માણસ છે, બીઝનેસ કરે છે – કૃષ્ણ દવે

butterfly.jpg 

પતંગીયાની પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

શબ્દ, શબ્દને વાટી વાટી, અર્થોનુ કેમીકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બીઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

ચક્મક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતા હસતા
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બીઝનેસ કરે છે.

11 replies on “માણસ છે, બીઝનેસ કરે છે – કૃષ્ણ દવે”

  1. ખૂબજ સુંદર કટાક્ષ કાવ્ય!! હૃદય સોંસરવા ઊતરી જાય એવા શબ્દૉ!! કૃષ્ણ દવૅનૅ ખૂબ ખૂબ અભિનંદન!

  2. બહુ જ સુન્દર રજુઆત્…ખુબ જ સરલ શબ્દો મા કેવેી મોટ વાત્….ધન્ય…

  3. A Typical Krushna Dave….adding “tech” lingo with deep knowledge of chhanda & structure of padya…i love that man!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *