Category Archives: સુરેશ દલાલ

આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

કવિ : સુરેશ દલાલ

.

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

આજે ૧૧ ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય – ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું – ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

શ્વાસ શ્વાસમાં રાસની લીલા – સુરેશ દલાલ

આજકલ વેલેન્ટાઇ – પ્રેમની મોસમ ચાલે છે, તો રાધા-કૃષ્ણના પ્રેમને યાદ કર્યા વગર ચાલે?

રાધા વૃધ્ધા થાય નહીં ને કૃષ્ણનું યૌવન માય નહીં,
શ્વાસ શ્વાસમાં રાસની લીલા કદીયે થંભી જાય નહીં.

ધૂળ ધૂળમાં ગોકુળ ઘૂમે વૃંદાવન લહેરાય,
મોરપિચ્છનો મુગટ ધારીને સૂર મુરલીના ગાય.
જનમપૂનમના ઘાટથી પૂનમ ક્યાંયે આછી થાય નહીં

શૈશવ ને જોબન તો અહીંયા અડખેપડખે બેઠાં,
હોઠ હજીયે ભીના ભીજા કુંવારા ને એંઠા.
અરસપરસનાં વરસો કેવાં સદીઓમાં વહી જાય અહીં.

– સુરેશ દલાલ

ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને – સુરેશ દલાલ

સ્વર : હંસા દવે , પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને
વીટેં છે યાદ એક તારી
તારી આ કેવી મને લગની કે મારી અહીં
એકે પળ હોય નઇ કુંવારી

સોનાનું ગીત લઇ મહેંકે સવારભર
બપ્પોરે ઉગે તારી છાયા
સાંજને સમે હું તારી સંગાથે ચાલું
એના અંધારે પગલાં પરઘાયા

મળવાને ચોગમ છે ખુલ્લા દ્વાર
અને ઉઘડી છે એક એક બારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એક પળ હોય નઇ કુંવારી

પીળચટ્ટા ફૂલ લઇ લહેરાતું વૃક્ષ
લીલા પર્ણોમાં મોરલાની કેંકા.. કેંકા.. કેંકા..
ડાળીની વચ્ચે આ ઉજળા આકાશે
તારા ચહેરાની છલકાતી રેખા

વાણીની ઝાંય મહીં —–
શમણાઓ ઉમટે અલગારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એક પળ હોય નઇ કુંવારી

કવિતા – સુરેશ દલાલ

તને જ આપવા માટે મેં કેટલાયે સમયથી
મારી કવિતાની ડાયરીમાં એક ફૂલ મૂકી રાખ્યું હતું.
આજે અચાનક ઘણા વર્ષો પછી ડાયરી ખોલી ઃ
સુકાઇ ગયેલા ફૂલમાંથી હજીયે આવે છે તારી સ્મૃતિની સુગંધ.

– સુરેશ દલાલ

ડોસા અને ડોસી – સુરેશ દલાલ

આજનું આ સુરેશ દલાલનું ગીત એક ખાસ couple માટે.  આમ તો એમને મોતિયો નથી આવ્યો હજી, અને I wish કે એમને એવો દિવસ ન આવે – પણ હા, આ ગીતમાં જે મીઠા દાંપત્યની વાત કરી છે, એવી મીઠી શુભેચ્છાઓ જરૂર આપીશ – Wishing them a Happy 36th Anniversary 🙂 (Sept 9,2008)

 

ડોસા ને ડોસીને મોતિયો પણ સાથે
          ને ઓપરેશન પણ એક દહાડે.
જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ
          આંખ મીંચે ને આંખને ઉઘાડે.

એક જ ઓરડામાં સામસામે ખાટલા
          ને વચ્ચે દીકરીઓ છે સેતુ.
એકમેકને વારેવારે પૂછયા કરે છે :
          તમે કેમ છો ? ને કેમ કરે તુ ?
ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે
          અને સમયનાં પતંગિયાં ઉડાડે.

થોડી વાર પછી બંને પીએ છે કૉફી
          જાણે કૉલેજમાં મળી હોય ટ્રોફી.
કૉફી પીને જરી લંબાવ્યું સહેજે
          અને બંને જણ ગયાં સાવ ઝોપી.
દીકરીઓ મા-બાપની ચાકરી કરે છે,
          આવા જીવતરમાં કોણ આવે આડે ?

હવે દશ્યો દેખાશે બધાં ઊજળાંઊજળાં
          અને અદશ્યની આછીઆછી ઝાંખી થશે.
આંખોમાં ઊગશે નવલો સૂરજ
          અને ચંદ્રની કળા સહેજ બાંકી થશે.
સાતસાત ફેરા અમે સાથે ફર્યા
          હવે રમશું એ રાસ જે રમાડે.

નજરુંના કાંટાની ભૂલ – સુરેશ દલાલ

સ્વર : વિભા દેસાઇ

.

નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ ઉન્હે પ્હોરે જાણે પીપળો
વેણુના વેણ મહીં ડૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…

એકલીને આંહી બધું લાગે અળખામણું,
તારે તે સંગ ભલા ટહુકે સોહામણું
તું જે કહે તે કબૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ

 IMGP1518_resize

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

(આભાર : લયસ્તરો)
———————

Wishing Happy Anniversary..  to the special couple in the picture, and a special couple not in the picture 🙂

– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ

pearls-and-shells.jpg

મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
– એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં
પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તેં રણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
– એમાં મારો શું વાંક?

રમવું હોય તો રમજો રાજા ! – સુરેશ દલાલ

 ar117738591294226

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને,
છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

ધરતીને નહીં ઢાંકપિછોડો
ખુલ્લું છે આકાશ,
છળકપટના શ્વાસમાં છેવટ
હોય નહીં કોઇ હાશ.

મુજરો શાને કરવો આપણે સાચું-ખોટું નાચીને ?
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

આપણે સાથે રમવા બેઠાં
એનો છે આનંદ,
બાજી છે : પણ નહીં બાજીગર
નહીં શ્રીમંત કે રંક.

હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને,
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

અંચઇનું કોઇ નામ નહીં
કે અંચઇનું કોઇ કામ નહીં, 
કોઇ હુકમનું પાનું નહીં
ને કોઇ અહીં ગુલામ નહીં.

કરો પ્રતીક્ષા રઘુરાયની શબરીનાં બોર ચાખીને,
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.