ટહુકો – મકરન્દ દવે

Blue Jay - Yosemite Nat'l Park California (Picture by Vivek Tailor)

લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.

ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.

આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.

– મકરન્દ દવે (ઓગસ્ટ ૧૭, ૧૯૬૮)

માત્ર એક જ ક્ષણ – ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.

– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

ચાલ, થોડો યત્ન કર – ચિનુ મોદી ‘ઇર્શાદ’

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ગુર્જરી વ્યવહાર શોધું છું – અદમ ટંકારવી

જે બ્રિટનનિવાસી શાયરે ગુજલીશ ગઝલો દ્વારા ગુજરાતી ગઝલને ડાયસ્પોરિક બાની અને સંદર્ભોથી વધુ વૈશ્વિક આયામ આપ્યો છે એ સિદ્ધહસ્ત અને વડીલ શાયર અદમ ટંકારવીની એક ખૂબસૂરત ગઝલ આપ સહુ વાચકો/ભાવકો માટે શાયરના જ સ્વમુખે. થોડા સમય પહેલા જ જનાબ અદમ ટંકારવીનું કલાપી ઍવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

http://www.youtube.com/watch?v=OKFkRw6VSn8

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.

તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
હુંય એનો ઉતાર શોધું છું.

ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
પહેલાં ધાવણની ધાર શોધું છું.

લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.

જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

જામ ભાષાનો છલોછલ છે ‘અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

અમે મુંબઈના રહેવાસી – અવિનાશ વ્યાસ

સ્વર – ગીતા રોય, એ.આર. ઓઝા, ચુનિલાલ પરદેશી
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – મંગળફેરા (૧૯૪૯)

The Lost Mumbai .. Picture from Discover India

અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
વર ને વહુ અમે મુંબઈ રહેતા, કરતાં લીલા લહેર
મોકલ્યા સાસુ-સસરા કાશી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું
બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

હું ગાડાનો બેલ !
શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ
હું પરણ્યો પણ સંન્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

રામા,
રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
કાલના ભજિયા તળજે વાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી !
લો બોલો
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

વ્હાલે વિપદ આ શું કાઢી, રામા તું ન જાતો નાસી
નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

એ રી મૈં તો પ્રેમદિવાની – મીરાંબાઇ

એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ … એ રી મૈં તો પ્રેમદિવાની.

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

– મીરાંબાઈ

હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

આ કવિતા વાંચવાની શરૂઆત કરો, ત્યારે તમારી આસપાસ ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, પણ કવિતાની છેલ્લી કડી વાંચો ત્યાં સુધીમાં કાનમાં શરણાઇના સૂર ચોક્કસ ગૂંજશે..! 🙂

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્રેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઇએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી – અલ્પેશ ‘પાગલ’

લય્સ્તરો પર આ પહેલા પ્રસ્તુત થયેલી અલ્પેશભાઇની આ ગઝલ વાંચી ત્યારે જ આખે-આખી ગમી ગયેલી..! આજે એ ખજાનામાં ડૂબકી મારતા પાછી મળી – તો થયું તમારી સાથે વહેંચી જ લઉં..!

***

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.

તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.

આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

વર્ષાગમન – જયંત પાઠક

રકૃતિના કવિ શ્રી જયંત પાઠકને ૨૦ ઓક્ટોબર – એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. અને આજકલ ભલે દિવાળીના દિવસો છે, પણ સાથે સાથે અહિં અમારા Bay Area માં ચોમાસું પણ આવું-આવું કરી રહ્યું છે..! તો એ જ બહાને માણી લઇએ આ મઝાની રચના..

मौसमकी पहेली बारिश ...... Oct 3 - City College of SF

(૧)
ઝટ ઝટ, અગાશીમાં પડ્યું છે
તે બધું અંદર ખસેડો:
સૂક્વવા મૂકેલ તે ભીંજાઇ જશે ગોદડાં:
અંદર લઇ લો જાજરૂનાં ખાસ આ જૂતાં જૂનાં.
કપડાં, રખડતાં કિન્નરીનાં કૈં રમકડાં:
આ કોલસાની ડોલ, સાવરણી વળી
– સળગે નહીં બળતણ, સડી જાશે સળી –
લીધું બધું ?
હાશ, હવે ભલે થાય
પ્રલે !

(૨)

આ વાદળાં આવી રહ્યાં ઓરાં
ટપ ટપ
સૂણો ફોરાં.
અગાશીમાં ચાલો
વાયરો કેવો લાગે છે
વ્હાલો !
રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે? વાદળાં ‘નફફટ’ કહે છે?
કોણ જુએ, કોણ એને સાંભળે છે?
ટપ ટપ… કશી ટાઢક વળે છે!
હાશ, હવે ભલે થાય
પ્રલે !

– જયંત પાઠક