Category Archives: નરસિંહ મહેતા

જા જા નિંદરા હું તુંને વારું – નરસિંહ મહેતા

આ ભજન નાનપણમાં સાંભળેલું હતું….મને જો બરાબર યાદ હોય તો મોરારીબાપુની કોઇ કેસેટમાં એમના જ મુખે સાંભળવાનો લ્હાવો મળ્યો હતો…એ રેકોર્ડિંગ કોઈની પાસે હોય તો મને મોકલશો?

સ્વર – ?
સંગીત – સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ – ભગત પિપાજી (૧૯૮૦)

જા જા નિંદરા હું તુંને વારું
તું છે નાર ધુતારી રે….

પહેલા પોરે સૌ કોઈ જાગે જી જી…
બીજે પોરે ભોગી રે..
ત્રીજે પોરે તશ્કર જાગે
ચોથે પોરે જોગી રે..

જા જા નિંદરા….

એક સમય રામ વનમાં પધાર્યા જી જી…
લક્ષ્મણને નિંદરા આવી રે..
સતી સીતાને કલંક લાગ્યું
ભાયુમાં ભ્રાંતિ પડાવી રે..

જા જા નિંદરા….

બાર બાર વરસે લક્ષ્મણે ત્યાગી જી જી…
કુંભકર્ણે લાડ લડાવ્યા રે..
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
નિંદરા કરોના કોઈ વ્હાલી રે..

જા જા નિંદરા….

– નરસિંહ મહેતા

પઢો રે પોપટ રાજા રામના – નરસિંહ મહેતા

Photo: Madhubani Paintings)

સ્વર :  કૌમુદિ મુન્શિ
સંગીત સંચાલન : નીનુ મઝુમદાર
આસ્વાદ : હરીન્દ્ર દવે

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

– નરસિંહ મહેતા

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ – નરસિંહ મહેતા

કવિ શ્રી હરીન્દ્ર દવે એ અહીં પ્રસ્તાવનામાં કહ્યું છે એમ – નરસિંહ મહેતા ૫૦૦ વર્ષ પહેલા આપણી ભાષામાં એક ચમત્કાર કરી ગયેલા. નરસિંહ મહેતાના નામ સાથે આપણને તરત જ – જાગને જાદવાવૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ છાંડી જાને બાળા… એવા લોકગીત બની ગયેલા કેટકેટલાય પદો યાદ આવે! ગુજરાતીઓને હ્રદયસ્થ થયેલા નરસિંહ મહેતાના કેટલાક શબ્દો આજે કહેવત સમાન બની ગયા છે. જેમ કે – હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;

અને આજે જે અહીં મૂક્યું છે – એ પ્રભાતિયાની આ પંક્તિઓ… ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે…

સ્વર – સંગીત – આશિત દેસાઇ

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

જાગને જાદવા… – નરસિંહ મહેતા

દરેક ગુજરાતીને હોઠે ને હૈયે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળવા માટે આમ તો સમય જોવાનો હોતો નથી..! તો ચલો, સાંભળો આ અમર રચના આજે ફરી એક સ્વરમાં.

સ્વર – અભરામ ભગત


____________________
Posted on April 26, 2007

અત્યારે ભલે તમારે ક્યાં કોઇ પણ સમય હોય, પણ શક્ય હોય તો આ પ્રભાતિયા વહેલી પરોઢે જરૂર સાંભળજો.. આમ તો પ્રભાતિયા કોઇ પણ અવાજમાં અને કોઇ પણ સમયે સાંભળવા ગમતા જ હોય છે, પણ જેનું નામ જ ‘પ્રભાતિયા’ છે, એને પ્રભાતે તો સાંભળવા જ પડે ને !! 🙂

અને આ સૌથી પહેલું જે ગીત મુક્યું છે, એમાં પ્રફુલ દવેના સ્વરની સાથે સાથે જ પંખીઓનો કલરવ, મંદિરનો ઘંટનાદ, ગાયના ભાંભરવાનો અવાજ, અને કુકડો બોલે એ બધા અવાજ એવા સરસ રીતે વણી લીધા છે કે જો તમે ગામડાની સવારની મજા માણી હોય, તો એ જરૂર યાદ આવી જ જાય.
young_krishna_PZ20_l

સ્વર : પ્રફુલ દવે

.

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

————————————–
ફરમાઇશ કરનાર મિત્ર : વસંત

( આભાર : સ્વર્ગારોહણ )

આવ્યો માસ વસંત વધામણાં – નરસિંહ મહેતા

બે દિવસ પહેલા – ૮ મી ફેબ્રુઆરીએ વસંત પંચમી આવી ને ગઇ.. અને આ રાત-દિવસના આંકડાઓ (Audit) ના ચક્કરમાં હું અહીં વસંત સ્પેશિયલ કંઇક મુકવાનું ભૂલી જ ગઇ..

તો આજે માણીએ આ નરસિંહ મહેતાનું વસંતના વધામણાંનું પદ – અને સાથે ગયા વર્ષે શ્રી રામકબીર મંદિર – કારસન (અમેરિકા) માં આ પદ ગવાયેલું એનું લાઇવ રેકોર્ડિંગ..!

Recorded on January 25, 2010 at Shree Ramkabir Mandir, Carson, CA, USA

આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા;

વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં;
રૂડી અરતના લઇએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં …. ૧

તું તો વહેલી થા ને આજ રે, તારાં સરસે સારાં કાજ રે;
તું તો મુક હૈયાની દાઝ રે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૨

તું તો નવરંગ ચોળી પહેર રે, પછી આજ થાશે તારો લ્હેર રે;
રૂડા હરજી આવ્યા તારે ઘેર રે, આવ્યો માસ વસંત વધામણાં …. ૩

તું તો સજ શણગાર સાહેલડી, લેને અબિલ ગુલાલ ખોલા ભરી;
પછી ઓ આવે હસતાં હરિ, આવ્યો માસ વસંત વધામણાં …….. ૪

રૂડી અરતના અંગો અંગ છે, તહાં રમવાનો રૂડો રંગ છે;
તહાં છબીલાજીનો સંગ છે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૫

તહાં આનંદ સરખો થાય છે, તહાં મોહન મોરલી વાયે છે;
તહાં નરસૈંયો ગુણ ગાય છે, આવ્યો માસ વસંત વધામણાં …….. ૬

ભૂતળ ભક્તિ પદારથ મોટું – નરસિંહ મહેતા

સ્વર : ઉદય મઝુમદાર

.

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે … ભૂતળ ભક્તિ.

ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માતપિતાને, સફળ કરી જેણે કાયા રે … ભૂતળ ભક્તિ.

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઈ એની દાસી રે … ભૂતળ ભક્તિ.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે … ભૂતળ ભક્તિ.

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ – નરસિંહ મહેતા

પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!

સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)

સ્વર : પ્રાણલાલ વ્યાસ

.

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

– નરસિંહ મહેતા

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ

કાનજી તારી મા કહેશે – નરસિંહ મહેતા

સ્વર – શ્રી અભરામ ભગત
સંગીતકાર – ?

.

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

– નરસિંહ મહેતા

મન તું શંકર ભજી લે.. – નરસિંહ મહેતા

આજે શિવરાત્રીના પ્રસંગે સાંભળીએ ‘રામકબીર ભક્ત સમાજ’ ને મળેલા અમૂલ્ય ભજન વારસમાંથી એક ભોળાનાથનું ભજન.. એ પણ બે અલગ અલગ રેકોર્ડિંગમાં..!! એક ઓડિયો – બીજો વિડિયો..

અમારા રામકબીર ભક્ત સમાજમાં ભજનોનું એક અનેરું મહત્વ છે, અને બધા ભજનોનો ઢાળ પણ ભક્ત સમાજમાં થોડો નોખો હોય છે.. વધુ માહિતી આ વેબસાઇટ – http://ramkabirbhajans.org/ પરથી મળી રહેશે.

સ્વર – સ્યાદલા ભજનમંડળ

.

(By Syadla Bhajan Mandal – Recorded in 1982 in Mumbai)
* * * * *
સ્વર : રામકબીર ભજનમંડળ, Norwalk (Los Angeles)

(Live Recording of રામકબીર ભજનમંડળ – May 17, 2008, Bhajan Sammelan at Bhakta Cultural Center, Norwalk, CA)

મન તું શંકર ભજી લે, મન તું શંકર ભજી લે
છોડ ને કપટ ભોળાનાથને ભજી લે …………………. ટેક

કોણ ચઢાવે ગંગા જમુના, કોણ ચઢાવે દૂધ;
કોણ ચઢાવે બિલ્લી પત્ર, કોણ ચઢાવે ભભૂત ……… ૧

રાજા ચઢાવે ગંગા જમુના, રૈયત ચઢાવે દૂધ;
બ્રાહ્મણ ચઢાવે બિલ્લી પત્ર, યોગી ચઢાવે ભભૂત …. ૨

કોણ માંગે અન્ન ધન, કોણ માંગે પુત્ર;
કોણ માંગે કંચન કાયા, કોણ માંગે રૂપ …………….. ૩

ગરીબ માંગે અન્ન ધન, વાંઝિયા માંગે પુત્ર;
બ્રાહ્મણ માંગે કંચન કાયા, ગુણિકા માંગે રૂપ ………. ૪

આંકડાનો ભાત બનાવ્યો, ધંતુરાની ભાજી;
પીરસે રાણી પાર્વતી ને જમે ભોળાનાથ ………….. ૫

આંકડો ધંતુરો શિવજી, ભાવના છે ભોગી;
ભણે નરસૈંયો વહાલો, જૂનાગઢનો જોગી …………. ૬

———-

ૐ નમ: શિવાય….

शिवताण्डवस्तोत्रम्

શંભુ ચરણે પડી….

નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાની આ ઘણી જ જાણીતી ભક્તિ રચના… અને એ પણ બે અલગ અલગ સ્વરમાં. જો કે આ શબ્દોની સાથે મને બીજી એક સ્વરરચના સૌથી પહેલા યાદ આવે. નાનપણથી હું આ જ ગીતને એક ગાયિકાના અવાજમાં સાંભળતી આવી છું. કદાચ આશા ભોસલે કે લતા મંગેશકરનો અવાજ હશે? જો તમારી પાસે એવું કોઇ રેકોર્ડિંગ હોય તો મને મોકલી શકશો? એમાં અહીં પ્રસ્તુત ગીતો કરતા થોડો ઝડપી ઉપાડ છે, અને નારાયણનું નામ જ લેતા, હો હો હો નારાણયનું નામ જ લેતાં….. એવી રીતે ગવાયું છે.

સ્વર : આશિત દેસાઇ

.

સ્વર : કરસન સગઠિયા

.

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

– નરસિંહ મહેતા

(આભાર : રીડગુજરાતી.કોમ)