Category Archives: મકરંદ દવે

ધૂળિયે મારગ – મકરંદ દવે

આ ગીતની થોડી પંક્તિઓ તો અમરભાઇ પાસેથી એમના સ્વરાભિષેક આબ્લમમાં ઘણીવાર સાંભળી છે. સાંભળતા જ ગમી ગયેલ અને વારંવાર મમળાવવું ગમે એવી આ ગીત, બાકીનો પંક્તિઓ સાથે ગઇકાલે ગોપાલકાકાના બ્લોગ પર મળ્યું, તો થયું તમારી સાથે વહેંચી લઉં..

ધૂળિયે મારગ ચાલ ... Photo by Prasanna Joshi

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;

ઘટમાં – મકરન્દ દવે

કવિ શ્રી મકરન્દ દવેની સમગ્ર કવિતા સંગ્રહનું નામ જ્યાંથી આવ્યું છે – એ મજાની કવિતા આજે માણીએ..!

સાંયાજી, કોઇ ઘટમાં ગહેકે ઘેરું,
બાવાજી,મુંને ચડે સમુંદર લ્હેરું.

ચકર ચકર વંટોળ ચગ્યો જી
ઈ તો ચ્ગ્યો ગગનગઢ ઘેરી,
નવલખ તારા ડૂબ્યા ડમરિયે ને
તરી રહી એક ડેરી,
ઓ હો સાંયાજી, મારું હેત વધે ને માંહી
સુંદર મૂરતિ હેરું.

ખોબો ઢૂળનો કૂબો બણાયો ને
બૌત હુવા ખુશ બંદા,
એક ઘણીયે લગાયા ધક્કા
ચૂર ચૂર મકરન્દા,
ઓહો સાંયાજી, મારા કણ કણ કારી
દમ દમ વરસી મ્હેરું,

અકલ કલા મારે હિરદે ઊગી
અચરત રોજ અપારા,
મુઠ્ઠીભર રજકણમાં રમતા
અલખ અલખ લખતારા
ઓહો સાંયાજી, મારે પગલે પગલે
પિયનુ હવે પગેરું.

– મકરન્દ દવે

લા-પરવા – મકરન્દ દવે

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર,
કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં
આવો તમો ઈદ અને આવો તમે રોજા.

– મકરંદ દવે

(આભાર – રીડગુજરાતી.કોમ)

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું – મકરંદ દવે

ગઇકાલે સવારથી બસ આ ને આ જ ગીત યાદ આવ્યે જાય છે..! એક ખૂબ જ વ્હાલી સખીને ત્યાં ‘વ્હાલનો દરિયો’ આવ્યો..! અને આજે એની એક નાનકડી ઝલક જોવા મળી, તો એ ફોટા પરથી નજર ના હટે.. ખરેખર જાણે નભથી પધારેલી નાનીશી તારલી..!

તો મને થયું – એ જ ‘ખુશી’ માં – તમને પણ આ મઝાનું ગીત ફરી એકવાર સંભળાવી દઉં..! ગમશે ને? 🙂

————————

Posted on : March 8, 2009

આજે 8th March – International Women’s Day..! અને એક સ્ત્રીના અલગ-અલગ સ્વરૂપોમાં સૌથી વ્હાલું – અને દરેક સ્ત્રીના જીવનની પ્રથમ ભૂમિકા એટલે – દીકરી..!

આમ તો દીકરી વિષે સાહિત્યમાં – કવિતાઓમાં ઘણું લખાયું છે, લખાતું રહેશે… (કદાચ દીકરાઓ એટલા નસીબનાર નથી એ બાબતમાં !! 🙂 ) કન્યા વિદાયની વેદનાના પણ કેટલાય ગીતો/કવિતાઓ મેં સાંભળ્યા/વાંચ્યા છે..! પરંતુ – આજે સાંભળીએ મકરંદ દવેની કલમે લખાયેલું આ દીકરીની વધામણીનું ગીત..! ગમશે ને? Happy Women’s Day to everyone…!! 🙂

સ્વર : અમર ભટ્ટ, ગાર્ગી વોરા
સંગીત : અમર ભટ્ટ

.

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,
પુત્રી તો આપણી પુનાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,
વેણીના ફૂલની વધાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,
દુર્ગાના કંઠનો હુંકાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,
કન્યા તો તેજની કટાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,
આથમણી સાંજે અજવાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,
આભથી ઊંચેરો એનો રાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

– મકરંદ દવે

મારી ગઝલમાં – મકરંદ દવે

અમરભાઈ પાસે કવિ શ્રી મકરંદ દવેના આ અને બીજા સ્વરાંકનો સાંભળવાની અમૂલ્ય તક અમદાવાદીઓને -આવતી ૧૮મી ડિસેમ્બરે મળશે – એની માહિતી માટે અહીંયા ક્લિક કરો:

કાવ્યસંગીતશ્રેણી : કવિ શ્રી મકરન્દ દવેના કાવ્યોની અમર ભટ્ટ દ્વારા પ્રસ્તુતિ : 18 December – Ahmedabad

એક ગઝલ ગાન સ્વરૂપે –
‘અનાદિ મથામણ છે મારી ગઝલમાં
નશીલું નિવારણ છે મારી ગઝલમાં

ઓછા ગવાતા રાગ સાલગ વરાલી તોડી પર આધારિત આ ગઝલમાં શ્રી પ્રદીપ બારોટની સરોદની સંગત પણ માણો.

https://youtu.be/rBhDZxIzag8

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

.

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

– મકરંદ દવે

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે

ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.

વાયરો ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી !
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

આ મોજ ચલી – મકરંદ દવે

(આ મોજ ચલી … Fort Bragg, CA – Nov 2008)

* * * * *

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં – મકરંદ દવે

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –

ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં –

વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –

કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં –

આજ તો કહેવા તુ દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયા કયાં? હેતની હેલી, છતાં –

એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં –

એટલી તો છે ખબર, એ જ અહિ દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં –

અમે રે સૂકું રૂનું પૂમડું – મકરંદ દવે

સંગીત : અજીત શેઠ

Photo by dumbskull

.

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

તેજની સવારી – મકરન્દ દવે

સ્વરાંકન-સ્વર: મૈધિશ વૈદ્ય

.

Peelak

( સ્વર્ણ પીળક યાને યુરેસિઅન ગોલ્ડન ઓરિઓલ….  ) 

પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઇ
ઊગતી પરોઢને બારણે…
આ તેજની સવારી કોને કારણે ?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર ?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂર ચૂર ;

એવી ગૂંથેલ અહીં સાચની સગાઇ
એક તારાથી પંખીને પારણે…
આ તેજની સવારી કોને કારણે ?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતી સૂરજની લાલી
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી,

આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઇ
ભૂલ્યા-ભુલાયા સંભારણે…
આ તેજની સવારી કોને કારણે ?