Monthly Archives: January 2010

ચલો આંગણામાં મનાવીએ – ગૌરાંગ ઠાકર

Female Cuckoo
(જરા ઝાડ જીવતું રાખજો……       …….૧૫-૦૪-૨૦૦૯)

(Photo: Dr. Vivek Tailor)

* * * * *

તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત–હૂંફનાં અવસરો.

હું તો માત્ર શ્વેત લકીર ને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.

ભલે જાય સૂર્ય કિરણ લઇ, તમે બાગથી ન જશો પ્રિયે,
હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો.

મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું.
તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો.

હતું મૂલ્ય સ્વપ્નનું એટલું, અમે પાઇ પાઇ ચુકાવી છે.
અમે આંખ આંસુથી ધોઈ છે, કીધો બંધ આંખે ઉજાગરો

– ગૌરાંગ ઠાકર

પરોઢિયે પંખી જાગીને – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વરાંકન : રજની કુબાવત
સ્વર : રજની કુબાવત અને કોરસ (વેણુ ભટ્ટ, સુરભી કુબાવત, ગાર્ગી માણેક, પૂર્વા વેકરીયા, રાધિકા જાની, પ્રાચી પટેલ)
સંગીત : દિપેશ દેસાઇ
આલ્બમ : સામિપ્ય

.

પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !

અમારો ગુણિયલ ગુર્જર-દેશ – ન્હાનાલાલ કવિ

આજે ગુજરાતના મહાકવિ શ્રી ન્હાનાલાલની પુણ્યતિથિ. (જાન્યુઆરી ૯, ૧૯૪૬). ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને આ વર્ષે ૨૦૧૦માં ૫૦ વર્ષ થશે, એટલે ગુજરાત અને ગુજરાતીઓ આ વર્ષે સ્વર્ણિમ ગુજરાત ઉજવી રહ્યા છે, તો ટહુકો પર પણ આપણે વારેવારે ગુજરાતગીતો વાંચતા – સાંભળતા જ રહીશું.

તો આજે કવિ શ્રી ન્હાનાલાલને શ્રધ્ધાંજલી સાથે માણીએ આ મઝાનું ગુર્જરગીત..!

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ.

કૃષ્ણચંદ્રની કૌમુદી ઊજળો, કીધ પ્રભુએય સ્વદેશ…ધન્ય.

આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિનાં જ્યાં રાજ્ય;
ગ્રીસરોમથીય જૂના કુરુપાંડવથીયે પ્રાચીન,
સોમનાથ,ગિરિનગર,દ્વારિકા;
યુગયુગ ધ્યાનવિલીન.
ઊભીને કાલસિન્ધુને તીર બજાવે બંસરી ભવ્ય સુધીર…ધન્ય.

સ્થળેસ્થળ નવ પલ્લવના પુંજ,
નદીને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરથાળ
સિન્ધુ જ્યાં દે મોતીના થાળ;
જૂગજૂનાં નિજ ગીત ગર્જતો, ફરતો સાગર આજ;
કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યાં વનરાજ:
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મંન્દિરે ધ્વજ ને સન્તમહન્ત…………………..ધન્ય.

પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વહેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલ-રોપ;
વીણી ન વણસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈનગરી જુઓ !
શું પાથર્યો કિનખાબ;
નિત્ય નવ ફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ…………………….ધન્ય.

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર,
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ;
અંગ આખેયે નિજ અલબેલ;
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના, સુંદરતાનો શું છોડ ?
આર્ય સુન્દરી ! નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ:
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કંથનાં સજ્યાં તેજશણગાર………………………..ધન્ય.

ખેતરો નાનાં, નાની શી પોળ,
નાતજાતે નાનડિયાં ઘોળ;
ક્ષત્રીજાયાનાં નાનલ રાજ્ય,
ધર્મના નાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણક્યે, વર્ણ્યાં પૂર્વે નાનાં પ્રજાનાં તંત્ર,
એહ પુરાતનના પડછાયા આ આમ જીવનજંત્ર:
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારી એક સુગન્ધ, અમૂલ………………………ધન્ય.

દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગતઇતિહાસે અનુપ ઉદાર;
ઈસ્લામી જાત્રાળુનું આ મક્કાનું મુખબાર;
હિન્દુ મુસલમિન પારસીઓને અહીંયાં તીરથદ્વાર;
પ્રભુ છે એક, ભૂમિ છે એક,
પિતા છે એક, માત છે એક,
આપણે એકની પ્રજા અનેક……………………….ધન્ય.

નથી રમી શમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યાયે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની માંહ્ય
લીધાં વ્રત જાણે હજીય પળાય;
એક ઈડરના વનકેસરીએ, ભડવીર બાપ્પારાવ,
વિશ્વવંદ્ય સૂરજકુળ સ્થાપી ચિતોડ કીધ યશછાંવ:
જન્મભૂમિ દયાનંદનાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ…………………….ધન્ય.
સુરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધન ભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
કચ્છનાં સાહસિક સંતાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી સંસ્થાનોની વેલ;
મહાસાગરનાં પૃથ્વી-વિશાળ
સરોવર કીધાં ગુર્જરી-બાળ…………………………ધન્ય.

વનેવન લીલો ઘટાસોહાગ,
જગતનો દીપે શું અમૂલખ બાગ !
સજાવ્યા જઈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર:
ભારતીએ કંઈ ફૂલ-ફુવારો અંજલિમાં શું લીધ !
દિશદિશમાં ફૂલધાર ઉડાવી દિલનાં પરિમલ દીધ !
હિન્દમાતની લાડીલી બાળ !
ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ.

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !

– ન્હાનાલાલ કવિ

( આ ગુર્જરગીત શોધીને આપણા સુધી Net-ગુર્જરી પર લાવવા માટે જુગલકાકાનો ખૂબ ખૂબ આભાર )

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે.. – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે..
વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા — અમે નીલ..

અષાઠની ઘનઘોર ઘટામાં ચમક ચમક ચમકંતા
સાંજ પડે ધીરીરાત ઢળે ત્યાં સપનાં સાથ ભમંતા — અમે નીલ..

ઉષા અરૂણના કુમકુમ પગલે રંગ સુરંગ રચંતા
કાજળ કેરા કેશ કરી કદી મયુરને નચવંતા.. — અમે નીલ..

વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા

– પ્રવીણ બક્ષી

…કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા – ભગવતીકુમાર શર્મા

આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.

લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.

સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.

બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.

વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.

આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?

અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !

– ભગવતીકુમાર શર્મા

સુણી મેં ફરી, તે જ કથા – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

આજે કવિ શ્રી સ્નેહરશિમની પુષ્યતિથિ. એમને આપણા સર્વ તરફથી શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ભક્તિરચના – નયન પંચોલી ના સ્વર – સંગીત સાથે..!!

કવિ પરિચય : (ગુજરાતી સાહિત્ય પરિષદ)

ઝીણાભાઈ રતનજી દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૧૯૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩માં બેએક વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫નો નર્મદચન્દ્રક. ગુજરાતી કવિતામાં જાપાનીઝ કાવ્ય હાઈકુના પ્રણેતા.

પ્રમુખ કવિ, વાર્તાકાર, ચરિત્રકાર છે. સ્વાધીનતા, દેશભક્તિનો સૂર આરંભના કાવ્યોમાં પછી સૌન્દર્યાભિમુખ વલણ પ્રગટ થાય છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતીમાં સુપ્રતિષ્ઠિત કરી તેમણે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. તેમની વાર્તાઓ વિશેષે ઊર્મિપ્રધાન અને જીવનમૂલ્યોને લક્ષ્ય કરનારી છે. ત્રણ ભાગમાં વિસ્તરેલી તેમની આત્મકથામાં તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું ચિત્ર ઉપસે છે.

સ્વર – સંગીત : નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘સ્નેહરશ્મિ’

.

સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)

અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,

પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

(આભારઃ શેઠ સી.એન. વિદ્યા વિહાર – પ્રાર્થનામંદિર)

એક – વિપિન પરીખ

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો.

બસકંડક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.

એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો.

ચોકી પર સંકોચાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો –
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બધું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક

– વિપિન પરીખ

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહનું નિધન

ગાંધી યુગ પછીની કવિ પેઢીને નેતૃત્વ પૂરું પાડનારા સર્વોત્તમ કવિ રાજેન્દ્ર શાહે શનિવાર (જાન્યુઆરી ૨, ૨૦૧૦) ની રાતના સ્વસ્થતા સાથે ‘ખોળિયું બદલવાનો ઉત્સવ છે માટે શોક ન કરતા’ કહેતાં ચિરવિદાય લીધી.

લયસ્તરો પર થોડા દિવસ પહેલા જ પ્રસ્તુત એમનું ગીત ‘નિરુદ્દેશે’ સાથે ધવલભાઇએ કરેલી વાત અહીં સીધી જ ટાંકુ છું:

(Photo: Gujarati Sahitya Parishad)

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)
– ધવલ શાહ (લયસ્તરો.કોમ)

કવિ શ્રીના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના સાથે, અને એમને અંત:કરણપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમના કેટલાક યાદગાર ગીતો..

લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન

.

મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;

.

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય..

આજે સાંભળીએ આ મઝાનું લોકગીત… (કોઇ પાસે ગામડાની ઘંટીનો ફોટો હોય તો મોકલશો? અને હા, સાંબેલાનો ફોટો પણ જોઇએ છે… પેલા સાંબેલુવાળા ગીત માટે..  🙂 )

.

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય.
જાડું દળું તો કોઈ નવ ખાય.

મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય, ચાલતા જાય,
લાપસીનો કોળિયો ભરતા જાય.

મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં જાય,
રાંધી રસોઈયું ચાખતાં જાય.

મારા તે ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતાં જાય
મારું ઉપરાણું લેતા જાય.

મારા તે ઘરમાં સાસુજી એવાં, વાળતાં જાય, બેસતાં જાય
ઊઠતાં બેસતાં ભાંડતાં જાય.

મારા તે ઘરમાં પરણ્યાજી એવા, હરતા જાય, ફરતા જાય,
માથામાં ટપલી મારતા જાય.

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય,
જાડું દળું તો કોઈ નવ ખાય

– લોકગીત

રેડિયો 11 : અચલ મહેતા અને રિષભ ગ્રુપ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.