Category Archives: પન્ના નાયક

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે – પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત, અમરભાઇના સ્વરાંકન અને ઐશ્વર્યા મજુમદારના મઘમીઠા સ્વરમાં..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

Happy Birthday Aunty..!! 🙂

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીત : અમર ભટ્ટ

.

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

લાવો તમારો હાથ – પન્ના નાયક

હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.

તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..

———

પન્ના નાયકની પોતાના કાવ્યોની વેબસાઇટ – વિદેશીની પરથી…

બા… – પન્ના નાયક

નાની હતી ત્યારે
મારા બા
મારા વાળ ઓળતા
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાઠી વાળીને બેસાડતા
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા.
કાંસકાથી ગુંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતા
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઇ
રંગીન રીબન
કે
ચાંદીના ઘૂઘરિયાળા ફુમતાથી શોભાવતા

વાળ ઓળાઇ જાય
એટલે
મને એમની સામે બેસાડતા
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયાં છે કે નહીં !
મને પૂછતા :
ગમ્યા ને ? .
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વ્હાલના આવેશમાં
આવી જઇ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતા
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.

આજે
મારા વાલ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે.
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…

– પન્ના નાયક
—————————–
ગયા વર્ષે પન્નાઆંટી અહીં Bay Area માં હતા, ત્યારે સ્વયં એમની પાસે આ કવિતા સાંભળી છે.. અને ત્યારે ખરેખર મમ્મી, મમ્મીએ વર્ષો સુધી ઓળી આપેલા વાળ, કલ્યાણી સ્કૂલમાં નાખવી પડતી લાલ રિબન, મમ્મીએ ઘરે ઉકાળેલું બ્રાહ્મી-ભાંગરો નાખેલું તેલ.. કેટકેટલું એક સાથે યાદ આવી ગયેલું..!!

ઊમટી આવ્યાં વાદળ – પન્ના નાયક

(Photo : http://www.omniplan.hu/)

ઊમટી આવ્યાં વાદળ,
ધોધમાર એ વરસ્યાં આંખનું રેલી નાંખ્યું કાજળ.

કોઇની કાળી નજર લાગી ને
અંગે અંગે વીજળી,
સળવળાટથી સણકે એવી
કે મારામાં ગઇ પીગળી,
મારામાંથી નીકળી ચાલ્યું કોઇ આંખની આગળ.

એવી આ તે કશી કુંડળી
ગ્રહો લડે આપસમાં,
ઝેર ઝેર લ્યો વ્યાપી ચૂક્યું
અમરતની નસનસમાં,
વિધાતાએ કરી મૂક્યો છે કાબરચીતરો કાગળ.

– પન્ના નાયક

સરવર સરવર રમતાં રમતાં – પન્ના નાયક

પન્ના નાયકનું નવું આલ્બમ : વિદેશીની માં આ ગીત સ્વરબધ્ધ થયું છે. આલ્બમના બધા ગીતોની એક ઝલક આપ એમની વેબસાઇટ : વિદેશીની પર સાંભળી શકશો. ગુજરાતી કવિતા અને સુગમ સંગીતના ચાહકો માટે આ આલ્બમ ખરેખર એક treat છે..

આ ઓડિયો સીડીની કિંમત અમેરીકામાં ૧૦ ડોલર છે. અમેરિકામાં પોસ્ટથી મોકલવા માટે એની કુલ કિંમત $12 અને અમેરિકાની બહાર બીજા દેશમાં મોકલવા માટે એની કુલ કિંમત $15 રહેશે.

ભારતની બહાર રહેતા મિત્રો સીડી મંગાવવા માટે પન્નાબેન નાયકનો સીધો સંપર્ક આ ઈમેલ ઉપર કરી શકે છે:

Panna Naik : naik19104@yahoo.com
——————

આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમળ થઇ ખીલ્યાં રે
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગવાદળને ઝીલ્યાં રે,

વનનું લીલું ઝાડ લઇને આભે ઊડ્યું પંખી રે,
ટહુકાઓના ઊગ્યા તારલા : નજર ગઇ કોઇ ડંખી રે,

ફૂલની કોમળ પાંદડીઓમાં ચાંદ પૂનમનો ઊગ્યો રે,
આમ તો મારી આંખની સામે : તો યે વાદળે છૂપ્યો રે,

આ સરવર સરવર રમતાં રમતાં રડ્યાં હસ્યાં ને જીવ્યાં રે,
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.

પાગલ થઈ ગઈ -પન્ના નાયક

‘વિદેશિની’ એટલે? ઘણા કવિતાપ્રેમીઓ જાણતા હશે – વિદેશિની એ અત્યાર સુધીનાં (હવે લગભગ અપ્રાપ્ય એવા) પન્ના નાયકના પાંચ કાવ્યસંગ્રહોને સમાવી લેતો સમગ્ર કાવ્યસંગ્રહ.. પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ અને આવજાવન એટલે વિદેશિની.

જો કે ફેબ્રુઆરી ૨૦૦૯માં ‘વિદેશિની’ ને એક બીજી વ્યાખ્યા મળી – કવિયત્રી પન્ના નાયકનાં ગીતોની સંગીતમય રજૂઆત..!!
આ આલ્બમમાં એમના કાવ્યસંગ્રહમાંથી લેવાયેલા 7 ગીતો – અને 3 નવા ગીતોનો સમાવેશ કરાયો છે. આલ્બમનાં બધા જ ગીતો ખૂબ જ સુંદર રીતે સંગીતબદ્ધ કરવામાં આવ્યા છે અને એમનું સ્વરાંકન પણ ખૂબ જ કર્ણપ્રિય થયું છે. અમર ભટ્ટ, અમિત ઠક્કર, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલીપ ધોળકિયા -જેવા દિગજ્જોના સ્વરાંકનમાં જ્યારે ઐશ્વર્યા મજમુદાર, ઝરણા વ્યાસ, સોનિક સુથાર, પાર્થિવ ગોહિલ, કલ્યાણી કૈઠાળકર, ગાર્ગી વ્હોરા, અમર ભટ્ટ, વિરાજ-બિજલ અને દીપ્તિ દેસાઈ જેવા સુરીલા કંઠ ભળે – તો આબ્લમ કેટલું સુરીલું બને એ તમે જાણતા જ હશો…

અને હા.. ગઇકાલે ‘વિદેશિની’ને એક ત્રીજી વ્યાખ્યા પણ મળી – પન્ના નાયકનાં કાવ્યોની વેબસાઇટ : http://pannanaik.com/

તો ચલો, સાંભળીએ એમના આબ્લમ ‘વિદેશિની’માં સ્વરબધ્ધ થયેલું આ મઝાનું ગીત..

અને હા, ગુજરાતી સુગમ સંગીતનાં પ્રેમીઓને ખાસ જણાવવાનું કે વિદેશિની સાઈટ પર તમને આ સીડીનાં બધા જ ગીતોનું મુખડું સાંભળવા મળશે… 🙂

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ…
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

-પન્ના નાયક

આ ગીત વિશેની પ્રેરણા વિશે પન્ના નાયકનાં થોડા શબ્દો અને પછી નિશાબેને ગાયેલું આ ગીત અહીં સાંભળો…!

————

અને હા… આ જ આબ્લમનું બીજુ એક મઝાનું ગીત સાંભળો : ગાગરમાં સાગર પર

રમવું હોય તો રમ – પન્ના નાયક

 

ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી,
રમવું હોય તો રમ તારી ચાલે નહીં ઇતરાજી.

હું બાજી માંડું તો એને પૂરી કરીને છોડું,
એક વાર જોડું હું તાર તો કદી નહીં એ તોડું.
વાદળ વરસે વીજળી ચમકે ગગન ભલે રહે ગાજી.
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.

હું ગીચ ઝાડીનો જીવ નથી : મારો ખુલ્લો રસ્તો,
હવા પવન કે વાવાઝોડું : કદી નહીં એ ખસતો,
સાવ અમસ્તો સદાય હસતો મારો મારગ ખુશમિજાજી,
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.

આવન જાવન – પન્ના નાયક

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તને છંદ રાખ્યું…

કોઇક તો અમને યાદ કરે છે – પન્ના નાયક

sunset1.jpg

કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને ધરપત થઇ
આંસુઓના સ્મિત થયાં
ને સાંજની સાથે સોબત થઇ.

અમે તમારી નીંદમાં ક્યારે
સપનું થઇને આવ્યા:
જાણ્યું ત્યારે એમ થયું કે
કલ્પવૃક્ષને વાવ્યાં.

જિંદગી સાથે જાણે મારી
મનગમતી એક નિસ્બત થઇ
કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને ધરપત થઇ…

ચલો હવે એ શ્રધ્ધા સાથે
રસ્તો મારો ખૂલ્યો
શબ્દમાં તો નહિ પણ મારો
નીંદમાં પ્રેમ કબૂલ્યો

વિરહના દિવસ વેઠ્યા ત્યારે
મિલનની જાણે ઇજ્જત થઇ
કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને લિજ્જત થઇ…