બા… – પન્ના નાયક

નાની હતી ત્યારે
મારા બા
મારા વાળ ઓળતા
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાઠી વાળીને બેસાડતા
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા.
કાંસકાથી ગુંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતા
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઇ
રંગીન રીબન
કે
ચાંદીના ઘૂઘરિયાળા ફુમતાથી શોભાવતા

વાળ ઓળાઇ જાય
એટલે
મને એમની સામે બેસાડતા
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયાં છે કે નહીં !
મને પૂછતા :
ગમ્યા ને ? .
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વ્હાલના આવેશમાં
આવી જઇ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતા
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.

આજે
મારા વાલ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે.
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…

– પન્ના નાયક
—————————–
ગયા વર્ષે પન્નાઆંટી અહીં Bay Area માં હતા, ત્યારે સ્વયં એમની પાસે આ કવિતા સાંભળી છે.. અને ત્યારે ખરેખર મમ્મી, મમ્મીએ વર્ષો સુધી ઓળી આપેલા વાળ, કલ્યાણી સ્કૂલમાં નાખવી પડતી લાલ રિબન, મમ્મીએ ઘરે ઉકાળેલું બ્રાહ્મી-ભાંગરો નાખેલું તેલ.. કેટકેટલું એક સાથે યાદ આવી ગયેલું..!!

20 replies on “બા… – પન્ના નાયક”

  1. સરસ રચના. હજુ પન મારેી બા માતેના આન્સુ રોકિ નથિ શક્યો.

  2. સરસ અછાંદસ
    આજે
    મારા વાલ સાવ ટૂંકા છે
    તેલ વિનાના સૂકા, બરછટ છે.
    ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે
    અમારો અનુભવ
    પણ મારી દિકરીઓ મારી ખુરશી પાસે બસી જાય ત્યારે
    મારા વાળ ઓળતા
    યાદ કરી…

  3. “ત્રણ પેઢીની કવિતા” નામની એક સીડી નવભારત કોમ્યુનિકેશને હમણાં જ બજારમાં મૂકી છે. આ સીડીમાં પન્ના નાયક, કાજલ ઓઝા-વૈધ અને એષા દાદાવાળા એમ ત્રણ અલગ અલગ પેઢીની કવિયત્રીઓએ પોતાની રચના પોતાના અવાજમાં રજુ કરી છે. આ કવિતા પણ આ સીડીમાં છે. (છેલ્લેથી બીજી)

    જગજીતસીંઘે ગાયેલી પેલી ગઝલ યાદ આવી ગઈ – મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન, વો કાગઝકી કશ્તી વો બારિશકા પાની…….

  4. સરસ અછાંદ રચનાપન્નાજી જ્યારે સાવ ગભરુબાળા હતાં ત્યારે માતા પાંસે બેસી બચપણમાં માથું ઓળાવતાં તે વખતના જે સંયોગો હતા તે બધા યાદ કરે છે.અરિસો,બ્રાહ્મીનું તેલ્,સેંથો,કાળા ભમ્મરિયાવાળની બે લટો,રીબન્,પલાઠી,સાચો ખોટો ગુસ્સો વિગેરે.
    હવે પાછલી વયે વાળ પ્રત્યેની ઉદાસીનતાને કારણે કે જીવનમાંની નિરાશાને કારણે, વગર તેલના ,ટુંકા,બરછટ લુખ્ખા,છુટ્ટા,વાળ જોઈ નપુંસક (આવો ભારે,કાઠો શબ્દ વાપરવાની કવયત્રીની પસંદગી મને કઠી છે.)ગુસ્સાથી પીડાતી કવયત્રી પોતાની બાને અને તેના હાથને શોધે છે.વાળની માવજતને માટે બાને અને બાના હેતભર્યા સ્પર્શ ને ઝંખે છે.મજાનું કાવ્ય રચ્યું છે.નિર્ર્થક ગુસ્સો હોય પણ નપુંસક ગુસ્સો?જુદો ચિલો ચાતરવાની (હટકે)ફેશનનો શિકાર તો નથી બન્યાને પન્નાજી ?

  5. કાવ્યમાઁના બે શબ્દોઃ- વાળ/વાલ તફાવત ધરાવે છે .
    સુધારણા બદલ માફી યાચુઁ છુઁ.

  6. મારા વાળ બહુ મોટા હતા હવે નથી પણ આ વાત તો મારી જ !

  7. રોજ મારા દિકરામા માથામાઁ તેલ નાખતી વખતે મારા નાની યાદ આવે છ્હે કાવ્ય ખુબ ગમ્યુ.

  8. સરસ … !!

    મારા દીકરાને હું તેલ લગાવું પણ મને તો –

    આજે પ..ણ …. તેલ તો મમ્મી જ લગાવેને ?!!! 🙂

  9. મારા વાળ પણ બા ઓળતાં અને હવે ખરેખર ટૂંકા અને બરછટ વાળ રહી ગયાં છે.બા તારાં હાથનો સ્પર્શ નથી.મારી કવિતા વાંચો માતૃસ્પર્શ્.
    સપના

  10. Thank you so much. My childhood was exactly like this. My mom used to make Brahmi oil at home. Very sweet memories.

  11. બચપણ યાદ કરાવી દેવા બદલ પન્ના આંટીને સલામ.છોકરો હોય કે છોકરી, દરેકને એમનું બચપણ યાદ આવી જાય. નાના હોય ત્યારે બા જ વાળ ઓળી દ્યેને? સાવ સિમ્પલ લાગતી કવિતા પણ કેટલી સ્વાભાવિક અને રિઅલ લાગે એવી કવિતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *