સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય.
આકાશેથી અમદાવાદ ( ફોટોગ્રાફી – પરેન અધ્યારુ )
.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
————————————
જ્યારે અનિવાર્ય સંજોગોમાં એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે એ સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ’મળે ન મળે’ ગઝલ!! જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે. જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે. બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘મળે ન મળે’ ગઝલ રજૂ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સાહજિકતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’
આજે કવિશ્રી આદિલ મંસૂરીના જન્મદિવસે આપણા બધા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ.