(હું પ્રવાહી અને કઠણ પણ હું…. Stanyan Beach, CA – Apr 09 )
* * * * * * *
સૂર્ય હું આભ હું ને રણ પણ હું
હું જ તરસ્યો અને ઝરણ પણ હું
હું ઊભો છું સમયની બ્હાર અને
એ તરફ જાય છે એ ક્ષણ પણ હું
હું જ ઓગળતો મારી જડતામાં
હું પ્રવાહી અને કઠણ પણ હું
હું જ પથરાયો અંધકાર બની
એમાં ખોવાયેલું કિરણ પણ હું
લક્ષ્યબિંદુ ગતિ દિશા પણ હું જ
હું જ રસ્તો અને ચરણ પણ હું
મારા હોવામાં અંત ને આરંભ
જન્મ પણ હું જ ને મરણ પણ હું
હું મને શોધતો ફરું ‘આદિલ’
હું જ દ્રષ્ટિ ને આવરણ પણ હું
– આદિલ મન્સૂરી





