Category Archives: ગઝલ

સ્વજન થઇ આંગણે આવો – ચંદ્રકાન્ત મહેતા

વિસાતો શું ધરાની? સ્વર્ગ કેરું માન દઇ દેશું
તમે અધિકારથી માગો, અમારો જાન દઇ દેશું

તમાર આ ટૂંકા ગજથી અમારું માપ લઇ લીધું?
વધો આગળ અમારા આ બધાં સોપાન દઇ દેશું

ભલે ગણતું જગત પાગલ, કદી પરવા નથી કરતો
સ્વજન થઇ આંગણે આવો, હ્રદયનાં બ્યાન દઇ દેશું

ભર્યા છે ડગ કદી પાછાં પથેથી ના જરી ખસશું
પરાજિત જિંદગાનીને કબરમાં સ્થાન દઇ દેશું

– ચંદ્રકાન્ત મહેતા

જીવન જો કરશે કોઇ સવાલો… – હિમાંશુ ભટ્ટ

જીવન જો કરશે કોઇ સવાલો, તો શું થશે?
ગમશે નહિં જો કોઇ જવાબો, તો શું થશે?

રસ્તો કરી અલગ, ભલે ચાલી ગયા તમે
યાદ આવશે જો મારો સહારો, તો શું થશે?

માંગી સફર મળે અને, મનગમતો સાથ હો
આંખોમાં ઘેલછા જો સજાવો, તો શું થશે?

તું તો જગત બનાવી, નિરાકાર થઈ ગયો
ઈશ્વર અમે બનાવ્યા હજારો, તો શું થશે?

મોજાની રીત છે,તમે લખશો, એ ભુંસશે
તોયે કિનારે ઘર જો બનાવો,તો શું થશે?

દોડ્યા કર્યું તમે, તો ખુશી દોડતી રહી
લેશો કદી જો કયાંક વિસામો, તો શું થશે?

છંદોમાં કાફિયામાં રદીફમાં કહું છું જે,
સંકેત એ સમજશે જમાનો, તો શું થશે?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર
ગમશે નહીં, જો સામો કિનારો, તો શું થશે?

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૬

દૂરતા કોઈ વખત મોંઘી પડી -જવાહર બક્ષી

જવાહર બક્ષીની આ મઝાની ગઝલ – અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું અફલાતૂન સ્વરાંકન સાથે એમનો અને આશિત દેસાઇનો સ્વર..! વારંવાર બસ સાંભળ્યા જ કરો … સાંભળ્યા જ કરો..! એમ પણ ગુજરાતી સુગમમાં male duets અને female duets ઓછા જોવા મળે છે.

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
આલ્બમ : તારા શહેરમાં

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી  પડી.

-જવાહર બક્ષી

સમ તને – ઊર્મિ

રોજ ઝરમર ઝાર ઝરતાં આંસુઓના સમ તને,
ધીરતાં જ્યાં થઈ અધીરી- એ પળોના સમ તને.

આગમનની અમથી અમથી અટકળોના સમ તને,
ને નિરંતર વાટ જોતા પગરવોનાં સમ તને.

મેઘની માફક તું અઢળક આવ ને પડ ધોધમાર,
કોરી કોરી આવતી આ વાછટોના સમ તને.

તું અમસ્તાં વેણ આપીને હવે ભરમાવ નહીં,
છે, છલોછલ છળથી છળતાં મૃગજળોના સમ તને.

તું મને બોલાવે પણ નહીં ને વળી આવેય નહીં ?!
જો, બહાનાં કાઢ નહીં… છે કારણોનાં સમ તને !

હાથમાં મારા હવે હૈયું નથી રહેતું, સખા !
ધબ ધબક ધબધબ ધડકતી ધડકનોના સમ તને.

કોઈ પણ રીતે પ્રણયની રાખજે તું આબરૂ,
ઊર્મિના સાગરમાં ઊઠતી ભરતીઓના સમ તને.

-’ઊર્મિ’ (મે ૨૦૦૯)

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદીની આ મનગમતી ગઝલ – ફરી એકવાર… એક તરોતાજા સ્વરાંકન સાથે

સ્વર – સંગીત – શૌનક પંડ્યા

Posted on October 23, 2010

અંકિત ત્રિવેદીની આ મને ખૂબ જ ગમતી ગઝલ.. આજે ફરી એક વાર – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!

*********

ગઝલ પઠન: અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

વાંક મારો નથી – ગની દહીંવાલા

દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.

થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.

એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.

હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.

કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.

એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.

-ગની દહીંવાલા

હોય ભલે ને લાખ કુટેવો – મકરંદ મૂસળે

કવિ શ્રી સુરેશ દલાલનું એક ગીત છે –

ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.

અને એનું શ્યામલ-સૌમિલ મુન્શીએ એકદમ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે – એ પણ ચોક્કસ સંભળાવીશ..! પણ આજે સાંભળો વડોદરાના શાયર શ્રી મકરંદ મૂસળેની આ શાનદાર ગઝલનું વડોદરાના જ સ્વરકાર રાહુલ રાનડે એ કરેલું જાનદાર સ્વરાંકન.

સ્વર & સ્વરાંકન -રાહુલ રાનડે

હોય ભલે ને લાખ કુટેવો,
માણસ તોએ મળવા જેવો.

સૌ પૂછે છે સારું છે એને,
સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલે ને હોવ ગમે તે,
હુંય નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.

બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાં જ મને છૂટે પરસેવો.

– મકરંદ મૂસળે

અડધી રમતથી… (એક ઝલક)

ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો – શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) અને ગરમાળો (કાવ્યસંગ્રહ)?

જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે.. – મનોજ ખંડેરિયા

જેમણે અમરભાઇનું સ્વરાભિષેક આલ્બમ સાંભળ્યું હશે, એમને માટે આ ગઝલનો પહેલો અને છેલ્લો શેર અજાણ્યો નહીં હોય… ચલો, આજે આખી ગઝલ માણીએ..!

____

અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠૂંઠ કીધું
તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું

સમર્પિત તને થઈ ગયા કોરે કાગળ,
મતું માર્યું, લે ચિહ્ન અંગૂઠ કીધું !

ખરચતાં નથી નામનું નાણું ખૂટ્યું :
છતાં કેમ તેં સાચનું જૂઠ કીધું

સવાયું મળે મૌનથી, બોલ્યે બમણું,
તને ગાઇ મેં એકનું ઊંઠ કીધું

જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે,
ઊંચું સ્થાન મારું તેમ બે મૂઠ કીધું.

– મનોજ ખંડેરિયા

નીકળી જઈશ – હરીન્દ્ર દવે

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.

કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.

– હરીન્દ્ર દવે