નાચગાનથી ધબધબતા
આ શહેરના ધોરી રસ્તા વચ્ચે
ઊભા રહીને
હું માગું છું
મારી જાતનું રખોપું કરી શકે તેવી
એક રાત્રિ અને તેનો નિર્વેદ અંધકાર.
રાત્રિની પંપાળ વિના
અને
અંધકારની ઓથ વિના
મારી જાત
– મને ડર લાગે છે –
ભરભર ભરભર ભૂકો થઇ જશે, કદાચ,
શેરીના કૂતરાની જેમ
ડસડસતા
આ શહેરમાં.
વટકેલ આખલા જેવા
આ છટકેલ શહેરની વચ્ચોવચ્ચ
વીલે મોઢે ઊભા રહીને
હું માગું છું
મારી જાતનું રખોપું કરી શકે તેવી
એક રાત્રિ અને તેનો નિર્વેદ અંધકાર.
-નીતા રામૈયા