આજે કંઇક નવું..! કવિ શ્રી દલપત ચૌહાણનું આ ગીત – આજે ટહુકો પર પહેલીવાર ટહુકતા એક નવા સ્વર સાથે… અને હા, અવાજની અને તરન્નુમની મજા એવી છે કે સંગીતના એક પણ વાજિંત્રની ખોટ તમને નહીં સાલે..!
સ્વર – સ્વરાંકન : રાજેશ ભાવસાર
સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી
છબછબતા સરવરનાં કમળોમાં ગુંજો ને
કાદવની ઠામણી અમારી.
મીઠી રે વીરડીનાં જળ તમને પહોંચે,
મૃગજળની ઝારિયું અમારી.
શબ્દોથી રણકંતી યાદ ફળે તમને ને
મૌનભરી વાત છે અમારી.
ગોખે બેસીને હૈયે વ્હાલમને દેજો ને
વિરહની વાટડી અમારી.
આભલાનાં રૂપ થઇ વરસો રે આમ ભલે,
કોડિયાની ભાત છે અમારી.
આપ્યાં રે રીત ગીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.
સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.