ઘર માં થી ઉંબરા ની મર્માળી ઠેસ..
છતાં ચાલી હું મીણ જેમ પીગળી..
માજમ ની રાતે આ મન એવું મુંઝાણું..
જાણે કે વીંટળાતી વિજળી..
કોને ખબર છે કે ગામ આખું કોરૂં..
પણ ડુબ્યાં આ મેડી ને માઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..
દરિયા ના મોજા તો માપી શકાય..
અરે ફળિયા ની ફાળ કેમ માપવી..
સોળ સોળ ચોમાસા સંઘરેલી છત્રી ને..
શેરી માં કોને જઇ આપવી..
રૂદિયા માં ફુવારા ફુટે છે જાણે કે..
પીલાતો શેરડી નો વાઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ…
-દાન વાધેલા
આધુનિક ગુજરાતી કવિતાનો સશક્ત અવાજ ને ભગવો મિજાજ એટલે સાંઈ મકરન્દ દવે.
એમની કાવ્યસૃષ્ટિના કૅનવાસમાં આજે પ્રવેશવું છે.
એમનું એક કાવ્ય પઠન સ્વરૂપે સંભળાવવું છે-
‘હવે રાત પડશે‘
રાત પૂરી થાય પછી નવો દિવસ શરૂ થાય. જન્મ પછી મૃત્યુ પછી પુનર્જન્મ! કેટલી રહસ્યગર્ભિતા છે આ કાવ્યમાં !
હવે રાત પડશે,
હવે છેલ્લા કિરણોના કણકણ ચણીને,
લપાતા છુપાતા અવાજો હણીને,
અને છાયી દયી પૃથ્વીની છાવણીને ,
મહાઘોર પંખીની કાળી નિરાકાર પાંખો ફફળશે,
હવે રાત પડશે.
હવે બારણાં બારી વેગેથી વાસો,
નકુચાને સાંકળ બરાબર તપાસો,
જુઓ નાખશો નહિ જરીકે નિઃશાસો,
તમારી જ મેડી ઉપર કોઈ ઓળો ચુપા ચુપ ચઢશે,
હવે રાત પડશે.
ગલીને ખૂણે પેલો ખંડેરી ખાંચો,
જુઓ તો સરે છે શું કંકાલી ઢાંચો,
કહે છે ઉઠો, પહેરો ઝાંઝર ને નાચો,
અને એમ વાયુ થઈને વિચરતી આ જમાતો જડશે,
હવે રાત પડશે.
સૂના મંદિરે કોઈ સપનામાં મોતી,
અને વાવને કાંઠડે વાટ જોતી,
હશે ઝુરતી રાત સુમસામ રોતી,
તમે શું જશો એની પાસે જઈ,
હાય જોશે તે રડશે,
હવે રાત પડશે.
મસાણે અઘોરીની આ મૂરત આ મૂંગી,
જુઓ કેવી દમ લેતી ચેતાવે ચૂંગી,
અને સાથ ભરડો હટાવી ભુજંગી,
તીખારે તીખારે ગહન તારકોના દ્વારો ઉઘડશે,
હવે રાત પડશે.
હવે રાત પડશે ને ભૈરવ ને થાનક,
પતાકાઓ કાળી ફરકશે ભયાનક,
અને ત્યાં તો પૂરવને કાંઠે અચાનક,
નવી પીડ તાણી જતી કોઈ કન્યાના વાજા વગડશે,
હવે રાત પડશે.
-મકરન્દ દવે
રવીન્દ્ર સંગીતએ બંગાળી સંગીત નો ભાગ છે અને એનો એક ફાંટો બાઉલ પરંપરા. એ પરંપરામાં ગુજરાતી ગીત મળે તો? મજા જ આવે!
ધ્રુવ ભટ્ટના ગીતો યુ-ટ્યુબ પર નીલા ટેલીફિલ્મ દ્વારા ‘ધ્રુવગીત’ નામની ચેનલ પર ઉપલબ્ધ છે. દર સોમવારે એક નવું ગીત અપલોડ થાય.
આ ગીત સાંભળજો મજા આવશે. ક્યાંક પહોંચી ગયા જેવું લાગશે.
શ્રીધરાણીની 111મી જન્મજયંતિએ ગુજરાત યુનિવર્સીટીએ ‘કૃષ્ણલાલ શ્રીધરાણી ઍકેડેમિક ચૅર’ એટલે કે જ્ઞાનપીઠની ઘોષણા કરી એનો અત્યંત આનંદ છે.
2010-11માં શ્રીધરાણીના જન્મશતાબ્દિ વર્ષમાં વિશ્વકોશમાં એમનાં ગીતો ગાવાનો મોકો મળ્યો. પછી સપ્ટેમ્બર 2011માં એમના વતન ભાવનગરમાં કવિશ્રી વિનોદ જોશીએ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અને દક્ષિણામૂર્તિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજેલા એક દિવસીય પરિસંવાદમાં પણ એમનાં ગીતો ગાયાં.
શાળામાં ગુજરાતી વિષયમાં એમનાં બે કાવ્યો હતાં -એક તે ‘ભરતી’ સૉનેટ જે પૃથ્વી છંદમાં છે ને બીજું તે ગીત ‘સ્વમાન’-
‘માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ, શર સૌ પાછાં પામશો.’
કવિએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટી સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં અભ્યાસ કરેલો. હું પણ કોલંબિયા યુનિવર્સીટી સ્કુલ ઓફ લૉનો વિદ્યાર્થી.એટલે કવિને મળ્યો ન હોવા છતાં (મારા જન્મ પહેલાં એમનું અવસાન થયું હતું) ‘કોલંબિયા કનેક્શન’ને લીધે તો કવિ સાથે ને એમનાં કાવ્યો સાથે ‘ઇન્સ્ટન્ટ કનેક્શન’ થઇ ગયું.
આ ગીત ‘વર્ષા-મંગલ’ કાવ્યગુચ્છમાં છે. મારૂં આ પ્રિય સ્વરાંકન છે. લોકઢાળ કે શાસ્ત્રીય રાગ પર આધારિત નથી છતાં મૅલડી -રાગીયતા – આપમેળે આવી ગઈ છે.
બીજા અંતરામાં ‘એકલતા આરડે’ શબ્દો અસર કરી ગયા. ચિનુ મોદીના ગીતની પ્રથમ પંક્તિ યાદ આવી-
‘પાળિયાની જેમ મારી એકલતા આરડે
પાધરની જેમ તમે ચૂપ’.
– અમર ભટ્ટ