નવરાત્રી શરૂ થાય અને ગુજરાતીઓની સાથે સાથે આખું ભારત જાણે ગરબાના મુડમાં આવી જાય.. અને નોન-સ્ટોપ ગરબા સાંભળવાની મજા આમ તો કાયમ જ આવતી હોય છે, પણ નવરાત્રીમાં એની એક ઓર જ મજા હોય છે. જાણે ઓફિસમાંથી અને બીજા બધા કામમાંથી ગુટલી મારીને ગરબાના મેદાન પર જવાની ઇચ્છા થઇ જાય..
ગઇકાલે આપણા વ્હાલા કવિ ‘તુષાર શુક્લ’નો જન્મદિવ (Sept 29th), તો આજે આ એમની કલમે લખાયેલો ગરબો સાંભળતા એમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપીએ ને ?
Happy Birthday તુષારભાઇ.. તમારા ગીતોએ કેટલાય ગુજરાતીઓને – ગુજરાતી ગીત સાંભળતા – ગણગણતા કર્યા છે.. એના માટે અમારા બધા તરફથી ખૂબ ખૂબ આભાર.. અને શુભેચ્છાઓ..! 🙂
[ Correction : તુષારભાઇનો જન્મદિવસ ૨૯ જુન છે – એટલે હું એક દિવસ નહીં, ૩ મહિના અને એક દિવસ મોડી પડી. 🙂 ]
સ્વર : પિયુષ દવે
સંગીત : ડો. ભરત પટેલ
.
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં
માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય
માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…
તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ
રાધા ગોવાલડીના ઘર પછવાડે
મોહન મોરલી વગાડે જો,
ઈ રે વાગે ને મુને સટપટી લાગે
નૈણો માં નીંદર ન આવે જો
સરખી સહેલી મળી ગરબે ઘુમતા
રાધિકાને કાળીનાગ ડંખ્યો જો
ડાબે અંગૂઠડે સર્પડંખ દીધો
તનમાં લાહ્યું લાગી જો
વાટકીમાં વાટિયા ને ખાંડણીમાં ખાંડિયા
ઓહળીયા લેપ લગાવ્યા જો
તો યે રાધિકાના વિષના ઉતર્યા
બમણી લાહ્યું લાગી જો
પાટણ શહેરથી વૈદ તેવાડ્યા
વીરા મારા વિષડા ઉતારો જો
સાવ રે સોનાનો મારો હારલો રે આલું
રૂપલે તુને મઠાવું જો
ગુજરાતી ગરબાઓ જો આપણે આખુ વર્ષ સાંભળતા હોઇએ, તો આ ચૈત્ર નવરાત્રી વખતે કંઇ ગરબા વગર ચાલે?
આ ગરબામાં સ્વર – સંગીતનો એવો તો જાદુ છે કે હું જેટલી વાર સાંભળું એટલી વાર ૨-૩ વાર તો સાંભળવો જ પડે છે.. અને નવરાત્રી હોય કે ના હોય, ગરબે રમવાની ઇચ્છા થઇ જ જાય છે.
અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતું અને રમતું કર્યું એવું કહેવાય એમાં કંઇજ અતિશયોક્તિ નથી. વર્ષો સુધી હું જેને ગુજરાતના લોકગીતો સમજતી રહી એ ખરેખર તો અવિનાશ વ્યાસ નામના ખજાનાના મોતીઓ છે.
એવો જ એક મોતી સમો ગરબો આજે લઇને આવી છું…. અવિનાશ વ્યાસની કલમ, ગૌરાંગ વ્યાસનું સંગીત, અને એ સોનામાં સુગંધ ઉમેરતો વિભા દેસાઇનો અવાજ…!! વગર નવરાત્રીએ પણ નાચવાંનું મન થઇ જાય, તો નવરાત્રીના દિવસોમાં આવો ગરબો સાંભળીને પગ ના થરકે અને હૈયું ના ડોલે તો કહેજો..!!
સ્વર : વિભા દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
.
લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી પડે ને ઢોલ બોલે સે…
હે ઢોલ બોલે સે ને કાયા ડોલે સે…
દાંડી…
મોટા મોટા માનવીઓની મહેલાતોની વાત સે,
ભાંગના ભજિયાં માથે કાળી ઘમ્મર રાત સે;
હે જોબનાઇનો મેળો જામ્યો ઝૂમે ઝૂમે જાત સે
અંગે અંગે મદ નીતરતો તન-મનિયાનો ઘાટ સે;
કામ કરો સૌ ભેળા થઇને સાકર દૂધ ઝબોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
– લીલમ…
અતુલની કલ્યાણી શાળામાં દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં વાલીદિન ઉજવાય છે. પણ એની તૈયારીઓ 2-3 મહિના પહેલાથી જ શરૂ થઇ જાય… કારણકે એ દિવસે વિદ્યાર્થીઓ પોતાના રાસ – ગરબા – નાટક વગેરે ક્રુતિઓ સ્ટેજ પર રજુ કરે, અને ઓડિયસ્નમાં મોટેભાગે આખુ અતુલ હોય એમ કહો તો ચાલે. 🙂 જે વિદ્યાર્થીઓએ કોઇ કૃતિમાં ભાગ લીધો હોય, એને કોઇ પણ સમયે practice ના નામે ક્લાસમાંથી ગુટલી મારવાની વણલખી પરવાનગી મળી જતી.
હું જ્યારે primary schoolમાં હતી, ત્યારથી મને High Schoolની છોકરીઓને લઇને જે ગરબો થતો તે જોવાની ઘણી મજા આવતી. મને એ બેનનું નામ યાદ નથી આવતું, ( હા.. અમે ત્યારે મેડમ કે મિસ નહીં પણ બેન શબ્દ વાપરતા ).. પણ એમના ગરબાને હંમેશા સૌથી વધારે ઇનામ મળતા. એમના ગરબા હંમેશા ધીમા રહેતા, અને છોકરીઓ પાસે એવી સરસ રીતે તૈયાર કરાવતા કે મારા જેવા ઓડિયન્સમાં બેઠેલાને પણ એ લોકો સાથે જોડાઇ જવાનું મન થઇ જાય.
મારા નસીબમાં કલ્યાણીની High School માં ભણવાનું નો’તુ લખ્યું, ( 8મા ધોરણની દિવાળી વખતે અમે અતુલ છોડેલું ) એમાં હું એ ગરબામાં ભાગ લેવાની પણ રહી ગઇ 🙁 પણ હા, મેહુલભાઇના સંગીત સાથેનો સોનાલી વાજપાઇ જેવી ગાયિકાના સ્વરમાં આ પ્રસ્તુત ગરબો સાંભળું, તો ખબર નહીં કેમ, પણ એ કલ્યાણી શાળાના વાલીદિનનો સ્ટેજ નજર સામે આવી જ જાય…!!