Category Archives: કવિઓ

શબ્દ અને મૌન

silence

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
– અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરે
ને આ કિનારે મૌનના પડઘા રહી ગયા
– રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
– આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
– હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.
– ડૉ. વિવેક મનહર ટેલર

कोइ उसको समझ भी ले तो फिर समझा नहीं सकता
जो इस हद पर पहुंच जाता है, वो खामोश रहता है
– नझीर

અને થોડા શેર ધવલભાઇ તરફથી :

મૌન અને શબ્દની વાત નીકળે તો આ સરતાજ શેર કેમ ભૂલાય –

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

અને રઈશનો શેર –

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

ને આ કેમ છોડી દેવાય ?

મારી પાસે આવ, તું; વાતો કરીશું,
સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;
આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
-દિલીપ મોદી

ને રાજેન્દ્ર શુકલનો બીજો અંદાજ-

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

અને થોડા વખત પર જયે યાદ કરાવેલો શેર –

મૌન પડઘાયા કરે,
શબ્દ સંતાયા કરે.
-અહમદ ગુલ

ને છેવટે ઘણા વખતથી મનમાં ફરતી પંક્તિઓ –

પ્હેલા મૌનથી ઘેરે છે
ને પછી શબ્દથી વ્હેરે છે
આ માણસ કેમ રોજ
જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?
-?કવિ

અને હા… આપણા ઊર્મિ પણ કંઇક લઇને આવ્યા છે :

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

-રાજેન્દ્ર શુકલ

અમે મૌન રાખી પ્રણયની સભામાં, કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
હવેથી અમે પણ ન બદનામ થાશું, હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

-બેફામ

મારી પંક્તિઓ…

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

પ્રેમ છે – વિવેક મનહર ટેલર

lve

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

સમંદરપારના પંખી – ઉદયન ઠક્કર

જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ  આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો ?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ

તારી યાદની મોસમ – શ્યામ સાધુ

zaranu

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

માણસાઇના દિવા – ડો. દિનેશ શાહ

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

.

આ તારલો ઝબકીને ખરતો, આભથી પળ એકમાં
આ આગિયો ઊડતો ઝબકતો, ઘડી ઘડીના તાલમાં

આ ધૂપસળી બળતી પૂરીને, મહેકતી ઘડીઓ સુધી
આ કોડિયું બળતું રહ્યું, એક રાતના છેડા સુધી

આ વીજળી પણ ચમકતી, વાદળ તણાં ગર્જન સુધી
આ ચાંદની પણ ચમકતી, પ્રભાતના પ્રારંભ સુધી

ક્યાંક મેં વાંચ્યું હતું કે સૃષ્ટિનો પણ અંત છે
કે આગ પણ આ સૂરજની નવ ચાલશે યુગો સુધી

ઓ સૃષ્ટિના ઘડનાર પૂછું કેમ ભૂલ આ ભારે કરી ?
કાં દિવડા તે ના કર્યા, જે ઝળકતા યુગો સુધી ?

એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી

પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
ફક્ત માણસાઇના દિવા ઝળકતાં યુગો સુધી –

( કવિ પરિચય )

સમજી જા – સૈફ પાલનપુરી

sunset

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા
મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા

કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે મારા નયનની ચુપકીદી
એકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા

રૂમાલમાં ગાંઠ – મરીઝ

knot

ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ;
હ્રદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.

ન દિલમાં ગૂંચ છે કોઈ, ન છે ખયાલમાં ગાંઠ;
પણ એની સામે રહે છે બધા સવાલમાં ગાંઠ.

નજર અમારી તો ઊંચી છે, અમને જાણ નથી,
કે કોણ બાંધી ગયું છે અમારી ચાલમાં ગાંઠ.

ન શ્વાસ સહેલથી ખેંચાય છે, ન દમ નીકળે,
ગળામાં કેવી આ બાંધી તમે વહાલમાં ગાંઠ!

પણ એને ખોલવાની નવરાશ છે ન હિંમત છે,
મને ખબર છે કે ક્યાં ક્યાં છે મારા હાલમાં ગાંઠ.

અહીં સમયના સકંજાથી કોણ છૂટે છે?
ઘડી ઘડીની પડેલી છે સાલ સાલમાં ગાંઠ.

તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે!
હજાર બાંધીને છોડી દીધી ખયાલમાં ગાંઠ.

જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ,
પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.

‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ,
કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ?

( કવિ પરિચય )

ગુલમ્હોર

gulmahor1

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.
– આશ્લેષ ત્રિવેદી

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે કયાં ગયો કોઇ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી
– મનોજ ખંડેરિયા

હું ગુલમ્હોરને જોઉં ને ગુલમ્હોર મને
કોને જોઇને કોને કોના રંગ યાદ આવે.
– રમેશ પારેખ  

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
-મનોજ ખંડેરિયા

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
– રમેશ પારેખ

હજી આ કોકરવર્ણો તડકો છે …. – વેણીભાઇ પુરોહિત

સ્વર : ચન્દુ મટ્ટાણી

હજી આ કોકરવર્ણો તડકો છે
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી ક્યાં પંખી આવ્યા તરૂવર પર
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર
હજી ના મનડુ બેઠુ મહુવર પર

દેવ મંદિરે નોબત સંગે ઝાલર મધુર વગડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી આ ધરતી ઉની ઉની છે
ગગનની મખમલ તારક સૂની છે
સાંજ તો શોકિન ને સમજુની છે

કનક કિરણને નવ વાદળમાં અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી ક્યાં દુનિયાદારી થાકી છે
હવાની રુખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે

ગમતીલી ગોરજને ઉંચે અંગેઅંગ મરડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

( કવિ પરિચય )

હોઇ શકે… ! – હેમેન શાહ

ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઇ શકે.

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું
પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે.

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઇ શકે.

ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઇ શકે.

યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઇ શકે.

જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઇ શકે.