Category Archives: ગીત

હરજી, જેવી તારી મરજી -રમેશ પારેખ 

સ્વર: જ્હાન્વી શ્રીમાંકર
આલ્બમ: સંગત

.

હરજી, જેવી તારી મરજી!
દે સાંધણ કે દે તુટામણ,
દે ચપટી કે દે મહેરામણ ;
તું મનમાની કર, જી !

ના પાણીનું એક ટીપું એ અમ-થી વિંધ્યું જાય,
તે તો હિરકનો ભૂકો કરવાનું કીધું, હાય !
તે મારી આંગળીઓ જળની મૂઠી ભરવા સરજી!

મીરાં કે પ્રભુ, અદીઠ રહીને આમ ન મારો બાણ,
દરશન દ્યો તો મોરપીંછના છાંયે છાંડુ પ્રાણ;
મીરાં કે જો, તારા પગમાં પડી મીરાંની અરજી! 
– રમેશ પારેખ 

દોડિયાં રે અમે દોડિયાં – રમેશ પારેખ

આલબમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા

.

દોડિયાં રે અમે દોડિયાં
વા’લા નદિયું બનીને અમે દોડિયાં..

બે કાંઠા કરતાલ, અમારાં જળબિંદુ મંજીરાં,
એક લહર એકતારો છે ને એક લહર છે મીરાં;
છોડિયાં રે અમે છોડિયાં
પથ્થરના રહેવાસ અમે છોડિયાં..

મીરાં કે પ્રભુ નામ તમારું એ જ અમારો ઢાળ,
જળ ને કેમ પકડશે બોલો, રાણાજીની જાળ?
ફોડિયા રે અમે ફોડિયા
પરપોટા કર્યા ને અમે ફોડિયા

– રમેશ પારેખ

વ્હાલમનું નામ -સુધીર દેસાઈ

સ્વર : હેમા દેસાઈ
સંગીત : આશિત દેસાઈ

.

વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?
ઉરનું આ દ્વાર એ તો પ્રિતમ નું ધામ ,
એને ખોલુ તો કેમ કરી ખોલુ ?

તમે બોલ્યાં જ્યાં નામ હું તો ભૂલી પડી ,
હું તો શમણાં માં ક્યાંક ક્યાંક ઘૂમી વળી .
અરે !મનથી એ નામ મીઠું ચુમી વળી !
સોનાનું નામ મારુ પાડેલું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?

મારા મનની મંજુશા ની મોંઘી મૂડી ,
કોઈ બોલે જ્યાં નામ મારી ખણકે ચુડી ,
મને પાંખો ફૂટે ને હું તો જાઉ ઊડી ,
મનના ગોકુલીયા માં નટખટ નું નામ
એને બોલું તો કેમ કરી બોલું .
-સુધીર દેસાઈ

કટારી કાળજે વાગી -વિનોદ માણેક ‘ચાતક’

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : ઓસમાન મીર

.

કટારી કાળજે વાગી, તમારી યાદ આવે છે
રહું છું, રાતભર જાગી, તમારી યાદ આવે છે;

દિવસ તસ્વીર જોઉં, રાતભર આવો તમે સપને,
મને લગની જ છે લાગી, તમારી યાદ આવે છે!

ઉઘાડી ચાંચ ને રાખી , પીવા વરસાદ ને ચાતક,
મિટાવો પ્યાસ છે લાગી, તમારી યાદ આવે છે!

વિરહની વાત છે વસમી, મજાર મેળાપની કેવી!
શરમના દ્વાર દો ત્યાગી, તમારી યાદ આવે છે!

શરાબી છે નજર સંગે, ગુલાબી છે અસર અંગે!
જવાની જાય જો ભાગી, તમારી યાદ આવે છે!
-વિનોદ માણેક ‘ચાતક’

હસે આંખડી ને ઢળે ચાંદની -રમણભાઇ પટેલ

શબ્દ :રમણભાઇ પટેલ
સંગીત :શ્યામલ-સૈમિલ મુન્શી
સ્વર : દિપાલી સોમૈયા
આલ્બમ :હસ્તાક્ષર

.

હસે આંખડી ને ઢળે ચાંદની
વિના ઊગે પૂનમની રાતડી
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

ભરી ફૂલવાડી ફૂલની કૂમાશથી
વિના મનગમતાં બોલની સુવાસ રે
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

મીઠી વાતોને ખીલી રહી રાતડી
વિના સંગાથે સરોવર પાળને
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

આવકારો – દુલાભાયા કાગ

સ્વર :પ્રફુલ દવે

.

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………

માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
-દુલાભાયા કાગ

મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ -દાન વાધેલા

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન : આલાપ દેસાઈ
આલબમ : સૂરવર્ષા

.

મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ..
ગાજ નહિ,વીજ નહિ..
પુનમ કે બીજ નહિ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

ઘર માં થી ઉંબરા ની મર્માળી ઠેસ..
છતાં ચાલી હું મીણ જેમ પીગળી..
માજમ ની રાતે આ મન એવું મુંઝાણું..
જાણે કે વીંટળાતી વિજળી..
કોને ખબર છે કે ગામ આખું કોરૂં..
પણ ડુબ્યાં આ મેડી ને માઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

દરિયા ના મોજા તો માપી શકાય..
અરે ફળિયા ની ફાળ કેમ માપવી..
સોળ સોળ ચોમાસા સંઘરેલી છત્રી ને..
શેરી માં કોને જઇ આપવી..
રૂદિયા માં ફુવારા ફુટે છે જાણે કે..
પીલાતો શેરડી નો વાઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ…
-દાન વાધેલા

એકલ દોકલ આવન જાવન -વિહાર મજમુદાર

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : અમિત ઠક્કર
રચના : વિહાર મજમુદાર

.

એકલ દોકલ આવન જાવન, ઝરમર વરસે સાવન
ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન

પાંપણને નેવેથી ટપકે સ્મરણો કેવા કેવા ,
ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજુ શું સહેવા
મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ

ગગન ઝરૂખે, ઘન ગાજે આ કાજળ શા અંધારે,
મધુમાલતી મહેકી રહી પણ, તમે આવશો ક્યારે ?
ભણકારા, ભણકારા નું બસ ,આ તે કેવું ભારણ
-વિહાર મજમુદાર

ઝલમલ ઝલમલ નદીજલ લહરી — રાજેન્દ્ર શાહ 

પઠન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ઝલમલ ઝલમલ નદીજલ લહરી, પવન વહે પણ મલમલ,
પૂરવ ગગનને અરૂણ કિરણ મૃદુ વિકસત રક્ત કમલદલ,
મધુ પરિમલ રત અલિગણ ગુંજે,
મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;
કહીં, પ્રિય!

કહીં તુમ નિવસત? નયનન વિકલ ભમે મુજ થલથલ,
ઝલમલ ઝલમલ નદીજલ લહરી, પવન વહે પણ મલમલ,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
તરસત હ્ર્દય લુભાવત ખલ છલનામય મૃગજલમાયા,
અલસ સમીર, ન કિસલય કંપે,
કૂજનરવહીન ખગ નીડઅંકે,
કહીં પ્રિય!

કહીં તુમ નિવસત? રે મુજ ભ્રમણકલાન્ત દગકાયા,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ,
શૂન્ય રજની ત્રમ ત્રમ ઉર વીંધત મૂર્છિત સ્વ્પ્ન સૂકોમલ
દલદલ કુસુમ ઝરે અવની પર,
પરિમલમય દિગદિગન્ત અંબર;
કહીં પ્રિય! 

કહીં તુમ નિવસત? નયનન શિશિર-સલિલ-સર છલછલ, 
અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.
— રાજેન્દ્ર શાહ 

કદી તું ઘર તજી ને રે -ધ્રુવ ભટ્ટ

રવીન્દ્ર સંગીતએ બંગાળી સંગીત નો ભાગ છે અને એનો એક ફાંટો બાઉલ પરંપરા. એ પરંપરામાં ગુજરાતી ગીત મળે તો? મજા જ આવે!
ધ્રુવ ભટ્ટના ગીતો યુ-ટ્યુબ પર નીલા ટેલીફિલ્મ દ્વારા ‘ધ્રુવગીત’ નામની ચેનલ પર ઉપલબ્ધ છે. દર સોમવારે એક નવું ગીત અપલોડ થાય.
આ ગીત સાંભળજો મજા આવશે. ક્યાંક પહોંચી ગયા જેવું લાગશે.

લય : બંગાળના બાઉલ ગીતો
સંગીત: કે.સુમંત ,શ્યામલ ભટ્ટ
સ્વર: મેઘા ભટ્ટ ,શ્યામલ ભટ્ટ

.

કદી તું ઘર તજી ને રે
વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાત ને ખો ને રે … 

સુખ મોટું કે નામ નથી કાંઈ રે ,
બાગ બગીચા ગામ નથી કાંઈ રે ,
આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;
અમે છૈ એમ તું હોને રે… 

કેટલા સૂરજ કેટલા ચાંદા,
ગણવા તારે કેટલા દહાડા,
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા માં ટેકરા ખાડા રે ;
જાગ્યો તો એમ તું સોને રે..
-ધ્રુવ ભટ્ટ