Category Archives: અછાંદસ

વરસાદ – અનિલ જોશી

કવિ શ્રી અનિલ જોશીને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું વર્ષાકાવ્ય…
સાથે એમના વિષે થોડી વાતો… (લયસ્તરો પરથી સાભાર)

અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે. જન્મસ્થળ ગોંડલ. (જન્મ: ૨૮-૭-૧૯૪૦) વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ. આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે. મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ’સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

– અનિલ જોશી

મનોજ પર્વ ૧૧ : શાહમૃગો

કાવ્યસર્જનના આરંભકાળમાં મનોજ ખંડેરિયા, ગઝલ ઉપરાંત ગીત, અંજનીકાવ્ય અને અછાંદસની સાથે પણ કામ પાડે છે; તો કેટલાંક સંતર્પક દીર્ઘકાવ્યો પણ આપે છે. ‘શાહમૃગો’, સાધંત પ્રવાહી શૈલીમાં વહેતી અને ઝીણવટભર્યું કવિકર્મ દાખવતી કવિની ખૂબ જ જાણીતી બનેલી કૃતિ છે. આ રચનામાં કવિ, શાહમૃગોને પ્રતીકાત્મક સ્તરે પ્રયોજીને, માનવજીવનની સાથે જોડાયેલાં આકર્ષણો-પ્રલોભનો અને વળગણોની મર્મવેધક વાત કરે છે. અને એમ, આજના મનુષ્યની દશાને અસરકારક રીતે આલેખે છે.
આબાલ-વૃધ્દ્ર સૌ કોઈ જેનાથી સંમોહિત છે એવા શાહમૃગોની મોહિની વ્યાપક સ્તરે પ્રભાવ પાથરે છે, એની વેધક અભિવ્યક્તિ આ પંક્તિઓમાં થઈ છે –

શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.

અને પછીથી ભારે શરીરે ભાગી છૂટેલા શાહમૃગોને પકડવાના પ્રયત્નોને અંતે પણ એ હાથ ન લાધે ત્યારે –

શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.

ભાવવ્યંજકતા અને ગતિશીલતાના ગુણથી સોહતું આ કાવ્ય આમ, કવિની કવિત્વશક્તિનો પરિચય આપવા ઉપરાંત એમની આગવી ઓળખ પણ રચી આપે છે.

નીતિન વડગામા

***********

(શાહમૃગ….San Francisco Zoo)

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

વ્હાલા પપ્પાને… – ઊર્મિ

ઊર્મિનું આ અછાંદસ મને પણ એટલું જ પોતીકું લાગે છે.. પપ્પાની સાઇકલ, એમના હાલરડાં, એમની આગળ પૂરી થતી કેટલીય નાની-નાની જીદ.. કેટકેટલું યાદ આવી જાય..! જાણે વર્ષોની નહીં પણ ગઇકાલની જ વાત હોય એ બધી..!

આજે Father’s Day ના દિવસે મારા બંને પપ્પાઓને અને દેશ-વિદેશમાં રહેતા બધા જ પપ્પાઓ અને એમની લાડકી દીકરીઓને આ ગીત મારા અને ઊર્મિના તરફથી..!

( જાણે કે હું, પપ્પા અને તિથલનો દરિયો…. Photo : Excellent Worth)

* * * * *

વ્હાલા પપ્પા,

યાદ તમોને
સાયકલ પેલી ?
જેના પર હું રોજ
(નોકરી પરથી આવ્યા
થાક્યા પાક્યા તોય) તમોને
આગળની એ સીટ પર જ બેસીને
આંટો એક ધરાર લેવાની
કરતી જીદ?!

ને
યાદ તમોને?
રોજ રાત્રીએ
મારી એ ભજવેલી
સ્ટોરી, બેડ-ટાઇમની ?
રોજ એક ની એક
હું ભજવું.
જેમાં રોજ રોજ તમે
બત્તી ગુલ કરો
એ પછી જ
હું થાતી
બાથરૂમ જાવાની
ને
પાણી પીવાની?!

અને
બધું એ પતે પછી યે
વારંવાર
તમારી પાસે
બત્તી ચાલુ-બંધ કરાવવા
ફરીફરીને
મારી પસંદગીના
બ્લેન્કેટ માટે
હું તમને કરતી
અવશ્ય એક ટહુકો…
તમને ય તો ખબર
કે
તમારા માટે જ હતો
મારો એ સ્પેશ્યલ લહેકો-
“પપ્પા, કટ્કો જોઈએ!”

યાદ તમોને?

પપ્પા !
એ બધ્ધું જ
હવે તો
મારા ઘરમાં
ચકરાવો લઈ
ફરી થયું છે શરુ!!
મારું સ્થાન લઈને
મારો નાનકો,
હવે તો
એ બધું યે
યાદ કરાવે મને!!

ફરી ફરીને એ જ અનુભવ…
તાજો થાતો રોજ.
પરંતુ
પાત્રો હવે બદલાયાં !
હું મારી
આ નવી ભૂમિકા
ભજવાતી જોઈ રહું,
તમારા સ્થાને ?

* * *
અને હા.. સાથે સાથે આ પહેલા ટહુકો પર મુકેલા આ ‘પપ્પા સ્પેશિયલ’ ગીત સાંભળવાનું/વાંચવાનું આમંત્રણ પણ આપી જ દઉં ને 🙂

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી
તો, પપ્પા! હવે ફોન મૂકું? – મનહર ત્રિવેદી
સ્નેહે સુપુત્રી…. – હિમાંશુ ભટ્ટ

નાળવિચ્છેદ – વિવેક મનહર ટેલર

મિત્ર વિવેકની આ ખૂબ જ ગમતી અછાંદસ રચના, આજે એની સાઇટ પરથી સીધી જ અહીંયા – એણે પાડેલા ફોટાઓ, અને એણે લખેલી પ્રસ્તાવના સાથે..!!

Female Cuckoo
(નર કોકિલ….                                                   …….૧૫-૦૪-૨૦૦૯)
(Asian Koel ~ Eudynamys scolopacea Photo : Vivek)

રંગે-રૂપે કાગડા જેવી ભાસતી કોયલને ખુલ્લામાં ઝડપવી થોડું કઠિન છે. ટહુકા કાયમ સાંભળવા મળે પરંતુ ૩૮ વર્ષની ઉંમરમાં છેક ગયા વરસે ઉનાળામાં કોયલના સાક્ષાત્ દર્શન નસીબ થયા. દેવબાગ, કર્ણાટકના જંગલમાં ખુબસૂરત કોયલ જોવા મળી (નીચેનો ફોટોગ્રાફ) અને ગઈકાલે મારા ઘર સામેના અમેરિકન કોટન પર નર કોકિલ (ઉપરનો ફોટો) ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….

male cuckoo
(માદા કોયલ…..                    …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮ Photo : Vivek)

*

ગઈકાલે
ભયંકર ડિપ્રેશનમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા કાકા
આજે ખુશખુશાલ હતા.
મારી દવાની આટલી ઝડપી અસર ?
કેમ છો કાકા ?
અરે, શું કહું ડોક્ટરસાહેબ ?
આ કંઈ હૉસ્પિટલ નથી,
આ તો હિલ-સ્ટેશન છે, હિલ-સ્ટેશન !
મેં સ્ટથૉસ્કૉપ બાજુએ મૂક્યું.
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
કાગડા, બુલબુલ, કાબર તો ઠીક,
તમારે ત્યાં તો દરજીડો પણ આવે છે…
અચ્છા ! પેલો ઝીણકી ચકલી જેવો જે આવે છે
એ દરજીડો છે ?
તમે તો કાકા ! એક નવા જ ટહુકાની ઓળખ આપી.
…એમની છાતીને અડાડ્યા વિના જ
મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
હું શું બોલું ?
દવા પણ શું આપું ?
તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૦૮)

(ડૉ. નગીન મોદીને સાદર અર્પણ)

થાય છે – વિપિન પરીખ

‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’ – લોકો કહે છે.
એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે
એનો સમય થઈ ગયો છે.

રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો, બસો,
સાઇકલોથી બચાવી બચાવી
કોણ એને નિશાળને ઉંબરે મૂકશે – ફૂલની જેમ ?

કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઇ તોફાની, જિદ્દી, મશ્કરા :
એને હેરાન તો નહીં કરે ને?
મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે !

કેવી હશે એની ‘ટીચર’? પ્રેમથી નીતરતી એની આંખો હશે
કે પછી ‘ચૂપ બેસો’ કહેતી સોટી લઈને ઊભી રહેશે
બે કડક આંખો?

થાય છે : મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું.
બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું !
અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં.
પણ, એના પપ્પા હસી પડે છે, કહે છે : ‘તું ગાંડી છે, -‘

દરેક માએ ક્યારેક તો… વિખૂટા થવું જ પડે છે.
સવાલમાત્ર સમયનો છે !

– વિપિન પરીખ

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?

અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…

ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

———-

લયસ્તરો પર વિવેકે જણાવ્યું હતું એ મુજબ – ૨૦૦૬ના દિવ્યભાસ્કરમાં કવિ શ્રી સુરેશ દલાલે ‘પગફેરો…!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. ઇન્ટરનેટ પર ૨ કલાક શોધવા છતાં મને એ ન મળ્યો, તો મને થયું કે તમને જ પૂછું. કોઇને એ આસ્વાદ મળે તો અમારી સાથે વહેંચશો?

કવિતા – મીનાક્ષી પંડિત

સ્કૂલમાંથી મારાં દીકરા-દીકરી આવીને
જે રીતે પોતાનાં દફ્તરો ફંગોળે છે
એ જોઇને હું દંગ રહી જાઉં છું.

દફ્તરોનો બોજ લાદતાં, ઘરે આવી
લુશલુશ નાસ્તો કરી બેસી જાય છે
હોમવર્ક કરવા માટે.

હું પરાણે એમને બહાર રમવા જવાનું
કહું છું તો તેઓ મારા પર વરસી પડે છે :
‘અમારું લેસન પૂરું કરી લેવા દો,
નહીં તો અમને અમારી સિરિયલ જોવા નહીં મળે.

આજે તો હું રૂરૂશ્ જોવાનો છું.
ના, મારે તો કાટૂર્ન નેટવર્ક જોવું છે.’

બંને બાળકો પોતપોતાની મનપસંદ
ટીવી સિરિયલો જોવાની લમણાંઝીકમાં પડી જાય છે:

હું એમને બહાર જઇ આંધળોપાટો, પકડદાવ,
કબ્બડી, ગિલ્લીદંડો કે દોરડા કૂદવા કહું છું તો
એમના ચહેરા પર મસમોટું પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળે છે

મમ્મી આ બધું શું બકી રહી છે ?
આવી તો કોઇ રમત રમાતી હશે ?

ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોના
મનનો કબજો કર્યો છે.

લાગે છે આપણે આપણી જૂની રમતોનું
એક પુસ્તક છપાવવું પડશે અથવા
એની સીડી તૈયાર કરાવવી પડશે !

બાળકો કદાચ કોમ્પ્યૂટર સામે બેસી
રમતો શીખી તો શકે !!!

—મીનાક્ષી પંડિત

દિવ્યભાસ્કરમાં કવિ સુરેશ દલાલે કરાવેલો આ કવિતાનો આસ્વાદ :

હવેની પેઢીને જોઇને ક્યારેક એમ લાગે છે કે માત્ર બે-પાંચ વર્ષમાં જ જમાનો બદલાતો રહે છે. ઘરમાં બે બાળકો હોય અને બંને વચ્ચે પાંચ-દશ વર્ષનું પણ અંતર હોય તો એમ લાગે કે ઘરમાં એકી સાથે બે પેઢી ઊછરી રહી છે, બધું જ ઝડપથી બદલાય છે જાણે કે ઝડપથી નાશ થવા માટે જ.

એક જ ઘરમાં માણસો વચ્ચે અનેક અંતરો અને અનેક અંતરાયો છે. કોઇને દોષ દેવાથી કશું વળે એમ નથી. અહીં કશું નિર્દોષ નથી. તમામ શાળાઓ બંધ કરી નાખવાનું મન થાય એવી શિક્ષણપદ્ધતિ થઇ ગઇ છે. સ્કૂલમાંથી સંતાનો પાછાં વળે છે, હાશ છૂટ્યા ! એવા મનોભાવ સાથે. જે રીતે દફ્તરોને ફંગોળે છે એ વર્તન પરથી પણ ખ્યાલ આવે. કવયિત્રીએ વર્તન દ્વારા ભાષાને પ્રયોજી છે અથવા એમ કહો કે આ વર્તન પોતે જ એક ભાષા છે. નાયિકા દંગ થઇ જાય છે. વિદ્યાર્થીઓ મજૂર હોય એમ બોજો ઊંચકીને આવે છે. નાનપણથી જ જાણે કે એ કાળના કોળિયા થઇ ગયા છે.

નિરાંત જેવું કશું નથી કે કશું નથી મિરાત જેવું. કોઇને સમય જ ક્યાં છે. બધા જ સભાનપણે સમયપત્રકના ગુલામ થઇ ગયા છે. નાસ્તો કરે છે. માણતા નથી. મોઢામાં કોળિયો મૂકે છે પણ મનમાં વિચાર હોમવર્કનો છે. બધા જ વિભાજિત રીતે જીવે છે. એક જાપાનીસ હાઇકુ યાદ આવે છે.

વાત સીધી સાદી છે. ભૂખ લાગે તો ખાવ અને ઊંઘ આવે તો સૂઓ. આ સાદી વાતમાં ગહન સત્ય છે. ખાતી વખતે બીજો કોઇ જ વિચાર નહીં. વિકેન્દ્રિત કે એવું કોઇ સત્ય નહીં. દીકરા-દીકરીઓ દફ્તરને ફંગોળી શક્યાં, થોડીક ક્ષણ માટે, પણ એક ન દેખાતો બોજો હોમવર્કનો તો છે જ. સ્કૂલ છોડીને આવ્યાં એટલું જ પણ સાથે સાથે પડછાયાની જેમ સ્કૂલ પાછળ ને પાછળ આવવા માંડી.

એક જમાનો એવો હતો કે રમતધેલા છોકરાઓને કહેવું પડતું કે લેશન કરો. આજે હવે છોકરાઓ જ માબાપને કહે છે કે રમવું નથી, લેશન પૂરું કરી લેવા દો. અહીં પતાવી નાખવાની વાત છે. આટોપી દેવાની વાત છે. જીવ સિરિયલમાં છે. ક્યાંય કોઇ પણ બાબતમાં એકાગ્રતાનું નામોનિશાન નથી.

સિરિયલ સક્રિય આનંદ ન આપે, પણ નિષ્ક્રિય આનંદ આપે. આપણે કુસ્તીના ખેલ જોઇએ અને રાજી થઇએ કે આપણે જ કુસ્તી કરીએ છીએ. આપણે આપણું જીવન જીવતા નથી અને બીજાનું જીવન જીવવાનો ખેલ કરીએ છીએ. ઇશ્વરે આપણને માણસ તરીકે મોકલ્યા પણ આપણે કાટૂર્ન થઇ ગયાં.

કાટૂર્ન જોઇજોઇને સમયને આપણે બરબાદ કરીએ છીએ. કોઇ રમે અને આપણે રમતનો આનંદ લઇએ. આ આનંદ પણ ઉછીનો.

નવી રમતો આવી. જૂની રમતો વિસરાઇ ગઇ. વચ્ચેનાં વરસો કયાં વહી ગયાં કોને ખબર ? આંધળોપાટો, પકડદાવ આ બધી આપણી જ કહેવાય એવી અસલ રમતો કાળના કબ્રસ્તાનમાં દટાઇ ગઇ. મમ્મીની વાતો બાળકોને લવારો કે સનેપાત લાગે. મમ્મીના શબ્દો બકવાસ લાગે.

બાળકો પાસે પ્રશ્નાર્થચિહ્ન છે અને મમ્મી પાસે આઘાતચિહ્ન. ‘ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોનાં મનનો કબજો કર્યો છે.’ – આવી બોલકી પંકિત કવયિત્રી ટાળી શક્યાં હોત. કાવ્યનો અંત કટાક્ષથી થાય છે. એક જમાનાની રમતો હવે ઇતિહાસ થઇ ગઇ છે. એને જાળવવી હોય તો રમીને જળવાશે નહીં.

એને પુસ્તકોના મોર્ગમાં રાખવી પડશે. સાચવવી પડશે એને સી.ડી.ના સ્વર્ગમાં. કદાચ બાળકો કોમ્પ્યૂટર પર આ બધી રમતો જુએ અને જીવે અને કદાચ વિસરાઇ ગયેલી આ રમતો માત્ર સ્મૃતિ ન રહે પણ જીવંત બને. જોકે આવી મૃગજળિયા આશા પર જીવવું એ પણ આત્મવંચના જેવું લાગે.

મીનાક્ષી પંડિત સામાન્ય રીતે અછાંદાસ કાવ્યો લખે છે. એમનાં કાવ્યોમાં અંગત સંવેદનો અને સામાજિક સંવેદનો ઝંકૃત થતાં હોય છે.
આ સંદર્ભમાં કૃષ્ણ દવેનું આ ગીત ગૂંજીને ગાજવા જેવું છે.

.

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

એકલતા…… ? – માલા કાપડિયા

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

– માલા કાપડિયા

આપણે મળ્યા છીએ જ ક્યાં ! – ધીરુ પરીખ

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?

આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?

કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !

મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !

કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !

– ધીરુ પરીખ

કવિતા – પન્ના નાયક

હું શૂન્ય થઇ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાવાળું એક પંખી બેઠું
મને તો એમ કે
એ પલકમાં ઊડી જાશે.

ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો
મારા શ્વાસમાં એને ધબકવું’તું
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.

એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પ્રસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી
વાતથી
મારા ઘા રૂઝાવા માંડ્યા.
ત્યાં
એને શું ય સૂઝ્યું
કે
મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
ભર ચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.

હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
મારી પાસે નથી
અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે…

– પન્ના નાયક