આ મોજ ચલી – મકરંદ દવે

(આ મોજ ચલી … Fort Bragg, CA – Nov 2008)

* * * * *

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

3 replies on “આ મોજ ચલી – મકરંદ દવે”

  1. હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!
    ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

    -નજાકતભરી વાત…

  2. આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
    ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

    વાહ…. આફરીન…

    ‘મુકેશ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *