Category Archives: ગઝલ

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે.. – શૂન્ય પાલનપુરી

સ્વર : મનહર ઉધાસ
nature1.jpg

.

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદર ના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એક માંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

સંબંધ તો પ્રેમનો થવા – રવિ ઉપાધ્યાય

સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!

એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!

કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!

કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,
જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!

યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!

પામવાં મૃત્યુ ‘રવિ’ આખરમાં કુદરતી,
જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!

ઘર જલાવીને કરીએ તાપણું – સુરેન ઠક્કર ‘મેહુલ’

શું અચાનક સાંભર્યુ છે કોઇનું હોવાપણું
કેમ અણધાર્યુ સતાવે છે મને સંભારણું

શક્યતા ના હો છતાં પણ સાંભરું છું હું કદી?
યાદ આવે છે તને આભાસી ઘરનું આંગણું?

ઓ પ્રવાસી! આવી એકલતા કદી સાલી નથી
હું દીવાલે લીંટીઓ દોરી, નિસાસાઓ ગણું

એકધારું આજ તો વરસ્યા છે ગુલમ્હોરો અહિ
એક શ્વાસે આજ તો હું પી ગયો છું પણ ઘણું

કોઇ વીતેલો દિવસ જો સાંભરે તો આવજે
સાવ રસ્તામાં જ છે છોડી દીધેલું પરગણું

સાવ સીધી વાત છે તારા સવાલોની વ્યથા
એક ઊંડું દર્દ જે વ્હોરી લીધું છે આપણું

આજ લાગે છે કે થોડી હૂંફ હોવી જોઇએ
ચાલ ‘મેહુલ’ ઘર જલાવીને કરીએ તાપણું.

માણસ છે, બીઝનેસ કરે છે – કૃષ્ણ દવે

butterfly.jpg 

પતંગીયાની પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

શબ્દ, શબ્દને વાટી વાટી, અર્થોનુ કેમીકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બીઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

ચક્મક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતા હસતા
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બીઝનેસ કરે છે.

પ્રેમપત્ર – ઊર્મિ

આજ મારી વ્હાલી સખી ‘ઊર્મિ’ની એક મઘમઘતી મીઠી ગઝલ..

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દો હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું. 

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.

પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.

રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.

દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.

લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.

આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.

—————

આભાર : http://www.urmisaagar.com/

તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે – કવિ રાવલ

આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
ચોતરફ વાતાવરણમાં તરફડાટ છે…

ઊછળે દરિયો અને આ સ્થિર ઘાટ છે !!!
એટલે – મોજા મહી આ ઘૂઘવાટ છે…

લાગણીઓ તો હવા સમ સ્પર્શતી રહે…
ને હવા જેવો જ એનો સૂસવાટ છે…

ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…

ભીતરે ફૂટી હશે પાંખો તને અરે…
તારા આ અસ્તિત્વમાં જો ફડફડાટ છે…

છંદ-વિધાન: ગાલગાગા | ગાલગાગા | ગાલગાલગા

( કવિ રાવલની અન્ય રચનાઓ વાંચો : એમના જ બ્લોગ પર )

કોઇ ટહુકે છે ખૂબ આઘેથી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


ખૂબ તરસ્યો છું ધોધમાર વરસ,
તોડ બંધન બધાં ધરાર વરસ.

કોઇ એકાદ જણ તો ભીંજાશે,
છે વરસવું ભલે અસાર, વરસ.

મન અમારું ય સાવ માટીનું,
બસ અમસ્તું ય એક વાર વરસ.

યાદ પેઠે ફરી ફરીને તું;
આવ આવીને અનરાધાર વરસ.

આજ પણ કોઇ ભલે ના આવે,
આજ અંદર નહીં બહાર વરસ.

કોઇ ટહુકે છે ખૂબ આઘેથી,
ચાલ મિસ્કીન મૂશળધાર વરસ.

તું નયન સામે નથી તોપણ મને દેખાય છે – બરકત વિરાણી ‘બેફામ’

વ્યર્થ  દુનિયામાં  પ્રણયને  આંધળો  કહેવાય  છે ;
તું  નયન  સામે  નથી  તોપણ  મને  દેખાય  છે.

જ્યાં  જુઓ  ત્યાં  બસ  બધે  એક  જ  વદન  દેખાય  છે ;
કોઇને  એક  વાર  જોયા  બાદ  આવું  થાય  છે.

એમ  તો  એનું  અચાનક  પણ  મિલન  થઇ  જાય  છે ;
શોધમાં  નીકળું  છું  ત્યારે  જ  એ  સંતાય  છે.

આવ  મારાં  આંસુની  થોડી  ચમક  આપું  તને,
તું  મને  જોઇને  બહું  ઝાંખી  રીતે  મલકાય  છે.

એટલે  સાકી,  સુરા  પણ  આપજે  બમણી  મને,
મારા  માથા  પર  દુઃખોની  પણ  ઘટા  ઘેરાય  છે.

હોય  ના  નહિ  તો  બધોય  માર્ગ  અંધારભર્યો,
લાગે  છે  કે  આપની  છાયા  બધે  પથરાય  છે.

હું કરું  છું  એના  ઘરની  બંધ  બારી  પર  નજર,
ત્યારે  ત્યારે  મારી  આંખોમાં  જ  એ  ડોકાય  છે.

પ્યાર  કરવો  એ  ગુનો  છે  એમ  માને  છે  જગત,
પણ  મને  એની  સજા  તારા  તરફથી  થાય  છે.

છે  લખાયેલું  તમારું  નામ  એમાં  એટલે,
લેખ  મારાથી  વિધિના  પણ  હવે  વંચાય  છે.

છે  અહીં  ‘બેફામ’  કેવળ  પ્રાણની  ખુશ્બૂ  બધી,
પ્રાણ  ઊડી  જાય  છે  તો  દેહ  પણ  ગંધાય  છે.

અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

ગઝલ – મરીઝ

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.