પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર.. આજે ૧૭ મે, કવિ શ્રી રમેશ પારેખને એમની પુણ્યતિથિને દિવસે આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી. રમેશ પારેખની રચનાઓની વિવિધતા પર એક નજર કરશો આશ્ચર્ય થયા વિના ન રહે.. એ વ્હાલબાવરીનું ગીત લખે, ૯૯ વર્ષના રાજપૂતનું ગીત લખે, વૃક્ષસંવનનાર્થીનું ગીત પણ લખે, બાળગીતો, સોનલ કાવ્યો, મીરાં કાવ્યો, આલાખાચર કાવ્યો, છોકરા+છોકરીના ગીતો, ગઝલો..
વધારે વાતો નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે એમનો સમગ્ર કાવ્ય/ગઝલ સંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મળે તો ચોક્કસ વાંચજો, પાને પાને સાહિત્યનો સાગર છલકશે…
(આ પથ્થરો વચ્ચે… Half Dome, Yosemite N. Park, Aug 08)
* * * * *
સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર
આલ્બમ : હસ્તાક્ષર ‘રમેશ પારેખ’
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત
.
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.
કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.