હું આંખમાં અટકળ લૈ ઊભો છું,
ને એક-બે અંજળ લૈ ઊભો છું,
અહીંયા તમારાં સપનાં લખી દો,
લો, શ્વેત આ કાગળ લૈ ઊભો છું.
Category Archives: મુક્તક
સમય – હરીન્દ્ર દવે
જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો
હું આ સમયમાં છું – એ મને ભ્રમ નથી રહ્યો
એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ;
હું ક્યાં સુખી છું? – એવો મને ગમ નથી રહ્યો
સમય – કુતુબ ‘આઝાદ’
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
.
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય.
સદ્-ભાગી કો’ક ને જ ફળી જાય છે સમય.
રહેશો ના કોઇ પણ આ સમયના ગુમાનમાં
સરતો હવાની જેમ સરી જાય છે સમય.
ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય.
‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય .
મુક્તક – ‘મરીઝ’
એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
વ્યથા હોવી જોઈએ -’મરીઝ’
સ્વર ‘: મનહર ઉધાસ
.
આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી
—
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા
જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
– ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી
સ્વર : પંકજ ઉધાસ
.
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.
દરિયો…
મૃગજળ બની છલકતો ફરું રણની રેતમાં,
‘આદિલ’, કદી સમુદ્રના તળિયે જઈ બળું !
– ‘આદિલ’ મન્સૂરી
દરિયાનું નામ એણે કદી સાંભળ્યું નથી,
ખાબોચિયાંને ઠાઠથી તે તરવા નીસર્યા !
– રમેશ પારેખ
જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઇ જઉં હું ડૂબવા મઝધારમાં!
– અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’
—-
ઘણા વખતથી આ ગઝલ શોધું છું. મને ફક્ત થોડા શબ્દો યાદ છે, જે અહીં લખ્યા છે. કોઇની પાસે હોય તો મને મોકલશો.
દરિયા ને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા દરિયાને સપનું આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ માછલીને મીઠું જળ પાયું… ( ?? )
…. મોરપિછું લહેરાય તારી આંખમાં..
મારી પાસે આવ – દિલીપ મોદી
મારી પાસે આવ, તું; વાતો કરીશું,
સૌ દીપક બોઝાવીને રાતો કરીશું;
આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
સંદેશ આપે છે – ઇજન ધોરાજવી
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે
નથી કાયમ અહીં કોઇ, મરણ સંદેશ આપે છે
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે
આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….
રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી
– ભગવતીકુમાર શર્મા
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
– અમૃત ઘાયલ
મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ
– શૂન્ય પાલનપુરી
જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?
શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા
– જયેન્દ્ર મહેતા
કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું
– મુસાફિર પાલનપુરી