આ કવિતા – કવિ ના પોતાના જ અવાજમાં સાંભળવાની એક અલગ મઝા છે… પણ ચલો, પઠન મળે ત્યારે ફરી એકવાર આ કવિતા માણશું, આજે વાંચીને મમળાવીએ..
રિઅર વ્યૂ મિરર, આ આંખ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ
રિઅર વ્યૂ મિરરમાં જોવાનું આટલું ગણિત
અને એ જ એનો એન્ગલ
રિઅર વ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂરદૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલું કે––
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..
આપણે હતાં
ને હતું ટુ–કાર ગરાજ હોમ
પા એકર લૉન
પેઈવ્ડ ડ્રાઈવ–વે
ડ્રાઈવ–વે પર રોજ રોજ જીવેલા એક એક દિવસને
ટૉસ કરી,
ટ્રૅશ કરી ફેંકવાને ખૂણામાં રાખેલો ગાર્બેજ–કેન !
હતું –
થોડી દેશની ટપાલ, થોડી ‘થેંક્યુ’ની નોટ્સ,
થોડી જંક મેઈલ, ઘણાં બધાં બિલ્સ
અને પબ્લિશર્સ ક્લીઅરિંગ હાઉસમાંથી
મિલિયોનેર બનવાનાં રીમાઈન્ડર્સ આવતાં
એ સ્હેજ કાટ ખાધેલાં પતરાંનું મેઈલ–બૉક્સ !
બૉક્સ ઉપર શેલત કે શાસ્ત્રી કે શુકલા, શ્રીમાળીની શાખ,
સ્ટીકર્સથી ચોંટાડેલ
ઘર નંબર ચોર્યાસી લાખ…
એક સાઈકલ હતી ને હતો બાસ્કેટ–હુપ !
પાનખર હતી પાંદડાં ય હોવાનાં
તથા વીતેલી જિંદગી પડી હો એમ વીંટલું વળી પડેલ
તૂટેલો હોઝ–પાઈપ જોવાનો
મેઈન ડોર પર કોઈ સિક્યુરીટીનું એક લેબલ પણ હોવાનું
શુભલાભ કંકુના થાપા કે ભલે પધાર્યાને ઠેકાણે
‘રીથ’ જેવું લટકણિયું જોવાનું.
જોવાનું એટલું કે
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..
આપણે હતાં
ને હતા ટેલિફોન–કૉલ્સ
લોંગ ડીસ્ટન્સના ટૂંકા અને લોકલના લાંબા
અડધી રાતે તે બધા ઈન્ડિયાના
અને કોઈક – ફ્રી ટીવી ઓફર કરનાર ટાઈમ–શૅરીંગના––
ટીવી પર રોજ હતું ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’
પછી ફરતી’તી લાઈફ રોજ
ડ્રાયરમાં, વૉશરમાં અને ડીશ–વૉશરમાં
ફ્રીજ થકી જેમ હતું ફ્રોઝન ખાવાનું
એમ રિઅર વ્યૂ મિરરમાં દેખાતું બધ્ધું
એક દિવસ આંખોમાં જડબેસલાક ફ્રીઝ થાવાનું..
રિઅર વ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલે કે––
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..
મેઈન મેઈન જોવાનાં
ઈન્શ્યોરન્સ કંપનીનાં હોર્ડિંગ્ઝ
મૉરગેજ આપનાર બૅંકનું મકાન
ઈમ્પોર્ટેડ ગાડીના ડીલરની ઝગમગતી સાઈન
અને
વષોથી ઈક્વીટી સ્ટૉક જેના લઈને રાખ્યા છે
એ બ્લ્યુ ચીપનું સ્કાયસ્ક્રેપ બિલ્ડીંગ
ટોટલ ઇક્વીટી, નેટ વર્થ અને વંકાતા રસ્તાનો ટ્રાયેન્ગલ
આપણું હતું, એ બધું ખોવાનું આટલું ગણિત
અને એ જ એનો એંગલ––
રિઅર વ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલે કે––
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..
આપણે હતાં
ને હતું ટુ–કાર ગરાજ હોમ
ડિઝાઇનર કિચન
કિચનમાં ઈન્ડિયાથી લાવેલી
સોળ આની શુદ્ધ, એક જાણીતી, માનીતી,
કોરી ને કટ્ટ, સાવ પેટીપેક, બ્રાન્ડ ન્યૂ પત્ની !
આપણોય પોતાનો મારીયો હતો
ને હતા મારીયો બ્રધર્સ
કોઈક કોઈક મારીયોને સિસ્ટર હતી
તો હતી ક્યાંક ક્યાંક મારીયો સિસ્ટર્સ
એક એક મારીયોના પોતાનાં આઈ–પૅડ
સિસ્ટર્સને દેશી વેડિંગ સ્ટાઈલ પરણવાના કોડ,
ઇન્ડિયાની નોસ્ટાલ્જીક વાતોથી ઘડી ઘડી ઉખડી જતાં છતાંય
આપણે તો યુનાઈટેડ સ્ટેઈટ્સને જ ચોંટેલા એમ,
જેમ ફ્રીજ ઉપર ચોંટેલાં મેગ્નેટ્સ !
મેગ્નેટ્સમાં––
‘હેરી પૉટર’થી માંડીને હતાં
તાજમહાલ
એલ્વીસ
બડવાઈઝર
‘મુન્નાભાઈ’
‘હમ આપકે હૈં કૌન?’
નમો અરીહંતાણં
માયસ્પેસ ડૉટ કૉમ
શિકાગો બુલ્સ
તથા
માઈકલ જૉર્ડન
અને તીહુઆના ખાતે પડાવેલો
પરસેવે રેબઝેબ, મેક્સિકન ટોપામાં આપણો જ ફોટો
ફ્રીઝ ઉપર ચોટેલાં મેગ્નેટ્સ હતાં
ને હતી
મેગ્નેટ્સમાં ચોંટેલી ફેમિલી લાઈફ––
ગ્રોસરીનું લિસ્ટ
થોડી પીઝાની કુપન
નેટફ્લીકસનું ડીવીડી મેઈલર
દેશી રીયલ્ટરનો ફોટો ચોંટાડેલ
કોલ્ડવેલ બૅંકરનું નાનું કેલેન્ડર
એક ડેન્ટીસ્ટનું એપોઈન્ટમેન્ટ–કાર્ડ
એક મ્યુઝિકલ પાર્ટીનું
અને એક ક્રેયોનથી દોરેલું, ‘હેપી મધર્સ ડે’ લખેલું
ઑફિસના એક્સટેન્શન
મમ્મીનો કાર–ફોન
એક કોઈક અંકલનો ફોન
એક આન્ટીનો ફોન
તથા
એલાસ્કન ક્રુઝ માટે ટોલ–ફ્રી, ‘વન–એઈટ–હન્ડ્રેડ– કાર્નીવલ –’
મારીયોનું સોકર–સ્કેજ્યુઅલ
એની સિસ્ટરની ‘લક્રોસ’ની ગેઈમ
મૅકડૉનાલ્ડ ‘હેપી–મીલ’ નાઈન્ટીનાઈન સેન્ટ
એક લોકલ છાપાનું કટીંગ
તથા
ટીચરની સહીવાળું સટીફીકેટ ઓફ મેરીટ ઇન મૅથેમૅટિક્સ
આ બધું હતું
ને હતો
‘કે–માર્ટ’ની ડીસ્કાઉન્ટ ઓફરમાં પડાવેલો
૨૧ કૉપીમાંથી દસ બધે ઈન્ડિયામાં મોકલી દીધેલી
ને બાકીની દસ
ક્યાંક ઘર પછી ઘર પછી ઘર મુવ કરવામાં મિસ્પ્લેસ થયેલી
તે છેલ્લો બચેલ એક
યંગ હતાં ત્યારનો જ ફેમિલી ફોટો !
આપણે હતાં
ને હતું
પિક્ચર પરફેક્ટ એક ફેમિલી.
બુદ્ધ નામ ગૌતમ, એક ઘર અને પથરાતા રસ્તાનો ટ્રાયેન્ગલ
ભિનીષ્ક્રમણને આદરવાનું આટલું ગણિત
અને એ જ એનો એન્ગલ
રિઅર વ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું..
જોવાનું એટલે કે––
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..
આપણે હતાં
ને હતું ટુ–કાર ગરાજ હોમ
ઢગલાબંધ રૂમ્સ
એક શ્વાસ લેવાનો રૂમ
એક ઉચ્છવાસ કાઢવાનો રૂમ
એક્સવાયઝેડ રૂમ
‘વ્હાઈટ, બ્લ્યૂ રેડ’ રૂમ, બેડરૂમ
બેડરૂમમાં બાથરૂમ એટેચ્ડ
એક સોફા હતો–
ને હતાં સોફામાં આપણે અટેચ્ડ
પછી આપણને કંઈ કેટકેટલું અટેચ્ડ !
યુએસએ આવ્યા તે વેળાનું
ઈમ્પોર્ટેડ એકાંત
હાઈ–ટૅક અગવડતા
ઓડ જૉબ માટે પણ માઈલો ચાલવું
ને ખૂણામાં બેસીને આંસુનું સારવું
પછી
પહેલો પે–ચેક
અને પહેલું સિકસ–પૅક
સાલ્વેશન આર્મીનું બ્લેઝર
ને પહેલવહેલી ગાડીનું પ્લેઝર..
એ પછી તો–
ટાયરની જેમ કરી
કાર ચેઈન્જ
હાઉસ ચેઈન્જ
ઓઈલ ચેઈન્જ
જોબ ચેઈન્જ
ફોન ચેઈન્જ
ફ્રેન્ડ્ઝ ચેઈન્જ
એટીટ્યુડ
આઉટલુક
ઓપિનિયન
એકસેન્ટ
બધ્ધે બધ્ધું જ..
એક ઈન્ડિયાનું વેકેશન, વીડિયોની મેમ્બરશીપ,
વાઈફ અને ‘વફા’ના પતરાંનાં ડબ્બા સિવાય
લગભગ બધ્ધે બધ્ધું જ ચેઈન્જ કરી કરી
આપણને ખૂબ ખૂબ ડ્રાઈવ કરી
આપણા ઉપર આપણે ચડાવ્યા’તા
હન્ડ્રેડ્ઝ ઓફ થાઉઝન્ડ્ઝ ઓફ માઈલ્સ..
શું છે આ વીકએન્ડ ટુ વીકએન્ડનું જીવવાનું ?
શું છે આ રોજ રોજ મરવાનું ?
શું છે આ ‘લાઈફ’ જેવો અંગ્રેજી શબ્દ ?–
રિઅર વ્યૂ મિરરમાં દેખાતા
કોઈ ગ્લાસ બિલ્ડીંગમાં
આપણને દેખાતો
આપણાથી દૂર જતો
આપણો જ રિઅર વ્યૂ મિરર ?
રિઅર વ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલે કે–
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..
શ્વાસોમાં, સ્પર્શમાં, સુગંધોમાં, સ્વાદોમાં,
આંખો, અવાજોમાં, દૃશ્યોમાં, રંગોમાં,
ઘાસમાં, પ્રકાશમાં, પતંગિયાની પાંખોમાં,
ધોધમાર તડકાઓ, ઝીણા વરસાદમાં,
પરોઢિયાનાં ધુમ્મસમાં, વ્હેલી સવારના કલ્લોલમાં
વાણીમાં અને લહેરપાણીમાં
ઓચિંતુ – સિનિયર સિટીઝન ડિસ્કાઉન્ટ ?
થર્ડ લાઈટ પર લેફ્ટ મારો,
ફોર–વે, ફોર્ક, રાઉન્ડ–અબાઉટ, ડેડ એન્ડ !
પાસ ગેસ સ્ટેશન ઓન રાઈટ
છેલ્લો માઈલસ્ટોન
એક વ્હાઈટ ચર્ચ પાસે છે સ્ટોપ સાઈન !
ગયાં વર્ષો – ડિરેકશન આપવામાં
વર્ષો – ડિરેકશન લેવામાં
લેવાના–
અંત જેના જોઈ ના શકાય તેવા હાઈ–વે
અંધારું ઓઢીને ઊભેલા ફ્રી–વે
જોવાના–
જિંદગીમાં લેવાની રહી ગયેલ એક્ઝિટનાં પાટિયાંનાં પતરાં
પણ–
લેવાની અંતે તો –
દૂરથી જ દેખાતા
આપવાને આવકારો મીઠો
અસ્પતાલ જનારાના સ્વાગતમાં ઊભેલા
અંગ્રેજી ‘એચ’વાળા બ્લ્યૂ રંગના બૉર્ડ ઉપર
દોરેલા એરોની દિશામાં વંકાતા રસ્તાની એક્ઝિટ
કોનું છે વાયરીંગ ?
કોણે બનાવી છે આ સ્વીચ ?
સાવ ‘ઓન’ માણસ કેમ એકાએક થઈ જાતા ‘ઓફ’ ?
ખંભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ
એ પછી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત
અને એ જ એનો એન્ગલ
રિઅર વ્યૂ મિરર, ખુલ્લું આકાશ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ..