નવેમ્બર ૨૦૧૨માં જ્યારે હિતેન આનંદપરાને મળવાનું થયું – ત્યારે એમણે એક મઝાનું સંકલન ભેટ આપ્યું. ‘અર્વાચીન કવયિત્રીઓના કાવ્યોનો સંપુટ’ – અને ત્યારે વાત થયેલી કે માર્ચમાં International Women’s Day આવે ત્યારે ટહુકો પર કવયિત્રી સ્પેશિયલ કંઇક કરી શકાય.
આમ તો આજે International Women’s Day છે – પણ ટહુકો પર છેલ્લા ૨ દિવસથી Women Special જેવું જ કંઇ છે – પહેલા દક્ષા વ્યાસ, અને પછી કાજલ ઓઝા-વૈદ્ય. તો આજે માણીએ – લતા હિરાણીને..!!
મેઘધનુષ આવીને મને પૂછી ગયું… April 2009
મેં મારું એકાંત
બધી દિશાઓમાં વેરી દીધું
અને પછી કણેકણમાં ફૂટ્યા
અવાજ વગરના ટહુકાઓ…
મેઘધનુષ આવીને મને પૂછી ગયું,
આ પહાડ પર ગુંજે છે એ તારાં ગીત ??
મેં કહ્યું ના, આ લોહીના લયમાં ચુપચાપ વહે છે
એ મારાં ગીત
પાંદડીએ હળવેથી મલકી
સાક્ષી પૂરી દીધી……
એણે ફરી પૂછ્યું
આ પર્વત, નદી, ઝરણાં ને વનરાઇ
તારા જ રક્તના લયને તાલ પુરાવે છે ને !!