આ અને સાથે બીજી થોડી ગઝલો સાથે વિવેકે ૨૯ ડિસેમ્બર, ૨૦૦૫ ના દિવસે બ્લોગજગતમાં પ્રવેશ કર્યો.. ખરેખર તો ત્યારે આ ‘બ્લોગજગત’નો હજુ પાયો ચણાતો હતો..! અને એ પછીની એની સફરના આપણામાંથી ઘણા સાક્ષી છીએ..!! તો આજે જ્યારે એની એ સફર એક અગ્ત્યના પડાવ પર આવી છે, ત્યારે વિવેકને અઢળક.. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, ફરીથી એકવાર અભિનંદન આપીએ …!! Congratulations દોસ્ત..! કાશ કે હું ત્યાં આવી શકી હોત તારા પ્રથમ કાવ્ય સંગ્રહો પર સૌથી પહેલો ઓટોગ્રાફ લેવા માટે… 🙂
*******
જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!
વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.
સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.
શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.
આજે કવિ શ્રી જવાહર બક્ષીને એમના જન્મદિવસે અઢળક શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ ગઝલ – અને સાથે ધવલભાઇનો ‘expert opinion’ 🙂
આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઈને ક્યાં સુધી બેઠો
દૂરતા ઓગળી રહી જ હતી…
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો
ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો
કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો
ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો
આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સ્મરણ કરી બેઠો
– જવાહર બક્ષી
આ ગઝલના શેર સુંવાળા તો છે જ પણ લપસણા પણ છે. કાળજીથી ન વાંચો તો અર્થ ચૂકી જવાની ગેરેંટી ! આમ તો આ પ્રતિક્ષાની ગઝલ છે. રાહ.. વિરહ.. સ્મરણ આ ગઝલમાં ચારે તરફ વેરાયેલા છે. કવિ એમાં પણ નવી અર્થછાયાઓ સર્જવાનું ચૂકતા નથી. “દૂરતા ઓગળી…” શેરમાં સ્પર્શ વચ્ચે ઘર કરી બેઠાની, તદ્દન અલગ પ્રકારની, ફરિયાદ આવે છે. સંબંધમાં સ્પર્શ એક નડતર બની ગયાની વાત કેટલી સિફતથી આવી ગઈ ! આ એક જ શેરના દસ જુદા જુદા અર્થ કરી શકાય એમ છે. “કેટલા કારણો…” શેર પણ અર્થની દ્રષ્ટિએ અનેક રીતે જોઈ શકાય. કવિતાના જેટલા વધારે અર્થ એટલી કવિતા વધારે મુક્ત. આ ગઝલ આમ તો આસક્તિની ગઝલ છે પણ છે એ એકદમ ‘મુકત’ !
– ધવલ શાહ (આભાર – લયસ્તરો)
આ મઝાની ગઝલ આજે ફરીથી એકવાર માણીએ… કવિના પોતાના અવાજમાં પ્રસ્તાવના અને પઠન સાથે..!
પ્રસ્તાવના અને પઠન: રઈશ મનીઆર
——————-
Posted November 16, 2008
આ પહેલા સ્વર – સંગીત સાથે માણેલી રઇશભાઇની આ ગઝલ ફરી એકવાર – એક નવા સ્વર – સંગીત સાથે !! અને એ સ્વર છે શૌનકનો..!
સ્વર – સંગીત : શૌનક પંડ્યા
——————-
(posted on Feb 24, 2008)
રઇશભાઇની આ ગઝલ મારા જેવા ઘણાની very favorite ગઝલ હશે જ… ગઝલના દરેકે દરેક શેર ગમી જાય એવા છે. અને આવી સરસ ગઝલ.. એવા જ સુરીલા સ્વરમાં સાંભળવા મળે તો રવિવાર સુધરી જાય કે નહીં ?
ચલો તો, સાંભળીયે ધ્વનિત જોષીના સ્વર અને સુર મઢેલી આ સુંદર ગઝલ. અને હા, ધ્વનિત ને તમારા પ્રતિભાવો આ ઇમેઇલ એડ્રેસ પર પણ આપી શકો છો : dhwanit.joshi@gmail.com
સ્વર – સંગીત : ધ્વનિત જોષી
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.