ઇંટરનેટ પર ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – લયસ્તરો..!! એક એવો દરિયો જેમા જેટલીવાર ડુબકી મારો એટલીવાર મોતી હાથમાં આવે…
આજે લયસ્તરો પર 1000મી કવિતા મુકી છે વિવેકભાઇએ… તો આપણે પણ માણીએ એ જ ગીત અને સાથે વિવેકભાઇના શબ્દોમાં એનો આસ્વાદ – (સંગીતના બોનસ સાથે !! ) – નયણાં – વેણીભાઈ પુરોહિત
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
-વેણીભાઇ પુરોહિત
વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.
જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?
‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાનીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.
અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.
14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન દિવસ હતો એ તો બધાએ પોતાની રીતે મનાવ્યો હશે…!! બજારમાં તો જોકે હજુ એ કોઇ કોઇ જગ્યાએ એની અસર દેખાય છે… ( ચોકલેટ હવે ‘સેલ’ પર આવશે. !! 🙂 )
અરે ચિંતા ના કરો, હું કંઇ ‘વેલેન્ટાઇન ડે’ પર નિંબધ નથી લખી રહી.. પણ આ જ વેલેન્ટાઇન પર આપણા મુકુલભાઇએ એક મસ્ત કટાક્ષ ગીત લખ્યું છે. અને સંગીત આપ્યું છે – મેહુલ સુરતી..
સ્વર : મયંક કાપડિયા
સંગીત : મેહુલ સુરતી
પ્રેમની પાછળ છે ચોક્કસ એઇમ વેલેન્ટાઇનમાં,
પ્રેમીઓ જબરી રમે છે ગેઇમ વેલેન્ટાઇનમાં
બાકીના ત્રણસોને ચોસઠ દી સખત ઝગડી શકે,
એટલે દર્શાવે અઢળક પ્રેમ વેલેન્ટાઇનમાં.
બંગડી બુટ્ટી, વીંટીં ને ગ્લાસ વેલેન્ટાઇનમાં,
ગીફ્ટ થઇ વેચાય છે ચોપાસ વેલેન્ટાઇનમાં,
પ્રેમમાં કંઇ પણ ચલાવી લે છે લોકો એટલે
આમ વસ્તુઓ ય થઇ ગઇ ખાસ વેલેન્ટાઇનમાં.
પ્રેમ પરના રાખશો જો ટાંચ વેલેન્ટાઇનમાં
સાચ ઉપર આવવાની આંચ વેલેન્ટાઇનમાં
નૃત્ય થઇ જાશે નક્કામો નાચ વેલેન્ટાઇનમાં
એકની પાછળ પડે જો પાંચ વેલેન્ટાઇનમાં.
આજે જ્યારે ટહુકો પુન: ગુંજી રહ્યો છે, તો શરૂઆત વ્હાલા કાનુડાથી જ કરાય ને ? હરીન્દ્ર દવેનું આ Legendary ગીત, હેમા દેસાઇના સુમધુર સ્વરમાં સાંભળવાની ચોક્કસ મજા આવશે.
સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
.
માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા
વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં…
માધવ ક્યાંય નથી.
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં…..
માધવ ક્યાંય નથી.
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
માધવ ક્યાંય નથી મધુવનમાં !
૮ ડિસેમ્બરના દિવસે ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ મુકી, એની સાથે જ હવે ટહુકો પર ગીતો પહેલાની જેમ જ આખેઆખા ગુંજશે.. આશા છે કે અધુરા ગીતોને લીધે મિત્રોનું ટહુકા માટેનું વ્હાલ અધુરુ ના થયું હોય..!! 🙂
———————————————— Posted on February 14, 2008.
આપનો લાડકો ટહુકો ફરી એકવાર તૈયાર છે આપના હૃદયના તાર-તારને રણઝણાવવા…
તકનિકી સમસ્યાઓના કારણે ઘણા લાંબા સમય સુધી ટહુકો.કોમના ચાહકો એમના મનપસંદ ગુજરાતી કાવ્યસંગીતથી વંચિત રહ્યા એનો વસવસો છે. આજથી આપ આપના મનગમતા ગીતો ફરીથી સાંભળી શક્શો, પરંતુ આખેઆખા નહીં. મૂળ સંગીતનું મૂલ્ય અકબંધ રાખવા ટહુકો પર રજૂ થનારા બધા ગીત હવેથી પૂર્ણસ્વરૂપે રજુ નહીં થાય કેમકે ટહુકો ગુજરાતી સુગમ સંગીતનો માત્ર છડીદાર છે, સંગીતનો પર્યાય કે સંગીત પોતે નહીં. અહીં તો વહેંચવાની છે ટહુકાની મીઠાશ, આખેઆખો મોર નહીં.
આશા રાખું છું કે ટહુકોમા થયેલા આ નાનકડા ફેરફારને આપ ચોક્કસ વધાવશો.