Category Archives: બાળગીત

ઇટ્ટા કિટ્ટા -સુરેશ દલાલ

સ્વર:ઐશ્વર્યા હિરાની, સુપલ તલાટી
સ્વરકાર:મોનલ

.

કનુઃ ઈલા! તારી કિટ્ટા!
ઈલા: કનુ! તારી કિટ્ટા!
કનુઃ ઈલા! તારી કિટ્ટા!
ઈલા:મારી પાસે મીઠી મીઠી શેરડી ને શીંગો,
લે હવે તું લેતો જા હું આપું તને ડિંગો.
કનુઃમારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર,
એકે નહીં આપું તને છોને કરે શોર.
ઈલા:જાણે હું તો આંબલી ને બોરનો તું ઠળિયો,
ભોગ લાગ્યા ભાયગના કે ભાઈ આવો મળિયો.
કનુ:બોલી બોલી વળી જાય જીભનાં છો કુચ્ચા,
હવે કદી કરું નહીં તારી સાથે બુચ્ચા.
ઈલા:જા જા હવે લુચ્ચા!
ઈટ્ટા ને કિટ્ટાની વાત અલ્યા છોડ:
ભાઈ બહેન કેરી ક્યાંય જોઈ એવી જોડ.
-સુરેશ દલાલ

બાળદિન Special 3: મારે પપ્પા બદલવા છે… – વિવેક મનહર ટેલર

કવિ મિત્ર વિવેક ટેલરનું એક વધુ બાળગીત આજે… એમની વેબસાઇટ પર બાળગીતોના શબ્દો શોધતા આ ટીપ્પ્પણી નજરે ચડી, જે અહીં કોપી પેસ્ટ જ કરું છું – એક મઝાનો સવાલ એણે ઉઠાવ્યો છે, જવાબ તમે આપશો?

“બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

સ્વર – વિવેક ટેલર

.

( …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

બાળદિન Special 2:સાબુભાઈની ગાડી – વિવેક મનહર ટેલર

આજનું આ ગીત – મારું અને મારી દિકરી આન્યાનું પણ એકદમ favorite!

(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.
સ્વર – વિવેક ટેલર

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

બાળદિન Special 1: ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

૧૪ નવેમ્બર – બાળદિવસ અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ… તો આજે એક મસ્ત મજાનું બાળગીત, વિવેકભાઇની કલમે… ધીમે ધીમે ઠંડીની મોસમ આવી રહી છે તો તમે પણ આ ઠંડીની મજા વધારતું ગીત માણો..!!


(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

સ્વર – વિવેક ટેલર

.

મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

મને કહોને પરમેશ્વર કેવા હશે ? – પ્રીતમલાલ મજમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?

– મને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?

– મને…

આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?

– મને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?

– મને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?

– મને…

– પ્રીતમલાલ મજમુદાર

પોપટ બોલાવે…ચકલી બોલાવે..

નવા વર્ષની શરૂઆત – મારા અને મારી દીકરીના મનગમતા બાળગીતથી…

મમ્મી, આ ચકીનું નામ શું?
મમ્મી, આ ચકીનું નામ શું? ….. Little Green Bee-eater ~ Merops Orientalis ~ પતરંગો (photo: Vivek Tailor)

સ્વર – ગુલાબબેન ભક્ત

પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…

નાના નાના ચાર ગલૂડીયા આવે છાના માના
કોઇ રંગે કાળુ, કોઇ રંગે ધોળું,
કોઇ રંગે લાલ લાલ ને ચોથું ધાબાવાળું

પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…

દડબડ દડબડ દોડીઆવે ભૂલકાંઓની ટોળી
કોઇ કહે આ મારું, કોઇ કહે આ તારું,
કોઇ કહે આ રૂપાળું ને સૌને હું રમાડું

પોપટ બોલાવે ચકલી બોલાવે,
બોલાવે કુતરું કાળું
એ તો વાંકી પૂછડી વાળું…
– કવિ ?

————————

બાળગીતોનું અનોખુ આલ્બમ: ‘ફરી હસતા રમતા’

Cover

વર્ષો પહેલા રૂપાંગ ખાનસાહેબે બાળગીતોનું આલ્બમ ‘હસતાં રમતાં’ બનાવેલું જે ઘણું લોકપ્રિય થયેલું. હવે પરંપરા આગળ ચલાવતા એ હસતા રમતાનો બીજો ભાગ લઈને આવ્યા છે. ને આ બીજા આલ્બમનું નામ રાખ્યું છે – ‘ફરી હસતા રમતા’.

‘ફરી હસતાં રમતાં’ સાંભળનારને કલ્પનાની અનોખી દુનિયામાં લઈ જાય છે. ગીતોના વિષયનું વૈવિધ્ય,બાળ-સહજ કલ્પનોની પ્રયોગ અને સૌથી વધુ તો આ ગીતોની સરળ, તરત જીભે ચડી જાય એવી સંગીત રચના આ આલ્બમને ‘હસતા રમતા’નો સાચો વારસદાર બનાવે છે.

તાજેતરમાં આ આલ્બમનું વિમોચન સુરતમાં થયું તે પ્રસંગે બાળકોએ આ આલ્બના ગીતોને રંગમંચ પર નૂત્ય સાથે રજુ કરેલા.

જુઓ અને સાંભળો ‘ફરી હસતાં રમતાં’નું ટાઈટલ ગીતઃ

ગીતઃ હસતાં રમતાં
સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
શબ્દો અને સ્વર-રચનાઃ રૂપાંગ ખાનસાહેબ
સંગીતઃ મેહુલ સુરતી

અને આલ્બમનું બીજું એક મઝાનું ગીત ‘પતંગ’

ગીતઃ પતંગ
સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
શબ્દો અને સ્વર-રચનાઃ રૂપાંગ ખાનસાહેબ
સંગીતઃ મેહુલ સુરતી

આલ્બમ મેળવવા માટે સંપર્કઃ
ભારતમાંઃ રૂપાંગ ખાનસાહેબ ( rupang.khansaheb@gmail.com, 98251-15852 )
અમેરિકામાંઃ મોનલ શાહ ( monalshahmd@gmail.com )

મમ્મી, આ ચાંદો ખવાય? – કૃષ્ણ દવે

સ્વર – સ્વરકાર – ?

225075_10150165865446367_4615906_n
(photo: Vivek Tailor (Detroit, USA – April 2011))

ચકચક ખીસકોલી મમ્મીને પૂછે,
મમ્મી આ ચાંદો ખવાય…
મમ્મી કહે કે પહેલા પપ્પાને પૂછ,
એના ઝાડ પર કેમનું જવાય…

પપ્પા કહે કે છેક એક ઊંચા આકાશમાં,
આવ્યું છે ચાંદાનું ઝાડ,
જમીનથી દેખાતો ચાંદનીનો ક્યારો
ને ટમટમતી તારાની બાગ…
અઘરા તે રેસમાં કૂદકો મારું, તે
તરત જ ત્યાં પહોંચી જવાય..

મમ્મી કહે કે સાવ ગપ્પા શું મારો છો,
ચકચક તો બાળક કહેવાય
સાંભળેલી વાત બધી સાચી માનીને
જોજો એ કૂદી ન જાય…
કોરીકટ માટીમાં લીટા નહોય,
એમાં તો એકડો ઘૂંટાય…

સાંભળીને વાત એક લીમડાની ડાળ કહે,
ખૂબ જ પાકી છે લીંબોળી.
પૉનમને દાહ્ડે આ ચકચકને મોકલજો,
ખવડાઇશ ચાંદનીમાં બોળી.
ચાંદામામાની વાતો મધમીઠીને
એના તો ગીતો ગવાય…

નવમી વર્ષગાંઠ Special: બાળગીત 2 : બા મેં તો બાગમાં બાંધી નિશાળ

કવિ – સ્વરકાર – ?
સ્વર – ગુલાબબેન ભક્ત

બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવા
ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

નાની ખિસકોલી ભણવામાં પહેલી
આવે છબીલી સૌથી એ વહેલી
કાંઇ ના બોલે, એ સૌથી શરમાળ
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

વચમાં ને વચમાં હું પોપટ બેસાડું,
વટમાં ને વટમાં હું સીટી વગાડું,
સીટી વગાડું ને લાગે નવાઇ…
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

કલબલિયા કાબરને છેલ્લે બેસાડું,
કચકચ કરે તો એને આંખો દેખાડું,
ખોટું ન લાગે, ને મારું ન માર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ

હાલો ગલૂડાં રમાડવા જી રે ! – ઝવેરચંદ મેઘાણી

કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

માતાને માથડે ચડતાં ને ચાટતાં,
જોગણનાં જાણે લટૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

રાતાં માતાં ને રોમે રોમે સુંવાળા,
હોય મીઠાં ગાલ-મસૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

બાને વા’લાં છે જેમ વીરો ને બેની,
કાળવીને વા’લાં કુરકુરિયાં જી રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

મોટાં થાશે ને મારી શેરી સાચવશે,
જાગશે રાતે બ્હાદુરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

ટીપુડો દીપુડો ડુંગરડે ઘૂમશે,
ગોધેન ભેળા વોળાવિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

મોતિયો ને માનિયો ઝોકે રોકાશે,
વાછરુ ને પાડરુ ભળાવિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

ડાઘિયો દૂધિયો ખેતરમાં જાશે
વાસુ રે’શે બે રખોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

કાળિયો ને લાલિયો પાદર પસાયતા
બાઉ ! બાઉ ! આલબેલ બોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

ગોળ-ઘી-લોટના શીરા બનાવ્યા
કાળવીનાં પેટડાં પૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

પેટ ભરીને માડી બાળક ધવરાવે
ધાવીને પોઢે ટીપૂડિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !