Category Archives: ગીત

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે – સુરેશ દલાલ

સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
સંગીતઃ દક્ષેશ ધ્રુવ

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં આણલ અંજારિયા અને હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો.

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
નાચી રે મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મારા બારે બાર ખાનામાં
મોરપીંછ ને મંજીરા છે
મુરલીયાના સપ્ત છિદ્રમાં
મીરા મીરા મીરા છે
રોમ રોમનાં રંગ મહેલમાં
મીરા કુંવારી કાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મારા જન્મારા પુરતો
એક જ તુલસી ક્યારો રે
પળપળમાં આ પાંદડે પાંદડે
શ્યામ સદાયે મારો છે
જનમ જનમની દાસી મીરા
રાજી રાજી રાજી રે

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
– સુરેશ દલાલ

પગલું પગલાંમાં અટવાણું – વેણીભાઈ પુરોહિત

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં દર્શના ભૂતા શુક્લના સ્વરમાં સાંભળો.

સંગીત નિર્દેશક : દિલીપ ધોળકિયા

પગલું પગલાંમાં અટવાણું
પગલું પગલાંમાં અટવાણું
કે મનખો રમતો ચલક ચલાણું

કાંસાને અફળાવી બેઠી
એક સોનાની મેખ
કોની લેખણ લેખ લખી ગઇ
કોણે લીધાં ભેખ
ગળ્યું છે ગોળ વિના ગરમાણું

તનના પગલાં તો ધરતી પર
પાડે એની છાપ
મનના પગલાંની માયાનું
મનડું જાણે પાપ
ભટકતાં ભવ મારગ ભરમાણું

સાત સાત સાચાં પગલાંને
ખોટું પગલું એક
સાત સાત આ જનમારામાં
અધવચ ખુટી ભેક
ઉકલશે ક્યાંથી હવે ઉખાણું

-વેણીભાઈ પુરોહિત

આજ મેં તો વાદળને – તુષાર શુક્લ

હમણાં “સ્વર અક્ષર” કાર્યક્રમ જો તમે માણ્યો હશે તો તમે હવે વિજલ પટેલથી અપરિચિત નહિ હોવ.
પ્રોગ્રામ જોવાનો રહી ગયો હોય તો અહીં ક્લિક કરો
અને આ સુંદર સ્વરાંકન વિજલ પટેલના મધુર કંઠમાં માણો!

સ્વર અને સ્વરાંકન- વિજલ પટેલ
આલ્બમ – કહે સખી

.

આજ મેં તો વાદળને લઈ લીધું બાથમાં
વાદળ સંગાથે એક આખું આકાશ મારી છાતીશું ભીંસાયું સાથમાં….

ભૂલીને સાનભાન હોઠે માંડ્યું જ્યાં મેં
મનગમતું મધમીઠું વાદળ
ઘૂંટ ઘૂંટ પાણીનાં પીવાનો અનુભવ તો
કોરોધાકોર એની આગળ
પલભરની વર્ષા ને તોયે ભીંજાય ગયાં
હું અને વાદળ સંગાથમાં…..

આરપાર વીંધશે કે મન મૂકી ભીંજાશે
આ છાતી પર તોળાયાં પ્હાડ
હમણાં વરસ્યો કે હવે હમણાં વરસી રહશે
આંખોમાં એવા અષાઢ
રણમાં વરસાદ તણી વેળા આવે છે ત્યારે
જાદુ ભળે છે એના સ્વાદમાં….

– તુષાર શુક્લ

બાર બાય બાર જેવી બાથરૂમો હોય – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : જનમેજય વૈદ્ય

.

બાર બાય બાર જેવી બાથરૂમો હોય ને પચ્ચી બાય ચોવીના ઓરડા
એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારા ચાર પાંચ નળિયાના ખોરડાં

ખોરડાંને આડ નહીં ફરતે દિવાલ નહીં નજરૂંની આડે નહીં જાળીયું
તક્તીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપ્પન દિશામાં એની બારિયું
બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલા દોરડા

ઘરમાં બેસું ને તોય સૂરજની શાખ દઇ ચાંદરણા તાળી લઇ જાય છે
કેમનું જીવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે
એકવાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચીતરેલ બધા મોરલા

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

મારામાં આરપાર -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સંગીત તથા સ્વર : જન્મેજય વૈદ્ય

.

મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું
પળમાં પળ ગૂંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું

કાળમીંઢ પથ્થરનું ભૂરું પોલાણ મારી લાગણીથી હાથવેંત છેટું
વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું
આંખોનાં પોપચાંમાં સાચવી મૂક્યાં છે એને સપનાં કહું કે કહું શું
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું

મુઠ્ઠી ભરીને વ્હાલ વ્હેંચતા રહો કે ભલે આપણી હથેળી હોય ખાલી
દરિયાને પૂછવાનું ટાળજો કે, ભાઈ,તને ભરતી ગમે કે ઓટ વ્હાલી
પંખી તો કોઈનેય કહેતું નથી કે, એણે પીંછામાં સાચવ્યું છે શું
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું.

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

મને મમ્મી લાગે વહાલી

સ્વર:કવિતા ચોક્સી

.

મને મમ્મી લાગે વહાલી હું તો ભાષા બોલું કાલી
મને પપ્પા લાગે વ્હાલાં એ તો મારી પાછળ ઘેલાં

વાતે વાતે મમ્મી વઢે તોય લાગે ખાટી મીઠી
પપ્પા પાડે ચીસો મોટી તોય ગમે દોસ્તી એની

મારા મમ્મી પપ્પાનો હું લાડકવાયો દીકરો
ઘડપણની લાકડી કાયમનો સથવારો

મમ્મીના હાલરડાંનો હું જ રાજા
પપ્પાના સપનાનો હું જ બાદશાહ

મારો નાવલિયો – પ્રહલાદ પારેખ

સ્વર : દેવયાની ઓઝા ,સ્વાતિ પાઠક
સંગીત : ચિંતન

.

દીઠો ઝાકળિ યે,મારો નાવલિયો ! નાવલિયો રે

ઉંચે તે આભ જેવો ગાજે મેહુલિયો,
નીચે બોલે છે એવો સીમે નાવલિયો;
વીજની આભે એની, સીમમા, આવી એની
છૂટે છે વેગીલી ગલોલ રે !

મોલે મઢેલો એનો, દેહનો ડુંગર શોભે
શોભે ખેતરેની કાયે રે
પંખીડા આવી આવી માથે કિલ્લોલી જાયે
મોરલા બોલ એના ગાયે રે !

પાયની પાસે એના મોલ બનીને ઝૂલું ?
પંખી બનીને શિરે ગઊં રે ?
કેમ કરીને, આજે હૈયું અધીરું પુછે,
જૈને એ દિલમા સમાઉ રે !
– પ્રહલાદ પારેખ

મારે તમને મળવું છે – રિષભ મહેતા

સ્વર અને સ્વરાંકન : જીજ્ઞેશ કોટડીયા

.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા

ચકલી ચીં ચીં ગાય

વિશ્વ ચકલી દિવસ નિમિતે ,

સવાર આખી પાંખે પકડી
ચકલી ચીં ચીં ગાય
ઝાડે ઝાડે સૂરજ બેસે
ઝળહળ ઝળહળ થાય
ચકલી ચીં ચીં ચીં ચીં ગાય
ચકલી ચક ચક કરતી જાય… સવાર આખી…

ફરરર કરતી આવી બેસે
દાદાજીના ફોટા પર
વ્હાલી થઈ પપ્પાને પૂછે, 
અહીં બનાવું મારુ ઘર?
હસતી રમતી જાય
ચકલી ચીં ચીં કરતી જાય… સવાર આખી…

ફરરર કરતી આવી બેસે
દાદીમાની હિંડોળે,
હરખાતી હરખાતી કહેશે
ચકો ચડ્યો છે ઘોડે
કુદક કુદકતી જાય 
ચકલી ચીં ચીં કરતી જાય…સવાર આખી…

ફરરર કરતી રસોઈઘરમાં
આવી પહોંચે દોડી
મમ્મીને જઈ પૂછે એ તો
મદદ કરુ કંઈ થોડી?
લટક-મટકતી જાય
ચકલી ચીં ચીં કરતી જાય…સવાર આખી…

ફરરર કરતી આવી એ તો
લઈ લે મારી પાટી-પેન
‘સ્પેરો’ નો સ્પેલિંગ એ પૂછે
લાગે મારી નાની બેન
ઝટપટ લખતી જાય, 

ચકલી ચીં ચીં કરતી જાય.. સવાર આખી..

પિયું પહેલી પેસેન્જરમાં આવજો – પ્રભુલાલ દ્વિવેદી

તમે જો જો ના વાયદા વિતાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

સિલ્કની કીનાર કેરાં વાયલ આછેરાં,
કોઇક નવા નાટકનાં પચ્ચાઓ પેર્યા,
થોડા હૅન્ડબિલ હેરઓઇલ તણાં લાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

એક હારમોનિયમ,એક હારમોનિયમ,
એક હારમોનિયમ, પૅરિસનું લાવજો,
આવવાનો તાર મને આગળ મોકલાવજો,
તમે સામા સ્ટેશન પર સીધાવજો.
-પ્રભુલાલ દ્વિવેદી