કવિ શ્રી વિનોદ જોશીનું આ ગીત.. આજે એમની પાસે જ સાંભળીએ. કારેલું.. અને સાથે ગુલાબજાંબુ… અને એ પણ એક જ ગીતની પ્રથમ પંક્તિમાં… છે ને મઝાની વાત.!! (ઘણીવાર આ પ્રથમ પંક્તિ અમુક લોકોને એકદમ બંધબેસતી હોય છે.. 🙂 )
આમ તો આ ગીત આશિત દેસાઇ ખૂબ સરસ રીતે સંગીતબધ્ધ કર્યું છે, જે ભવિષ્યમાં ટહુકો પર ચોક્કસ સાંભળશું જ, પણ આજે કવિનો શબ્દ અને કવિનો સ્વર.. બીજું કંઇ નહી..!!
આજે ૧૨ ઓક્ટોબર ૨૦૦૯ – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો ૬૭મો જન્મદિવસ..! આપણા બધા તરફથી એમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે… ટહુકો પર પહેલા મુકાયેલી આ ગઝલ – આજે એમના પોતાના અવાજમાં ફરીથી સાંભળીએ.
આજથી લગભગ ૨ વર્ષ પહેલા ભગવતીકાકાને જ્યારે મળવાનું થયેલું, ત્યારે એમણે ‘ટહુકો’ ને આશિર્વાદ આપતા કહ્યું હતું કે કવિના શબ્દો જ્યારે કવિના પોતાના અવાજમાં રજૂ થાય, એનો પણ પોતાનો મહિમા છે…! ‘આલાખાચર’ ને રમેશ પારેખના અવાજમાં સાંભળવાની એક ઓર જ મજા છે – જે બીજા કોઇનો અવાજ ન જ આપી શકે..!
તો આજે – ભવગતીકાકાની જ એક ઘણી જાણીતી ગઝલ – એમના પોતાના અવાજમાં.. આશા છે કે તમને ગમશે..!
.
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.
લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.
ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.
જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
ટહુકો ડૉટ કોમ પર સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી સવારે સાડા છના સુમારે ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતી જયશ્રી પટેલ (ભક્ત)નો આજે જન્મદિવસ છે… અમારી આ વહાલી મિત્રને મારા, ઊર્મિ અને ધવલના પરિવાર તરફથી અને ટહુકો.કોમ તથા ઊર્મિસાગર.કોમના વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…
शतम् जीवम् शरदः |
જે ગાલિબે કદી માંગી, દુઆ હું એ જ માંગું છું,
હું એની બંદગીમાં મારી ઇચ્છા પણ ઉમેરું છું;
ભલે ઇચ્છા હજારો હો, ભલે નીકળે બધી પર દમ,
ફળીભૂત થાય એ સઘળી, હું એથી કંઈ ન માંગું કમ.
હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના,
હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય;
હજારો ગીત ટહુકો ડૉટ કોમે હોય, ને જયશ્રી !
એ સઘળા ગીતમાં તારી પ્રસિદ્ધિનો જ ગુંજે લય !!
– વિવેક
(૦૪-૦૯-૨૦૦૯, મળસ્કે ૨:૪૫ વાગ્યે)
… અને મારી એક ગઝલ મારા જ અવાજમાં જયશ્રીને ભેટ સ્વરૂપે:
જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.
ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!
દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *
સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.
ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?
-વિવેક મનહર ટેલર
* જો એ દસ આંકડાઓ સ્પીડ-ડાયલમાં સેવ કરી દીધા હોય તો આજકાલ તો માત્ર એક-બે આંકડા દબાવવાથી જ કામ થઈ જાય છે… એટલે કવિશ્રી, એટલો દમ તો તમારે આંગળામાં રાખવો જ જોઈએ હોં, બરાબર ને જયશ્રી?! 🙂 -ઊર્મિ
મુકેશ જોષીની એક ખૂબ ગમતી કવિતા, એમના જ અવાજમાં…! મારે જો કોઇ ‘બા’ કાવ્ય યાદ કરવાનું હોય તો મને વિપિન પરીખનું ‘મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે‘ સૌથી પહેલા યાદ આવે.. એ કાવ્યમેં કદાચ ઘણા વર્ષો પહેલા ચિત્રલેખામાં વાંચેલું, અને ત્યારથી જ ઘણું ગમી ગયેલું. મુકેશ જોષીનું આજનું આ ગીત જો કે ગામમાં રહેતા ‘દાદીમા’ માટેનું છે..! અને ધવલભાઇ કહે છે એમ, ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરે છે આ ગીત..
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે
કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ
નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે
થોડા દિવસ પહેલા ઉર્વિશ વસાવડાની ગઝલ – વૃક્ષ પડે છે ત્યારે... વાંચી હતી એ યાદ છે ને? તો એના જ અનુસંધાનમાં આજની આ ગઝલ.. કવિ મુકેશ જોષીની કલમને દાદ આપવાનું મન થાય એવી ગઝલ… વૃક્ષ પડે ત્યારે શું થાય એ તો ઉર્વિશભાઇની ગઝલ કહે છે.. પરંતુ એ વૃક્ષ જ્યારે કોઇ માનવીની કુહાડીને લીધે પડે ત્યારે?
ચલો આપણે જઇએ કવિ સાથે… ઝાડની ખબર કાઢવા..!!
સ્વર : કવિ મુકેશ જોષી
(એક કુહાડી ક્યાંક ઊઠી છે…. Sequoia National Park, CA – Sept 08)
* * * * * * *
.
કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી
એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક ?
તરણાઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા