Category Archives: Global કવિતા

ગ્લૉબલ કવિતા: ૨૧૦ : હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા)

I – Chairil Anwar

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
હું કોઈનું રુદન સાંભળવા માંગતો નથી
તમારું પણ નહીં

દૂર બધા રડમસોથી !

હું આ જ છું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ ભલે મારી ત્વચાને છેદી નાંખે
પણ હું આગળ વધતો જ રહીશ

મારા જખ્મોને લઈને હું ધસતો રહીશ અને મારાં દર્દ હુમલા કરતાં રહેશે,
કરતાં રહેશે,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા કરનાર નથી

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)


હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું….

અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળ રેલ્વેના પાટાની જેમ સદૈવ અડખેપડખે ચાલતાં હોવા છતાં ભિન્ન છે. વળી જિંદગીની ટ્રેનને સારી રીતે પસાર થવા માટે બંને અનિવાર્ય પણ છે. ડાર્વિનના વિખ્યાત સિદ્ધાંતોમાંનો એક, અસ્તિત્વ માટેનો સંઘર્ષ તો પ્રાણીમાત્રને હાંસિલ છે, અને દરેક જણ વધતા-ઓછા અંશે એ કરે જ છે. પણ આ સંઘર્ષમાં જો આત્મબળ ઉમેરાય તો નવીન બુલંદીઓ હાથવગી થઈ શકે. અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળના પાટા પર દોડતી જિંદગીની ટ્રેન જ કદાચ અમરત્વના સ્ટેશન સુધી લઈ જઈ શકે. પ્રસ્તુત રચનામાં ઇન્ડોનેશિયન કવિ ચૈરિલની સાથે ચાલો, આ મુસાફરી ખેડીએ.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) હોઠ વચ્ચેની સિગારેટ ખાખ થાય એથીય વહેલું, છવ્વીસ વર્ષની અલ્પાયુમાં અને છ જ વર્ષના કવિજીવનમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો સર્વકાલીન અગ્રકવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો, લઘરવઘર, નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એ કળાકાર થવા જન્મ્યો છે. એ અંદાજ પણ આવી ગયો હતો કે દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાથી લાગેલા ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો બાપ બન્યા. બે વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ, ટી.બી. કે સિરોસીસ ઑફ લિવર? અલ્લાહ જાણે! મૃત્યુપર્યંત અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. આરોપ સાચો હોય તોય એનો હાથ લાગતાં કવિતામાં જાદુઈ ફેરફાર અને પરિણામ આવતાં. જો કે એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

એની કવિતામાં વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં ઊતરી આવે છે. એના ભાષાકર્મ અને પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિકાના લીરેલીરાં ઊડાવી દીધાં. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નૂતન પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા, ઉદ્દામવાદી વિચારસરણી તથા બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યના પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. જીવતો’તો ત્યારે એની કવિતાઓ મોટાભાગે સાભાર પરત થતી પણ આજે એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. ‘Aku’ એક જ શબ્દ હું, મને, મારુંની બધી જ અર્થચ્છાયામાં અલગાલગરીતે વાપરી શકાતો હોવાથી કાવ્યસર્જનની પળનો કવિનો મનોભાવ પકડવો અશક્ય છે. મૂલ કવિતામાં પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku એની પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ હોવાની. પણ તમામ મર્યાદાઓના સ્વીકાર સાથે મૂળ ભાષાથી અણજાણ ભાવકોને અવર ભાષાના સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેના અનુસર્જનને આવકારવો જ રહ્યો.

‘અકુ’ એટલે ‘હું’. જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી હતી, ત્યારે ‘સેમાન્ગત’ (આત્મા) એનું શીર્ષક હતું. ઇન્ડોનેશિયન વિવેચક નેતિના મતે નવું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે જૂનું શીર્ષક પ્રાણશક્તિ. આખી રચના ‘હું’ કેન્દ્રિત છે અને ટોળામાંથી ખદેડી મૂકાયેલ માણસની છે. આવામાં લય કે સુનિશ્ચિતતા શું શક્ય બને? કદાચ એટલે જ અહીં કાવ્યવિધા અછાંદસ છે, અને સાત અનિયત ભાગમાં વહેંચાયેલી તેર અનિયમિત લંબાઈવાળી પંક્તિઓ. મૂળ કવિતામાં જો કે કવિએ સરસ પ્રાસવ્યવસ્થા અને નાદસૌંદર્ય જાળવ્યાં છે.

સદીઓના ડચ સંસ્થાનવાદની જોહુકમી બાદ ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન જાપાનીઓએ ઇન્ડોનેશિયામાં અડિંગો જમાવ્યો હતો. નિર્દયી જાપાનીઓએ દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. માર્ચ ૧૯૪૩માં, જ્યારે ચૈરિલે આ કવિતા લખી એ સમય ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય હતો. ઘણા આ કવિતા રાજનૈતિક હેતુથી પર હોવાનું માને છે, પણ કવિતાના વિષયવસ્તુ, રચનાસમય, ચૈરિલનો સ્વભાવ –આ બધું જોતાં સમજાય છે કે આ કવિતા દેશ આખાની આઝાદીની ચાહનાનું ગાન છે. કવિતા સ્વતંત્રતાસંગ્રામનું પ્રતીક બની રહી હતી. કદાચ એટલે જ એ કવિનું સર્વશ્રેષ્ઠ સર્જન પણ ગણાય છે.

આખી રચના ‘હું’ ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે હોવાનું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કાવ્યારંભે જ કવિનો આ મિજાજ સંભળાય છે. ‘જ્યારે મારો સમય આવશે’થી કવિતા પ્રારંભાય છે. આ સમય મૃત્યુનો છે કે વિજયશ્રીનો કે બંનેનો એ આગળ જતાં સમજાય છે. બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતમાં યક્ષપ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠિરે મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણવા છતાં માણસ કદી મરવાનો ન હોય એમ જીવે છે એને સંસારનું સૌથી મોટું આશ્ચર્ય લેખાવ્યું હતું. પણ અહીં પોતાનો સમય નજીક હોવાનું કવિ સમજી ચૂક્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળાની રચના હોવાથી અને કવિ પોતે ગેરિલા સૈનિક રહી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સમજાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂવાનો કે કોઈપણ રીતનો ‘પોતાનો’ સમય આવશે ત્યારે કવિ કોઈનું પણ રુદન સાંભળવા માંગતા નથી. એ નથી ઇચ્છતા કે કોઈપણ રડે, કે શોક મનાવે. કથક જે(ઓ)ને સંબોધે છે તે(ઓ)નું રૂદન પણ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ દુનિયાભરના રડમસોથી પરે રહેવા ધારે છે. આમ, પ્રથમ ત્રણ પંક્તિમાં જ મૃત્યુના સાન્નિધ્યમાં જીવનનું માહાત્મ્ય ઉજાગર થાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. રાવજીને યુવાવયે મરણ ઢૂંકડુ દેખાયું ત્યારે એણે શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહ્યું હતું. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે! નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. રડવાથી અને રડનારાઓથી દૂર રહેવા માંગે છે.

કવિ પોતે દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર હોવાનું કબૂલે છે. પણ સૂર કબૂલાતનામાનો ઓછો અને જાહેરાતનો વધારે છે. ગાયોના ઝુંડમાં ગાય હોય અને સિંહોના ટોળામાં સિંહ. મતલબ, ઝુંડના અન્ય સભ્ય પ્રાણીઓ પણ હતા તો જંગલી જ! આપણો સમાજ પણ સુસંસ્કૃત જંગલીઓના જૂથ સિવાય બીજું શું છે? કથકની જંગલિયત જો કે એવી છે કે એને જંગલીઓએ પણ તડીપાર કર્યો છે. મૂળ ભાષામાં ‘જંગલી જાનવર’ માટે binatang jalang શબ્દપ્રયોગ છે, જેમાં jalang (જંગલી) શબ્દમાં કામુકતાની અર્થચ્છાયા છે, જે અનુવાદમાં લુપ્ત થઈ ગઈ. Jalang વિશેષણ સ્ત્રીઓ માટે વપરાય ત્યારે વેશ્યા હોવાનો અર્થ પ્રતિપાદિત થાય છે. અહીં પણ, Jalang શબ્દનો એક તાર ચૈરિલની બેબાક અતિકામુક જિંદગી સાથે જોડાયેલ અનુભવાય છે. પાણી અને જળ સમાનાર્થી હોવા છતાં બંનેની અર્થચ્છાયા ભિન્ન છે. સન્માનનીય વ્યક્તિના પગ ધોવા કે અભિષેક માટે જળ શબ્દ વપરાય, પાણી નહીં. એ જ રીતે મળપ્રક્ષાલન માટે પાણી શબ્દ જ છાજે, જળ નહીં.

ઇન્ડોનેશિયન સમાજના જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી છૂટો પડે એ કચડાઈ જાય, આગળ ન વધી શકે, અને આ એકાકી અવસ્થામાં ભાગ્યે જ બચી શકે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકદેશ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ એ તો સ્વભાવે જ બંડખોર હતો. એ ટોળાંનો કે બહોળાનો માણસ નહોતો. એ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાયો હોવાની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ શીર્ષક અને તેરેતેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

ચૈરિલનો બળવાખોર મિજાજ શબ્દે-શબ્દે છલકાય છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય, ભલે એકલો પડ્યો હોય, ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગેકૂચ છોડનાર નથી. આગળ કદાચ ગોળીબારનો સામનો કરવો પડે અને ગોળીવર્ષા ત્વચા ભેદીને તાર-તાર પણ કરી દે. વાંધો નહીં. આગેકદમ જારી જ રહેશે. એનો હુમલો મંદ કે બંધ નહીં પડે. બાણશય્યાવશ ભીષ્મે પણ ઇચ્છામૃત્યુનું વર હોવા છતાં મૃત્યુની ઇચ્છા કરી હતી, પરંતુ કાવ્યનાયક ગોળીથી છલની-છલની થઈનેય અટકનાર નથી. માત્ર ઘાવો જ નહીં, દર્દોને પણ ઊંચકીને આગળ ને આગળ વધતા-ધસતા રહેવાની એની નેમ છે. ઘા તનના હોય છે, દર્દ મનના. તન કરતાં મનને ઉપાડવું વધુ દોહ્યલું છે. અહીં તો તન-મન બંને જખ્મી છે. નાયકની જેમ આ જખ્મો અને દર્દો પણ અટકવાના બદલે વધતા જ જશે અને એ હદ સુધી વધશે, જ્યાં સંવેદનતંત્ર લકવાગ્રસ્ત થઈ જાય, દુઃખ-દર્દ અનુભવવાની ક્ષમતાનું નાકું આવી જાય. ગોળીઓની પેઠે તન-મનને વીંધી-વીંધીને તમામ યાતનાઓ બુઠ્ઠી થઈ હથિયાર ફેંકી દે, દુઃખ-દર્દની સરહદ ખતમ થઈ જાય એ મુકામે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની ઇચ્છા ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેનું માનતા કે, ‘તુચ્છ લોકોની પીડા તુચ્છ હોય છે, મહાન માણસોની મહાન. મહાન વેદનાનો અફસોસ ન કરવો જોઈએ કેમકે તે ઉમદા છે.’ એમણે કહ્યું હતું કે ‘જે આપણને મારી નથી નાંખતી એ પીડા આપણને વધુ મજબૂત બનાવે છે,’ આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ પુરવાર થઈ છે. ચૈરિલ પણ આ જ કહે છે. કહે છે, હું તસુભાર પણ પરવા કરનાર નથી. ગોળીવર્ષા, જખ્મો, દુઃખદર્દ કે દુનિયાની કોઈ પણ આડશ એના વેગને, આત્મબળને અટકાવી શકનાર નથી.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. (ઘાયલ)

કવિનું આત્મબળ એના અસ્તિત્વના સંઘર્ષથી વધીને છે. એટલે એ મૃત્યુના ખોળામાં બેસીને ચિરંજીવી થવાની વાત કરી શકે છે. રડ્યા વિના, કોઈને રડવા દીધા વિના, મરણને પરણવાનું આહ્વાન આપતી આ રચના આઝાદી અને અમરજીવન માટેની બુલંદ ચીસ છે. સામી છાતીએ ફના થવા પૂરપાટ આગળ વધી શકે એ જ અમરત્વનાં સ્વપ્ન જોઈ શકે. અંતને ગળે લગાડતી કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ નાદભેરી એટલી વાસ્તવિક છે કે સહસ્ત્રાયુના આકાશકુસુમવત્ ગપગોળાને અવગણીને આપણે કવિના પક્ષે બેસી જઈને એને ‘તથાસ્તુ’ કહી બેસીએ છીએ!

એક રીતે, આ ઇન્ડોનેશિયાનું આઝાદીગાન પણ છે. ડચ હોય કે જાપાની– શાસકો ગમે એટલા અવરોધો કેમ ન ઊભા કરે, ગમે એટલી તકલીફો કેમ ન આપે, આ દેશ ઘાયલ થઈનેય કશાયની તમા રાખ્યા વિના આઝાદીની દિશામાં સતત ધસતો જ રહેશે, અને ત્યાં સુધી ધસતો રહેશે જ્યાં સુધી આતતાયીઓ અને ગુલામી ગાયબ ન થઈ જાય, દેશ સ્વતંત્ર ન થઈ જાય, કેમકે આ આઝાદી બીજા હજાર વર્ષ ટકી રહેનાર છે.

કવિનો અને કવિતાનો ‘હું’ આપણા સહુનો ‘હું’ છે. આ ‘હું’ હકીકતમાં મનુષ્યની સાહસિક ભાવના છે, જે મનુષ્યની પોતાના નિર્ધારિત ભાગ્ય -મૃત્યુમાંથી આઝાદ થઈ અમરત્વપ્રાપ્તિ માટેની તડપ અને કોશિશ નિરુપે છે. ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વયષ્ટિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૯ : પિતાજીની ઘરવાપસી – દિલીપ ચિત્રે

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.

Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre


પિતાજીની ઘરવાપસી

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
મુસાફરી કરે છે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની વચ્ચે.
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થયે રાખે છે
એમનો શર્ટ અને પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો છે અને ચોપડીઓ ઠાંસીને ભરેલો એમનો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ચોમાસાની આર્દ્ર રાતમાં ઘર તરફ ધૂંધળું તાકી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા,
રેલ્વેલાઇન ઓળંગે છે, ગલીમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા જોઉં છું.
એ શૌચાલયમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અલગાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમનાં કાંડાં પરના ધોળાં વાળ પર વળગી રહ્યાં છે.
એમના અતડાં બાળકોએ એમની સાથે હાસ્યો કે રહસ્યો
વહેંચવાનો ઘણુંખરું નકાર્યું જ છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

પહેલાનાં જમાનામાં ઘરો માત્ર ઈંટો કે ભીંતોથી નહોતા બનતાં. ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. –આ સૌ પહેલાંના ઘરોના સભ્યો હતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર એટલા બહોળા અને દિલ એવા જ મોકળા હતા. જેમ-જેમ ઘર BHKથી ઓળખાવા માંડ્યા, તેમ-તેમ પરિવાર નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ સાંકડાં. તંગદિલ અને સંગદિલ પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. પ્રસ્તુત રચનામાં આવા જ એક પરિવારમાં જીવતા બાપનું સ્થાન શબ્દોના બદલે આંસુઓથી ચિતરાયું છે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં સહપરિવાર મુંબઈ સ્થળાંતર. પિતાજી એક જમાનાના આપણા ‘કુમાર’ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કારમાં હતું. ૧૬ વર્ષની ઉંમરે એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય હશે. ૨૨મા વર્ષે પહેલો કાવ્યસંગ્રહ. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન. એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો. સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર દ્વિભાષી સર્જકોમાંના એક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાંય નોંધનીય પદાર્પણ. તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્.’ તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા. ભારતના અમર સાહિત્યિક વારસાના પ્રખંડ ચાહક-પ્રચારક. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર અને દોસ્તોએવસ્કી કોણ છે.’ પચાસ-સાંઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે લાવ્યા અને દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધુનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં ‘શબ્દ’નો ફાળો પ્રમુખ હતો. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને દેહવિલય.

‘પિતાજીની ઘરવાપસી’ ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની અંગ્રેજી કવિતા છે. સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદોપ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું, એનો જ એક ભાગ હોવાથી અહીં કાવ્યવિધા અછાંદસ છે. શૈલી નાટકીય આત્મસંભાષણાત્મક (dramatic monologue) કે આત્મકથનાત્મક છે. ૧૨-૧૨ પંક્તિના બે ખંડ ઘરપ્રયાણ અને ઘરભીતર -પિતાજીની બે પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકે છે. વડોદરાથી મુંબઈ આવ્યા બાદની પોતાના પિતાજીની પરિસ્થિતિનું જ દારુણ વર્ણન કવિએ કર્યું હોવાનું કહેવાય છે. પણ આ પિતાજી કોઈનાય હોઈ શકે. તીણી તીખી છરીની જેમ હૃદયસોંસરી નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતાને Res ipsa loquitar યાને સ્વયંસ્પષ્ટ કે સ્વયંસિદ્ધા પણ ગણી શકાય. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર આપણને બતાવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં મોડી સાંજે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની ભીડ વચ્ચે ડબ્બામાંના પીળા પ્રકાશમાં ઊભા-ઊભા મુસાફરી કરતા પિતાજીના રેખાંકનથી કાવ્યારંભ થાય છે. કવિતામાં દરેક પ્રતીક ધ્યાનાર્હ છે. નોકરી માટે રોજિંદી અપડાઉન કરતા કમ્યૂટર્સનો એકશબ્દી પર્યાય આપણી ભાષામાં મળતો નથી. પિતાજી આ અપડાઉનિયા ભીડનો જ ભાગ છે, મતલબ તેઓ પણ નોકરિયાત છે. મોડી સાંજની ટ્રેન સૂચવે છે કે નોકરીના કલાક પણ ઓછા નહીં હોય. પીળી બત્તી ટ્રાફિકમાં ધીમા પડવા માટેનું સિગ્નલ છે. પીળો પ્રકાશ ઉદાસીનતા પણ સૂચવે છે. આમ, મોડી સાંજ અને પીળો પ્રકાશ કવિતાના કેન્દ્રવર્તી ભાવને બખૂબી વ્યક્ત કરે છે. તમામ પ્રતીક કવિએ બેવડા સ્તરે પ્રયોજ્યા જણાય છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ આવી ઊભા છે. વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં એમના માથેથી આજીવિકા રળવાની જવાબદારીનો બોજ ઉતર્યો નથી. ટ્રેનમાં વયને માન આપીને એમને બેસવાની જગ્યા આપવાની પણ કોઈને દરકાર નથી. સહયાત્રીઓ છે પણ મૂંગા. આ એવી દુનિયા છે, જ્યાં કોઈને કોઈની પડી નથી. આત્મરતિની અતિથી પીડાતી આ દુનિયામાં પરસ્પર તરફની ગતિ નથી.

ટ્રેનની આ રોજિંદી અને યંત્રવત્ મુસાફરી દરમિયાન પિતાની વણજોતી આંખો સામેથી એક પછી એક પરાં પસાર થઈ રહ્યાં છે. કોઠે પડી ગયેલાં એ દૃશ્યો આંખ જોતી નથી. ફરતેના વિશ્વની નોંધ લેવાનો ઇનકાર કરતી આંખો ખુલ્લી છે પણ બંધ બરાબર. પિતાજીના શર્ટ-પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ કાદવથી ખરડાયેલ. મતલબ, વરસાદની ઋતુમાં પણ નોકરીથી મુક્તિ નથી. કાળો રંગ પિતાજીની અવદશાનો રંગ છે, અને જિંદગીના રંગોની અનુપસ્થિતિનો રંગ પણ છે. ઠાંસી-ઠાંસીને ચોપડીઓથી ભરેલો થેલો પડુ-પડુ થઈ રહ્યો છે. વરસોના અનુભવોથી ભર્યોભાદર્યો એમના અસ્તિત્વનો થેલો પણ પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસ સાથે જિંદગીના ખભે ટકી રહેવા જાણે ઝઝૂમી રહ્યો છે.

એક તરફ ચોમાસાની ભેજલ રાતના કારણે હોય એનાથી વધુ ગાઢો દેખાતો અંધકાર છે, તો બીજી બાજુ વૃદ્ધાવસ્થાના કારણે પિતાજીની આંખોનું તેજ પણ ઓસરી રહ્યું છે. અંધારામાં વધુ લાચાર નિસ્તેજ આંખોની ધૂંધળી નજર તોય ઘર ભણી તાકે છે. આંખોનું તેજ કદાચ ઉંમર કે સમય કરતાંય એમની પ્રવર્તમાન હાલતની વાકેફિયતથી વધુ ઝાંખું પડ્યું છે:

મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!

નિસ્તેજ થતા જતા સંબંધોની દુનિયાને પસાર થતાં પરાંની જેમ દેખી-અણદેખી કરવી મુશ્કેલ છે. લાંબા વાક્યમાંથી સંદર્ભ ગુમાવી બેસેલ શબ્દ કાઢી લેવાય એ રીતે કવિ પિતાજીને ટ્રેનમાંથી ઊતરતા જુએ છે. ટ્રેનની અંદર જેઓએ અસ્તિત્ત્વની કોઈ નોંધ લીધી નહોતી, એ સહયાત્રીઓને તો કોઈ ટ્રેનમાંથી ઉતરે, ન ઉતરે, શો ફરક પડે? મુસાફરો તો અન્યોન્યને પસાર થતું પણ ન દેખાતું કોઈક પરું જ ગણે ને! અને ટ્રેન પણ ઉતરનારની પરવા કર્યા વિના આગળ નીકળી જશે. ઉતરનાર વ્યક્તિ ટ્રેન અને સહયાત્રીઓ સાથેનો સંદર્ભ ગુમાવી બેસે છે. પસાર થતી જિંદગી સાથેનો પૂર્વાપરસંબંધ ગુમાવી બેસનાર પિતાજી લાંબા વાક્યમાંથી કાઢી નંખાયેલ શબ્દ જ ને?

પિતાજી ટ્રેનમાંથી ઉતરીને ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા ઝડપ કરે છે. પ્લેટફૉર્મની લંબાઈ અને ભૂખરો રંગ પણ ઉદાસ રંગહીન પ્રદીર્ઘ જિંદગી તરફ અંગૂલિનિર્દેશ કરે છે. કાદવમાં ચપચપ કરતી ચપ્પલ પહેરીને ચાલવું કપરું હોવા છતાં પિતાજી ધીમા પડતા નથી. પ્લેટફૉર્મ પસાર કરી, રેલવેલાઇન ઓળંગીને કાદવમાં ચાલતાં તેઓ પોતાની ગલીમાં પહોંચે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘ઝડપ’ શબ્દ વાપરીને કવિ પિતાની તત્પરતાને અધોરેખિત કરે છે. પણ આ તત્પરતા શેની છે? ઘરે તો એ જ બેરંગ બેઢંગ ગમગીનીનું સામ્રાજ્ય છે.

કવિતાના પ્રથમ ભાગમાં પિતાજીના ઘરપ્રયાણના આલેખન બાદ બીજા ભાગમાં ઘર ભીતરનું ચિત્રણ છે. આંખ દગો દેવાનું શરૂ કરી દે એ વયે પણ કોઈપણ સિઝન કે રિઝનને જોયા વિના ટ્રેનના રોજિંદા ધક્કા ખાતા ને કુટુંબ માટે પેટિયું રળી મોડેથી પરત આવતા બાપ માટે ઘરનું વાતાવરણ પણ ટ્રેનના ડબ્બાથી કંઈ અલગ નથી. અહીં પણ એ જ એકવિધતા, ઉદાસીનતા, એકલતા, અવગણના, અને અવમૂલ્યન છે. વધારામાં જનરેશન ગેપ પણ. એમના માટે કોઈ તાજી ચા ઉકાળતું નથી. સાંજની ચામાંથી બચેલી ફિક્કી ચા અને વાસી રોટલી જ એમને નસીબ થાય છે. ટ્રેનમાં જેવા રોજિંદા સહયાત્રીઓ, એવા જ ઘરના સહનિવાસીઓ. મૂંગા. અલિપ્ત. અનાદરસેવી. વાત કરવા માટે પોતાના કુટુંબમાં કોઈ ઉપસ્થિત ન હોવાથી પિતાએ પુસ્તકના કુટુબમાં ઘરવાસ કરી લીધો છે. ટ્રેન હોય કે ઘર –એમને કોઈ સામે ફરિયાદ નથી. અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ ઘરવટો આપનારા સંતાનો સામે પણ વિરોધનો સૂર નથી. એમની દારુણ કરુણ સ્થિતિનો ચિતાર એનો પુત્ર જ આપણી સમક્ષ રજૂ કરે છે.

જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતા શ્રવણ, કે બાપે દીધેલા વચન ખાતર રાજગાદી ત્યાગી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? આજે તો ઘરમાં મા-બાપનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું થઈ ગયું છે. ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

બાપ બાપ છે. જન્મદાતા છે. મુસાફરી અને મોસમની તકલીફો વચ્ચેય એમની ઘરે પહોંચવાની ઝડપ દુર્દમ્ય પારિવારીક સદભાવનાઓનું પ્રતીક છે. પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે બાપે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. કદાચ આ જ હવે એમની દુનિયા છે. શૌચાલયમાં એ માનવસર્જિત જગતથી માનવીના જ અલગાવ બાબતે વિમાસે છે. સંડાસ બહાર સિન્કની નજીક ક્ષણભર માટે તેઓ સહજ સમતુલન ગુમાવે છે. નોકરી અને મુસાફરીમાં તડકો વેઠીને કથ્થઈ થઈ ગયેલા એમના હાથ પર ઠંડુ પાણી દદડે છે. ‘ઠંડુ’ શબ્દ આપણને પરિવારજનોની લાગણીશૂન્યતાનો ડામ દેતો હોય એમ ચંપાય છે. કેટલાંક ટીપાં ધોળાં વાળ પર વળગી રહે છે. પાણી જીવનનું અને સફેદ વાળ વૃદ્ધત્વનું પ્રતીક પણ ખરાં. જિંદગી લટકી પડી છે, પણ છે તો ખરી! અતડાં બાળકો પોતાનાં હાસ્યો અને રહસ્યો એમની સાથે વહેંચવાનું બહુધા નકારે છે. કોઈપણ પ્રકારની આશાઓને પુનર્જીવિત કરવાની વૃથા કોશિશ કરવાના બદલે પિતાજી એકલા સૂવા જાય છે. સૂતા પહેલાં એકમાત્ર બચી ગયેલ સાથી- રેડિયો શરૂ કરે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. કવિતાની શરૂઆતથી ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવતાં પ્રતીકો એક પછી એક આવ્યે રાખતાં પરાંઓની જેમ આવે છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, મૂંગા સહયાત્રીઓ, નિસ્તેજ આંખો, આર્દ્ર રાત, ભીનાં વસ્ત્રો, કાદવ, કાળો રેઇનકોટ, ભૂખરું લાંબું પ્લેટફૉર્મ, ચપ્પલોનું ચપચપ, ફિક્કી ચા, વાસી રોટલી, સંડાસ, લડખડાહટ, કથ્થઈ હાથ, ધોળાં વાળ, રેડિયોનું સ્ટેટિક- કવિતાના રેલ્વેટ્રેક પર આ દરેક માઇલસ્ટૉન બાપની જિંદગીના ટ્વાઇલાઇટ ઝોનને વધુ ઘાટો-ઘેરો બનાવે છે. કવિતાના શબ્દે-શબ્દે, પ્રતીકે-પ્રતીકે બાપની દુર્દશા નીંગળે છે.

જો કે ગમે એટલી સાંસારિક કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું આસાન નથી. માણસના હાથમાંથી વર્તમાન સરકી જાય છે ત્યારે એ ભૂત અને ભવિષ્યનો હાથ ઝાલે છે. ગત અને અનાગતના સપનાં જોતાં જોતાં પિતાજી એ રખડુ આર્યો વિશે વિચારે છે, જેઓ પુષ્કળ રઝળપાટના અંતે સાંકડા ખૈબર ઘાટ મારફતે ભારતવર્ષમાં પ્રવેશ્યા હતા અને સ્થિર થયા હતા. સદીઓ લાંબા સમયપટ પર વિસ્તરેલ આ વંશશૃંખલામાં પોતે એક નાના અમસ્તા ટપકાંથી વિશેષ કશું નથી. પણ આ ટપકું જ પૂર્વજો અને વંશજોને જોડતી અનિવાર્ય કડી હોવાનો સંતોષ કદાચ તેઓ મેળવે છે. પોતાના પૂર્વજોએ પણ આજ રીતે આખરી બુંદ સુધી પોતાની જાત રેડી દઈને જ વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. કાવ્યાંતે સદીઓ પહેલા આર્યોના આગમનનો સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા શબ્દચિત્રમાં પ્રાણ ફૂંકીને એને ઉત્તમ કાવ્યકરાર બક્ષે છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૮ : સાથી – ડોરથી લિવસે

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

સાથી

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

સાચા પ્રેમની એક ક્ષણનું મહિમાગાન…

સહવાસમાં વધુ મહત્ત્વ શેનું? સમયગાળાનું કે ઘનિષ્ઠતાનું? પ્રેમની સાચી માપપટ્ટી કઈ? કેટલો સમય પ્રેમ કર્યો એ કે કેટલો કર્યો એ? શું વધુ અગત્યનું –જીવનમાંનાં વર્ષો કે વર્ષોમાંનું જીવન? સ્નેહની બાબતમાં તો કદાચ ગુણવત્તા જ આંકડાઓને ટપી જાય, ખરું ને? આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાત જીવનભરથીય વિશેષ બની રહેતી હોય છે. ડોરથીની આ પ્રસ્તુત કવિતા સંબંધમાં ક્ષણ અને સદી વચ્ચેની વિષમતાનું સત્ય બખૂબી નિર્દેશે છે. જોઈએ.

ડોરથી લિવસે. ૧૨-૧૦-૧૯૦૯ના રોજ કેનેડામાં વિનીપેગ, મનિટોબા ખાતે કેનેડિયન પ્રેસના જનરલ મેનેજરના ઘરે જન્મ. માતા કવિ અને પત્રકાર હતી. કવિતા વારસામાં મળી. એમની જાણ બહાર મમ્મીએ એક કવિતા અખબારમાં છપાવા મોકલી આપી. ૧૪-૧૫ વર્ષની વયે એ સમયે બે ડોલરનો ચેક મળ્યો અને શાળામાં ચકચાર ફેલાઈ ગઈ. ૧૧ વર્ષની વયે ટોરોન્ટો રહેવા ગયા. કેનેડાથી પેરિસ સુધી અલગ-અલગ જગ્યાએ ભણ્યાં અને અલગ-અલગ કામો પણ કર્યાં. ૧૯ વર્ષે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૦ વર્ષની વયે લઘુનવલ લખી. ૧૯૩૧માં પેરિસ હતાં ત્યારે તેઓ પાક્કા સામ્યવાદી બન્યાં અને કેનેડામાં પણ સામ્યવાદી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યાં. ૧૯૩૭માં ડન્કન મેકનૈર સાથે લગ્ન. ૧૯૫૯માં પતિના મૃત્યુ બાદ યુનેસ્કોમાં જોડાયાં. વિવિધ શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. ૫૪-૫૫ વર્ષની વયે એમ.એડ. થયાં. અનેક માનદ પદવીઓ અને માન-અકરામો મળ્યાં. લિવસેની કહેતી, ‘જીવનના દરેક દસકામાં આપણે અલગ વ્યક્તિ હોઈએ છીએ’ એમના જીવનને ચપોચપ લાગુ પડે છે. ૮૭ વર્ષની વયે ૨૯-૧૨-૧૯૯૬ના રોજ વિક્ટોરિયા ખાતે નિધન.

ડોરથીની પ્રારંભિક કવિતાઓ ઇમેજિઝમથી પ્રેરિત હતી પણ એમની કવિતાઓમાં આજીવન એક ગતિ-એક ઉત્ક્રાંતિ જોવા મળે છે. લિવસે એક સશક્ત, સંવેદનશીલ કવયિત્રી હતાં. તેઓ જેટલી નિપુણતાથી જાહેર કે રાજકીય મુદ્દાઓ સાથે કામ પાર પાડતાં એટલી જ બાહોશીથી વ્યક્તિગત અને અંતરંગ ભાવનાઓને પણ કાગળ પર કંડારી શકતાં. એમનું મુક્ત પદ્ય અસ્તિત્વના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. જીવન-મૃત્યુ, વાસ્તવ-સ્વપ્ન, પ્યાર-નફરત, સ્ત્રી-પુરુષ અને આપણાં હોવાના નાનાવિધ આયામોને તેઓ કવિતાના માધ્યમથી નાણી જુએ છે.

‘સાથી’ સ્વરૂપે તો સૉનેટ છે પણ ડોરથીના મુક્ત સ્વભાવની ચાડી ખાતું. અષ્ટક, ષટક, ભાવપલટો અને ચોટના અંતર્બાહ્ય સ્વરૂપને કવયિત્રીએ જાળવ્યું છે. પણ પ્રાસ મેળવવાની તમા રાખી નથી. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું: ‘સ્ટૅન્ઝા લખવા મારા માટે કઠીન છે. હું કદી પ્રાસાન્વિત સૉનેટ લખી શકી નથી.’ આ પ્રાસરહિત સૉનેટમાં પ્રથમ પંક્તિ ટેટ્રામીટરમાં છે, બાકીનું આખું સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં. આમ, કવયિત્રીએ ભાવાભિવ્યક્તિને સ્વરૂપથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતી અનુવાદમાં પ્રાસરહિત વ્યવસ્થાનો સ્વીકાર છે પણ સૉનેટ આખું મંદાક્રાંતા છંદમાં છે. જીવનના પ્રારંભિક તબક્કામાં લિવસે ઘનિષ્ઠ ઊર્મિશીલ સંબંધોની સંવેદનાઓને ઓછી જ વ્યક્ત કરતાં. પાછળથી, નાની વયના યુવાન સાથેના પ્રેમસંબંધ અને આફ્રિકાની મુલાકાત બાદ લાધેલી મુખરતાના પ્રતાપે તેઓ આ બાબતો શબ્દોમાં આલેખી શક્યાં. આ કવિતાઓ વાસ્તવમાં પુરુષને લખાયેલ પત્રરૂપે છે. પ્રસ્તુત કવિતામાં પણ રચનારીતિ દ્વિતીય પુરુષ સંબોધન- એકતરફી સંવાદની જ છે. બીજા છેડા પરની વાત સાંભળી શકતા નથી.

કવયિત્રી કહે છે કે એમણે એમના ‘સાથી’ સાથે જીવનમાં પહેલીવાર અને માત્ર એકવાર સહશયન કર્યું હતું. ‘વન નાઇટ સ્ટેન્ડ’ અથવા ‘કેઝ્યુઅલ સેક્સ’ તરીકે જાણીતો એકવારનો સહેવાસ લોકો સામાન્યરીતે એટલા માટે પસંદ કરે છે કે એમાં અનનુભૂત આનંદ મળવા ઉપરાંત કોઈ પણ જવાબદારી કે પ્રતિબદ્ધતા ન હોવાથી એ સંપૂર્ણપણે તણાવમુક્ત પણ હોય છે. દુનિયાના તમામ ખંડમાં તમામ કાળનો ઇતિહાસ ભર્યો પડ્યો છે આવા કિસ્સાઓથી. પણ પ્રસ્તુત રચના આ ભાતીગળ ઇતિ-હાસથી એ રીતે અલગ પડે છે કે અહીં સહશયન જીવનમાં સર્વપ્રથમવાર થયું છે અને એક જ વારનું પણ છે પણ એ જીવનભરના સહવાસોના સરવાળા-ગુણાકારોથી વધીને છે. શીર્ષક સાથી છે પણ પ્રથમ જ પંક્તિમાં બે જણ વચ્ચે થયેલ સહશયન એકમેવ હોવાના એકરાર પરથી એમ લાગે છે કે આ પ્રસંગ બાદ બંને એકમેકથી અલગ જીવ્યાં હોવાં જોઈએ. કેમકે સાથે રહ્યાં હોય તો આવો અનુભવ ફરી-ફરીને કરવાનું ન બન્યું હોય એ શું સંભવ હોય?!

ખૂબ મીઠી વસ્તુ ખાઈ લેવામાં આવે ત્યારે મોઢું ભાંગી જવાનો અનુભવ સર્વસામાન્ય છે. વધુ પડતું ગળચટ્ટું ખાવાથી ઓચાઈ પણ જવાય. ઘણીવાર મોઢામાં કડવાશ પણ અનુભવાય છે. પણ નાયિકાને મધમીઠા સહશયન પછી કશું ઊણું કે ઉતરતું અનુભવાયું નથી. એ પ્રેમ કેવો અદભુત, જેની મીઠાશનું મસમોટું ચકતું ખાવા છતાં ન તો મોઢું ભાંગ્યું, ન કડવાશ અનુભવાઈ. મીઠપ યથાતથ જળવાઈ રહી. સમ્-ભોગ થયો ત્યારે નાયિકા હજુ અક્ષુણ્ણા હતી. એના જીવનમાં આ પ્રથમ પુરુષ હતો. સેક્સનું ફળ આ પૂર્વે એણે ચાખ્યું જ નહોતું. અક્ષતયોનિ સ્ત્રીઓ માટે ઘણીવાર પ્રથમ કામકેલિનો અનુભવ દર્દનાક હોય છે. યોનિપટલ તૂટે ત્યારે અકલ્પનીય પીડા અને રક્તસ્ત્રાવ સામાન્ય છે. પણ કાવ્યનાયક માત્ર પુરુષ નથી, સાચો પ્રેમી પણ છે. અને સાચો પ્રેમી જ અણછૂઈ ગલીઓમાંથી પુષ્પસહજ સુકોમળતાથી પસાર થઈ શકે છે. લિવસે પણ કળી અને પુષ્પનું જ કલ્પન રજૂ કરે છે. આપણે કળીઓ જોઈ છે. ખીલેલાં પુષ્પોય જોયાં છે. પણ કળીના પુષ્પાંતરણની નાજુકતમ ઘટના ભાગ્યે જ જોઈ હશે. કળીમાંથી કુસુમ બનવાની મસૃણ ઘટનાનો ચમત્કાર સર્જનહાર જ કરી શકે. એકાદા કળીને ઊઘાડીને ફૂલ બનાવવાની કોશિશ ન કરી જોઈએ ત્યાં સુધી આ મૃદુલતા સમજવી અસંભવ છે. કવયિત્રીને કદાચ આવી નજાકત અભિપ્રેત છે:

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

અહીં નાયક પ્રેમભાવથી વધુ અને કામભાવથી ઓછો પ્રેરિત હોવાથી આ શક્ય બન્યું છે. પહેલવહેલીવારનું સેક્સ જરૂર થયું છે પણ એવી નાજુકીથી કે સ્ત્રી સ્વીકારે છે કે જે છટાથી પુરુષે કુસુમકળી ઊઘાડીને એને પુષ્પનો દરજ્જો આપ્યો છે, એ મુલાયમતાથી આ કામ બીજું કોઈ કરી નહીં શકે. મુગ્ધા મટી એ સ્ત્રી બની ગઈ. હવાને જાણકારી પણ ન રહી અને એક નાજુક કળી પૂર્ણવિકસિત પુષ્પ બની ગઈ.

કામક્રીડા સંપન્ન થઈ ચૂકી છે. પણ નાયક પુરુષસહજ સ્વભાવવશ ઊભો થઈને ચાલ્યો ગયો નથી. ફોરપ્લે અને પ્લેની સર્વોત્કૃષ્ટ અને સુકોમળ પૂર્ણાહૂતિ પછીનો આફ્ટરપ્લે પણ એટલો જ અગત્યનો છે. નાયકના મજબૂત હાથોએ નાયિકાને સુગ્રથિત આષ્લેષમાં જકડી રાખી છે અને આ બાહુપાશમાં સુબદ્ધ સ્ત્રી નિરાંતે સૂતી છે. એના આ પ્રશાંત પ્રગાઢ સુખપ્રદેશ-સ્વપ્નપ્રદેશમાં એને કશાની ભીતિ નથી. પ્રેમ હોય ત્યાં ડર હોય જ નહીં. પ્રેમની દૃઢપકડમાં માલિકીભાવ પણ નથી હોતો, એટલે જ ફરતી વીંટળાયેલી બાજુઓમાંની અસીમ શ્રદ્ધાના ફળસ્વરૂપે નાયિકા દુનિયાના તમામ ડર-દુઃખોથી ઉન્મુક્ત નિરાંતવા જીવે નચિંત સૂતી છે. કલ્પસમયનો આ ટુકડો ત્યાં જ થીજી ગયો છે. સમય જેમાં ગતિ કરવાનું વિસરી જાય એવી આ ક્ષણો છે. આ સુખસ્થિતિમાં ગિરફ્તાર નાયિકા ચરમસીમા અનુભવે છે ત્યાં સુધી શાંત સૂતી પડી રહે છે.

પુરુષોમાં કામોત્તેજના અને વીર્યસ્ખલન જેટલું સાહજિક અને નિયમિત છે એટલું સ્ત્રીઓમાં નથી. જો કે એની સામે સ્ત્રીઓ એકાધિક અને દીર્ઘકાલીન ઉત્તેજના અનુભવી શકે છે. સ્ત્રીઓના જી-સ્પોટ અને ફુવારા ફૂટવાની વાયકાઓ સદીઓથી પુરુષોને (અને સ્ત્રીઓને પણ!) પીડતી આવી છે. સ્ત્રીને ચરમસીમા સુધી લઈ જવામાં પુરુષને મર્દાનગીનું સાફલ્ય લાગે છે, અને સ્ત્રીને પોતાને કામોત્તાપ સુધી ન પહોંચાડી શકવામાં પુરુષનું વૈફલ્ય. બંને પક્ષ વૈજ્ઞાનિકરીતે ખોટા છે. સ્ત્રીઓમાં યૌનરસોનો ફુવારો છૂટવો (સ્ક્વર્ટિંગ) કાયમી ઘટના નથી અને એ પુરુષોના કામકૌશલ્યને આધીન નથી. સંભોગક્રિયામાં સ્ત્રી કેટલી હળવી, તણાવમુક્ત અને તલ્લીન હોય એના પર એનો વધુ મદાર છે. કામાવેગની ચોટીએ સ્ત્રીના શરીરમાં ઓક્સિટોસિન અને અન્ય એન્ડોર્ફિન્સની માત્રા વધી જાય છે, જેના કારણે સ્ત્રી ઉત્તેજના અને રસસ્ત્રાવ અનુભવે છે. બાદમાં ડોપામિનના સ્ત્રાવના કારણે સ્ત્રી પણ પુરુષની જેમ શિથિલતા અને હળવાશ અનુભવે છે. અહીં ઉભયની ક્રીડામાં કામાવેગ કરતાં પ્રેમાવેગ વધુ પ્રબળ હોવાથી અને સ્ત્રી હળવી, તણાવમુક્ત અને પુરુષના પાશમાં લીન હોવાથી એનામાં રસસ્ત્રાવનો ફુવારો જાગૃત થાય છે.

કવિતામાં આ પ્રસંગના બંને અર્થ સંભવ છે. આખું અષ્ટક માત્ર રતિક્રીડાનું વર્ણન હોય અને સ્ત્રી યોનિસ્ત્રાવ થતાં સ્ખલિત થઈ રતિ નિષ્પત્તિ અનુભવે ત્યાં સુધીની એક જ ક્રિયાનું વર્ણન હોવાનું પણ વિચારી શકાય. અને પ્લે અને સ્ત્રીને પરાકાષ્ઠા સુધી લઈ જતા આફ્ટરપ્લેને આ અષ્ટક સાંકળતું હોવાનો મતલબ પણ કરી શકાય. બીજું અર્થઘટન કદાચ વધુ ઉચિત છે કેમકે પ્રશાંત સુખની દૃઢપકડમાં નિરાંતે સૂતી સ્ત્રીનું ચિત્રણ એના પક્ષમાં છે. હશે, કવિતા તો ભાવકે-ભાવકે અલગ સ્વરૂપે આવી શકે અને એક જ ભાવકને અલગ-અલગ સમય અને મનોસ્થિતિમાં પણ વિધવિધરૂપે રસપાન કરાવી શકે. આપણા માટે અગત્યનું છે પ્રેમની આ રમતનું સુવાંગ સંતુષ્ટિકરણ સાથે નિષ્પન્ન થવું. કવિતાના અર્થગાન કરતાં ઉભયના સાયુજ્યનું ભાવપાન વધુ મહત્ત્વનું છે.

સૉનેટમાં અષ્ટક પત્યા બાદ નિર્ધારિત ભાવપલટો આવે છે. અષ્ટક ભૂતકાળનો સ્મૃતિલેખ છે. ષટક વર્તમાનકાળનો દસ્તાવેજ છે. અને આ બે બિંદુઓ વચ્ચે લાં…બો સમયખંડ વ્યાપ્ત છે. પ્રિય કે મારા વહાલા કહીને કવયિત્રી નાયકને સંબોધે છે. કથનરીતિ એ જ છે પણ શરૂમાં પુરુષ માટે કોઈ સંબોધન વપરાયું નહોતું. પ્રેમપ્રસંગના સ્મરણ પછી વર્તમાન સાથે જોડાતી નાયિકાને વહાલભર્યું સંબોધન સૂઝે છે ધ્યાનાર્હ છે. વર્ષો જૂની ઘટનાનો સંપૂર્ણ નિચોડ આપણને એક સંબોધનમાંથી મળી રહે એ જ ખરું કવિકર્મ છે ને?

નાયિકા નાયકને કહે છે કે વહાલા! એ ઘટના અને આજની વચ્ચે વર્ષોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આપણે બંને બહુ જલ્દી મોટાં થઈ ગયાં. જુઓ તો કાળ અને વિરોધાભાસ! એ નાયકની આગોશમાં હતી ત્યારે થીજી ગયેલો સમય બંને જુદાં પડ્યાં કે દોડતો પસાર થઈ ગયો. બે જણ અલગ હોવાની જે આશંકા સૉનેટની પ્રથમ પંક્તિમાંથી જન્મી હતી એની પુષ્ટિ આ પછીની કડીમાંથી સાંપડે છે, જ્યારે એ કહે છે કે આપણે બંને ઝડપથી પણ પોતપોતાની રીતે અને પોતપોતાની જાત સાથે ઝૂઝતાં-ઝઝૂમતાં મોટાં થયાં છીએ. ઘણીવાર બે જણ એક જ છત તળે અલગ રહીને ઘરડાં થાય છે પણ આ અહીં જે પ્રકારનો સ્નેહસંબંધ આલેખાયો છે એ જોતાં આ શક્યતા નહિવત્ જણાય છે. હા, બંને એકમેકના સતત પરિચયમાં કે નિકટમાં રહ્યાં હોય એનો સંભવ ખરો.

વરસો બાદ કથક એના વૃદ્ધ થઈ ગયેલા પ્રિયજનને નિહાળે છે. મરીઝ અવશ્ય યાદ આવે:

ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.

જો કે અહીં વાત મેંદી જેટલી સ્થૂળ કક્ષાએ નથી. આ વૃદ્ધ સાથી પાસે આજે સ્વપ્નો પણ બચ્યાં નથી. આજીવિકા રહી નથી અને શરીર પર ઓવરકોટ પણ નથી. કેનેડા જેવા શીતપ્રદેશમાં ઓવરકોટ તો જીવાદોરી ગણાય. પણ વીતેલાં વર્ષોમાં દારિદ્રયે એ હદે અજગરભરડો લીધો છે કે માણસ પાસે સ્વપ્નોય રહ્યાં નથી. પોતાની આર્થિક-માનસિક સંપત્તિ કે દરિદ્રતા વિશે નાયિકા ફોડ પાડતી નથી, પણ કાવ્યાંતે સાચી સંપત્તિના દર્શન કરાવે છે. આજીવન પોતપોતાની રીતે સંઘર્ષરત અને અલગ રહ્યાં હોવા છતાં બંને હરહંમેશ નિકટતમ રહ્યાં છે. આની સામે, બે જણ જીવનભર સાથે રહી અસંખ્ય વાર સંયુક્ત થાય તોય બની શકે કે એ જીવન વગરનું સહજીવન હોય:

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. મનમેળ હંમેશા તનમેળથી વિશેષ જ હોય. વળી અહીં તો એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારના સહ-શ્વાસ પછીનો જીવનભરનો ઉપવાસ એકધારા સહવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

ટાઇટેનિક ફિલ્મમાં સલિન ડીઓનના કંઠે ગવાયેલ ‘માય હાર્ટ વિલ ગો ઓન’ ગીતમાં આવી જ વાત છે: પ્યાર ભલે એક જ વાર થાય પણ એ જીવનભર ટકે છે અને આપણે ચાલ્યા જઈએ ત્યાં સુધી નાશ પામતો નથી…. એક સાચો સમય જેને હું આજીવન સાચવી રાખીશ… આપણે હંમેશા આ રીતે જ રહીશું. તું મારા હૃદયમાં સુરક્ષિત છે અને મારું હૃદય ધડકતું રહેશે, ધડકતું રહેશે…

અને અંતે ઉશનસના ‘સોહાગ રાત અને પછી’ સૉનેટની ચાર પંક્તિ મમળાવીએ:

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

ગ્લૉબલ કવિતા : ૨૦૨ : ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – જોન કીટ્સ

On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં

પ્રવાસો કીધા મેં કનકવરણા દેશ બહુના,
અને જોયા છે, હા, મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેસ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


પહેલવહેલી શોધની કુંવારી ઉત્તેજના…

આંદામાન ટાપુના જંગલોમાં વિકસિત માનવજાતથી વિખૂટી જિંદગી જીવતા જારવાને અચાનક ન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વેર પર લઈ આવવામાં આવે તો એની શી હાલત થાય? કે પછી અસીમ રણમાં ભૂલા પડેલા માણસને જિંદગીની આખરી ક્ષણોમાં હર્યોભર્યો રણદ્વીપ જડે ત્યારે એ શું અનુભવે? કોલંબસે ભારત (હકીકતમાં અમેરિકા)ની ધરતી શોધી કાઢી કે નીલ આર્મસ્ટ્રોંગે માનવ-ઇતિહાસમાં પહેલવહેલીવાર ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે કયા પ્રકારની ઉત્તેજના રગરગમાં વ્યાપી વળી હશે? ગ્રેહામ બેલે ‘વૉટસન, અહીં આવ.હું તને મળવા માંગું છું’ કહ્યું ને સામા છેડેથી વૉટસને જવાબ આપ્યો એ ક્ષણનો ઉન્માદ કેવો હશે! પદાર્થભાર શોધવાની પદ્ધતિ હાથ આવતાં જ બાથટબમાંથી નીકળીને ‘યુરેકા, યુરેકા’ની બૂમો પાડતાં-પાડતાં નગ્નાવસ્થામાંજ શેરીઓમાં દોડી નીકળેલા આર્કિમિડીઝની કે સફરજનને પડતું જોતાં જ ગુરુત્વાકર્ષણના રહસ્ય આત્મસાત્ કરનાર ન્યુટનની માનસિક અવસ્થા ઉત્તેજનાની કઈ ચરમસીમાએ હશે, કહો તો! શોધ! પહેલાં કોઈએ જોયું-જાણ્યું ન હોય એવાની શોધ! જીવનમાં દરેક ‘પ્રથમ’નો રોમાંચ શબ્દાતીત જ હોવાનો. પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ કાર, પ્રથમ ઘર – એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારનારી આ ઘટનાઓ દરેકે એકાધિક સ્વરુપે એકાધિકવાર અનુભવી જ હશે. કિટ્સનું આ સૉનેટ આવા જ એક પ્રથમ, એક શોધ અને ઉત્તેજનાનો સાક્ષાત્કાર છે.

જોન કિટ્સ. લંડનમાં જન્મ. (૩૧-૧૦-૧૭૯૫) સર્જરી શીખવા મથ્યા પણ ચપ્પુ કરતાં કલમ વધુ માફક આવી. આઠ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા. માતાએ બાળકોને નાનીના ઘરે મોકલીને બીજા સાથે લગ્ન કરી લીધા. ચૌદ વર્ષની વયે જોકે એ પણ ગઈ. જે જમાનામાં ૫૦ પાઉન્ડમાં આખું વરસ જીવી શકાય એ જમાનામાં ૨૦૦૦ પાઉન્ડનો જંગી વારસો એમને નાની તરફથી મળ્યો હતો, પણ ટ્રસ્ટીએ આજીવન એમને આ બાબતથી અજાણ રાખી એ ભોગવવા ન દીધો. બેએકવાર પ્રેમમાં પડ્યા. લગ્ન સુધી ન પહોંચી શક્યા. ૧૮૧૪માં પ્રથમ કાવ્ય લખ્યું. ૧૮૧૭માં પહેલો સંગ્રહ પ્રગટ થયો. ફ્લૉપ ગયો. બીજો સંગ્રહ આવ્યો. ઇતિહાસનું પુનરાવર્તન. ક્ષયરોગ પારિવારિક રોગ બની ગયો હોય એમ માતા પછી ભાઈઓ અને અંતે કિટ્સ પણ એમાં જ સપડાયા અને માત્ર ૨૫ વર્ષની કૂમળી વયે રોમ ખાતે ૨૩-૦૨-૧૮૨૧ના રોજ મિત્ર સેવર્નના હાથમાં ‘સેવર્ન-મને ઊંચકી લે-હું મરી રહ્યો છું-હું સહજતાથી મરીશ- ડરીશ નહીં- મક્કમ બન, અને ઈશ્વરનો આભાર માન કે એ આવી ગયું છે’ કહીને દુનિયા છોડી ગયા. એમની કબર પર એમની ઇચ્છા મુજબ એમનું નામ નથી, પણ લખ્યું છે: ‘અહીં એ સૂએ છે, જેનું નામ પાણીમાં લખ્યું હતું.’

સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ગીતકારોમાં કિટ્સનું સ્થાન મોખરાનું છે. સોનેટકાર તરીકે પણ એ શેક્સપિઅરની અડોઅડ બેસે છે. અનુવાદક પણ અવ્વલ દરજ્જાના. ‘કવિતા જો, ઝાડને પાંદડાં આવે એટલી સહજતાથી ન આવે તો બહેતર છે કે એ આવે જ નહીં,’ કહેનાર કિટ્સની કવિતાઓમાં આ નૈસર્ગિકતા સહેજે અનુભવાય છે. એ કહે છે, ‘કવિતાએ સૂક્ષ્મ અતિથી જ ચકિત કરવું જોઈએ, નહીં કે એકરૂપતાથી, એણે ભાવકને એના પોતાના ઉચ્ચતમ વિચારોના શબ્દાંકનની જેમ જ સ્પર્શવું જોઈએ, અને લગભગ એક યાદ સ્વરૂપે જ પ્રગટ થવું જોઈએ.’ કવિની હયાતીમાં કવિની ખૂબ અવગણના થઈ પણ મૃત્યુપર્યંત એમની પ્રસિદ્ધિ દિન દૂની- રાત ચૌગુની વધતી રહી. અંગ્રેજી રોમેન્ટિક યુગના પણ એ અગ્રગણ્ય કવિ ગણાય છે. માત્ર ચોપ્પન જ કવિતાઓ લખી. પણ અલ્પાયુ અને ગણતરીના કાવ્યોમાંય ગીત, સૉનેટ, સ્પેન્સરિઅન રોમાન્સથી લઈને છેક મહાકાવ્ય સુધીના વિશાળ ક્ષેત્રમાં નખશિખ મૌલિકતા, પ્રયોગશીલતા અને કાવ્યજાગરુકતા સાથે એમણે જે ઊંડું, અધિકૃત અને પ્રભુત્વશીલ ખેડાણ કર્યું છે એનો જોટો જડે એમ નથી. કિટ્સની કવિતાઓને જોઈએ ત્યારે સમજાય કે ભાવકને પોતાના જ વિચારો કે સંસ્મરણ કવિતામાં આલેખાયા હોય એમ લાગે, ‘સ્વ’ ‘સર્વ’ને સ્પર્શે તેમાં જ કવિતાનું સાર્થક્ય છે. સૌંદર્ય અને પ્રકૃતિ કિટ્સની કવિતાના મુદ્રાલેખ છે. ‘પ્રકૃતિની કવિતા કદી મરતી નથી’ કહેનાર કિટ્સ ‘સૌંદર્યની ચીજ જ શાશ્વત આનંદ છે’ એમ દિલથી માનતા. કહેતા, ‘સૌંદર્ય સત્ય છે, સત્ય સૌંદર્ય- બસ, આ જ તમે પૃથ્વી પર જાણો છો, અને આ જ તમારે જાણવું જરૂરી છે.’ આજ વાત એ આ રીતે પણ કહેતા, ‘કલ્પના જેને સૌંદર્ય ગણીને ગ્રહે છે એ સત્ય જ હોઈ શકે.’

કવિતાનું શીર્ષક અહીં સાચા અર્થમાં કાવ્યઘરમાં પ્રવેશવા માટેની કૂંચી બન્યું છે. ‘ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં’ એ શીર્ષક ધ્યાનબહાર હોય તો સૉનેટ સમજવું દોહ્યલું થઈ પડે એમ છે. બહુધા અંગ્રેજી સૉનેટોની જેમ જ આ સૉનેટ પણ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલું છે. અંગ્રેજીમાં કઠિન ગણાતી અ-બ-બ-અ/અ-બ-બ-અ(અષ્ટક) અને ક-ડ-ક-ડ-ક-ડ(ષટક) પ્રાસરચના આ પેટ્રાર્કન શૈલીના સૉનેટમાં કિટ્સે એવી સહજતાથી નિભાવી છે કે સલામ ભરવી પડે. જો કે ગુજરાતી અનુવાદમાં શિખરિણી છંદમાં સ્વરાંત પ્રકારની પ્રાસરચના અલગ રીતે કરી છે. એમનેમ કંઈ આ સૉનેટ ઓગણીસમી સદીના શ્રેષ્ઠતમ સૉનેટોમાંનું એક નથી ગણાયું. પણ આ સૉનેટઘરમાં પ્રવેશતા પહેલાં એના ઉંબરા, ઓસરીને ઓળખી લેવા જરૂરી છે. સૉનેટમાં હોમર, ચેપ્મેન, કોર્ટેઝ, ડેરિયનના જે ઉલ્લેખો આવે છે, પહેલાં એને સમજીએ..

પૌરાણિક ગ્રીક સાહિત્યના બે સીમા ચિહ્ન મહાકાવ્યો – ઇલિયાડ અને ઓડિસી લગભગ ૨૭૦૦-૨૮૦૦ વર્ષ જૂનાં ગણાય છે. આ મહાકાવ્યોના રચયિતા વિશે એકસંવાદિતા નથી સાધી શકાઈપણ . મોટાભાગના એને હોમર નામના કવિના સર્જન ગણે છે. કેટલાક કહે છે કે આ કાવ્યો એકાધિક વ્યક્તિઓ વડે –હોમર નામની પરંપરામાં રહીને- સતત ઉમેરણ-છંટામણની પ્રક્રિયા વડે રચાયાં છે. આ કાવ્યો શરૂમાં તો પેઢી દર પેઢી મુખોમુખ સચવાયાં હતાં. જે પણ હોય, હોમરના આ ગ્રીક મહાકાવ્યો રચાયાં ત્યારથી આજદિનપર્યંત તમામ કળાઓને સતત પ્રભાવિત કરતાં આવ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, નાટક, ફિલ્મ – કશું જ હોમરના પારસસ્પર્શ વિના સોનું બન્યું નથી. હોમરના આ કાવ્યો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગણાય છે.

આત્મકથનાત્મક શૈલીમાં કહેવાયેલા આ સૉનેટની શરૂઆત કથક પોતે કરેલા પ્રવાસો વિશે વાત માંડતો હોય એમ થાય છે. પ્રથમ પંક્તિમાં જ ‘કનકવરણા દેશ’ (Realms of gold)નો ઉલ્લેખ સોનાની લંકા અથવા સ્વર્ણભૂમિ El Doradoની યાદ અપાવે છે. શીર્ષક ધ્યાનમાં રહે તો એ ખ્યાલ પણ આવે કે આ વાત આખરે તો સાહિત્યની સ્વર્ણભૂમિની છે. કથકે આ સ્વર્ણભૂમિઓના ઘણા પ્રવાસ કરી ચૂક્યા છે. નાના-મોટા અસંખ્ય દેશો-રાજ્યો જોઈ ચૂક્યા છે. કવિઓ જેને એપોલોના ટાપુ કહી વખાણ કરતાં થાકતા નથી એવા પશ્ચિમના અગણિત ટાપુઓ પણ તેઓ ફરી આવ્યા છે. કવિએ એપોલો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, કેમકે એ સંગીત-કવિતા, સૂર્ય અને પ્રકાશ વિ.નો ગ્રીક દેવતા છે. સ્વર્ણભૂમિ, નાના-મોટા રાજ્યો અને અગણિત ટાપુઓનો પ્રવાસ અર્થાત્ કવિ સેંકડો સર્જકોના અસંખ્ય સર્જનમાંથી પસાર થઈ ચૂક્યા છે. મહાજ્ઞાની હોમરના વિશાળ રાજ્ય વિશે, એના અજરામર સર્જન વિશે પણ કથક જ્ઞાત છે, પણ હોમરના ગ્રીક સાહિત્યનો ખરો અર્ક જ્યાં સુધી જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ નહોતો વાંચ્યો ત્યાં સુધી પામી શકાયો નહોતો. ચેપ્મેને કરેલ અનુવાદ વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. કિટ્સે જ ક્યાંક લખ્યું છે,’કશું કદીપણ સાચું નથી બનતું જ્યાં સુધી અનુભવાતું નથી.’ કિટ્સ માટે હોમરની કૃતિઓનો ચેપ્મેનના માધ્યમથી કરેલો અનુભવ સાહિત્યનું સનાતન સત્ય ઉજાગર કરે છે. જોન ડ્રાયડન અને એલેક્ઝાંડર પોપે હોમરના કાવ્યોના કરેલા સુશ્લિષ્ટ અનુવાદ કિટ્સના સમયે વધુ વંચાતા હતા. પણ શાળાજીવનના મિત્ર ચાર્લ્સ ક્લાર્કે એક દિવસ કિટ્સને ઘરે બોલાવ્યા. જ્યૉર્જ ચેપ્મેને હોમરનો કરેલો સુગ્રથિત, વધુ પ્રવાહી અનુવાદ બતાવ્યો. બંને મિત્રોએ મળસ્કે છ વાગ્યા સુધી ઉજાગરો કરીને એ વાંચ્યો. કિટ્સ દિવ્યાનંદ, ભાવાવેશમાં આવી ગયા. સવારે બે માઇલ દૂર પોતાના ઘરે ગયા. સૉનેટ લખ્યું અને દસ વાગ્યે તો ક્લાર્કને એના નાસ્તાના ટેબલ પર આ સૉનેટ પડેલું મળ્યું. નખશિખ ઉત્તેજના અને અદમ્ય પ્રેરણાના પરિપાકરૂપ સૉનેટમાં કિટ્સે પાછળથી બહુ ઓછા સુધારા કરવા પડ્યા.

કિટ્સના જન્મના થોડા વર્ષ પહેલાં જ ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વખતે એને કેવો અકથ્ય રોમાંચ થયો હશે! ચેપ્મેનનું હોમર પહેલીવાર વાંચતીવખતે કવિને આવો જ રોમાંચ થઈ રહ્યો છે. પ્રથમ અનુભૂતિના રોમાંચની વાત કવિ સૉનેટમાં આગળ વધારતાં કોર્ટેસને યાદ કરે છે. હેર્નાન કોર્ટેસે ૧૫૧૯માં સદીમાં મેક્સિકો જીતી પહેલવહેલીવાર મેક્સિકોની ખીણના દર્શન કર્યા હતા. વાસ્કો બાલ્બોઆ ૧૫૧૩ની સાલમાં પનામાની સંયોગીભૂમિ ઓળંગીને ડેરિયન પર્વત પરથી પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોનાર પ્રથમ યુરોપિઅન હતો. વિલિયમ રોબર્ટસનની ‘હિસ્ટ્રી ઓફ અમેરિકા’નો અભ્યાસ કરનાર કિટ્સે સૉનેટ લખતી વખતે આ બે હકીકતોની ભેળસેળ કરી નાંખી હતી. સૉનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેસને ડેરિયન શિખર પર ચડીને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. તગડો બળુકો કોર્ટેસ (હકીકતમાં બાલ્બોઆ) યુરોપિયન સમુદાય માટે આજસુધી અજાણ રહેલા અફાટ પેસિફિક સાગર પર પહેલવહેલીવાર ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર ફેંકે છે ત્યારે હર્ષાવેશમાં એની વાચા હરાઈ જાય છે. એનું સૈન્ય પણ આ અનુપમ દૃશ્ય જોઈ પરસ્પર અટકળભરી નજરોથી જોઈ રહે છે. સહુની વાચા હરાઈ ગઈ છે એમ કિટ્સ લખે છે. હકીકતમાં બાલ્બોઆ અવાક્ નહોતો થઈ ગયો પણ આવેગમાં ‘Hombre!’ (man!) કહી ઊઠ્યો હતો. ઇતિહાસની દૃષ્ટિએ આ ભૂલ છે પણ કવિતામાં ઇતિહાસ કરતાં લાગણીનું ચલણ વધારે હોવાથી આ સૉનેટ સર્વસ્વીકૃત બન્યું છે. કિટ્સને એના જીવનકાળમાં આ ભૂલ વિશે ખબર પડી હતી કે કેમ એની માહિતી નથી. સૂર્યમાળાનું અગોચર રહસ્ય આકસ્મિક છતું થાય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોનો અનનુભૂત સાક્ષાત્કાર થાય એ જ રીતે હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડ્યો. ઉત્તેજનાની આ સર્વોત્કૃષ્ટ પળને કવિએ સફળતાપૂર્વક આલેખી છે. કોઈ અદભુત પુસ્તક પહેલીવાર વાંચતીવેળાએ જે નવીનતમ આનંદ અનુભવાય, માત્ર એ જ નહીં પણ કોઈ યુદ્ધવિજેતાના હાથે અચાનક જ વિશાળ વણખેડાયેલ, અજાણ્યો પ્રદેશ જીતી જવાતા જીતનો, મગરૂરીનો, તાકાતનો જે સાક્ષાત્કાર થાય એ શબ્દશઃ અહીં અંકિત થયો છે.

કિટ્સના આ સૉનેટના વાક્યો અને શબ્દપ્રયોગો કેટલા સર્જકોએ ક્યાં-ક્યાં મદદમાં લીધા છે એની તો લાંબીલચ્ચ યાદી બની શકે એમ છે. હોમરના ઇલિયાડ અને ઓડિસી માટે કિટ્સે સૉનેટમાં જે રૂપકો અલગ-અલગ સ્થાને પ્રયોજ્યા છે એ પણ ધ્યાનાર્હ છે: કનકવરણા, ઉમદા, વિશદ જગા, મહાજ્ઞાની, સાચો મરમ, ગરુડી આંખ, બળુકો, સ્થિર. આ ચાવીઓ હોમરની કવિતાની લાક્ષણિકતાઓ બખૂબી ઊઘાડી આપે છે. હોમરના મહાકાવ્યો સોનાની ખાણ જેવા અમૂલ્ય છે, ઉમદા છે, જ્ઞાનના અખૂટ ભંડારભર્યાં છે. એનો સાચો મર્મ જાણવો હોય તો ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર જોઈએ. ટૂંકમાં, કોઈ પણ કાવ્યનો સાચો આસ્વાદ એની ઠેઠ ભીતર ઉતર્યા વિના, ભાવકની સર્વાંગ સજ્જતા વિના સંભવ નથી. અને ભાવક પોતાનું સો ટકા આપે તો અવર્ણનીય આનંદ પ્રાપ્ત થાય એ પણ સુનિશ્ચિત છે. હોમરના કાવ્યાનુભૂતિ નિમિત્તે કિટ્સ આપણને કાવ્યાસ્વાદની સાચી કૂંચી ગોતી આપે છે.

વર્સફોલ્ડે સાહિત્યને માનવજાતિનું મગજ ગણાવ્યું છે. હેગલ કવિતાને સૌ કળાઓમાં સર્વોત્કૃષ્ટ ગણે છે. કવિતા ब्रह्मास्वाद सहोदरનો અપાર્થિવ દિવ્યાનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. કિટ્સે કોર્ટેસ માટે Stout શબ્દ પ્રયોજ્યો છે જેનો પ્રથમદર્શી મતલબ તો તગડો અને બટકો થાય છે પણ કિટ્સને જે અર્થ અહીં અભિપ્રેત છે એ છે બળવાન… કવિતા સિંહણના દૂધ જેવી છે. ગરુડ જેવી તીક્ષ્ણ નજર, હાર્દ સુધી જવાનું જોમ અને સ્થિરતમ મનવાળું કનકપાત્ર જ એને ઝીલી શકે છે. આનંદવર્ધને કહ્યું હતું,

अपारे काव्यसंसारे कविरेव प्रजापति:।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते॥

(પાર ન પામી શકાય એવા કાવ્યવિશ્વમાં કવિ જ બ્રહ્મા છે, જેનાથી વિશ્વ આનંદ પણ પામે છે અને પરિવર્તન પણ.) એટલે જ કવિતાની સ્વર્ણભૂમિ હાંસિલ કરવાનો આનંદ અવર્ણનીય છે. સદીઓ પહેલાં થઈ ગયેલા એક કવિની અભૂતપૂર્વ કલ્પનદૃષ્ટિ અને શબ્દસૃષ્ટિની સમર્થતા, ઊર્જા અને તાકાતને ભાવક આગળ ચાક્ષુષ કરવાની નેમ કિટ્સના આ સૉનેટમાં નજરે ચડે છે. પોતાની મર્યાદિત અનુભૂતિ અને નાનુકા અવાજ તથા હોમરની ઉત્કૃષ્ટ કાળનિરપેક્ષતા અને અમર્યાદિત વિચક્ષણતાની વચ્ચેનું અંતર પ્રસ્થાપિત કરીને કિટ્સ હોમરને ચૌદ પંક્તિની તોપની સલામી આપે છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૦ : અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück


અકિલીઝનો વિજય

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્ત્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)


પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ એ જ ખરો વિજય

મહાભારતનું યુદ્ધ તો માત્ર અઢાર જ દિવસ ચાલ્યું હતું, પણ જનમાનસ પરનો એનો કબ્જો સમયાતીત છે. મહાભારતની કથા અને પાત્રો દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોમાં સદીઓથી દેખા દેતાં આવ્યાં છે. આપણે ત્યાં મહાભારતનું જે મહત્ત્વ છે, એથીય અદકેરું મહત્ત્વ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગ્રીક પુરાણકથાઓમાં વર્ણવાયેલ, ઈસુથી બારસોએક વર્ષ પહેલાં થઈ ગયેલા ટ્રોયના યુદ્ધનું છે. અઢાર દિવસીય મહાભારતથી વિપરીત આ યુદ્ધ દસ-દસ વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ સાથે પણ અસંખ્ય પાત્રો, કથાઓ અને ઉપકથાઓ અવિનાભાવી સંબંધે જોડાયાં છે અને સદીઓથી વિશ્વભરના દેશોમાં તમામ કળાઓમાં આ પાત્રો-કથાઓ-ઉપકથાઓ સતત આલેખાતાં આવ્યાં છે. ભાગ્યે જ એવી કોઈ ભાષા હશે, જેનું સાહિત્યજગત આ યુદ્ધકથાઓ અને પાત્રોથી અભિભૂત નહીં થયું હોય. લૂઈસની પ્રસ્તુત રચના પણ આ જ યુદ્ધકથાના મહાનાયકથી પ્રેરિત છે.

લૂઈસ એલિઝાબેથ ગ્લિક. ઘણાં ગ્લુક બોલે છે, પણ Glück (/ɡlɪk/)નો સાચો ઉચ્ચાર ગ્લિક છે. ૨૨-૦૪-૧૯૪૩ના રોજ ન્યૂયૉર્કમાં જન્મ. નાની વયે કાવ્યલેખન શરૂ કર્યું. ટીનએજમાં તેઓ એનોરેક્ષિયા નર્વોસા નામની બિમારીથી પીડાતાં હતાં. એ હદે ભૂખમરો કરતાં કે મૃત્યુ ન થઈ ગયું એ જ નવાઈ. મોટાભાગે તરુણીઓને થતી આ માનસિક બિમારીમાં જાડા થઈ જવાના ડરથી યુવતીઓ ખોરાક એકદમ ઓછો કરી દે છે અને વખતોવખત ખાધા પછી ઊલટી કરી નાંખે છે. ગ્લિક ‘ડેડીકેશન ટુ હંગર’માં લખે છે: ‘મૃત્યુનો ડર, ભૂખ પ્રતિ સમર્પણનું રૂપ ધારણ કરે છે, કેમકે સ્ત્રીનું શરીર એક કબર છે; એ કંઈ પણ સ્વીકારશે. મને યાદ છે રાત્રે પથારીમાં સૂતાં સૂતાં મૃદુ, લચી પડતાં સ્તનોને અડવું, અડવું, પંદરમા વર્ષે, એ આડે આવતાં માંસને જેને હું કુરબાન કરી દઈશ, જ્યાં સુધી અંગો મહોરવા અને છલનાથી આઝાદ ન થઈ જાય.’ આ બિમારીની સારવાર માટે એમણે સ્કૂલ છોડી દેવી પડી હતી. આ જ કારણોસર, કોલેજ અને યુનિવર્સિટીમાં પાર્ટટાઇમ ભણ્યાં અને એ પણ કવિતાના ક્લાસિસમાં જ. આ ગાળામાં કવિતાઓ સામયિકોમાં પ્રગટ થવા માંડી. ૧૯૬૭માં ચાર્લ્સ હર્ટ્ઝ જુનિઅર સાથે લગ્ન. ૧૯૬૮માં પ્રથમ કાવ્યસંગ્રહ. ૧૯૭૧થી કોલેજમાં કવિતા શીખવવું શરૂ કર્યું. ૧૯૭૭માં જોન દ્રેનાવ સાથે બીજા લગ્ન. ૧૯૯૬માં છૂટાછેડા. હાલ તેઓ યેલ યુનિવર્સિટીમાં નિવાસી લેખક છે અને કેમ્બ્રિજ, માસાચ્યુસેટ્સ ખાતે રહે છે. ૨૦૦૩-૦૪માં અમેરિકાના રાજકવિ. ૧૯૯૩માં પુલિત્ઝર અને ૨૦૨૦માં નોબેલ પારિતોષિક. આ સિવાય અસંખ્ય પારિતોષિકો અને ઈનામ-અકરામથી નવાજિશ.

નોબેલ પારિતોષિક એનાયત કરતી વખતે કમિટિએ ‘એમની નિર્ભ્રાંત કાવ્યબાની’ વિશે કહ્યું હતું કે, ‘એ સંયમિત સૌંદર્ય વડે વૈયક્તિક અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે.’ ગ્લિકે પ્રતિભાવમાં કહ્યું કે, ‘મારું માનવું છે કે મને આ પુરસ્કાર આપતી વખતે, સ્વીડિશ અકાદમી એવા અંતરંગ, નિજી અવાજનું સન્માન કરવાનું પસંદ કરી રહી છે, જેને સાર્વજનિક રૂપથી ક્યારેક સંવર્ધિત અથવા વિસ્તારિત કરી શકાય છે, પણ કદી બદલી શકાતો નથી.’ ગ્લિકની કવિતાઓ જાણે કે અસંખ્ય ટુકડાઓમાં વહેંચાયેલી એમની આત્મકથા જ છે. શબ્દોની કરકસર અને ઉત્તમ કળાકૌશલ્ય ઊડીને આંખે વળગે છે. અકલ્પનીય ભાષાપ્રભુત્વ અને છંદોલયની અનૂઠી સમજના કારણે તેઓ અલગ તરી આવે છે. બગીચાના ફૂલોથી લઈને ગ્રીક પુરાકથાઓના અમર પાત્રો –આ બધું જ લૂઈસની આત્માનુભૂતિ સાથે એકાકાર થઈને નવોન્મેષ ધારે છે. આઘાત, પીડા, મૃત્યુ, નિષ્ફળ માનવસંબંધો, એકલતા, જીવનની વિહ્વળ કરી દેતી વાસ્તવિકતા વગેરેના ગાઢા ભૂખરા રંગની અડખેપડખે બાળપણ, પુનર્જન્મ, ઉપચાર અને નવીનીકરણની રૂપેરી કોર એમના સર્જનમાં જોવા મળે છે. એમની મોટાભાગની કવિતાઓમાં બે પંક્તિ વચ્ચે અવકાશ રહેલો છે, જેને ભાવકે પોતાની મેળે ભરવાનો છે. ભાવક સજ્જ ન હોય તો કવિતા હાથમાંથી સરી જવાનું ભયસ્થાન જે લૂઈસમાં છે, એટલું જૂજ કવિઓમાં જ જોવા મળે છે. આંખ મીંચીને કોઈપણ કવિતા ઊપાડો, ગ્લિકની કારયત્રી પ્રતિભા આંજ્યા વિના નહીં રહે એની ગેરંટી. એમની કવિતા કાળજીપૂર્વક કોઈક કેન્દ્રબિંદુની આસપાસ પરિભ્રમણ કરતી જોવા મળે છે. વાઇલ્ડ આઇરિસમાં કવિના ઘરનો બગીચો આપણી સાથે વાતો કરે છે. એવર્નો અને ટ્રાયમ્ફ ઑફ અકિલીઝની કવિતાઓ ગ્રીક પુરાકથાના પાત્રોની આસપાસ વણાયેલ છે, એવર્નોમાં આ કથાઓ મા અને પ્રેમી વચ્ચેની દલીલોનું સ્વરૂપ લે છે તો અકિલીઝમાં એ કથાઓને સર્વકાલીન સ્વરૂપ આપે છે. અરારતની કવિતાઓ આત્મકથનાત્મક છે. ગ્લિકના દરેક સંગ્રહમાં કવિતાઓ અલગ-અલગ સ્વરૂપે પ્રગટે છે.

‘ધ ટ્રાયમ્ફ ઑફ અકિલીઝ’ કવયિત્રીના એ જ નામે ૧૯૮૫માં પ્રગટ થયેલા સંગ્રહનું શીર્ષકકાવ્ય છે. કવયિત્રીએ બે પંક્તિથી લઈને સાત પંક્તિઓવાળા પાંચ હિસ્સામાં આ અછાંદસ કવિતાને વહેંચી છે. આખરી બે હિસ્સામાં દેખાતા અપૂર્ણાન્વય ચરણ સિવાય બધે બંધ બદલાવાની સાથે વાક્ય પૂર્ણ થાય છે. કાવ્યપ્રવેશ કરતાં પહેલાં અકિલીઝ અને ટ્રોયના યુદ્ધ (ટ્રોજન વૉર) વિશે જાણી લઈએ. હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. અન્ય કથાઓ મુજબ એ એનો પ્રેમી પણ હતો. એ જમાનાના ગ્રીસમાં પોતાનાથી ઘણી નાની વયના છોકરાઓ સાથે પુરુષોના પ્રેમસંબંધ સામાન્ય હતા. શેક્સપિઅરના નાટક ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં પણ બંનેનું ચિત્રણ પ્રેમીઓ તરીકે જ કરાયું છે.

ટ્રોયના યુદ્ધની વાત કરીએ તો, ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસ (Menelaus)ની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ જતાં મેનોલેઅસે આ કામ પોતાના ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસ (Brisēís)નો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ પેટ્રોક્લસ અકિલીઝની સલાહ વિરુદ્ધ ટ્રોયના યોદ્ધાઓને પીછેહઠ કરાવીને સંતોષ માનવાના બદલે એમની પાછળ પડ્યો, અને અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો અને એને એડીથી પોતાના રથ પાછળ બાંધી દઈ યુદ્ધના નિયમો વિરુદ્ધ ઘસડીને પોતાના કેમ્પ સુધી લઈ આવ્યો. દસ વર્ષ લાંબા આ યુદ્ધનો અંત ગ્રીક લોકોના ઝૂકી જવાના નાટક અને લાકડાના વિશાળકાય ઘોડાની ટ્રોયજનોને ભેટ આપવા સાથે આવ્યો. ઘોડાની અંદર છૂપાયેલા મહારથીઓ અભેદ્ય ટ્રોયને અંદર ઘૂસીને તહસનહસ કરી નાંખ્યું. યુદ્ધ સમાપ્ત થયું.

હૉમરના વિશાળ મહાસાગરમાંથી ગ્લિકે તો એક બુંદ જ ઊપાડ્યું છે પણ એ વાતને જે આયામ બક્ષે છે એ કવિતાને નખશિખ આસ્વાદ્ય બનાવે છે. કવિતાનું શીર્ષક અકિલીઝનો વિજય છે, પણ શરૂઆત ‘પેટ્રોક્લસની વાર્તા’થી થાય છે. ગ્લિક કહે છે, પેટ્રોક્લસની વાર્તામાં કોઈ જ બચતું નથી. અકિલીઝ, જે લગભગ યુદ્ધનો દેવતા ગણાતો હતો એ પણ આ મૃત્યુ પામે છે. અકિલીઝના વિજયને પેટ્રોક્લસની વાર્તાનું નામ આપીને ગ્લિકે મિત્રતાનો મહિમા કર્યો છે. અકિલીઝના બખ્તરની નીચે બીજું કોઈ છે એનો ખ્યાલ યોદ્ધાઓને આવે એ પહેલાં તો અકિલીઝની આભા ઓઢીને પેટ્રોક્લસે શત્રુસેનાને આંધીની જેમ ધમરોળી નાંખી. પેટ્રોક્લસ દેખાવે અકિલીઝને મળતો આવતો હતો એમ કહીને કવયિત્રી પુરાકથાની હકીકતનું સમર્થન કરે છે. અકિલીઝ દેવતા તો નહીં, પણ લગભગ દેવતા જ હતો. એ દરિયાની દેવી થીટિસ અને પીલિયસનો પુત્ર હતો. અકિલીઝ એના જમાનામાં દેવતાઓની જેમ જ અમર અને અજેય યોદ્ધા ગણાતો હતો. ગ્લિક આગળ ‘લગભગ’ મૂકીને અકિલીઝને દેવતાઓથી અલગ તારવી આપે છે.

મિત્રતાનો આડકતરો મહિમા કરી લીધા બાદ ગ્લિક સીધી વાત કરે છે. કહે છે, આ પ્રકારના મૈત્રીસંબંધોમાં સામાન્યતઃ બંને જણ એકબીજાની સેવા કરતા જ હોય છે, બંને જણ એકમેકને જરુર પડ્યે કામ આવતા જ હોય છે, પણ આ સેવા સમાન સ્તરે કદી હોતી નથી. મિત્રતા ગમે એવી ભવ્ય કેમ ન હોય, પદાનુક્રમ હંમેશા દેખીતો જ હોવાનો. કૃષ્ણ અને સુદામાની દોસ્તીના દાખલા આપણે કાયમ ભલે ને દોસ્તીની ભીંત પર ટાંગીને કેમ ન રાખીએ, બંને વચ્ચેનો તફાવત કદી ભૂલતાં નથી. પેટ્રોક્લસ વયમાં તો અકિલીઝ કરતાં ખાસ્સો મોટો હતો પણ એક સાચા સેવકની નિષ્ઠાથી અકિલીઝની દેખભાળ રાખવાનું, રાંધવાનું વિ. તમામ પ્રકારનું કામ એ કરતો હતો. પદાનુક્રમે અકિલીઝ એના કરતાં ક્યાંય વધીને હતો. અહીં કવયિત્રી અચાનક પુરાકથાનો તંતુ છોડીને હકીકત સાથે, ઇતિહાસ સાથે અનુસંધાન સાધે છે. કહે છે, આ દંતકથાઓનો કોઈ ભરોસો કરી શકાય એમ નથી. કેમકે દંતકથાઓ જેના વિશે હોય છે, એ તો મૃત્યુ પામ્યો હોય છે અને જે માણસ આ દંતકથાઓનું આલેખન કરે છે, એ તો બચી ગયેલો કે ત્યાગી દેવામાં આવેલ માણસ છે. કથાનો ભાગ બનવાથી બચી ગયેલી કોઈ વ્યક્તિ પ્રેક્ષકભાવે કથા કહે ત્યારે શું સંભવ નથી કે કથા હકીકતની વધુ નજીક હોવાના સ્થાને જે-તે વ્યક્તિના અંગત વિચારો અને અભિગમની વધુ નજીક હોય?

ખેર, દોસ્તની સેવા કરતાં-કરતાં, દોસ્તનું બખ્તર પહેરીને, દોસ્ત જેવી જ શૂરવીરતા દાખવીને પેટ્રોક્લસ યુદ્ધમાં શહીદ થઈ ગયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? ઑડેનની વિખ્યાત કવિતા ‘ધ શિલ્ડ ઑફ અકિલીઝ’ (૧૯૫૨)થી ગ્લિકની આ રચના ખાસી અલગ પડે છે. ઑડેન યુદ્ધમાં એક-બે માણસના વિચારબીજને યાંત્રિક બુદ્ધિહીનતાથી અનુસરતા હજારો માણસોના જાનમાલના નુકશાનની વાત કરે છે, તો ગ્લિક દેવતાસમાન મહાયોદ્ધાની અંગત હાનિની વાત કરે છે. ઑડેન નનામા હેતુહીન મૃત્યુની વાત કરે છે, તો ગ્લિક મિત્રપ્રેમ માટે ફના થવા તૈયાર યોદ્ધાના માન અને નૈતિક વિજયની વાત માંડે છે.

દેહ-પ્રાણ સમું સાયુજ્ય શ્વસતા અકિલીઝ માટે પેટ્રોક્લસનું મૃત્યુ અસહ્ય આઘાત હતો. એના મૃત્યુના સમાચારથી એ આખેઆખો નિચોવાઈ જાય છે. હજારો દુશ્મનોને મોતને ઘાત ઉતારનાર અકિલીઝ એક મૃત્યુથી પોતાના તંબુમાં શોકના દરિયામાં ગરકાવ થઈ જાય છે. ‘પોતાનો તંબુ’ શબ્દપ્રયોગ પણ ધ્યાનાર્હ છે. ખુલ્લા દરિયામાં ભડકે બળતા જહાજોના કલ્પન પછી તરત આ શબ્દપ્રયોગ કરાયો છે. અસીમ અને સીમિતનો વિરોધાભાસ દુનિયા અને કેન્દ્રબિંદુ તરફ ઈશારો કરતો હોવાનો ભાસ થાય છે. સમુદ્ર આખો ભડકે બળતો હોય એ દાહ અકિલીઝ તંબુની અંદર બેઠા અનુભવે છે. ગ્રીક પુરાકથાઓમાં પણ આપણા પુરાણોની જેમ જ દેવતાઓ મનફાવે ત્યારે મનુષ્યજગતમાં આવનજાવન કરતા. દેવતાઓ અકિલીઝના પારાવાર શોકના સાક્ષી બને છે. અકિલીઝ લગભગ દેવતા જેવો છે, કેમ કે એ મિત્રપ્રેમ અને શોકથી પર ઊઠી શક્યો નથી. એની માતા સાગરની દેવી છે. એના કહેવાથી આગ અને ધાતુકામના દેવતા હિફેસ્ટસ અકિલીઝ માટે બખ્તર અને ઢાલ બનાવે છે. અકિલીઝ દેવતાઓથીય વધીને અપ્રતીમ શૌર્ય ધરાવતો હોવા છતાં દેવતા નથી, કેમકે એનું હૃદય મનુષ્યોની જેમ એના મિત્ર માટે અસ્તિત્વની સમગ્રતાથી દ્રવી ઊઠ્યું છે. ગ્લિકની જ ‘યેલો ડહલિઆ’ કવિતાનો અંતભાગ યાદ આવી જાય:

અમે લોકો દિવસ અને રાત જેવા હતાં,
સર્જનનું એક કાર્ય.
હું બે ભાગને
અલગ કરી શકી નહીં.

એ સમયે મૃતકને યોગ્ય અંતિમસંસ્કાર નસીબ ન થવાથી મોટી અવહેલના બીજી કોઈ ગણાતી નહોતી. હેક્ટરે પેટ્રોક્લસનો વધ કરી એનું બખ્તર, જે પ્રતીકાત્મકરૂપે અકિલીઝનો ‘હું’ હતો, એનેય તહસનહસ કરી નાંખ્યું હતું. મિત્રનું શબ અને પોતાના ગૌરવના પ્રતીક સમા બખ્તરને પરત મેળવી શબનો યોગ્ય અંતિમસંસ્કાર કરી ગુમાવેલું સન્માન પરત મેળવવું અકિલીઝ માટે અનિવાર્ય હતું. અકિલીઝ જાણતો હતો કે આ સમયે યુદ્ધમાં ઝંપલાવવાનો અર્થ માતા થીટિસે કરેલી ભવિષ્યવાણી મુજબ નિશ્ચિત મૃત્યુ જ છે, પણ એનું બખ્તર ધારીને એનું જ સ્વ-રૂપ લઈ રણે ચડેલ પેટ્રોક્લસના મૃત્યુ સાથે જ એનામાંનો દેવાંશ તો ક્યારનો મરી પરવાર્યો હતો. પ્રેમ કરવાનું સૌભાગ્ય માત્ર મનુષ્યોને જ હાંસલ છે. દેવી-દેવતાઓ તો માત્ર કૃપા કરી જાણે. જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. સેંકડો યોદ્ધાઓનો ધ્વંસ કરીને શબ અને બખ્તર પરત મેળવવાને ગ્લિક વિજય ગણતાં નથી. એ તો આ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. આ પુરાહકીકત એ ભાવક પર છોડી દે છે. અન્ય મનુષ્ય માટેની માનવ સંવેદના તરફ અકિલીઝના પુનરાગમનને એ એનો વિજય ગણે છે. હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે. યુદ્ધત્યાગ કરી બેઠેલા મહાવીરને પુનઃ યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાની દુઃખની તાકાતનો આ વિજય છે.

बिजली चमके बरसे मेहरवा

स्वर : ओमकार नाथ ठाकुर

.

बिजली चमके बरसे,
मेहरवा आई बदरिया,
गरज गरज मोहे अतही डरावे ॥

गर गरजे घन बिजली चमके,
पपीहा पिहू पिहू टेर सुनावे,
का करूं कित जाऊं,
मोरा जियरा तरसे ॥

ગ્લૉબલ કવિતા : ૧૯૮ : નાનકડું ચિનાર – અજ્ઞાત (ગ્રીક)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.

On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.

Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.

Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું,
સ્થિર જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો પખવાડિક રજા પર હતો ને મેઘલી રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીકિનારે આવી ઊભો. એક તરફ માથે સાંબેલાધાર વરસાદ, કોઈએ સમ ન દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને બીજી તરફ નદી પણ ગાંડીતૂર થઈને બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું તો ખરું, પણ વેગમાં તરવાના બદલે તણાવા માંડ્યો. નસીબજોગે ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડીને માંડ સામા કિનારે એ પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી પહોંચ્યો. કાળીડિબાંગ રાતે કરેલ કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એટલે, બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ચોરપગલે ઉપર ચડ્યો. એની પ્રાણપ્રિયાએ પહેલાં તો એને હરખભેર બાથમાં લીધો પણ પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો ભવસાગર પાર થઈ જાત. યુવકને હાડોહાડ લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટના જેવું જ આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિએ પણ કર્યું હતું એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનની કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક અક્ષર આમતેમ ખસેડી શકાય નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં અન્ય સાહિત્ય-સંસ્કૃતિની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં નદીકિનારે ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ, સમય અને સંસ્કૃતિ ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ મનુષ્યનો રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. કહેવા માટે તો આપણે કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ કે ‘ડૂબે’ છે પણ હકીકતમાં પ્રેમમાં માણસની ઉન્નતિ-ઉર્ધ્વગતિ જ થતી હોય છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રણય અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ સફર છે, ઇરોઝ રાહબર છે, અને સમ્-ભોગ મંઝિલ છે. ગ્રીક સાહિત્યમાં ઇરોઝનો પહેલવહેલો ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૭૦૦માં મળે છે અને આ કવિતા તો એનાય આઠસો વર્ષ પહેલાંની છે. મતલબ, આ કવિ ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને એમની તમા પણ નથી, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

‘નાનકડું ચિનાર’ શીર્ષક કવિતા વિશે રહસ્યોદ્ઘાત કરવાના બદલે કવિતાના અગત્ય અંગ તરફ ધ્યાન દોરે છે માત્ર. મૂળ રચનાના લય-છંદ-પ્રાસ વિશે જાણકારીના અભાવમાં સેમ હેમિલના અંગ્રેજી અનુવાદમાં પ્રસ્તુત ત્રણ-ત્રણ પંક્તિના અછાંદસ પ્રાસરહિત પાંચ બંધની પ્રયોજના સ્વીકારી છે. ત્રીજા અંતરામાં બે વાક્યો હોવા સિવાય બાકીના તમામ અંતરા એક-એક સંપૂર્ણ વાક્યરચના ધરાવે છે. કવિતાની શરૂઆત પણ ‘નાનકડું ચિનાર’થી જ થાય છે. પ્રેયસીએ જાતે રોપેલું નાનકડું ચિનાર હવે બોલી શકે એટલું મોટું થઈ ગયું છે. નાયક નદીના આ કાંઠે એ જ વૃક્ષની નીચે ઊભો છે. પ્રેયસીએ જાતે રોપેલા વૃક્ષની કિંમત નાયકને મન કેટલી કિંમત હશે એ સમજી શકાય છે. આ વૃક્ષ માત્ર વૃક્ષ નથી. ઉભયના પ્રેમનું પ્રતીક છે. પ્રેમ તરોતાજો હશે એવામાં નાનકડું વૃક્ષ જે વવાયું હતું. આજે પ્રેમ અને વૃક્ષ બંને પરિપક્વ થઈ ગયાં છે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ પણ આવી ચૂક્યાં છે.

નાયિકા નદીના સામા કાંઠે અને હાલ તુરંત પહોંચની બહાર છે. એટલે ‘પિયરનું કૂતરુંય વહાલું’ના ન્યાયે નાયક ચિનાર વૃક્ષમાં જ નાયિકાનો સાક્ષાત્કાર કરે છે. નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ એને બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડનો સજીવારોપણ અલંકાર અહીં અટકતો નથી, આગળ વધે છે. નાયકને ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સાચે જ સજીવ હોય એમ અંગોપાંગ જેવી દેખાય છે, અને વળી પ્યારી પણ લાગે છે. ઝાડ પર તાજાં કાચાં ફળો અને પાકાં રાતાં ફળો હારોહાર બેઠાં છે. પ્રેમ પુખ્ત પણ છે અને મુગ્ધ પણ. કાચાં-પાકાંના સહજીવન જેવા પ્રેમથી લચેલું વૃક્ષ વહાલું લાગે છે. પાકાં ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વૃક્ષ વૃક્ષ ન રહેતાં બહુમૂલ્યવાન ખજાનો બની જાય છે. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં! પણ પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. સામા કાંઠે રાહ જોવાઈ રહી છે, એની આ કાંઠાને ખબર છે. બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં?

દુનિયા અને દુન્યવી અંતર અપૂરતાં હોય એમ બે પ્રેમીઓના મિલનની સંભાવનાઓની વચ્ચે વહેતી નદી મગર નામની જીવતી મુસીબતોથી ભરી પડી છે. કવિ કહે છે કે મગરો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સાફ વાત છે કે નદી પણ મગરોથી ભરપૂર જ હશે!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપરીને એવું તો ‘કોઇન’ કરી દીધું છે કે મોટાભાગના લોકો આજેપણ આ વાક્ય શેક્સપિઅરનું જ હોવાનું માને છે.)

પ્રેમ સાચે જ આંધળો છે. એ બે હૈયા વચ્ચે વહેતી નદી, છલકાતા મગર કે લળુંબતા મોતને જોઈ જ શકતો નથી. પ્રેમ તો માત્ર બેઉ જણના મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ વિચારવા જેવી વાત છે. અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને મગરો-ભરી નદીમાં જાનના જોખમે ઝંપલાવી દે છે. અને માથે કફન બાંધીને ફનાના માર્ગ પર આગેકદમ કરનાર માટે તો આટલું જ કહી શકાય કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’ સાચે જ, સાહસ અને સાહસિકના પડખે તો ખુદ ઈશ્વર આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને નાયકનું હૃદય, એનો ઉમંગ, અને જુસ્સો એવી રીતે કાપી રહ્યાં છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

શેક્સપિઅરે કહ્યું હતું, ‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ એટલે જ પ્રેમીઓ સફરની તકલીફોની પરવાહ ન કરતાં મંઝિલપ્રાપ્તિ તરફ ચાલી નીકળતાં હોય છે. આપણો કાવ્યનાયક પણ પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. મગરભરી નદીમાં જે વ્યક્તિ રસ્તા પર ચાલતા હોવાની સહજતાથી તરી રહી છે, એ હકીકતમાં નાયક નથી, પ્રેમ પોતે જ છે. ફરહાદ જો પ્રેમમાં ન હોત તો શું પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શક્યો હોત? રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, સોહિની-મહિવાલ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે. પ્રેમનો નશો પણ બુદ્ધિના કાર્યક્ષેત્રની પેલે પારનો છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી. અનનુભૂતનો મોહ સર્વને સદા સર્વદા રહ્યો છે.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીયસંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. એટલે જ કવિ કાવ્યાંતે કહે છે કે હા, મારી વહાલી! એ પ્રેમ જ છે જે મને તાકાત અને હિંમત આપે છે અને નદીમાં માર્ગ પ્રશસ્ત કરે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફોએ કહ્યું છે કે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

ગ્લૉબલ કવિતા : ૧૯૭ : વસંત વિલાસ – પ્રાચીન ગુજરાતીનું બેનમૂન વિશ્વકાવ્ય : ૦૨

ગયા અંકમાં આપણે પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસના પરિચય સાથે કેટલાક દોહા માણ્યા. આજે થોડા બીજા અણમોલ મૌક્તિકોના ઝળહળાટના સાક્ષી બનીએ:

(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|

સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.

સતત વહેતા સમયના વહેણમાં તણાઈ જતા ક્ષણભંગુર યૌવનનો હવાલો આપીને કવિ નાયિકાને કામક્રીડામાં સમર્પિત થવા આહ્વાન આપે છે. કહે છે, આજે ભલે તારાં આ સ્તનો સુદૃઢ કેમ ન હોય, એ કંઈ કાયમ આવાં ઉન્નત રહેનાર નથી. સમયની સાથે એ લચી પડી એનું સૌંદર્ય ગુમાવશે જ. માટે હે મૂર્ખ સ્ત્રી! શા માટે આમ મૂર્ખતા દેખાડે છે? કયા કારણથી તું પોતાના યૌવન પર અભિમાન કરે છે? આ યુવાની તો થોડા દિવસોની જ મહેમાન છે.

माणं मुंचह देहि वल्लहजणे दिठ्ठीं तरंगुत्तरं
तारुण्णं दियहाई पंच दह वा पीणस्थणत्थंभणं। (कर्पूरमंजरी-राजशेखर) (१-१८)

(માન છોડી દે અને પિયુ તરફ પ્રેમભીની નજર કર. યૌવન પાંચ-દસ દિવસ જ છે અને દૃઢ સ્તનોની કઠિણતા પણ) શંકરાચાર્ય મોહમુદ્ગર સ્તોત્રંમાં કહે છે: ‘मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वम्।’ (ધન, સ્વજન, યૌવનનો ગર્વ ન કર. નિમિષમાત્રમાં કાળ સર્વને હરી લેશે.) નરસિંહ મહેતા પણ ગાઈ ગયા: ‘ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ’ દેહસૌંદર્ય કાયમી ન હોવાથી નાહક પ્રિયજન પાસે માન માંગવાની મૂર્ખાઈ કરવાના બદલે પ્રેમઋતુ વસંતમાં સહવાસનો-સંભોગનો આનંદ ભરપૂર માણી લઈને જે હાલ છે એનો ઓચ્છવ કેમ ન કરવો?!

(૦૬)
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

ઘૂમે ભ્રમર કેસરકળી કેસરયુક્ત અસંખ,
ચાલે છે રતિપતિ શૂરા, સુભટ ફૂંકે છે શંખ. |૨૯|

ભમરાઓ બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર ઘૂમી રહ્યા છે, જાણે કે શૂરવીર કામદેવના પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકી રહ્યા છે.

વસંત ઋતુ કામદેવની ચહિતી છે. આ ઋતુમાં પ્રેમદેવતા મન્મથ શરસંધાન કરે છે અને પ્રેમપ્લાવિત હૈયાંઓ કામકેલિમાં જોડાઈ અદ્વૈત સાધે છે. હાથમાં ધનુષ્ય લઈને શૂરવીર કામદેવ યુદ્ધ કરવા નિસરે અને એમના આગમનની જાણ કરવા શંખનાદ કરતાં સુભટ સાથે કવિ ભમરાઓની સરખામણી કરે છે. બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર મંડરાઈને ગુંજારવ કરતા મધુકર જાણે કે કામદેવના આવણાંના શંખ ફૂંકી રહ્યા છે. ઈસ ૧૩૬૩માં શાર્ંગધરે લખેલો શ્લોક સરખાવવા જેવો છે:

मालतीमुकुले भाति मञ्जु गुञ्जन्मधुव्रतः।
प्रयाणे पञ्चबाणस्य शंङ्खमापूरयन्निव॥ (शार्ङ्गधरपद्धति)

(માલતીની કળીઓમાં મધુર ગુંજન કરતો ભમરો જાણે પંચબાણ (કામદેવ)ના પ્રયાણસમયે શંખ ફૂંકતો હોય એવો લાગે છે.)

(૦૭)
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. |૩૪|

કિંશુકકળી અતિ વાંકડી, આંકડી મદનની જાણ,
તાણી આણશે આ ઘડી વિરહિણીના પ્રાણ. |૩૪|

કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

વસંતમાં પૂરબહાર ખીલેલ કેસૂડાની કળીઓ અત્યંત વાંકી હોય છે. નજરના રસ્તે ચાલી દિલોદિમાગને સંતપ્ત કરતા કેસૂડાંની આ વક્રકળીઓમાં કવિને કામદેવનું શસ્ત્ર આંકડી કે અંકુશ નજરે ચડે છે, જેના વડે કામદેવ વિરહિણીઓનાં કાળજાં બહાર ખેંચી કાઢે છે. મૂળ દોહાની જેમ અનુવાદમાં પણ વાંકડી-આંકડી-આ ઘડી એમ યમકસાંકળી પ્રયોજવામાં આવી છે. નૈષધીયચરિતમાંથી આના જેવો શ્લોક મળી આવે છે:

स्मरार्धचन्द्रेषुनिभे क्रशीयसां स्फुटं पलाशेऽध्वजुषां पलाशनात् ।
स वृन्तमालोकत खण्डमन्वितं वियोगिहृत्खण्डिनि कालखण्डजम् ॥१.८४॥

એણે વિયોગીઓનાં હૃદય ખંડિત કરતી, કામદેવના અર્ધચંદ્રાકાર બાણ જેવી કેસૂડાનાં ફૂલની દાંડી જોઈ, જે વિરહમાં દુબળા બનેલા પ્રવાસીઓનું ભક્ષણ કરતાં (બચી ગયેલા) કાળજાના ટુકડા જેવી લાગતી હતી. કાલિદાસના ઋતુસંહારમાંથી પણ આવી ઉપમા જડે છે:

किं किंशुकैः शुकमुखच्छविभिर्न भिन्नं किं कर्णिकारकुसुमैर्न कृतं न दुग्धम्| (६:२०)

(પોપટની ચાંચ જેવી શોભાધારી આ કેસૂડાં શું યુવાચિત્તને નથી ચીરતાં? આ કર્ણિકાર પુષ્પો પણ તેને ઘાયલ નથી કરતાં?) સાતવાહન-હાલ કવિને પણ કેસૂડાનાં ફૂલના આકારમાં પોપટની ચાંચ નજરે ચડી હતી: કીર-મુહ-સચ્છેહેહિં રેહઇ વસુહા પલાસ-કુસુમેહિં. (સૂડાની ચાંચ સમાં કેસૂડાનાં ફૂલ ધરતી પર શોભી રહ્યાં છે.) એમનું જ પુષ્પોને કામદેવનું આયુધ ગણાવતું એક પ્રાકૃત મુક્તક પણ જોવા જેવું છે:

સહિ દુમ્મેંતિ કલંબાઇં જહ મં તહ ન સેસ-કુસુમાઇં
નૂણં ઇમેસુ દિઅહેસુ વહઇ ગુડિયા-ધણું કામો

હે સખી! જેવી કદંબકળીઓ મને પીડે છે, તેવાં બીજાં પુષ્પો મને નથી પીડતાં: આ દિવસોમાં તો કામદેવ જાણે કે હાથમાં ગિલોલ લઈને ફરતો હોય છે.

(૦૮)
સખિ મુઝ ફુરકઈ જાંઘડી તાં ઘડી બિહું લગઈ આજુ,
દુષ સવે હિવ વામિસુ પામિસુ પ્રિય તણૂં રાજુ. |૪૬|

સાથળ ફરકે મુજ સખી, આ પળ બેથી આજ,
દુઃખ હવે સૌ વામશું, પામશું પ્રિયનું રાજ. |૪૬|

સખી! મારી જાંઘ આ બે ઘડીથી ફરકી રહી છે. હવે બધા દુઃખ દૂર કરીશું અને પ્રિયનું રાજ્ય પામીશું.

નાયિકા એની સખીને પોતાને થયેલાં શુકનની વાત કરી રહી છે. આજે આ બે’ક ઘડીભરથી એની સાથળો ફરકી રહી છે. જાંઘ ફરકતી હોવાનું શુકન સૂચવે છે કે નાયક અને નાયિકાનું મિલન થવાની સંભાવના ઊજળી છે. મતલબ હવે વિરહના સૌ દુઃખ દૂર થવાની પળ ઢૂંકડી આવી ઊભી છે. અને નાયિકાને ટૂંક સમયમાં જ પ્રાણપિયુના સમાગમના રાજ્ય જેવું સુખ પ્રાપ્ત થશે. વસંતવિલાસના શ્લોકે શ્લોકે વેરાયેલી નાનાવિધ યમકસાંકળી સાછંદ પદ્યાનુવાદમાં જાળવવી તો કદાચ જ શક્ય બને, પણ સાથળ-આ પળ, વામશું-પામશું જેવી યમકસાંકળીથી મૂળ દોહરાની બને એટલા નજીક રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ જરૂર કર્યો છે.

(૦૯)
નમણિ કરઈં ન પયોધર યોધર સુરતસંગ્રામિ
કંચુક તિજઈં સંનાહુ રે નાહુ મહાભડુ પામિ. |૬૬|

રતિસંગ્રામે ના નમે યોધ પયોધર નામ,
કંચુકિ બખ્તર ત્યાગતાં પામતાં સુભટ નાથ. |૬૬|

રતિસંગ્રામમાં પયોધર નામના યોદ્ધાઓ નમતા નથી. તેઓ પતિરૂપી મહાભડને પામતાં કંચુકીરૂપી બખ્તર પણ ત્યજી દે છે.

વસંતઋતુના વર્ણનથી વિપ્રલંભશૃંગાર તરફ વળ્યા બાદ કવિતા નખશિખ સંભોગશૃંગાર તરફ વળી છે. કામકેલિને કવિ બે પાત્રો વચ્ચેના યુદ્ધ તરીકે જુએ છે. કવિ નાયિકાના ઉન્નત, સુદૃઢ સ્તનોને સુરતસંગ્રામમાં ભાગ લેતા વીરયોદ્ધાઓ સાથે સરખાવે છે. કામક્રીડા દરમ્યાન તેઓ જરાય નીચું નમતા નથી, અર્થાત્ ઢીલા પડતા નથી. ઊલટું, પતિરૂપી મહાસુભટ, મહાવીરનો સામનો થતાં જ સહેજ પણ ડર્યા વિના ચોળીરૂપી બખ્તરનો પણ ત્યાગ કરી દઈને ઊઘાડાં થઈ જાય છે. અને પતિનો સામનો કરે છે. સામાન્યરીતે બખ્તર યોદ્ધાનું રક્ષણ કરતું હોય છે, પણ સ્તન આવૃત્ત હોય એના કરતાં નિરાવૃત્ત હોય ત્યારે પુરુષોને વધુ આસાનીથી વશ કરી શકે છે, એ હકીકત કવિના મનમાં રમતી હોવાનો અત્રે ખ્યાલ આવે છે. સોમેશ્વરદેવના કીર્તિકૌમુદીમાં પણ સમાન વિચાર જોવા મળે છે:

निगिदितुं विधिनाऽपि न शक्यते सुभटता कुचयोः कुटिलभ्रुवाम्।
सुरतसंश्रमतः प्रियपीडितावपि नतिं न गतौ गतकञ्चुकौ ॥७९॥

વક્રભ્રૂકુટીવાળીઓના સ્તનોની વીરતા વર્ણવવું વિધાતા માટે પણ શક્ય નથી. સુરતસંગ્રામમાં પ્રિયએ ભીડાવ્યા છતાં એ કંચુકવિહોણા સ્તન નમ્યાં નહીં.

(૧૦)
કેસૂય ગરબુ મ તૂં ધરિ મૂં સિરિ ભસલુ બઈઠ,
માલતીવિરહ બહૂ વહઈ હૂઅવહ ભણીય પઈઠ. |૭૭|

કિંશુક, ના કર ગર્વ તું, શિર છો બેઠો ભીર,
આગ ગણી પેઠો જો વધી માલતીવિરહ પીર. |૭૭|

હે કેસૂડા! મારા માથે ભમરો બેઠો છે એવો ગર્વ તું ન કર. (કારણ કે) માલતીના વિરહની પીડા અતિશય વધતાં એ (આપઘાતકરવાના ઇરાદે જ તને) આગ ધારીને (તારામાં) પેઠો છે.

માલતી, ભમરો અને કેસૂડાના પ્રતીકથી કવિ કેવી મજાની વાત કહે છે! પ્રિયતમાનો વિરહાગ્નિ સહન ન થતાં પ્રિયુ અન્ય સ્ત્રીના સહવાસમાં સુખ શોધવાના ફાંફા મારતો હોય અને એ અન્ય સ્ત્રી જાત પર અભિમાન કરે એ જોવમાં આવતાં નાયિકા એ મદભરી માનુનીને ઠંડો ડામ આપતી હોય એમ કહે છે, કે તારે નાહક ફુલાવાની જરૂર નથી. પિયુ તો પોતાની વિરહવેદના અસહ્ય બનતાં બે ઘડી રાહત મેળવવા માટે જ તારા પડખામાં આવ્યો છે. આ સાથ કંઈ કાયમી નથી. વિયોગ પૂર્ણ થતાં જ એ તારો ત્યાગ કરશે. આ વિચારથી બિલકુલ વિપરિત દોહો પણ વસંતવિલાસમાંથી જડી આવે છે:

બઉલસિરી મદભીંભલ ઈ ભલપણું અલિરાજ,
સંપતિ વિણ સુકુમાલ તી માલતી વીસરી આજ. |૭૪|

અલિરાજ! બોરસલ્લીમાં મદવિહ્વળ થયો એ તારું ભલાપણું છે? (પુષ્પ)સંપત્તિ વિનાની સુકુમાર (સૂકાઈ ગયેલ) માલતીને તેં આજે વિસારી દીધી છે!

(૧૧)
સખિ અલિ ચલણિ ન ચાંપઇ, ચાંપઇ લિઅઇ ન ગંધુ,
રૂડઇ દોહગ લાગઇ, આગઇ ઇસ્યુ નિબંધું. |૭૮|

ભ્રમર મૂકે ના પગ સખી, ના લે ચંપક ગંધ,
રૂડાંને દુર્ભાગ્ય એ આગળથી સંબંધ. |૭૮|

હે સખી! ભમરો ચંપામાં પગ મૂકતો નથી, એની ગંધ પણ લેતો નથી. રૂડી વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું હોય છે એ આગળથી ચાલતો આવેલો નિયમ છે.

ફૂલે-ફૂલે ભમીને મધુરસપાન કરતા ભમરાએ આમ તો સુગંધમાં પી.એચડી. કરેલું હોય છે, પણ આટલો જ્ઞાની હોવા છતાં એ સુગંધથી છલકાતા ચંપાનો સ્પર્શ સુદ્ધાં કરતો નથી. આ હકીકતનો અર્થાન્તરન્યાસ કરતાં કવિ કહે છે કે સંસારમાં જે કંઈ સારું, સુંદર છે એ તમામ સાથે આવું દુર્ભાગ્ય, અવગણના જોડાયેલ હોય એ દુનિયામાં પરાપૂર્વથી ચાલ્યો આવતો નિયમ (સંબંધ) છે. સંસ્કૃત સાહિત્યમાં ચંપો સુશીલ સુંદર સ્ત્રીનું પ્રતીક લેખયો છે. ગુણજ્ઞ પુરુષો સાચા અર્થમાં સુંદર અને ગુણવંતી સ્ત્રીઓને ચાહી શકતા નથી. કદાચ પોતાનાથી ચડિયાતી સ્ત્રીનું તેજ સહી શકતા નહીં હોય! કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચે સંબંધ બંધાય એ કોઈ ઈશ્વરકૃપા કે ઋણાનુબંધને જ આભારી હશે? શાર્ંગધર કહે છે:

भ्रमन् वनान्ते नवमञ्जरीषु न षट्पदो गन्धफलीमजिघ्रत्|
सा किं न रम्या सच किं न रन्ता बलीयसी केवलमीश्वरेच्छा||
વનમાં નવમંજરીઓમાં (નવી ઊઘડેલી મંજરીઓમાં અથવા નવી લતાઓમાં) ભટકતાં ભમરાએ ગંધફલીની (ચંપકની કળીની કે પ્રિયંગુલતાની) સુવાસ લીધી નહીં. શું એ રમ્ય નથી ? તેમ એ (ભ્રમર) રમણનો જ્ઞાતા નથી ? (અર્થાત્ એ રમણ કરવાની કળામાં કુશળ નથી એમ નથી.) કેવળ ઈશ્વરેચ્છા જ બળવાન છે. (અર્થાત્ ગુણાવગુણથી નહીં પણ ઈશ્વરેચ્છાના પ્રાબલ્યથી સંબંધો બંધાય છે.) (शाङ्ग्रधरपद्धति)

(૧૨)
એક થુડિ બઉલ નઇ બેઉલ બેઉ લતાં નવ ભેઉ,
ભમર વિચાલિ કિસ્યા મર પામર વિલસિ ન બેઉ. |૮૧|

એક થડે બેઉલ બકુલ બેઉ લતામાં ન ભેદ,
ભોગવ બેઉને, ભ્રમર, ના કર પામર ખેદ. |૮૧|

એક થડ ઉપર બેઉલ અને બકુલ છે. બેઉ લતાઓમાં ભેદ નથી. હે ભ્રમર! બેઉ વચ્ચે શા માટે મરે છે? પામર! બંને સાથે વિલાસ કર ને!

જીવન જેમ આવ્યું એમ માણી લેવાની શીખ અહીં પ્રાપ્ત થાય છે. એકસમાન રૂપગુણ ધરાવતી બે સુંદરીઓમાં કોને ચાહવી અને કોને નહીંના અનિર્ણયના દ્વિભેટે અટવાયા કરવાના બદલે દુઃખી થયા વિના બંનેને જ કેમ ન ભોગવવી? અમરુશતક યાદ આવે:

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

એક જ આસને બેઠેલી બે પ્રેમિકાઓની, પાછળથી આદરપૂર્વક નજીક જઈને, એકની આંખો રમતના બહાને દાબીને, કપટી સહેજ ડોક નમાવીને, રોમાંચિત થઈને, પ્રેમોલ્લાસથી ઊછળતી અને મનોમન હસવાથી ખીલી ઊઠેલા ગાલવાળી બીજીને ચૂમી લે છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૬ : વસંત વિલાસ- ૦૧ – અજ્ઞાત

વસંત વિલાસ – પ્રકૃતિ અને પ્રણયનો અનનુભૂત સમન્વય

એકવિધતાથી વધુ બોરિંગ બીજું કંઈ હોતું નથી. કદાચ એટલે જ કુદરતે ઋતુચક્રનું નિર્માણ કર્યું હશે. એક પછી એક ઋતુઓની પીંછી ફરતી જાય અને દૃશ્યો બદલાતાં જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આપણી મુખ્ય ઋતુ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આપણી પેટાઋતુઓ. આમાં વસંત અને વર્ષા –આ બે તો સૌની સૌથી વધુ લાડકી. અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં ‘तस्य ते वसन्त: शिर’ કહીને વસંતને બધી ઋતુઓમાં માથે બેસાડવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ ‘ઋતુઓમાં હું વસંત છું’ (‘ऋतूनां कुसुमाकरः’ ૯:૩૫) કહે છે. વેદોના સૂક્તોથી લઈને રામાયણ, મહાભારત જેવા આપણા મોટાભાગના આદિકાવ્યોમાં ઋતુવર્ણનો જોવા મળે છે. કાલિદાસે ‘ઋતુસંહાર’ના છઠ્ઠા સર્ગમાં અપૂર્વ વસંતમહિમાગાન કર્યું છે, જે બે જ શ્લોકાંશમાં પણ યથાર્થ જોઈ શકાય છે: ‘सर्व प्रिये चारुतरं वसंते’ (હે પ્રિયે! વસંત ઋતુમાં બધું જ વધુ સુંદર લાગે છે) (૦૬:૦૨); ‘सद्यो वसन्तसमयेन समाचितेयं रक्तांशुका नववधूरिव भाति भूमिः।‘ (વસન્તનો સમાગમ પમી ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠી છે.) (૦૬:૧૯) ગુજરાતી ભાષામાં પણ વસંત ઋતુનો સંસ્પર્શ ન કર્યો હોય એવો કવિ જડવો મુશ્કેલ છે. અત્રે પ્રસ્તુત દોહરાઓ ‘વસંતવિલાસ’માંથી લીધા છે.

‘વસંતવિલાસ’ નામ જ કવિતાના વિષયવસ્તુ પર પ્રકાશ ફેંકવા સક્ષમ છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. કાવ્યપ્રકારની દૃષ્ટિએ ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતમાં આ કાવ્યપ્રકાર ખીલ્યો-ફાલ્યો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી પ્રાકૃત ભાષામાં ‘ફગ્ગુ’ શબ્દ આવ્યો, જેના પરથી ‘ફાગુ’ શબ્દ ઊતરી આવ્યાનું મનાય છે. (‘ફાગ,’ ‘ફાગણ,’ અને ‘ફાલ્ગુની’ નક્ષત્રની ગંગોત્રી પણ અહીં જડે છે.) આમ, ફાગુને વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર કહી શકાય. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આપણે ત્યાં ચૌદમીથી લઈને સત્તરમી સદી સુધી કવિઓએ ફાગુવિહાર કર્યાનું જોવા મળે છે. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે. ફાગુકાવ્યોના બહુધા જૈન (સોથી પણ વધુ) અને જૈનેતર (દસેક જેટલાં) એમ બે સ્વરૂપ ઉપલબ્ધ છે.

મધ્યકાળના કવિઓમાં કાવ્યાંતે પોતાનો નામોલ્લેખ સામાન્ય હતો, પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી. ઈ.સ. ૧૬૩૮ની એક હસ્તપ્રતના અંતભાગે ‘इति मुंजकविना कृतं वसंतविलास फ़ाग समाप्तः’ લખેલું મળી આવ્યું છે અને વસંતવિલાસની આખરી કડીમાં પણ ‘મુંજ’ શબ્દ વપરાયો હોવાથી કેટલાક લોકો કવિનું નામ મુંજ હોવાનું અનુમાને છે, પણ સર્વસ્વીકૃત અભિપ્રાય વસંતવિલાસને અજ્ઞાત કર્તાની શિષ્ટસાહિત્યકૃતિ હોવાનું સ્વીકારે છે.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. દુહાની બંને પંક્તિઓમાં અનુક્રમે ૧૩ તથા ૧૧ માત્રાના બે ચરણ મળીને કુલ્લે ૨૪ માત્રા હોય છે. એકી (પ્રથમ અને ત્રીજા) ચરણનું માપ દાદા દાદા દાલદા અને બીજા-ચોથા (બેકી) ચરણનું માપ દાદા દાદા ગાલ મુજબ હોય છે, જેમાં લઘુ માત્રા યથાવત્ જાળવવાની હોય છે. વસંતવિલાસમાં જો કે દુહાબંધ ઘણી જગ્યાએ શિથિલ પડ્યો અનુભવાય છે. વસંતવિલાસમાં કુલ્લે ૮૪ કડીઓ (દુહાઓ) છે. સમ (બેકી) ચરણોના અંતે પ્રાસ મેળવવાનો રહે છે. પણ વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

આખું કાવ્ય તબક્કાવાર ગતિ કરે છે. કાવ્યારંભે મંગળાચરણ બાદ શરૂમાં વસંત ઋતુનો વૈભવ અને કામદેવનો મહિમા આલેખાયો છે. વસંત-વન અને મદનવર્ણનમાં ક્રમશઃ પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા ભળે છે. વિરહિણીની ઉદ્દીપ્ત અવસ્થામાં છેવટે પ્રિયતમના આગમનની ખુશી અને અંતે ઉભયના મિલન અને પ્રણયવિલાસનું વર્ણન સામેલ થાય છે. પણ સરવાળે આ સળંગસૂત્રી રચના છે. શરૂથી અંત સુધી સમગ્ર કાવ્યવસ્તુ એક જ તાંતણે બંધાયેલું રહે છે.

થોડા દુહા જોઈએ:
(૦૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

આમ તો વસંતપંચમીથી વસંત ઋતુ શરૂ થયેલી ગણાય પણ વસંતપંચમી મહા માસના પ્રારંભે (ફેબ્રુઆરીમાં) આવે છે અને શિવરાત્રિ મહા માસના અંતે. શિવરાત્રિ શિયાળો પૂરો થયાનું અને વસંતના આગમનનો ઈશારો કરે છે. અને ફાગણ મહિનાથી (મધ્યમાર્ચથી) વસંત ઋતુની શરૂઆત થાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૧મી માર્ચે અને આપણા પંચાગ મુજબ શિવરાત્રિના રોજ દિવસ અને રાતની લંબાઈ એકસમાન હોય છે. કવિ કહે છે, જેમાં દિવસ અને રાત એકસમાન છે એવી શિવરાત્રિ આવી ચૂકી છે, અર્થાત્ હવે વસંત ઋતુ શરૂ થઈ છે. પરિણામે છોડ-વૃક્ષો પર પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને એમની સુગંધ દસેય દિશાઓમાં ફેલાઈ રહી છે. વળી, આકાશમાં આ સમયે વાદળો પણ જોવા મળતાં નથી અને આકાશ પણ નિર્મળ સ્વચ્છ નજરે ચડે છે. કવિએ શિવરતિ-સમરતિની યમકસાંકળી સાથે રિતુની વર્ણસગાઈ બાંધી છે. ત-દ-પની વર્ણસગાઈ ઉપરાંત પરિમલ-નિરમલ, દિસિ-દિશિ પણ તરત ધ્યાન ખેંચે છે.

(૦૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

કવિએ આંબા માટે સહકાર શબ્દ વાપર્યો છે. જંગલી અને સારા આંબાની ડાળ એકસાથે બાંધીને સહિયારી કલમ ચડાવવાથી જે કલમી આંબો બને તેને સહકાર કહેવાય છે.

પિકવલ્લભ કામાંગ સુરભ મદિરા સખ સહકાર,
અંબ રસાલની ડાળીઓ નમી રહી ફળભાર. (પિંગળલઘુકોષ)

વસંત ઋતુની લાક્ષણિકતાઓ ઊઘડી રહી છે. આંબાઓ મંજરીઓથી મઘમઘ થવા માંડ્યા છે અને વસંત ઋતુની છડીદાર એવી કોયલ એના પાર વિનાના ટહુકાઓથી ત્રણેય ભવનમાં વસંત ઋતુનો જયજયકાર કરવા માંડી છે. બે જ પંક્તિમાં કેવું અદભુત ચિત્ર કવિએ દોરી આપ્યું છે! કાલિદાસનું ઋતુસંહાર ફરી યાદ આવે:

आकम्पयन्कुसुमिताः सहकारशाखा विस्तारयन्परभृतस्य वचांसि दिक्षु।
वायुर्विवाति हृदयानि हरन्नराणां नीहारपातविगमात्सुभगो वसन्ते ॥६.२२॥

વસંતમાં શીતકાળ વીતી જવાથી મનભાવન વાયુ વાય છે. તે પુષ્પસભર આમ્રવૃક્ષની શાખાઓને ડોલાવી રહ્યો છે. કોયલના ટહુકાઓને સર્વ દિશાઓમાં ફેલાવી રહ્યો છે અને સહુ નરોના હૃદયોને હરી રહ્યો છે. ભર્તૃહરિ શૃંગારશતકમાં લખે છે: प्रसरति मधौ धात्र्यां जातो न कस्य गुणोदयः। (८१) (વસંત ધરતી ઉપર પ્રસરે છે ત્યારે કોના ગુણોનો ઉદય નથી થતો?) વસંતના પ્રભાવથી બધું જ ગુણવાન બને છે.

(૦૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

વાસંતી વાયરા વાઈ રહ્યા છે. વસંતના પવનનો તો જાદુ જ નોખો. એ ભલભલી માનુનીઓના માનપાન મૂકાવે, મનને વિચલિત કરી દે એવો મનહર છે. કામકેલિ કરીને થાકી ગયેલા કામીજનોના અંગોને આ પવન વાતા શાતા અનુભવાય છે. કવિએ નિધુવનકેલિ શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ છે જેમાં શરીરની નાડી માત્ર આનંદિત થતી હોય એવી જાતનો સંભોગ. કવિને કેટલો સબળ શબ્દકોશ હૃદયસ્થ છે એ સમજી શકાય છે. આ દોહામાં અનુનાસિક વર્ણોનો મુશળધાર વરસાદ અકલ્પનીય નાદસંગીતથી આપણને સરાબોળ ભીંજવે છે. આપણી વર્ણમાલામાં ઙ્, ઞ, ણ, ન, મ, એમ પાંચ અનુનાસિક વ્યંજન છે. કવિએ ‘ન’ અને ‘મ’ની વર્ણસગાઈથી અનુદ્ભુત નાદસૌંદર્ય જન્માવ્યું છે. ક્ષોભન-શોભન, કલામીય-કામીય જેવી યમકસાંકળી તો વળી ખરી જ.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

વસંતના વાયરાનું વર્ણન આગળ વધે છે. વસંત ઋતુનો પ્રભાવ કંઈ એવો છે કે ભલભલા મુનિવરો પણ બેચેન થઈ ઊઠે. અને જો સાધુવરોના મન પણ વ્યથિત થઈ ઊઠતાં હોય તો મદભરી મનુનીઓના માનની તો શી વિસાત? ‘चित्तं मुनेरपि हरन्ति निवृत्तरागं प्रागेव रागमलिनानि मनांसि यूनाम्॥’ (જેમનો કામવિકાર શમી ગયો છે એવા મુનિના ચિત્તને પણ હરે છે, તો જેના મન રાગસભર છે એવા યુવાનોનું તો પૂછવું જ શું?) (કાલિદાસ ઋતુસંહાર: ૦૬:૨૬) અર્થોપાર્જનાર્થે ઘર ત્યજી બહાર નીકળનાર પથિકની કામેચ્છામાં પણ વસંત ઋતુ ભડકો ચાંપે છે, પરિણામે તેઓના પ્રાણ પિયુવિરહની પીડા ભોગવે છે. વસંતના જાદુથી પ્રદીપ્ત થયેલ કામાગ્નિ શાંત કરવામાં નસીબદાર એવા કામીજનો જ માત્ર આ ઋતુમાં આનંદપ્રાપ્તિ અનુભવે છે. ભર્તૃહરિ પણ કહે છે કે, વસંત શીતળ વાયુઓથી વિરહીઓનાં શરીરને મારે છે, અરેરે! વિપત્તિમાં અમૃત પણ ઝેર બને છે. (विरहिणः प्रहिणस्ति शरीरिणो विपदि हन्त सुधापि विषायते।) (શૃંગારશતક: ૮૨ ) ઇસવીસનની પહેલી કે બીજી સદીમાં, આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા સાતવાહન-હાલ કવિના પ્રાકૃત મુક્તકોમાં પણ વસંતવાયુથી પથિકોને થતી પીડાનું વર્ણન જોવા મળે છે:

કુરુણાહો-વિઅ પહિઓ દુમ્મિજ્જઈ માહવસ્સ મિલિએણ
ભીમેણ જહિચ્છાએ દાહિણન્વાએણ છિપ્પંતો

જેમ માધવ (કૃષ્ણ)ના સંગે રહેલા ભીમના દક્ષિણ ચરણનો ભરપૂર સ્પર્શ પામીને દુર્યોધન પીડિત થયેલો, તેમ માધવ (વસંત)ના સંગે રહેલા ભીમ (ભીષણ) દક્ષિણ પવનનો ભરપૂર સ્પર્શ પામતો આ પથિક પીડાઈ રહ્યો છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૫ : ઓઝીમેન્ડીઅસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley


ઓઝીમેન્ડીઅસ

મળ્યો હું પુરાણા મલક ભણીના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
બધાની ટીકા જે કર થકી કરી, પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર નજર આ શબ્દ ચડતાં:
હું ઓઝીમેન્ડીઅસ -નૃપ નૃપ તણો- નામ મુજ છે;
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
બચ્યું ના બીજું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)


समय समय बलवान है|
સંસારમાં સૌથી મોટો વિનાશક કોણ એવો સવાલ કોઈ કરે તો તરત માથું ખંજવાળવાનું થાય. કોના પર આંગળી મૂકીએ? અઘરો સવાલ છે. જવાબ શો હોઈ શકે? વિશ્વયુદ્ધ? અણુબૉમ્બ? હિટલર જેવા નરસંહારકો? કે સંહારના દેવતા શંકર? યુદ્ધ કંઈ રોજેરોજ ન થાય. અણુબૉમ્બ અને હિટલર પણ સદીઓમાં એકાદવાર વિનાશ નોતરે. તો પછી મહાસંહારકનું બિરુદ આપણે કોને આપીશું? છે કોઈ એવું જે પળેપળ અને દરેકેદરેકનો અનવરત સંહાર કરતું હોય? હા, થોડું વિચારતાં સમજાય કે સમયથી મોટો વિનાશકર્તા અવર કોઈ જ સંભવ નથી. શિવનું તાંડવ પણ ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો એના ક્ષણોના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. દરેક આવનારી પળ પ્રવર્તમાન પળનો સંહાર કરતી જ જન્મે છે. સમયનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુનને મામૂલી ભીલ પણ લૂંટી લે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. કાળનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે અને કાળની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવાળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એમણે ન માત્ર ઓક્સફર્ડથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થવું પડ્યું. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી જઈ ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં સ્પેઝિયાના અખાતમાં નીકળ્યા હતા ત્યારે તોફાનના કારણે ડૂબી ગયા. શેલીની કારયત્રી પ્રતિભા જોતાં આ અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી એમ સહેજે કહી શકાય.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર-સૉનેટિઅર તરીકે શેક્સપિઅર અતુલ્ય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાનાં ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝીમેન્ડીઅસ નામ આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝીમેન્ડીઅસ થાય. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે નામો પડતાં મૂકીને ઓઝીમેન્ડીઅસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સું પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝીમેન્ડીઅસ યાને ‘શાસન કરવા માટે શ્વસવું (જીવવું).’ ઓઝીમેન્ડીઅસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું.

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક માણસ સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે પણ ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝીમેન્ડીઅસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે. શેલીના સૉનેટથી વિપરિત સ્મિથનું સૉનેટ પૌરાણિક સંસ્કૃતિઓનો અભ્યાસ કરવા માટે આપણી પાસે કલ્પનાથી વિશેષ કશું બચતું નથી એ સૂર પર આવીને ખતમ થાય છે. ‘પ્લેનેટ ઑફ એપ્સ’ ફિલ્મમાં અણુયુદ્ધ પછી દરિયાકિનારે રખડતાં ટેઇલર અને નોવાને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના અવશેષ સાંપડે છે એ દૃશ્યની યાદ અપાવે છે.

ઓઝીમેન્ડીઅસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં છે પણ શેલી વચ્ચે વચ્ચે અનિયમિતતાથી ટ્રોકી (trochee) પ્રયોજીને કોઈ એક છંદને વળગી રહેવાથી અળગા રહ્યા છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની પ્રાસરચના છે, જે આગળ જતાં પ્રાસ ક્રમશઃ ગતિ કરતો હોય એવો આભાસ જન્માવતી પણ અનિયમિત (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. શિખરિણીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચનાનો ત્યાગ કર્યો છે. શિખરિણી છંદમાં અઢારમો અક્ષર આવી ન શકે એ હકીકતને થોડી પળ ગજવે ઘાલીને ઓઝીમેન્ડીઅસ નામના છેલ્લા બે અક્ષર ‘અસ’ની બે લઘુ માત્રાને ઉચ્ચાર મુજબ એક ગુરુભાર આપવાની ધૃષ્ટતા પણ કરી છે. શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખતી નથી. પણ સાવ સહજ-સરળ હોવાથી અને જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. સંવાદ ઉભયતરફી હોવાના બદલે બંનેય સ્તરે એકતરફી હોવાની આ રીતિ પોતે પણ ઓઝીમેન્ડીઅસની સરમુખત્યારીની દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. એ મુસાફરે પોતાને જે કહ્યું એ આખેઆખું બયાન એટલે બાકીનું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ ફેલાયેલી અફાટ-અસીમ રેતીના સમુદ્રની વચ્ચોવચ મુસાફરે એક પૂતળું જોયું હતું જેના વિશે એ કવિને વિગતે વાત કરે છે. સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે. આ કેપિટલ આઇ ઓઝીમેન્ડીઅસના સુપર ઇગોનું પણ સૂચન કરે છે.

વટેમાર્ગુ જણાવે છે કે સમયની થપાટો ખાઈ ખાઈને મહાકાય પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. રણમધ્યે માત્ર એક કુંભી ઉપર બચી ગયેલા બે વિરાટકાય પગ પૂતળાના ખરા કદની સાક્ષી પૂરતા બચ્યા છે. માથું તૂટીને નજીકમાં રણમાં પડ્યું છે અને સમય સાથે રેતીમાં અડધું ગરકાવ થઈ ગયું છે. ધડનું તો નામોનિશાન રહ્યું નથી. મુસાફરે રેતીમાં આડા ખૂંપેલા ચહેરાના બહાર દેખાતા અડધિયા પર કોતરાયેલ ભાવોને ચિવટાઈથી નિહાળ્યાં છે. ચહેરા પર ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલા છે અને ઠંડા કલેજે આદેશ આપતા હોવાનો ભાવ બખૂબી એ રીતે કોતરવામાં આવ્યા છે કે જોનાર સમજી શકાય કે શિલ્પીએ આ સરખુમત્યાર રાજાનો ઉપહાસ કરવામાં પોતાની કળા રેડી દીધી હશે. રાજાનું જીવન તો પૂરું થયું પણ આ જીવનહીન વિરાટકાય પથ્થર પર કંડારાયેલા મનોભાવ હજી પણ એમનેમ ટકી રહ્યા છે. શિલ્પીએ આવનારી પેઢીઓને રાજાનો સાચો પરિચય આપવામાં કશું બાકી રાખ્યું નથી. આ કળાનો ચમત્કાર છે. જે વાત મોઢામોઢ કહેવી શક્ય ન બને એ વાત કળાકાર આસાનીથી કહી શકે છે. શિલ્પીએ પોતાની હાંસી ઊડાવી છે એ હકીકત કદાચ સત્તાના મદમાં આંધળા ફેરોને દેખાઈ-સમજાઈ પણ નહીં હોય.

શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય. જુલમી આપખુદ ફેરોની મુખમુદ્રા પર હાવભાવ કોતરીને એની ટીકા કરનાર શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, આવા જુલમીને પોષનાર હૃદય અર્થાત્ લાચાર પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. મૂર્તિના બચેલા પગ જેના પર ઊભા છે એ કુંભી પરનું લખાણ શેલીએ થોડું બદલ્યું છે. મૂળ જે પૂતળું મળ્યું છે એની કુંભી ઉપરનું લખાણ આમ છે: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝીમેન્ડીઅસ. જો કોઈને જાણવા માંગતું હોય કે હું કેટલો મહાન છું અને ક્યાં સૂતો છું, તો એ મારા કામમાં મને વટીને આગળ નીકળી જાય.’ કવિએ આ કાવ્યહેતુથી poetic-license વાપરીને આ લખાણમાં થોડો ફેરફાર કર્યો છે. કવિતામાં કુંભી પરનું લખાણ આ છે: ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝીમેન્ડીઅસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્ય તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) ઓઝીમેન્ડીસે પણ પોતાને સર્વશક્તિમાન માન્યો હશે. હકીકતમાં આજે ક્રૂર શાસક ઓઝીમેન્ડીઅસ, એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કરનાર શિલ્પી અને એના જુલમો સહન કરી અન્યાયને પોષનાર પ્રજા -એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝીમેન્ડીઅસનો પણ સમયે એ જ હાલ કર્યો. જે સ્થળે ક્યારેક વિશાળ સામ્રાજ્યની જાહોજલાલી હશે એ સ્થળે આજે આ વિશાળકાય પણ તૂટ્યા-ફૂટ્યા ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. નજર પહોંચે ત્યાં સુધી ચોતરફ સ્થળ-કાળ તમામને સમથળ કરી દેતી અફાટ-અસીમ રેતી સિવાય બીજું કંઈ જ નથી. રેતી માટે કવિએ અટૂલી વિશેષણ વાપર્યું છે કેમકે રાજા, પ્રજા અને નગર –આમાંથી કશું સમય આગળ ટકી શક્યું નથી. એકલી રેતી જ રહી ગઈ છે. કુંભી પરના લખાણનો નવો જ અર્થ સામે આવે છે. પોતાનું વિશાળ સામ્રાજ્ય અને પ્રચંડકાય કાર્યો જોઈને જોનારાઓને દુઃખી થવાનો સંદેશ આપતું ફેરોનું લખાણ હવે અવશેષો અને રણમાં પલોટાઈ ગયેલ ઓઝિમેન્ડિઅસની બડાશની જ ઠેકડી ઊડાડતું હોવાનું અનુભવાય છે.

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝીમેન્ડીઅસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. કળાકારે ફેરોના હાવભાવ આબાદ કોતર્યા ન હોત અને ગંજાવર પૂતળું બનાવ્યું ન હોત તો સાડા ત્રણ હજાર વર્ષ બાદ આપણી પાસે એ વિશે કોઈ માહિતી હોવાની સંભાવના જ નહોતી… જે-તે સમયે જે-જે હતું એ તમામ રેતીમાં રેતી થઈ લોપાઈ ગયું પણ કળાકારની કળાનો નમૂનો ક્ષત-વિક્ષત થઈ ગયો હોવા છતાં સમયને અતિક્રમીને અમર થઈ ગયો. રાજાની કર્મ કે દુષ્કર્મ નહીં, પણ શિલ્પીના ટાંકણાએ સર્જેલી કૃતિ કાળાતીત બની રહી. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝીમેન્ડીઅસનું તૂટેલું પૂતળું જે રીતે શિલ્પીના શિલ્પમાં એમ જ શેલીના સૉનેટમાં અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?