Category Archives: આલબમ

આજ સખી – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : દર્શના ભુતા શુક્લ, મીનૂ પુરી
અનુવાદ : કૃષ્ણા હાઝરા
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

આજ સખી મોહુ મોહુ ગાયે પીયુ કુહુ કુહુ
કુંજ બને દોહું દોહું, દોનો પિયે રસપાન

યૌવન મદ વિલસિત, પુલકે હીય ઉલસિત
અવશ તનુ અલસિત, જૈસે હો કહીં મુરછીત

આજ મધુર ચાંદની, પ્રાણ ઉન્માદીની
શિથિલ સબ બાંધની, શિથિલ ભઈ લાજ

વચન મૃદુમરમર, કાંપે હીય થરથર
કંપીત તનુ જરજર, કુસુમ વન માં

પવન મૃદુ ચલઇબ, ચરન નાહી ચલઇબ
વચન મોહુ ખલઇબ, આંચલ લુભાય

અર્ધખીલ કમલદલ વાયુસીત ટલમલ
નૈન જૈસે ઢલઢલ, ચાહેં યા ન ચાહે
કેશ કે ફૂલ કંપિત, ગિરત હૈ કપાલ પર
મધુર દાહ મેં તાપિત જબ, ખિસક્કે સીત પાય

પુષ્પ વર્ષા શિર પર, યમુના બહે કલકલ
હાંસે શશી ઢલઢલ, ભાનુ મગન હો જાય
– રવીન્દ્રનાથ ટાગોર(અનુવાદ : કૃષ્ણા હાઝરા )

અગન નો પારસમણી – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : પિનાકિન ત્રિવેદી
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

અગન નો પારસમણી, લાગજો પ્રાણે
આ જીવન કરો પાવન દહન દાને

મારી આ દેહાદીવીને ઉંચે રાખી
દેવાલયે દીવો કરો, વિનંતી મારી
નિશદિન જ્યોતિ શિખા ઝગે ગાને

તિમિરને અંગેઅંગે સ્પર્શે તારે
આખી રાત ખીલો તારા નવા નવા રે
નયનની નજરની આ ટળે કાલિમા
પડે જ્યાં ત્યાં જણાજો તેજ લાલિમા
વ્યથા મુજ જ્વલંત હો નભ વિતાને

-રવીન્દ્રનાથ ટાગોર(અનુવાદ : પિનાકિન ત્રિવેદી)

આવો શ્યામલ સુંદર – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : દર્શના ભુતા શુક્લ
અનુવાદ : ડૉ. નલીની મડગાવકર
આલબમ:રવિન્દ્ર ગુર્જરી

.

આવો શ્યામલ સુંદર
લાવો તવ તાપ ધરી તૃષા ધરી અમૃત ધારા
વિરહિણી નિરખતી આકાશે

એ તો મારગ બિછાવે વ્યાકુળ હૈયાને
તમાલ કુંજ પથે સજળ છાંયડે
નયને જાગે છે કરુણ રાગિણી

બકુલ મકુલ ગુંથીને રાખીયા
મધુર બંસરી ગૂંજે આંગણે
આણો સંગે તમારાં મંજીરાં
ચંચલ નૃત્યને તાલે રણકતાં
વાજંતા કંકણો વાજંતી ઘૂઘરી
ઝંકૃત નૂપુર રુમઝુમ રુમઝુમ

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : ડૉ. નલીની મડગાવકર)

આનંદ લોકે – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃંદ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

મહિમા તારો ઝળહળતો મહાગગનમાં
વિશ્વ-જગત મણિ-ભૂષણ રહે તારે ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ગ્રહ તારા ચંદ્ર સૂરજ વ્યાકુળ બની દોડે
કરે પાન કરે સ્નાન અક્ષય કિરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ધરણી પર વહે નિર્ઝર મોહન મધુ શોભા
ફૂલ પાલવ અતિ સુગંધ સુંદર વરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

વહે જીવન રજની દિન નિત નવ નવ ધારા
કરુણા તવ અવિશ્રામ જનમે મરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

સ્નેહ પ્રેમ દયા ભક્તિ કોમલ કરે પ્રાણ
કરે સાંત્વના કરે વર્ષણ સંતાપ હરે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

જગ માં તવ મહાઉત્સવ વંદન કરે વિશ્વ
ભૂમિ સંપત્તિ સમ્રીદ્ધી તવ નિર્ભીક ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર
-રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા)

રાધા શોધે મોરપિચ્છ – સુરેશ દલાલ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા,
રાધિકાની આંખ જપે છે સાંવરિયા ! ઓ સાંવરિયા !

મુરલીના સૂર કદંબવૃક્ષે ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં કમળ થઈને ખૂલે;
કુંજગલીમાં ધૂળ રેશમી તો ય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને કરે હૃદયની વાત;
ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયા…

– સુરેશ દલાલ

ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે – અંકિત ત્રિવેદી

સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે,
કાઢવો જો હોય તો રસ્તો નીકળે છે,

સ્હેજ જીવીને વિચારો આપણામાં,
હૂંફ આપોઆપ મળશેતાપણામાં;
ભાસ જોઈશે ગતિની તીવ્રતાનો,
એ જ આવીને મળે છેઆંગણામાં.
પગ પડે છે ત્યાં નવો થઈ સળવળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

હા, પડેલું એને વાંકુ એ જ રસ્તો,
બારી પાસે બેસી તાકું એ જ રસ્તો;
ક્યાંક ખાડા, ક્યાંક સમથળ, ક્યાંક ટૂંકો,
ક્યાંક લાંબો જોઈ થાકું એ જ રસ્તો.
આપણે વળીએ ન એ પાછો વળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

ચોતરફ ફરતો રહું છું એની ઉપર,
જે ભરે ભાંખોડિયા મારી જ અંદર;
એ જરસ્તાનેપૂછું છું ફાવશે ને?,
ડગ ભરે છે ગિરદીમાં રોજ જીવતર.
એ જ જગ્યાએ ફરી પાછો મળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

– અંકિત ત્રિવેદી

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો – ચંદ્રકાન્ત શેઠ

સ્વર : સુરેશ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો ! તું આવે છે ? આવ !
ઊંડાણમાંથી દરિયો ઊછળ્યો! તું આવે છે ? આવ !

તારી પ્હેલાં ન્હોતાં વૃક્ષો,
ન્હોતાં વિહંગ – ગાન,
તું આવી ને તારી પાછળ
ઊમટ્યું આખું રાન !

પ્રાણે પ્રાણે પરિમલ પમર્યો ! તું આવે છે ? આવ !

તું મૂંગી તો દુનિયા મૂંગી,
મૂંગા બધા મુકામ !
તું રીઝે તો તારી સાથે ,
રમતા મારા રામ !

પળપળનાં ઝળહળતાં પુષ્પો ! તું આવે છે ? આવ !
ખાલીમાં પણ ખીલી ખુશબો ! તું આવે છે ? આવ !

– ચંદ્રકાન્ત શેઠ

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી – રાજેન્દ્ર શુક્લ

સ્વર : હરિશ્વંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી !
ક્યા હૈ મેરુ, ક્યા હૈ મંદર, ચેત મછંદર !

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા!
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા!

ભીતર આ કે ધૂમ મચાયા, ગોરખ આયા!
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા!

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા!
નજર સધી અરુ બિખરી માયા, ગોરખ આયા!

નાભિકઁવલ કી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઇ ભૈરવસૂર ગાયા, ગોરખ આયા!

એક ધરીમેં રુક્યો સાંસ કિ અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા!

ગગનઘટામેં એક કરાકો બિજરી હલસી,
ઘિર આઇ ગિરનારી છાયા, ગોરખ આયા!

લગી લેહ, લેલીન હવે, અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!

– રાજેન્દ્ર શુક્લ

આમ રોજે ઘેરાય, નહીં વરસે – તુષાર શુક્લ

સ્વર : આરતી મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

આમ રોજે ઘેરાય, નહીં વરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…
મને તરસાવી પોતે પણ તરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

કોરા રહે ને વળી જાતે હિજરાય એવા
બંને સ્વભાવથી છે સરખા,
મન મૂકી વરસે નહીં બેમાંથી કોઈ
મને લથબથ ભીંજ્યાના અભરખા;
એમ સમજાવ્યો સાનમાં ન સમજે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

મનના માનેલ અને આષાઢી છેલ,
હું તો કેમ કરી સમજાવું તમને?
ઓઢણીનું આછેરું ઈજન ન ઓળખો તો
લાજ્યું ન આવે કાંઈ અમને?
સાવ આઘે આઘેથી મને અડકે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

– તુષાર શુક્લ

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના – જાતુષ જોશી

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ?
અહીંનાં અહીંના માણસો તો માણસો કેવળ લકીરોનાં.

ઉપરવાળો ઘણું દે ને ઘણું યે છીનવી લે પણ,
હૃદય સાવ જ અનોખાં હોય છે ફક્કડ અમીરોનાં;

પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું,
બધા ગુણધર્મ એના એ જ છે સઘળા શરીરોના;

કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના;

ભલે ને, ચાલ નોખી એમની સ્હેજે ય ના લાગે,
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં.

– જાતુષ જોશી