Category Archives: ગીત

જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે – દિલીપ જોશી

જાગે જ્યારે મધુર મધુરાં સોણલા આંખ વચ્ચે
ગુંજે કેવો સ્મરણપટનો તોષ એકાંત વચ્ચે

ભીની વાતો ઝરમર થતી
હોય જ્યાં એકધારી
ફૂલો જેવું મઘમઘ છકી
ઊઘડે સ્વપ્ન-બારી

પંખી આખું ગગન લઇને નીકળે શ્વાસ વચ્ચે
દ્રશ્યો લઇને ભ્રમણ કરતું
આભ ક્યાં આથમે રે?
ઝોલાં ખાતું તિમિર ચળકે
સ્હેજ દીવો રે…

સંધ્યા ઊભી શરમ-ઘૂમટાં તાણતી દ્વાર વચ્ચે
મોંઘી માયા મમત સઘળી
પાથરી પંથ સામે
પ્હોંચી જાતાં પરમ પળમાં
ઓગળી હું ય ઠામે

આઠે કોઠે સમય છલકે મહેંકતા હાથ વચ્ચે
જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે

હો હિંમત તો ટહુકો તું દોર… – રવીન્દ્ર પારેખ

peacock.jpg

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

સપનામાં આવું તો ચાલશે? – આશા પુરોહિત

મુકેશ જોષીનું મારુ પેલું એકદમ ગમતું ગીત યાદ છે? – હું થોડા દિવસ હવે તારામાં રહું?   એ ગીત કંઇક અંશે યાદ આવી જાય એવું બીજુ એક મઝાનું ગીત….

rainbow.jpg

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યાં કરું
ને બસ પૂછ્યાં કરું છું એ જ ધૂનમાં
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યાં કરું
ને બસ નીરખ્યાં કરું છું તને તૃણમાં
એય, તને બોલાવું ત્યારે તું આવશે?

લાગણીના અણદીઠ્યાં શ્વેત શ્વેત રંગ મહિ
ઇન્દ્રધનુષી એક વાત
સંબંધો જોડવા ઇચ્છાઓ જન્મે
ને ઇચ્છાઓ થામી લે હાથ
એય, મારી ઇચ્છાનો બાગ હવે ફાલશે?

ઇચ્છાઓ જન્મે તો પૃચ્છાઓ જન્મે
ને પ્રશ્નાર્થને સમજી તો લે
ચૂપ ચૂપ રહીને પણ કહેવું જરૂર
એ ભાવાર્થને સમજી તો લે
એય,  સાથે રહેવું શું તને ફાવશે?

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

લીલીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

1486874808_df9e89bdbf_m.jpg

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઇ હવે
સુક્કા સંબંધ કેરું નામ

મ્હોરતાં ફોરતાં ને પળમાં ઓસરતાં આ
શબનમ જેવો છે સંબંધ
શમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવા દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકલ હાથલિયા થોર
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારું યે સાવ નામ ઠામ…

હાય રે હાય કવિ ! – ઝવેરચંદ મેઘાણી

ધરતીને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરવી,
લાખો નાર ગલીગલીએ ફરતી,
સારી રાત ભૂખે મજૂરી કરતી:
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દજો –
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રન્દન શું નથી સાંભળિયા?
એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે –
ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં
સિતમે સળગંત ધરા-તલમાં:
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને,
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્રતણા:
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે:
કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,
તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ?

એમ આવે છે યાદ કોઇ અરે ! – નયન દેસાઈ

પહેલાં પવન્ન પછી ધીંગો વરસાદ
પછી ડાળખીથી પાંદડું ખરે
એમ આવે છે યાદ કોઇ અરે !

થોડું એકાંત પછી મુઠ્ઠીભર સાંજ
પછી પગરવનું ધણ પાછુ ફરે
એમ આવે છે યાદ કોઇ અરે !  પહેલાં…

બારી ઉઘાડ એવી ઘટના બને
કે આંખ પાણીની જેમ જાય દદડી,
બારણે ટકોરાઓ એવા પડે કે
પછી વાણીની જેમ જાય દદડી,

આગળી ફટાક દઇ ખૂલે ઝૂલે ને
પછી થોડી વાર તરફડાટ કરે
એમ આવે છે યાદ કોઇ અરે…  પહેલાં…

પંખીના ટોળામાં આછો બોલાશ બની
ટહુકાઓ જેમ જાય ભળી,
અંધારુ પગ નીચે દોડીને આવે
ને અજવાળું જાય એમાં ઓગળી

આકાશે વાદળીઓ તૂટે – બને
ને પછી સોનેરી રાજહંસ તરે
એમ આવે છે યાદ કોઇ અરે…  પહેલાં…

તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી

Once again, Happy Birthday to Dr. Mukul Choksi..!!

સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

.

તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા’તા નદી ને સરોવરો

એમાંનું કોઇ સ્વજન લાગતું નથી.
તારા વિના કશે મન લાગતું નથી

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું

ખુદનું વતન હવે વતન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ

આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

કોઇક તો અમને યાદ કરે છે – પન્ના નાયક

sunset1.jpg

કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને ધરપત થઇ
આંસુઓના સ્મિત થયાં
ને સાંજની સાથે સોબત થઇ.

અમે તમારી નીંદમાં ક્યારે
સપનું થઇને આવ્યા:
જાણ્યું ત્યારે એમ થયું કે
કલ્પવૃક્ષને વાવ્યાં.

જિંદગી સાથે જાણે મારી
મનગમતી એક નિસ્બત થઇ
કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને ધરપત થઇ…

ચલો હવે એ શ્રધ્ધા સાથે
રસ્તો મારો ખૂલ્યો
શબ્દમાં તો નહિ પણ મારો
નીંદમાં પ્રેમ કબૂલ્યો

વિરહના દિવસ વેઠ્યા ત્યારે
મિલનની જાણે ઇજ્જત થઇ
કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને લિજ્જત થઇ…

એક મનગમતો તૂટ્યો સંબંધ – મુકેશ જોષી

  

એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ !

શમણાંના કલરવતા, કલબલતા પંખી વિણ,
ખાલી ખાલી ને સાવ ખાલી આકાશ.

ભીતરમાં ડોકિયાંઓ કરવાનાં બંધ
હવે દુનિયા જોવાની આંખ બહાર
બહારથી લાગે જે આખા એ આઇનામાં
અંદર તિરાડ આરપાર

જીવતર જીવવાનો હવે કેવો આનંદ
આ જીવનમાં કોઇ નથી ખાસ…

એકલતાની તો હવે આંગળી પકડી, ને
ખાલીપા સાથે છે દોસ્તી
સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
હાંકે રાખી છે કોઇ મોજથી

મૃગજળમાં રગદોળી નાખી છે ઇચ્છાઓ
કે લાગે ના કોઇ દિવસ પ્યાસ…

ઊખડે ઓ ઝાડવું મૂળિયાં સમેત
પડે ધરતીને હૈયે ચિરાડો
માણસમાંથી એક માણસ ઊખડે ને
તોય નામ કે નિશાન નહીં ખાડો

કૈકયીનાં દીધાં વરદાન મારે માથે
કે ભોગવતો રણનો વનવાસ…

રાતી રાતી પારેવાની આંખડી – વેણીભાઇ પુરોહિત

સ્વર : ?
સંગીત : ક્ષેમુ દિવેટીયા

.

રાતી રાતી પારેવાની આંખડી
ઝમકારા લાલ.. ઝમકારા..
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

લાલ રતન પૂરવમાં વેર્યાં
સૂરખી અદભૂત ઊડી રે
આથમણી મનમોજી રંગત
છલકે ત્રાંબાકુડી રે… ઝમકારાલાલ..

નયણાં નભને ઝીલે જોડા જોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

અત્તરની ફોરમ મેંદીના
અંતરમાં મતવાલી રે
લીલો રંગ લપાવી બેઠો
લાજ શરમની લાલી રે… ઝમકારાલાલ..

મનડું મેંદીનો ઝીણો છોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી