થાય છે – વિપિન પરીખ

‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’ – લોકો કહે છે.
એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે
એનો સમય થઈ ગયો છે.

રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો, બસો,
સાઇકલોથી બચાવી બચાવી
કોણ એને નિશાળને ઉંબરે મૂકશે – ફૂલની જેમ ?

કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઇ તોફાની, જિદ્દી, મશ્કરા :
એને હેરાન તો નહીં કરે ને?
મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે !

કેવી હશે એની ‘ટીચર’? પ્રેમથી નીતરતી એની આંખો હશે
કે પછી ‘ચૂપ બેસો’ કહેતી સોટી લઈને ઊભી રહેશે
બે કડક આંખો?

થાય છે : મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું.
બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું !
અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં.
પણ, એના પપ્પા હસી પડે છે, કહે છે : ‘તું ગાંડી છે, -‘

દરેક માએ ક્યારેક તો… વિખૂટા થવું જ પડે છે.
સવાલમાત્ર સમયનો છે !

– વિપિન પરીખ

5 replies on “થાય છે – વિપિન પરીખ”

  1. Jayshree…
    Khub j gamyu “MANAS NA NAAM NI DHOOL”… Ane haan, i’am able to play track now…
    Thanks anyways…
    War Regards
    Rajesh Vyas
    Chennai

  2. વિપિનભાઈ .. મને બહુ ગમતા કવિ ! રચનાઓ ઓછી પણ દરેક હ્રદય સોંસરવી ઉતરી જાય તેવી !! તેમનો સંપર્ક મળી શકે?

  3. જાણે મારા મનની જ વાત ….. !

    મારો દીકરો પણ શાંત જ છે , એટલે વધુ ચિંતા રહે જ.

    પણ હવે તો સમજવું જ પડશે,
    સમય પાકી ગયો છે !!

    પાંખો ફૂટે, ઊડતાં આવડે પછી ક્યાં સુધી બચ્ચાંઓ માળામાં રહે ?!!

  4. જયશ્રીબેન
    સરસ કવિતા છે. મને મારા નિશાળનો પહેલો દિવસ યાદ આવી ગયો. મારી માતાથી પહેલી વાર વિખુટા પડ્યો હતો. મને તો રડવાની સૂઝ પણ નહોતી પડતી, એટલો બધો મૂંઝાઇ ગયો હતો.

    જો કે આ કવિતા આજના સમયમાં અપ્રસ્તુત છે, કારણ કે આજની મમ્મીઓ છોકરાઓ બપોરે ધમાલ કરી પોતાની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે બાળકોને અઢી વર્ષની ઉંમરે શાળામા મોકલી આપે છે. બાળકને શાળામા મોકલી રાહત અનુભવે છે, દુઃખ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *