આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.
શૂન્ય પાલનપૂરીની આ ગઝલ.. આમ તો લગભગ ૨ વર્ષથી ટહુકો પર છે જ.. આજે ફરી એકવાર, સ્વર-સંગીત સાથે..
ગમશે ને?
સ્વર : સંગીત : ??
.
ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?
ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.
નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.
ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?
તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.
આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.