Category Archives: ગીત

સૂરજ ઈન્કમટૅકસ ભરે છે – મુકેશ જોષી

સોનેરી કિરણોની મબલક મિલકત ..... Carmel by the Sea, CA - April 2010

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સુરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે
આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી
મિલક્ત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

ટહુકો – મકરન્દ દવે

Blue Jay - Yosemite Nat'l Park California (Picture by Vivek Tailor)

લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.

ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.

આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.

– મકરન્દ દવે (ઓગસ્ટ ૧૭, ૧૯૬૮)

અમે મુંબઈના રહેવાસી – અવિનાશ વ્યાસ

સ્વર – ગીતા રોય, એ.આર. ઓઝા, ચુનિલાલ પરદેશી
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – મંગળફેરા (૧૯૪૯)

The Lost Mumbai .. Picture from Discover India

અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
વર ને વહુ અમે મુંબઈ રહેતા, કરતાં લીલા લહેર
મોકલ્યા સાસુ-સસરા કાશી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું
બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

હું ગાડાનો બેલ !
શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ
હું પરણ્યો પણ સંન્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

રામા,
રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
કાલના ભજિયા તળજે વાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી !
લો બોલો
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

વ્હાલે વિપદ આ શું કાઢી, રામા તું ન જાતો નાસી
નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

એ રી મૈં તો પ્રેમદિવાની – મીરાંબાઇ

એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ … એ રી મૈં તો પ્રેમદિવાની.

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

– મીરાંબાઈ

ખીંટીં ઉપર ખુદની ઇચ્છા -શોભિત દેસાઇ

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

બર્ફીલી ચાદર હમણાં જ પથરાઇ છે જળની લહેરો પર,
એક શાશ્વત સ્પર્શનું ગીત રજૂ થાવા તત્પર છે અધરો પર,
આંખો દ્રારા અપેક્ષાઓને તાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,
ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર એ મને બનાવે છે,
ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

શરદનો વૈભવ – મેઘબિંદુ

શરદપૂનમ ગઇ… અને દિવાળીની તૈયારી શરૂ..!!  તો ઘૂઘરા મઠિયા તળતી વખતે સાથે જરા આ ગીત પણ ગણગણી લેજો..!!

સ્વર – રેખા ત્રિવેદી
સ્વરાંકન – મોહન બલસારા

મનના આંગણમાં આનંદ ઉલ્લાસ ને
ઉમંગ લહેરાતો આજ શ્વાસમાં

ધૂળિયે મારગ – મકરંદ દવે

આ ગીતની થોડી પંક્તિઓ તો અમરભાઇ પાસેથી એમના સ્વરાભિષેક આબ્લમમાં ઘણીવાર સાંભળી છે. સાંભળતા જ ગમી ગયેલ અને વારંવાર મમળાવવું ગમે એવી આ ગીત, બાકીનો પંક્તિઓ સાથે ગઇકાલે ગોપાલકાકાના બ્લોગ પર મળ્યું, તો થયું તમારી સાથે વહેંચી લઉં..

ધૂળિયે મારગ ચાલ ... Photo by Prasanna Joshi

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;

શ્રી જગજીતસિંગ ને શ્રધ્ધાંજલી : લાગી રામ ભજનની લગની – વેણીભાઇ પુરોહિત

ગઝલસમ્રાટ શ્રી જગજીત સિંગ હવે આપણી વચ્ચે નથી રહ્યા..! એમને શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ આ ભજન. ફિલ્મ પાર્શ્વગાયન શ્રેતે એમને મળેલો એ પ્રથમ બ્રેક.. સંગીતકાર શ્રી અજિત મર્ચન્ટ – કવિ શ્રી વેણીભાઇ પુરોહિત.

http://www.youtube.com/watch?v=p6UIoF4rtTA

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

રામનામથી પાવન બનતી
માટી પણ મારગની
રામ મિલનને કાજ રે મનવા
________ (?)

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

– વેણીભાઇ પુરોહિત

પાનખરની પ્રીતડી અમારી – દલપત ચૌહાણ

આજે કંઇક નવું..! કવિ શ્રી દલપત ચૌહાણનું આ ગીત – આજે ટહુકો પર પહેલીવાર ટહુકતા એક નવા સ્વર સાથે… અને હા, અવાજની અને તરન્નુમની મજા એવી છે કે સંગીતના એક પણ વાજિંત્રની ખોટ તમને નહીં સાલે..!

સ્વર – સ્વરાંકન : રાજેશ ભાવસાર

સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી

છબછબતા સરવરનાં કમળોમાં ગુંજો ને
કાદવની ઠામણી અમારી.
મીઠી રે વીરડીનાં જળ તમને પહોંચે,
મૃગજળની ઝારિયું અમારી.

શબ્દોથી રણકંતી યાદ ફળે તમને ને
મૌનભરી વાત છે અમારી.
ગોખે બેસીને હૈયે વ્હાલમને દેજો ને
વિરહની વાટડી અમારી.

આભલાનાં રૂપ થઇ વરસો રે આમ ભલે,
કોડિયાની ભાત છે અમારી.
આપ્યાં રે રીત ગીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.

સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.

પરપોટો પાણીમાં મુંઝાય – રમેશ પારેખ

લગભગ ૨ વર્ષ પહેલા (Nov 16, 2009) ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલ આ ગીત – આજે ગૌરાંગભાઇના અદ્ભૂત સ્વરાંકન સાથે ફરી એક..! ગમશે ને? 🙂

અને હા, આ ગીતની સાથે જ યાદ આવે, એવું રમેશ પારેખનું બીજું એક ગીત છે :

હાથીમતીનું પાણી રમતું પરપોટો પરપોટો,
છાનો છપનો મેં તો એનો પાડી લીધો ફોટો.

થોડા દિવસમાં એ ગીત પણ ચોક્કસ સંભળાવીશ..! પણ એ ગીત સાથે મુકવા માટે કવિ શ્રી રમેશ પારેખે પાડેલો ફોટો મારી પાસે નથી. કવિ શ્રી ની જેમ જ તો તમે હાથમતી નદીનો છાનો છપનો કોઇ ફોટો પાડી લીધો હોય, અને ટહુકોના મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા હોય, તો એ ફોટો મને મોકલશો?

ચલો, આજે તો મઝા લઇએ આ મઝાના વૃંદગાનની!

સ્વર – ? (વૃંદગાન)
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ

(  .  … Photo: Shaders.co.uk)

સ્વર : ભારતી વ્યાસ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,
અને પાણીમાં છપાણું એનું નામ.
સામગામ પરપોટા સોંસરો દેખાય,
અને પરપોટો ફૂટ્યો અહીંયા,

અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..
હો ખલાસી.. હો ખલાસી…
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,

પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..

– રમેશ પારેખ