આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
આ તો મનગમતું રાન છે ઓ શ્યામ, મને ફાવે ત્યાં કેડી કંડારું.
લોકો તો કહે છે કે એક હતી યમુના ને એક હતો યમુનાનો ઘાટ,
એવું યે કહે છે કે એક હતી રાધા ને એક હતો રાધાનો શ્યામ;
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, હું જ તારી રાધા તું શ્યામ…
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, મને ભાવે તે સૂરમાં લલકારું.
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
જગમાં તો ઠેર ઠેર મથુરા દેખાય મને, ભીતરમાં ગોકુળીયું ગામ,
એક એક ગોપી મારા અંગે રમે ને થાય રોમરોમ રણઝણીયું ધામ;
એ તો મોરનાં પીંછાનું હતું કામ, હું તો હતી સાવ નાદાન…
એ તો મોરનાં પીંછાનું હતું કામ, કહાન ! એમ કંઈ હું દલડું નહીં આપું !
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
કવિ શ્રી હરીન્દ્ર દવેનો કૃષ્ણપ્રેમ આમ તો કોઈથી અજાણ્યો નથી..! એમની અનુભૂતિના કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું હતું. અને એ પ્રસ્તાવના જે પુસ્તકમાંથી લેવાઈ હતી – ‘મારગે મળ્યા’તા શ્યામ’ – નું શિર્ષકગીત આજે આપણે માણીએ – હિમાલી વ્યાસના મઘ ઝબોળ્યા સ્વરમાં..!
‘આંધળી માનો કાગળ’ ન રચયિતા કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનો આજે જન્મદિવસ, તો એમને શ્રધ્ધાંજલી સાથે આજે ફરી એકવાર યાદ કરીએ એમના કલમથી નીકળીને અમર બનેલા આ શબ્દો… મેંહદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત…
આજે આ મઝાનું યુગલગીત તો તમારા માટે લઈ આવી – પણ થોડી તમારી મદદની જરૂર પડશે..!! ‘મેંહદી રંગ લાગ્યો’ – ફિલ્મનું પેલું ‘લાંબો ડગલો મૂછો વાંકડી’ વાળું ‘મેંદી રંગ લાગ્યો… ‘ ગીતના કવિ ઇન્દુલાલ ગાંધી છે – એ વાત લયસ્તરો પરથી જાણી..! (લયસ્તરો પર આ ગીત એના મૂળ શબ્દો સાથે ઉપલબ્ધ છે) તો આ યુગલગીતના કવિ પણ શું ઈન્દુલાલ ગાંધી છે? કે પછી ફિલ્મમાં અવિનાશ વ્યાસનું સંગીત હતું તો આ ગીતના શબ્દો પણ અવિનાશ વ્યાસના છે? તમને ખબર હોય તો જણાવશો?
અને બીજી એક વાત કહું? – પટેલ – પાટીદાર સમાજની સ્થાપના સાથે આ પણ આ ગીત જોડાયેલું છે – એ તમને ખબર છે? લો.. તમે જાતે જ આ લેખ વાંચી લો.! અરે થાંબા થાંબા… પહેલા આ ગીત સાંભળી ને જાવ.:)
અને હા – હજુ એક સવાલ – લતા મંગેશકરની સાથે યુગલસ્વરમાં મન્ના ડે જ છે ને?
સ્વર : લતા મંગેશકર, મન્ના ડે (?)
મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો
હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની
માળવાનો મોર ને ઢેલ ગુજરાતની..
મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!
આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!
આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?
ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ
(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)
સ્વર – ??
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….
ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…
જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…
રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –
રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.
એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.
બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.
નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.
કવિ શ્રી કૃષ્ણ દવેની આ ખૂબ જ મઝાની રચના… એમની પાસેથી જ આનું પઠન સાંભળવાની શું મઝા છે..!! હમણા તો મારી પાસે રેકોર્ડિંગ નથી – પણ એકાદ દિવસ ચોક્કસ લઇ આવીશ..!! કૃષ્ણભાઇની કવિતા એમના એકદમ અસરકાર કટાક્ષ માટે ખૂબ જ જાણીતી છે – અને સ્ટેજ પરથી જ્યારે કૃષ્ણભાઇ એમની કવિતા રજૂ કરે – તો presentation ની એમની આગવી રીત મંત્રમુગ્ધ કર્યા વગર ના રહે..!!
આજે અહીં અમેરિકામાં Thanksgiving…! આમ તો આભાર માનવાનો આ દિવસ – પરંતુ જેમ ચંદી પડવો એટલે ઘારી – ઘારી.. એમ અહીંયા Thanksgiving એટલે Turkey Turkey… .. ખાણી પીણી અને જલસા..!! એ હિસાબે પણ આજના દિવસ માટે food વિશેની કવિતા relevant કહેવાય..! અને બીજી એક વાત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી નથી શકતી (આ ફાસ્ટફૂડની વાત સાથે એ યાદ આવી..)
હમણા થોડા દિવસ પહેલા જ એક મિત્રના કહેવાથી ‘Food Matters‘ નામની એક documentary જોઇ..! (Netflix પર ઓનલાઇન streaming). એના વિશે વધુ વાતો નથી કરતી.. નહીં તો ગાડી આડે પાટે ચડી જશે – અને ખોટ્ટા મારે માથે માછલા ધોવાશે કે કવિતાને બદલે ભાષણ ક્યાંથી આવ્યું? 🙂 તમે જો એ જોવાનું નક્કી કરો તો પણ આ ગીત સાથે ચોક્ક્સ યાદ આવશે..!!
********
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.
આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.