથીમાં તમામ અવલોકનો, અનુભૂતિઓ આકારતા જવાની આદત આ નાની વયના કવયિત્રીની કવિતામાં વર્તાતી પાકટતાનું એક કારણ હોઈ શકે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી. અનેક ઇનામ-અકરામોથી નવાજાઈ ચૂક્યાં છે. લેખક પતિ ડસ્ટિન પાર્સન અને બે પુત્રો સાથે મિસિસીપી રહે છે અને ત્યાંની જ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં અંગ્રેજી અને સર્જનાત્મક લેખનના પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. કવિતાના ચાર પુસ્તકો ઉપરાંત એક પ્રકૃતિ નિબંધનું પુસ્તક તથા એક સ્વતંત્ર અને એક સહિયારી ચેપબુક એમના નામે છે. એમની કવિતાઓમાં જિંદગીના રોજિંદા તથ્યો અલગ જ ધાર સાથે રજૂ થતા અનુભવાય છે. આ ધાર આપણી થીજી ગયેલી સંવેદનાઓને ચીરીને ફરી નીંગળતી કરી મૂકે એવી છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ લખે છે: ‘એની અજબ, રસીલી કવિતાઓના ડીએનએમાં સંસ્કૃતિની સેરો વણાયેલી છે.’

પ્રસ્તુત કવિતાનું શીર્ષક ‘એક મત’ સ્વયં-સ્પષ્ટ છે. કાવ્યારંભે નાનકડો અભિલેખ અને એ પછી ચાર-ચાર અનિયત પંક્તિઓના ચાર બંધ. જો કે એકેય બંધ કવિતાને બાંધતો દેખાતો નથી. એક પાત્રમાંથી બીજામાં પાણી જે સહજતાથી રેલાય, એ જ રીતે વાક્યો એકમાંથી બીજા બંધમાં અટક્યા વિના પ્રસરે છે. આ અપૂર્ણાન્વય રીતિના કારણે છંદ કે પ્રાસની દોરીથી બંધાઈ ન હોવા છતાં કવિતાની સળંગસૂત્રિતા જળવાયેલી લાગે છે.

‘એક મત’ કવિતા વિશે મત બાંધતા પહેલાં મતદાનનો ઇતિહાસ પણ જોઈ લઈએ. મતદાનની પ્રથા કંઈ આજકાલની નથી. ઇતિહાસના પાનાં પલટાવીએ તો ખ્યાલ આવે કે ઈસુથી પાંચસો વર્ષ પૂર્વે ગ્રીસમાં લોકશાહી અને મતદાનપ્રથા અસ્તિત્વમાં હતી. રસપ્રદ વાત એ હતી કે એ સમયનું મતદાન નકારાત્મક હતું. મતલબ, જે ઉમેદવારને છ હજાર કે એથી વધુ મત મળે, એને રાજવટો મળતો. ઘડાના તૂટેલા ટુકડા (ostraka) પર નામ લખીને મતદાન થતું. આ ઓસ્ટ્રાકા પરથી આજનો શબ્દ ‘ઓસ્ટ્રસાઇઝ’ (ostracize) અર્થાત્ ‘સમાજ કે નાતબહાર કરવું’ અસ્તિત્વમાં આવ્યો. આજે જે પ્રકારની મતદાનપ્રથા છે, એ કદાચ પહેલવહેલીવાર તેરમી સદીના વેનિસમાં અમલી થઈ હતી. સત્તરમી સદીમાં યુરોપ અને ઉત્તર અમેરિકામાં લોકશાહી ઢબે મતદાનથી સરકાર રચાવાની શરૂઆત થઈ.

જો કે, આ કવિતામાંથી પસાર થતાં પહેલાં કેટલીક પૂર્વભૂમિકા અનિવાર્ય બની રહે છે. કવિતાની શરૂઆત એક અભિલેખથી થાય છે, જેમાં આપણી મુલાકાત થાય છે હેરી ટી. બર્ન તથા અમેરિકી સંવિધાનના ૧૯મા સુધારા સાથે. અમેરિકામાં ૧૭૭૬થી મતદાનપ્રથા ચલણમાં આવી. એ સમયે જો કે ૨૧ વર્ષથી વધુ વયના ગોરા અમેરિકનોને જ મતાધિકાર હતો. આજે કદાચ નવાઈ લાગે પણ સો વરસ પહેલાના અમેરિકામાં સ્ત્રીઓને મતાધિકાર ન્હોતો. ૧૮૯૩માં ન્યૂઝીલેન્ડ વિશ્વનો પ્રથમ સ્વતંત્ર દેશ બન્યો જ્યાં ‘તમામ’ સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો. નવાઈ લાગે પણ સઉદી અરેબિયામાં ૨૦૧૭ સુધી સ્ત્રીઓને મતાધિકાર નહોતો. અફઘાનિસ્તાન, યુગાન્ડા, કેન્યા અને પાકિસ્તાન જેવા દેશોમાં હજીય સ્ત્રીઓને ‘સહજ અને સ્વીકૃત’ મતાધિકાર મળ્યો નથી. અને સૌથી વધુ ચોંકાવનારી હકીકત એ છે કે જે વેનિસમાં તેરમી સદીમાં મતદાનપ્રથા અસ્તિત્ત્વમાં આવી હતી એના વેટિકન સિટીમાં પૉપની ચૂંટણીમાં આજની તારીખે પણ સ્ત્રીઓને મતાધિકારનો હક નથી. અમેરિકામાં ઓગણીસમી સદીના મધ્યમાં સ્ત્રી મતાધિકાર (suffrage) પ્રાપ્તિ માટેની ચળવળો શરૂ થઈ. સિત્તેરેક વર્ષ લાંબી લડાઈ, ચળવળો અને કૉર્ટ-કેસોના અંતે ૧૮ ઑગસ્ટ, ૧૯૨૦ના રોજ અમેરિકામાં સંવિધાનના ૧૯મા સુધારા સ્વરૂપે પહેલવહેલીવાર સૂરજ સ્ત્રીઓની તરફેણમાં ઊગ્યો. સંવિધાનના ૧૯મા સુધારા બાબતનું મતદાન કંઈક એ રીતે થયું હતું કે માત્ર ૨૪ વર્ષના યુવાન હેરી ટી. બર્નના હાથમાં એ સમયની એકસો સિત્તેર લાખ સ્ત્રીઓનું ભવિષ્ય લખાયું. મતદાન માટે આવ્યા ત્યારે હેરીના ખિસ્સામાં એની માતા ફેબ ઈ. બર્નનો પત્ર હતો, જેમાં હેરીને ‘ગુડ બોય’ બનવાની સૂચનાની સાથે સ્ત્રી મતાધિકાર તરફેણમાં મત આપવાની હિમાયત પણ કરાઈ હતી. આ એક મતથી સાત દાયકાઓ લાંબી ચળવળ અને સ્ત્રી-પુરુષ અસમાનતાનો અંત આવ્યો. કવિતાનું શીર્ષક ‘એક મત’ બર્નના આ નિર્ણાયક મતને ધ્યાનમાં રાખીને નિર્ધારાયું છે એ શરૂમાં જ સમજાઈ જાય છે.

અભિલેખ પછીની કવિતા આત્મકથનાત્મક અથવા સ્વગતોક્તિ સ્વરૂપે છે. કવયિત્રી પોતાના માતા-પિતાની જન્મભૂમિઓ ભારત તથા ફિલિપાઇન્સને યાદ કરે છે. આ બંને ઉષ્ણકટિબંધીય દેશોમાં કેરીનો મબલખ પાક ઊતરે છે. કેરીનો કાવ્યપ્રવેશ અહીં માત્ર ગરુડના આવણું ગાવા પૂરતો જ છે. અહીંથી અંત સુધી ગરુડ જ કાવ્યનાયક છે. કવયિત્રીના પૂર્વજોન દેશોમાં ગરુડો આકાશ ચીરતી કલાકારીઓ કરે છે. ગગનચુંબી ગગનચીરી ઉડાનો ભરતું આ પક્ષી અમેરિકાની પસંદ બન્યું અને અમેરિકાએ એના પંજામાં જેતૂન અને તેર પકડાવ્યાં. થોડું અટકીને સમજવા માટે આપણા માટે આ બીજો નવો સંદર્ભ છે. ૨૦ જુન, ૧૭૮૨ના રોજ અમેરિકી કોંગ્રેસે ટાલિયા ગરુડને અમેરિકાના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકાર્યું. ટાલિયા ગરુડ માત્ર ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. તેઓ વધુ ખડતલ, સ્વતંત્ર, હિંમતવાળા અને વિશ્વાસુ હોય છે. વધુ ઊંચાઈથી વધુ દૂરનું જોઈ શકે છે. ઊંચી ઊડ્ડયનના કારણે એ સર્જનહારની વધુ નજીક મનાય છે. આમ તો આ રાષ્ટ્રીય ચિહ્નમાં તમામ રંગ-રેખાઓ સાથે કોઈને કોઈ સંદર્ભ જોડાયેલ છે પણ કવિતામાં જેતૂન (ઓલિવ) અને તીર (arrows)ની વાત આવે છે, એટલે આપણે એટલું જ જોઈએ. જેતૂન અને તીરગુચ્છ – બંને સંયુક્તપણે સૂચવે છે કે અમેરિકાની શાંતિ માટે તીવ્રપણે ઇચ્છુક છે, પણ યુદ્ધ માટે પણ હંમેશા તૈયાર છે. ગરુડની ડોક જેતૂનશાખા તરફ છે, જે મૂલતઃ શાંતિ પરત્વેનો અમેરિકાનો સવિશેષ પક્ષપાત ઇંગિત કરે છે. આ પ્રતીકમાં તીર પણ તેર છે, અને જેતૂન તથા જેતૂનના પાંદડાઓ પણ તેર-તેર જ છે. તેરનો આ આંકડો તત્કાલિન અમેરિકાના મૂળ તેર રાજ્યોની સંખ્યા સૂચવે છે.

અભિલેખમાં અમેરિકાના બંધારણીય સુધારા માટેના નિર્ણાયક મતનો ઉલ્લેખ કર્યા બાદ કવયિત્રી આપણને એમના પૂર્વજોની ભૂમિથી શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રીય ચિહ્ન સુધી લઈ આવે છે. અહીં સુધી કવિતા સામાન્યસ્તર પર જ રહે છે. અહીંથી ગરુડની જન્મજાત લાક્ષણિકતાઓની વાત શરૂ થાય છે અને કવિતા એક નિશ્ચિત ધ્યેય તરફ નિર્ધારિત ગતિ કરતી અનુભવાય છે.

ગરુડ વિશેની જનમાનસમાંની ગેરસમજ કવયિત્રી દૂર કરે છે. ઘણા લોકો એમ માનતાં હોય છે કે ગરુડનું નવજાત બચ્ચું માળામાંથી નીચે પડે તો એની મા પલક ઝપકતાંમાં જ ઝપટ મારીને એને ઝાલી લે છે, પડતું બચાવી લે છે. પણ હકીકત આ નથી. હકીકતમાં વિકાસ પામતાં દરેક પીંછા પર હવાનો પહેલવારુકો વાર અનુભવીને ગરુડે આપમેળે ને આપબળે જ ઊડવાનું હોય છે. જન્મદાત્રી મા સુદ્ધાં એની સહાયક બનતી નથી. મત અને માતાની વાતથી કવિતા શરૂ કર્યા બાદના આટલા ગરુડપુરાણ પછી ફરીવાર મા અને એનો પત્ર કવિતામાં ડોકિયું કરે છે, ત્યારે સમજાય છે કે અમેરિકા જેવા સશક્ય દેશનું પ્રતીક ગરુડ હેરી બર્નનું પણ પ્રતીક છે. માતાએ તો પત્ર લખીને સૂચના આપી દીધી. કૉંગ્રેસના વિશાળ આકાશમાં હેરીએ સ્વમતે જ ઊડવાનું છે. નિર્ણાયક મત આપવામાં કોઈ ભૂલ થાય તો માતા બચાવવા આવનાર નથી. ગરુડની બાળપાંખ પર પવનના અક્ષરોથી જીવનનો વિકાસપત્ર લખતી માતા કેટલી શક્તિશાળી હોય છે, નહીં! કોચલું ફૂટે અને બાળગરુડનો ડાળ પરનો અભ્યાસક્રમ પૂર્ણ થાય એટલી જ વાર મા એનું ધ્યાન રાખે છે. ઇંડાની અંદર રહેલ બાળગરુડની ચાંચ પર સહેજ ઉપસેલો એક વિશેષ ભાગ હોય છે, જેને એગ-ટૂથ કહે છે. આ દાંત વડે બચ્ચું ઈંડાનું કોચલું તોડી બહાર આવે છે. પ્રથમ તડને પિપ અને આ ક્રિયાને પિપિંગ કહે છે, જેના માટે આપણી ભાષામાં કદાચ કોઈ શબ્દ નથી. બચ્ચું ઊડવા યોગ્ય બને એ પહેલાં એ પહેલાં એ માળામાંથી નીકળીને ડાળ પર પહોંચે છે, પાંખો ફડફડાવે છે અને ડાળ પરથી કૂદકા મારે છે, જેનાથી એમની પાંખોના ઊડ્ડયન માટેની માંસપેશીઓ મજબૂત થાય છે અને માળાબહારના જીવનને અનુરૂપ થવાની સમજ કેળવાય છે. આ ક્રિયાને બ્રાન્ચિંગ કહે છે, પણ એના માટે પણ આપણી પાસે કોઈ યોગ્ય શબ્દ નથી.

માતાના નિરીક્ષણ હેઠળ બચ્ચું આટલી તાલિમમાં સફળ થઈ જાય એ પછી એ બહારની દુનિયામાં માત્ર પોતાના દમ પર જ છે. અને બહારની દુનિયામાં માળામાં શું-શું શિખવાડાયું છે એના કારણે કોઈ ફરક પડતો નથી. ત્યાં તો come what may જ છે. ત્યાં અસ્તિત્ત્વ માટેનો સંઘર્ષ માત્ર સ્વકીય છે. આકાશની અનંતતામાં માત્ર પોતાના બળ-બુટ્ટે જ ટકી રહેવાનું છે. કવયિત્રી પુનઃ માન્યતાથી વિરુદ્ધ વાસ્તવિક્તા સાથે આપણને અવગત કરાવે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો ગ્રામ પ્રતિ ગ્રામ ગરુડનું પીંછું વિમાનની પાંખ કરતાં વધુ મજબૂત હોય છે. વિમાનના વિશાળ કદ સાથે ગરુડના અલ્પ કદની સરખામણી કરતી વખતે આ વાત ધ્યાનમાં હોવી જોઈએ. વિમાન ભલે ખૂબ મોટું કેમ ન હોય, કદ અને શક્તિની સરખામણી થાય તો ગરુડ ચાર ચાસણી ચડિયાતું છે. માતા ફેબ ઈ. બર્નએ હેરીને પત્રમાં શું લખ્યું હશે એની તો આપણને જાણ નથી પણ અસીમ આભના મહાસાગરમાં નજીવી બુંદ સમ ભાસતા ગરુડને વિમાનની તુલનાએ વધુ મજબૂત હોવાની વાસ્તવિક્તા રજૂ કરીને કવયિત્રી મા-દીકરાના પત્રમાંના અર્કની આપણને જાણ કરે છે. કૉંગ્રેસ ગમે એવડી મોટી સત્તા કેમ ન હોય, દીકરા! તારો એક જ મત આમૂલ પરિવર્તન આણવા, ઇતિહાસ સર્જવા શક્તિશાળી છે… કોઈ એક પત્ર, કોઈ એક મત કે એવી કોઈ પણ એક વસ્તુ દુનિયા આખીના સમીકરણો બદલી નાંખવા સમર્થ છે. ગાંધી આંધી બની શકે છે ને હિટલર જગકસાઈ બની શકે છે, આત્મશ્રદ્ધા હોવી ઘટે બસ. કોઈ એક મત, કોઈ એક વિચાર, કોઈ એક પુસ્તક કે કોઈ એક વ્યક્તિએ જગત સમસ્તમાં ક્રાંતિ આણી હોવાના સેંકડો દાખલા આપણી સામે છે જ…

થોડો બાવળને આવ્યો કંટાળો – કૃષ્ણ દવે

કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.

થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
– કૃષ્ણ દવે

ટહુકોની ડોક્ટર – Engineer દિપલ પટેલ

તમે જો છેલ્લા એક મહિનામાં ટહુકો.કોમની મુલાકાત લીધી હોય, અથવા તમને ટહુકો.કોમની નવી પોસ્ટના Notifications આવ્યા હોય, તો તમને ખબર જ હશે કે છેલ્લા એક મહિનાથી ટહુકો.કોમ Website ICU માં હતી એમ કહી શકાય. થોડા દિવસ તો વેબસાઇટ ખુલી જ નહી. Hosting Company એ Serve બદલવા માટે બધુ upgrade કર્યું એમાં કઈક તો એવુ થયુ કે પહેલા Audio Plugin માં તકલીફ પડી અને ગીતો સંભળાતા બંધ થઇ ગયા. અને એને સુધાર્યુ ત્યારે દરેક ગુજરાતીમાં લખાયેલો શબ્દ Junk Character અથવા ??????? ????? દેખાવા લાગ્યો.

તો આજે તમે આ પોસ્ટ વાંચી શકો છો – ટહુકો પર છેલ્લા ૧૩ વર્ષમાં મુકાયેલી દરેક પોસ્ટ વાંચી અને સાંભળી શકો છો – એનો યશ જાય છે – દિપલ પટેલ ને!! જે એક Engineer છે અને ટહુકો માટે એની Doctor બની ને એને સાજો કર્યો!

એક મહિના સુધી અલગ અલગ લોકો સાથે વાત કરી, કેટકેટલા કલાકો ટહુકોની વેબસાઇટ ફરી સાજી કરવાના પ્રયત્નો કરી જોયા અને આજે ફરીથી ટહુકો ટહૂકતો થયો. સાથે સાથે એણે કવયિત્રી પન્ના નાયકની વેબસાઇટ – www.pannanaik.com – એને પણ સાજી કરી. આજે દિપલની સાથે એ દરેક મિત્રોનો આભાર માનું છું જેમણે ટહુકોને ફક્ત આ વખતે જ નહિં, પણ દરેક વખતે ટહુકોને મદદ કરી છે.

અને તમે ટહુકો પર વારંવાર ગીત સાંભળતા કે કવિતાઓ માણતા હો, તો દિપલનું નામ અજાણ્યુ નહી હોય તમારાથી.. છેલ્લા ૨-૩ વર્ષથી ટહુકો પર અવારનવાર નવી પોસ્ટ મુકવાનું કામ તો દિપલ કરે જ છે, અને આજ સુધી માં ૧૦૮ ગીતો-કવિતાઓ એ તમારા સુધી લઇ આવી છે.

પણ આ ૩૦ વર્ષની છોકરી ફક્ત એક સારી Engineer કે ટહુકોની સંચાલક નથી. એ છે એક વૂક્ષિકા – જેણે ૨૧ વર્ષની ઉંમરે – પોતાના ગલ્લામાંથી ૨૨,૦૦૦ ખર્ચીને નડિયાદમાં પોતાના ઘરની બાજુના રસ્તે ૫૦ (Yes, 50) છોડવાઓ જાતે રોપ્યા જે આજે ઘટાદાર વુક્ષો બની ને કેટલાય લોકો અને પંખી-પ્રાણીઓ ને છાંયો અને આશરો આપે છે. વધુ વિગતો તમે અહીં એના પોતાના શબ્દોમાં વાંચો.
https://dipalsblog.wordpress.com/

અને આ જ છોકરી – ફકત ૨૧ વર્ષનીં ઉંમરે – ૧૨૦ વિદ્યાર્થિનીઓ – જે એનાથી આમ તો બસ ૨-૩ વર્ષ નાની હશે – એમની હોસ્ટેલ રેક્ટર પણ રહી ચૂકી છે. દિપલના જ શબ્દોમાં એ વિષે પણ અહીં વાંચી શકો છે.
https://dipalsblog.wordpress.com/2020/11/27/hostelrectorexperiences/

દિપલ ના અમેરિકા ફરવાના અનુભવો, World tour (which got cut short due to Covid) ની વાતો, એણે બનાવેલી વાનગીઓ, એના painting અને Art work, એણે વાંચલી ચોપડીઓ વિષેની વાતો.. એવું ઘણું બધુ તમને એના બ્લોગ પર મળશે.

અમેરિકામાં થોડા વર્ષો રહ્યા પછી દિપલ અને અનુજ હમણાં બેંગ્લોરમાં છે – દિપલ ટહુકોને મદદ કરવાની સાથે સાથે – વિચરતા સમુદાય સમર્થન મંચ (https://www.vssmindia.org/) – સાથે જોડાયેલી છે, અને હા, શિર્ષાશન કરતા કરતા Dance કરી શકે એટલી સરસ Yoga Teacher પણ છે!

દિપલ આમ તો ૧૩-૧૪ વર્ષની હતી ત્યારથી ટહુકો સાંભળે છે, પણ એ મને ક્યાં મળી અને કેવી રીતે? એની વાત પણ વાંચો અહિં..
https://dipalsblog.wordpress.com/2020/12/02/tahuko/

દિપલ, તું ટહુકો પરિવારની જ છે, પણ આજે બધા સાથે તારી Official ઓળખાણ કરાવતા આનંદ થાય છે.

કરુણામયી માત – વિહાર મજમુદાર

શબ્દરચના, સ્વરાંકન – વિહાર મજમુદાર

.

કરુણામયી માત ભવાની મહાદેવી
કરુણામયી માત ભવાની…..

તું જ તેજ, તું જ પ્રભા, તું જ જ્ઞાન, તું પ્રકાશ
તું જ દયા, તું જ કૃપા, તવ દર્શન સર્વ આશ
પરમેશ્વરી માત ભવાની મહાદેવી….કરુણામયી..

પુષ્પ તણી છાબ ભરી હૃદયે શુભ ભાવ ભરૂં
તવ ચરણે નમન કરી શ્રદ્ધાનો દીપ ધરૂં
વરદાયીની માત ભવાની મહાદેવી…કરુણામયી…

રમ્ય ગગન, રમ્ય ધરા, રમ્ય પર્વ, રમ્ય રાત
દિવ્ય તેજ પૂંજ થકી પ્રગટ્યાં જગદંબા માત
સર્વેશ્વરી માત ભવાની મહાદેવી…..કરુણામયી…
-વિહાર મજમુદાર

દીવો રે પ્રગટાવો નાથ -રવીન્દ્ર ઠાકોર

સૌને દિવાળીની શુભેચ્છાઓ
આ દિવાળીના પર્વે ચાલો દીવો પ્રગટાવીએ અને આ સુંદર પ્રાર્થના સાંભળીએ.

સ્વર અને સંગીત:સચિન લીમયે
સ્વરકાર : ભાઈલાલ શાહ

.

દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો,
દીવો રે પ્રગટાવો !

ઘોર રે અંધારું ભર્યું ઘટ ઘટમાં મારે,
નજરું માંડું તો સુઝે પથ ના રે પગથારે;
એક તો પગલીનો પંથ કોઈ તો બતાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !

સૂનું સૂનું કોડિયું ને સૂની આજ એની વાટ,
પ્રગટાવો જ્યોતિ એની સુની આજ મારી વાટ !
ચેતનની ચિનગારી આજ ઘડી તો જલાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !
-રવીન્દ્ર ઠાકોર

એક ટીપું આંસુનું – જયશ્રી મર્ચન્ટ

આંખથી અનાયાસે
ખરી પડેલાં આંસુને
ચાંચમાં ઝીલવા,
કોઈક ચાતક
ક્યાંક તો વાટ જોતું હશે,
બસ, એ એક ભ્રમમાં
હું તો વરસાવતી રહી,
આંસુનો વરસાદ સતત…

પણ ત્યારે ચાતક ક્યાંય ન હતું
હવે ચાતક
મારા આંગણામાંના
ઝાડની ડાળ પર બેઠું છે
પણ, મારી આંખે
નથી તો શ્રાવણ
કે નથી ભાદરવો
છે કેવળ સૂનકાર…
-જયશ્રી મર્ચન્ટ

જીવન જ્યારે સુકાય ત્યારે – રવિન્દ્રનાથ ટાગોર

7મૅ એટલે કવિવર ટાગોરનો જન્મદિવસ.એમનાં ગીતોના સમગેય અનુવાદોના ગાનનો કાર્યક્રમ વિશ્વકોશમાં 7 ઑગસ્ટ 2019 (ટાગોર નિર્વાણદિન)ને દિવસે યોજાયેલો. ટાગોરપ્રેમી શૈલેશ પારેખનો વિચાર એવો હતો કે શબ્દોમાં ગુજરાતી અનુવાદ હોય અને સ્વરાન્કન ટાગોરનાં – મૂળ બંગાળી પ્રમાણે.

આજે એવો એક સમગેય અનુવાદ સાંભળો.

ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જૅલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલાન થયું. તે જ દિવસે અંગ્રેજ વડાપ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જયારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.
ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘Gandhi the years that changed the world 1914-1948’ માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘….on the afternoon of the 26th, the poet ‘bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji…. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. …To celebrate, Tagore sang a verse from his Nobel Prize-winning poem, Gitanjali. Kasturba then offered her husband some orange juice,…’
મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે:
‘કવિએ “જીવન જખન શુકાયે જાયે” ગાયું.સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા.’
તાળાબંધી દરમિયાન મેં માત્ર હાર્મોનિયમ ને મંજીરાંને સહારે ગાયેલી આ રચના સાથે આ કવિઓના કવિ ટાગોરને વંદન.
-અમર ભટ્ટ

કવિ: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ:ગાન:અમર ભટ્ટ

.

જીવન જ્યારે સુકાય ત્યારે
કરૂણાધારે આવો
સકળ માધુરી છુપાય ત્યારે
ગીતસુધારસે આવો

કર્મ પ્રબળ આકારે જ્યારે
ગાજે,ઘેરે ચારે કોરથી ત્યારે
હૃદયપ્રાંગણે હે જીવનનાથ!
શાંત ચરણે આવો

દીન બની મન મારું જ્યારે
ખૂણે પડ્યું રહે થાકીને ત્યારે
દ્વાર ખોલી હે ઉદાર નાથ!
વાજન્તા ગાજન્તા આવો

વાસના ધૂળ ઊડાડી જ્યારે
અંધ કરે આ અબોધને ત્યારે
હે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો!

હરિને ન નિરખ્યા જરી – નાન્હાલાલ કવિ

સ્વર:ફાલ્ગુની શેઠ

.

મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી
એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી

શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયાં
નથી દેવનાં દર્શન રે કીધાં તેમાં રક્ત રહ્યાં

પ્રભુ સઘળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યાં
નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઊભર્યા

નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે

જરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ સદા
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા

પણ પૃથ્વીનાં પડળો રે શી ગમ તેને ચેતનની
જીવે સો વર્ષ ઘુવડ રે ન ગમ તોયે કંઈ દિનની

સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ વિરાટ’ વદી

પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્યારે ઊઘડશે
એવાં ઘોર અન્ધારા રે પ્રભુ ક્યારે ઊતરશે

નાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા
નેનાં નીરખો ઊંડેરું રે હરિવર દરસે સદા

આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી
એક મટકું તો માંડો રે હૃદયભરી નીરખો હરિ
-નાન્હાલાલ કવિ

આભાર માવજીભાઈ.કોમ

નમ્રતાના નિધિ – મોહનદાસ ગાંધી

સાઉથ આફ્રિકામાં ફિનિક્સ સૅટલમેન્ટમાં આ અંગ્રેજી લખાણ નીચે એમ લખ્યું છે- The Only Poem Composed by Gandhi.
9 સપ્ટેમ્બર 1934ના દિવસે ગાંધીજીએ હૈદરાબાદ વેલફેર સેંટરનાં મિસ માર્ગારેટને અંગ્રેજીમાં એક સંદેશો લખી આપેલો તે આ લખાણ. ગાંધી આશ્રમમાં ‘હૃદયકુંજ’ ની બહાર પણ આ લખાણ જોવા મળે છે. અંગ્રેજી કાવ્ય પઠનસ્વરૂપે અને ગુજરાતીમાં ઝૂલણા છંદમાં એનો ગેય અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો તે ગાન સ્વરૂપે અમારા આલબમ ‘કાવ્યસંગીતયાત્રા:2’માં છે તે આજે ખાસ માણો.
– અમર ભટ્ટ

અંગ્રેજી શબ્દ: મોહનદાસ કરમચંદ ગાંધી
પઠન: આત્મન વકીલ

.

LORD OF HUMILITY
Lord of humility, dwelling in the little pariah hut
help us to reach for Thee throughout
that fair land watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness,
Give us open-heartedness,
give us Thy humility,
Give us the ability and willingness
to identify ourselves
with the masses of India.
O God!
who does help only when man
feels utterly humble,grant that we
may not be isolated from the people.
we would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
embodiments of godliness,
humility personified, that we may know
the land better and love it more.
– M.K.Gandhi

અનુવાદ: ઉમાશંકર જોશી
સંદર્ભ: “નિશ્ચેના મહેલમાં” પુસ્તકમાંથી
ગાયક: અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:2

.

નમ્રતાના નિધિ

દીન દુઃખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ,હજો સ્હાય તારી

મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહે
હે હરિ,તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે

હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,
થઇ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ આ લોકોથી-દે આટલું
મિત્ર-સેવક થવું એ જ ટેક

આત્મબલિદાન, પ્રભુલીનતા ,નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખુબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા
-મોહનદાસ ગાંધી

હિન્દીમાં યુટ્યુબ ઉપર સુંદર વિડિઓ છે

માવજીભાઈએ એક સરસ ઈમેલ કર્યો જેમાં મન્ના ડેનું ૧૯૬૮નું એક રેકોર્ડિંગ મોકલ્યું,એ પણ સાંભળવા જેવું ખરું.આ ઉપરાંત The Record News સામાયિકનો ૨૦૧૧ના એક અંકમાં ગાંધીજી લખેલી આ રચના વિષે પણ વાત લખી છે એ મોકલી.વાત કેટલી સાચી એની ચકાસણી થઇ શકે એમ નથી પણ વાત અહીં શબ્દ સહ મુકું છું.

.